Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

દિલ્હીની જનતા જોગ
આમ આદમી પાર્ટી દિલ્હીની ઠગ જનતાને ફાવી જાય તે બરોબર છે કારણ કે સળંગ બે વર્ષ પાર્ટીને જીતાડી છે અને એમસીડીમાં બહુમતી મેળવી છે. કપટી કેજરીવાલમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો સાથે સાથે ભ્રષ્ટાચારી એવા છ સરકારના મંત્રીઓ અને ૧૫ વિધાયકો જ્યારે જેલમાં છે ત્યારે સરકારનું કામકાજ હવે જેલોમાંથી થવાનું? જનતા પણ શું મફત બીજલી, પાણી, પર્યટનના ‘બોજ’ નીચે દબાયેલી છે અને હા દિલ્હીની સફળતા બાદ પંજાબમાં દેશદ્રોહી તાકાતોને ઘુંટણીયે પડી કઈ દેશભક્તિ બતાવે છે. દિલ્હીની જનતા કેજરીવાલની ઉદાર (ઉધાર)ની નીતિઓની સમીક્ષક બનીને બધું જોવે છે. – અરુણ વ્યાસ, અમદાવાદ

વરિષ્ઠ નાગરિકોને સવલત
કેન્દ્ર/રાજ્ય સરકારોએ જનતાલક્ષી વિવિધ યોજનાઓ બનાવી છે, તે સરાહનીય છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન તથા આરોગ્ય વિષયક સવલતો આપતી યોજના બનાવી છે. તે બાબત ધ્યાન દોરવું જરૂરી લાગે છે. આ યોજનાનો લાભ ફકત જેની પાસે ઓરેન્જ રેશનકાર્ડ છે તેમને જ મળે છે. ઉપરાંત તેઓએ પણ પોતાની આવકનું પ્રમાણપત્ર લેવા માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે તેવું જાણવામાં આવ્યું છે. અમુક વૃદ્ધો જ્યારે કાર્યરત હતા ત્યારે આવક પ્રમાણે આવકવેરો ભરતા હતા અને તે વખતે સ્વાભાવિક રીતે સફેદ રેશનકાર્ડ ધરાવતા હોય. હવે રિટાયરમેન્ટ બાદ અત્યારે તેઓ પાતળી આવક હોય તો પણ સફેદ રેશનકાર્ડને કારણે નિ:શુલ્ક આરોગ્ય સેવાથી વંચિત રહે છે. વળી ઓરેન્જ કાર્ડ મેળવવા માટે વ્યવહારિક તેમ જ સામાજિક કારણો પણ આડા આવી શકે. સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાનો ખર્ચ કરવાની તેમજ શારીરિક ક્ષમતાનો અભાવ પણ નડતો હોય છે. માટે આ બાબત ધ્યાનમાં લઈ સરકારે વિચારણા કરી દરેક વૃદ્ધ વ્યક્તિઓ માટે આરોગ્ય સેવા નિ:શુલ્ક કરવી અથવા નજીવો ચાર્જ લેવા દરેક હૉસ્પિટલોમાં વ્યવસ્થા કરવી જરૂરી છે.
– મહેન્દ્ર ઓઝા, માટુંગા

શારીરિક શ્રમનો મહિમા
આજે સુખાકારીનાં સાધનો એટલાં બધાં વધી ગયાં છે કે પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલે જેવી વાત છે.
આધુનિક વાહનોના કારણે ચાલવાનું ઘણું ઓછું થઈ ગયું છે. શાકભાજી કે કરિયાણું (નજીકના અંતરેથી) લાવવું હોય કે પછી મંદિરે જવું હોય તો પણ સ્કૂટર – મોટરકાર વિ.નો ઉપયોગ ઘણો વધી રહ્યો છે. અગાઉ તો દળવું – ખાંડવું – વાસીંદું વિ. ઘરકામ કરવામાં તથા રસોઈ બનાવવામાં ઊઠ-બેસ થવાથી ઘૂંટણ-પગ તથા આખા શરીરને આપોઆપ કસરત મળી રહેતી. ઉપરાંત માથા પર પાણીનું બેડું ઊંચકવાથી આખા શરીરનું એક્યુપ્રેશર થઈ જતું. હાથ ઘંટીમાં અનાજ દળવાથી તથા હાથે વલોણું કરવાથી કેડનો દુ:ખાવો ન થતો. આમ શ્રમથી દેહશુદ્ધિ સારી રીતે થઈ જતી – મન શુદ્ધિ પણ થતી અને આળસ-જડતા દૂર થતાં.
ઘરના કામકાજમાં શ્રમ કરવાથી શરીરનું હલનચલન થવાથી રુધિરાભિષરણની ક્રિયા વધે જેથી ખાધેલું પણ પચી જાય અને રોગને આવતો અટકાવી શકાય.
શારીરિક શ્રમ વગર બેઠાડુ જીવનને કારણે શરીરમાં પ્રમાદ તથા મેદ વધી જાય છે. સ્ફૂર્તિ કે ચેતનાનો અભાવ દેખાય છે. ચરબીનો વધુ પડતો સંચય શરીર માટે હાનિકારક છે.
આજે બહારથી ટીપટોપ દેખાતો માણસ તન અને મનથી પ્રાય: નાદુરસ્ત હોય છે. ચહેરા પર સ્મિત હોય પણ અંદરથી ટેન્શનમાં હોય. યંત્રવત જીવનથી તે તાણ અનુભવતો હોય એમ લાગે. એટલે જેટલું થઈ શકે તેટલું કામ શરીર દ્વારા કરવાથી શરીર અને મન નિરોગી રહેશે.
શ્રમ એ માનવ જીવનનો મંત્ર બની જવો જોઈએ.
સેવંતીભાઈ મ. સંઘવી (થરાદ), અંધેરી-પૂર્વ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -