આતંકી સંગઠન TRFએ ટાર્ગેટ કિલિંગની જવાબદારી લીધી
કાશ્મીર ઘાટીના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે. રવિવારે આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્મા પર ગોળીબાર કર્યો હતો અને હુમલો કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સંજય શર્માને તાકીદે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. આતંકી સંગઠન TRFએ ટાર્ગેટ કિલિંગની જવાબદારી લીધી છે. પુલવામાના અચન વિસ્તારના રહેવાસી સંજય શર્માનો પુત્ર કાશીનાથ શર્મા (40) રવિવારે કોઈ કામ માટે બજારમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન આતંકીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકો પોલીસની મદદથી તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય શર્મા બેંક સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. બીજી તરફ પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. કાશ્મીરના ડીઆઈજી રઈસ અહેમદે કહ્યું હતું કે “આતંકવાદી હુમલો આજે સવારે 10.30 વાગ્યે થયો હતો. સંજય શર્મા તેમની પત્ની સાથે બજારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. અમને અત્યાર સુધી જે પણ પુરાવા મળ્યા છે તેના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં આતંકવાદીઓને પકડી લઈશું.”
આ હુમલા બાદ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ જણાવ્યું હતું કે, ભાજપ આવી ઘટનાઓનો ઉપયોગ દેશમાં મુસ્લિમોની છબી ખરાબ કરવા માટે કરે છે. હું તેની નિંદા કરું છું. આ કાશ્મીરી લોકોનું વર્તન નથી. આ તમામ કાર્યવાહી સરકારની નિષ્ફળતા દર્શાવે છે, જેનીની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. આવી હરકતોથી માત્ર એક પક્ષના એજન્ડાને ફાયદો થાય છે. ભાજપ સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે તેઓ તેનો અયોગ્ય ફાયદો ઉઠાવે છે કે જુઓ મુસ્લિમો કેવા છે?’