Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

ધ્વનિ પ્રદૂષણને ડામવા માટે ત્વરિત પગલાં લેવાની જરૂર, કડકપણે અમલ થાય તે પણ જરૂરી
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી એક યા બીજા કારણોસર ધ્વનિ પ્રદૂષણ બહુ જ ગંભીર અને ખતરનાક હદે વધી રહ્યું છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ કે જુદા જુદા ઉત્સવ કે ધાર્મિક રેલી પ્રસંગોમાં ડીજે ટ્રક અને અન્ય લાઉટ સ્પીકર સિસ્ટમના કોઈપણ જાતના નીતિ-નિયમ વિના આડેધડ ઉપયોગના કારણે રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ બહુ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેના કારણે સ્થાનિક નાગરિકો બહુ હેરાન-પરેશાન થઈ જાય છે. બાળકો, સિનિયર સિટિઝન, વયોવૃદ્ધ અને બિમાર દરદીઓ અને શોક પ્રસંગગ્રસ્ત લોકોને બહુ વિકટ અને અસહનીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં તાજેતરમાં ગુજરાત હાઈ કોર્ટે એક જાહેરહિતની રિટ અરજીમાં મહત્ત્વના નિર્દેશો જારી કરી જણાવ્યું છે કે ડીજે, લાઉડ સ્પિકર વાંજિત્રો સહિતના ધ્વનિ પ્રદૂષણ અને પબ્લિક ન્યૂસન્સ મામલે અને આ ગંભીર સમસ્યા છે તે અંગે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર તાત્કાલિક રીતે કાયમી નિરાકરણ આવે એ પ્રકારના પગલાં ભરે. હાઈ કોર્ટના નિર્દેશો બાદ સરકારે તાકીદે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે યોગ્ય ઘટતા પગલાંઓ લે અને તેનો કડકપણે અમલ થાય તે માટે પણ યોગ્ય યંત્રણા (વ્યવસ્થા) ગોઠવે.
મહેશ વી. વ્યાસ, પાલનપુર

ટપાલીઓને પ્રોત્સાહન આપો…
હાલમાં ટપાલ ખાતાનું સંગણકીકરણ, આધુનિકરણ થવાથી ‘સ્પીડ પોસ્ટ’ દ્વારા ટપાલ પાઠવવી લોકસમુદાયને પસંદ પડવા લાગેલ છે. ટપાલ ખાતાનો વહીવટ સમગ્ર દેશભરમાં ફેલાયેલ છે. ટપાલ ખાતાએ આનો ફાયદો લઈ વિવિધ ટપાલ સેવાઓનું વિપુલ પ્રમાણમાં વિકેન્દ્રિકરણ કઈ રીતે કરવું એ વિચારવું આવશ્યક છે. દરરોજ (રવિ અને પોસ્ટલ હોલિડે સિવાય) ઘરે ઘરે જનાર ટપાલી તેને માટે ઉપયુક્ત લાગે છે તેથી તેને માત્ર થોડા પ્રમાણમાં ‘પ્રોત્સાહન રકમ’ દેવી જોઈએ અને એને લાભાન્વિત કરવો જોઈએ. અમારો સાલસ અભિપ્રાય છે કે પોસ્ટ ખાતામાં સર્વેસર્વાશ્રીઓએ આના પર વિચાર વિમર્શ કરવો જોઈએ.
અનસૂયા કુંવરજી બારોટ, અંધેરી-મુંબઈ.

ક્રિકેટનો અતિરેક
ભારતની ટીમના મુખ્ય સભ્યોને વાર્ષિક સાળિયાણા બંધાઈ ગયાં છે. રૂ. ૭ કરોડ, રૂ. ૫ કરોડ, રૂ. ૩ કરોડ, રૂ. ૧ કરોડ એમ ૩૦ જેટલા ક્રિકેટરોને મેચો રમે કે ન રમે, સ્કોર કરે કે ના કરે આટલા રૂપિયા તો દર વર્ષે એમને મળે જ છે. આ ઉપરાંત બ્રાંડ એમ્બેસેડર બનીને કરોડો રૂપિયા કમાવા, ફિલ્મમાં કામ કરવું, કોઈના પ્રસંગમાં હાજર રહી રૂપિયા બનાવવા. આમ આ લોકો કરોડોની આવકમાં આળોટે છે. દેશને માટે રમતા હોય તેવા કોઈ અણસાર ગ્રાઉન્ડ પર જણાતા નથી. પોતાનું મેચમાં બેટિંગ, બોલીંગ કે ફિલ્ડિંગમાં કોઈ કોન્ટ્રિબ્યૂશન ન હોય, પરંતુ ગ્રાઉન્ડ ઉપર હસતા હોય છે. મેચમાં કારમી હાર મળી હોય ત્યારે પણ ગ્રાઉન્ડમાંથી પેવેલિયનમાં પાછા ફરતાં ઠઠ્ઠા – મશ્કરી, હસતા અને મજા કરતાં પેવેલિયન તરફ જતા હોય છે. પ્રેક્ષકો બિચારા વિલેમોઢે બેસી રહ્યા હોય, પરંતુ આ લોકોના ચહેરા ઉપર કોઈ શોકની છાયાં ન હોયો
પ્રેક્ષક વર્ગ રૂા. ૧૦૦ થી રૂા. ૧૦૦૦ જેટલા રૂપિયાની ટિકિટ લઈ જોવા ગયેલ હોય. તેમને હવે સમજવું જોઈએ ક્રિકેટની કોઈપણ મેચ જોવા ન જવી જોઈએ. આવવા-જવા સાથે મેચનો સમય, ટ્રાન્સપોર્ટનો સમય, નાસ્તાપાણી અને ટિકિટ વગેરનો ખર્ચ જોે બચાવે તો બાળકોને, પત્નીને કે કોઈ ગરીબને કામ લાગે.
આ ક્રિકેટરો પાછળ પ્રેક્ષકો સિવાય એમના સેક્રેટરી, મેનેજરો, ટ્રેઈની, ફિઝિયોથેરાપિસ્ટ વગેરે પણ કરોડોમાં આળોટતા થઈ ગયા છે.
પ્રફુલ સેલારકા, ઘાટકોપર.

માણગાંવની ગ્રામ પંચાયત અનુકરણીય??
વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક્સના આધુનિક ઉપકરણોના બેહદ ઉપયોગના કારણે પારિવારિક મૂલ્યોનો તો હ્રાસ થયો જ છે, સાથે સેલફોન અને ટીવીના વધુ પડતા ઉપયોગથી શારીરિક અને માનસિક નુકસાન પણ થાય છે, એ તો હવે તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે. આવા સમયે મહારાષ્ટ્રના નાનકડા માણગાંવની ગ્રામ પંચાયતે બહુ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે અનુસાર ઈલેક્ટ્રોનિક્સના આધુનિક ઉપકરણોના બેહદ ઉપયોગથી બચવા અને પારિવારિક મૂલ્યોનો આદર કરવા માણગાંવની જનતાને એવી ઉમદા સલાહ આપવામાં આવી છે કે દરરોજ સાંજે સાતથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધી તમારા સેલફોન અને ટેલિવિઝન સેટ બંધ કરીને વાંચન શોખ કેળવવો અને પરિવારના સભ્યો સાથે બે ઘડી મીઠી વાતો કરવી, બાળકોને ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી અટકાવવા પંદર હજારની વસ્તી ધરાવતા પશ્ર્ચિમ મહારાષ્ટ્રના માણગાંવની ગ્રામ પંચાયતની બેઠકમાં આવી ઝુંબેશ શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. શરૂઆતના તબક્કે આ નિર્ણય સ્વૈચ્છિક હશે પણ સમય જતાં તેને ફરજિયાત કરવા પણ વિચાર કરાયો છે. ભવિષ્યમાં આ નિર્ણયના ચૂસ્તપણે અમલ કરવા અર્થે જે ફેમિલી છઠ્ઠીવાર નિર્ણયનો ભંગ કરે તેને સજારૂપે પ્રોપર્ટી ટૅક્સ વધારી દેવામાં આવશે. શરૂઆતના તબક્કે ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ ઘરે ઘરે જઈ આ અંગે ગ્રામવાસીઓમાં જાગૃતિ ફેલાવશે. મહારાષ્ટ્રના માણગાંવ ગ્રામ પંચાયતનો આ નિર્ણય દેશની અન્ય ગ્રામ પંચાયતોને માટે અનુકરણીય છે.
– મહેશ વી. વ્યાસ, પાલનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -