Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

શ્રદ્ધાંજલિ
સમાચારમાં પૂજ્ય ધીરુબેન પટેલના અવસાનના સમાચાર તેમ જ મહાનુભાવોની શ્રદ્ધાંજલિ વાંચી ત્યારે મને ધીરુબેન સાથેનો એક પ્રસંગ યાદ આવ્યો. મારી દીકરી શિલ્પાએ ભરત નાટ્યમનો કોર્સ પૂરો કરેલ. ઉંમર વર્ષ ૧૦ ત્યારે આરંગેત્રમ કરાવેલ પાટકર હોલમાં, ત્યારે હું તેમને રૂબરૂ મળ્યો. મુખ્ય મહેમાન તરીકે આશીર્વાદ આપવા વિનંતી કરેલ જે એમણે સહર્ષ સ્વીકારી. ૧૯૭૫ના વર્ષની આ વાત છે. જે વખતે એમણે આશીર્વચન મારી દીકરીને આપેલ તે મને હજી યાદ છે. હું મારી પત્ની પુષ્પા ઘણી વખત એમને યાદ કરીએ છીએ. અમારી પ્રભુ પાસે પ્રાર્થના કે એમનાં આત્માને ઈશ્ર્વર શાંતિ આપે. અમારી અંતકરણપૂર્વક શ્રદ્ધાંજલિ.
– તુલસીદાસ ઠક્કર,
– પુષ્પા તુલસીદાસ, ભાંડુપ વેસ્ટ

સરકારી ગોડાઉનમાં અનાજની
સંભાળ રાખવી જરૂરી
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે જ એક રિપોર્ટમાં એવો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી ગોડાઉનોમાં સાતસો ચુમ્મોતેર ટન અનાજ બગડી ગયું હતું. રાજ્યમાં સરકારી ગોડાઉનોની એવી દશા છે કે, ભારે વરસાદ આવે તો સરકારી અનાજ પણ સલામત નથી. આ જોતાં કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સરકારી ગોડાઉનોમાં અનાજની સંભાળ લેવા કેટલીક ભલામણો પણ કરી છે. હજુ ત્રણ માસ અગાઉના જ એક અહેવાલ અનુસાર હરિયાણાના સરકારી ગોડાઉનમાં બેતાલીસ હજાર મેટ્રિક ટન ઘઉં વરસાદને કારણે સડી ગયા હતા. ગુજરાતના અને હરિયાણાના સરકારી ગોડાઉનોમાં ઘઉં અનાજ સંગ્રહવાની બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી હોત તો દેશના લાખો ગરીબો સુધી તે પહોંચાડી શકાયું હોત. એક તરફ દેશના લાખો ગરીબોને બે ટંક પૂરતું ભોજન પણ નથી મળતું તો બીજી તરફ સરકારી ગોડાઉનોમાં યોગ્ય અને પૂરતી જાળવણીના અભાવે ઘઉં – અનાજ સડી જાય અને તે ગરીબો સુધી પહોંચાડી ના શકાય. તેનાથી મોટી વિડંબના બીજી શી હોઈ શકે?
– મહેશ વી. વ્યાસ, પાલનપુર.

મહિલાઓએ ભી. રા. આંબેડકરનો
આભાર માનવો જ જોઈએ ને!
૫મી ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ ‘હિન્દુ કોડ બિલ’ સંસદમાં રજૂ કરવામાં આવેલ તેથી સંસદમાં અને બહાર ઊહાપોહ મચી ગયેલ. સનાતની સનાતની રૂઢિચૂસ્ત હિન્દુઓમાં કકળાટ શરૂ થયેલ. એટલું જ નહીં, આર્યસમાજીઓએ પણ વિરોધ કરેલ. સદનમાં બિલને સમર્થન મળતું ન હતું.
ચિંતિત આંબેડકરજી – એ કહેલ:
‘મને ભારતીય બંધારણના નિર્માણ કરતા વધુ રસ અને ખુશી હિન્દુ કોડ બિલ પાસ કરાવવાથી મળશે.’
આખરે ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ નહેરૂરુજીએ બિલ પરત લીધેલ. આ બિલ પાસ ન થયું તેથી આંબેડકરજીને ‘પુત્રનિધન’ જેટલું દુ:ખ થયેલ. બીજા દિવસે આંબેડકરજીએ મંત્રીપદેથી રાજીનામું આપેલ જે દર્શાવે છે કે તેમને મહિલા અધિકારો પ્રત્યે કેટલો લગાવ હતો.
મહિલા સંગઠનોએ હિન્દુ કોડ બિલની તરફેણમાં પ્રતિક્રિયા વ્યક્ત થયેલ. પાંચ વર્ષ પછી ૧૯૫૫-૫૬માં હિન્દુ કોડ બિલની અધિકાંશ જોગવાઈઓ જુદા જુદા ભાગોમાં સંસદમાં પસાર કરેલ: (૧) હિન્દુ વિવાહ અધિનિયમ (૨) હિન્દુ છૂટાછેડા અધિનિયમ (૩) હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (૪) હિન્દુ દત્તક અધિનિયમ. ભારતીય સમાજમાં મહિલા સશક્તિકરણનો પાયો આંબેડકરજીના પરિશ્રમને કારણે નંખાયેલ. મહિલાઓને સમાન તક મળેલ. મહિલાઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ મળેલ તે આંબેડકરજીના કારણે જ શક્ય બનેલ.
– પ્રિન્સિ. કે. પી. બારોટ ‘નીલેશ’

‘હસે તેનું ઘર વસે…. ચાલો સાથે મળીને હસીએ’
જીવનમાં સૌથી ઉત્તમ લાગણી કરાવવાવાળું… પેટ પકડી પકડી હસવું.. હાસ્ય તો ચારેકોર મન મૂકી હસાય… હાસ્યની ગૂંજ ગૂંજે જે શરીરના રોગોમાં રાહત આપવાવાળી શ્રેષ્ઠ રામબાણ દવા કુદરતે બક્ષી છે જેનો ભરપૂર ફાયદો લઈ નિરોગી થવામાં મદદગાર બનાવી. માનસિક વિકાસ.. સકારાત્મકતાથી છલોછલ જીવનમાં માણવાની ક્ષણો ભરી દે છે.
એક કિસ્સો જગજાહેર છે તે ડૉ. નોર્મન કઝીન્સનો. જેઓ શ્ર્વાસની તકલીફમાં હૉસ્પિટલમાં દાખલ થતા ત્યાંના ડૉકટરોએ અમેરિકામાં કહી દીધું કે કોઈ મોટી હાર્ટની બીમારીથી પીડાય છે. વધુ લેબ ટેસ્ટ કરતા એ નિષ્કર્શ પર આવ્યા કે હૃદયની ગંભીર બીમારીથી પીડાય છે અને લાંબું આયુષ્ય નથી. કોઈપણ જાતની શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાની કડક સલાહ આપી પણ આ તો ડૉ. નોર્મન ક્ઝીન્સ જેણે ઊંધું જ કાર્ય કર્યું. લખવાનું કામ પુરજોશથી કરતા.. ડૉકટરો તપાસવા આવતા ત્યારે બધું જ છુપાવી દેતા… હૉસ્પિટલના રૂમની બહાર ચાલવા નીકળી પડતા. કલાકો સુધી હાસ્યરસની ફિલ્મો જોતા. વોકમેન કાન પર લગાડી મનપસંદ સંગીત સાંભળતા. આશ્ર્ચર્યજનક બધા જ લેબ રિપોર્ટસ નોર્મલ આવતા ડૉકટરોના અચંબાની સીમા નહોતી રહી. થોડા સમયનું જ આયુષ્ય ડૉકટરો ભાખી દેતા તે વર્ષો સુધી જીવ્યા અને જગતને રજૂઆત કરી કે ‘હૃદયને હેમખેમ રાખો’ પુસ્તકથી જગતને દાખલો પૂરો પાડયો કે હાસ્યરસ, સંગીત થેરેપીથી કેવી હૃદય-મનની મજબૂતાઈ મેળવી શકાય છે.
હાસ્ય રસ મેળવવાનાં સ્થાનો: (૧) લાફિંગ કલબમાં જોડાઈ સમૂહમાં હાસ્યની છોળો ઉડાડવાની કંઈક મજા ઔર જ છે. (૨) હાસ્યરસથી ભરપૂર ફિલ્મો જુઓ. જગતની પ્રસિદ્ધ હાસ્ય ફિલ્મો જેમાં ચાર્લી ચેપ્લિન, લોરેન હાર્ડી વિ. જોવાથી પેટ પકડી હાસ્ય માણવામાં લીન થઈ જવાય છે. હિન્દી ફિલ્મો પણ પાછળ રહી જાય એમ નથી જ. (૩) જીવન જીવવાની દરેક ક્ષણમાં હાસ્ય શોધો. (૪) હાસ્ય જ જીવનની કુદરતી એનર્જી છે. તેનો ભરપૂર ઉપયોગ કરો.
હસો.. હસો… ચાલો સાથે મળીને હસીએ.
– શ્રી હર્ષદ દડિયા, ઘાટકોપર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -