Homeધર્મતેજતન્મયતા: મન અને કર્મ ભગવાનમય રાખો

તન્મયતા: મન અને કર્મ ભગવાનમય રાખો

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં ભગવાન પ્રત્યે અનન્ય શરણાગતિની વાત સમજ્યા. હવે એ જ શ્ર્લોકને ઊંડાણથી સમજીએ.
ભગવદ્ગીતાના ૯ મા અધ્યાયના છેલ્લા શ્ર્લોકમાં ભગવાન અર્જુનને કહે છે-
मन्मना भव भद्रत्न्ो मद्याजी मां नमस्कु रु ।
मामेवैष्यसि युकत्वैवमात्मानं मत्परायण ॥
અર્થાત, તું મારો ભક્ત થા, મારામાં મન રાખ, મારાં જ કર્મ કર, મને જ નમસ્કાર કર, એવી રીતે જો તું મારા પરાયણ થઈ જઈશ તો અવશ્ય મને પ્રાપ્ત કરીશ. (૯/૩૪)
ભગવદ્ગીતાનાં નવમા અધ્યાયના આરંભે જ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, હું તને સર્વશ્રેષ્ઠ જ્ઞાન કહીશ, જેથી મોક્ષ થશે. આ વચનો અહીં પૂર્ણપણે ચરિતાર્થ
થાય છે.
ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જિતાણા નહીં, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે, એ યુદ્ધ કરીને તો હું જિતાઉં એવો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે, જીભે કરીને મારું ચિંતવન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી. આ રીતે પ્રહ્લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન માત્ર છ માસમાં વશ થઈ ગયા.
જે છાત્રનું મન સર્વદા અભ્યાસમાં જ રમે તેને સિદ્ધિ જરૂર વરે છે. તેમ જે ભક્તનું મન સતત ભગવાનમય જ હોય તે ભક્તિની સિદ્ધિ પામે છે.
અહીં ‘મન’ અને ‘કર્મ’ ભગવાનમય રાખી ભગવાનને પ્રાપ્ત કરવાનો એક સુગમ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. એક કીર્તનના ભાવ હતો કે, ભગવાન એ રમકડાને ચાવી ભરે છે અને બધા જીવો એ અનુસાર રમે છે. હા, જીવન એ રમકડા જેવું છે. જો મનરૂપી રીમોટ આપણે ભગવાનને હાથે દઈ દઈએ તો આપણે સારી રીતે રમી શકીએ કહેતાં જીવન સારધાર પાર પડી જાય.
જો દરિદ્રી સ્વયં કુબેરનો દાસ થઈ રહે, તેને પરાયણ રહે તો દરિદ્રને ગરીબી શાની રહે? એ જ રીતે પ્રભુ પરાયણ થવાનો સંદેશ મત્પરાયણ’ દ્વારા કહેવાયો છે.
હા, જો પાણીને વરાળમાં રૂપાંતરિત થવું હોય તો ૧૦૦ ડિગ્રી સેન્ટિરગ્રેટ તાપમાને બળવું જ પડે, ૯૯ ડિગ્રી પણ ન ચાલે તેમ યથાર્થ ભક્ત થવા મન, કર્મ,વચન બધું જ માત્ર અને માત્ર ભગવાનને સમર્પિત કરવું પડે.
‘માલ્કમ ગ્લેડવેલ’ નામે પ્રખ્યાત વિદેશી લેખકે Outliers’ નામે અંગ્રેજી ગ્રંથમાં લૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવા કહ્યું છે કે, કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા દસ હજાર કલાકનો નિયમ છે. ચેસ રમવાથી લઈ ન્યુરોસર્જન સુધીના કોઈપણ ક્ષેત્રમાં આ નિયમ અવશ્ય દેખાય છે. જ્યાં સુધી તમે દસ હજાર કલાક મેહનત ન કરો ત્યાં સુધી તમે તે ક્ષેત્રમાં પારંગતતા કે મહાનતા નથી પામી શકતા. જો તમે દસ વર્ષ સુધી ચાર કલાક દરરોજ મેહનત કરો તો તમે તમારા પસંદના તે ક્ષેત્રમાં પારને પામી શકો છો. પરંતુ તમારે મન અને કર્મથી મંડવુ પડે.
સચિન તેંડુલકર રોજ સવારે છ વાગે એટલે ગ્રાઉંડ પર જઈ રોજ મેહનત કરતા. અલગ અલગ શોટ્સ ની પ્રેક્ટિસ કરતા. એક વાર તેઓને એક પ્રેસ કોનફરન્સમાં પુછવામાં આવ્યું કે તમે ક્રિકેટ ક્ષેત્રમાં આ ઊંચાઈ મેળવી છે, તેનું રહસ્ય શું છે? ત્યારે તેઓએ જવાબ આપ્યો,I play cricket, I eat cricket, I drink cricket. કે હું બધીજ ક્રિયામાં ક્રિકેટનું અનુસંધાન રાખું છું.
જો આવા લૌકિક ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો પણ મન અને કર્મને જે તે ક્ષેત્રમાં તન્મયતાથી જોડવા પડે. તો તો અલૌકિક ક્ષેત્રની વાત જ
ક્યાં રહી?
જે ભક્તોને પોતાનું મન અને કર્મ ભગવાનને અર્પણ કરી દીધું તે ભક્તોને ક્યારેય કોઈ પણ સંકટ અસહ્ય નથી જણાયું.
સને ૨૦૦૨માં ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો. આવી વિષમ પરિસ્થિતિમાં બધાં અસ્થિર હતા, પણ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સંપૂર્ણ સ્થિર હતા. તેઓએ આ કપરા કાળમાં પ્રજાને શાંતિની અપીલ કરી. જ્યારે સમાન્ય વ્યક્તિના ઘર પર કોઈ પણ આપદા આવી હોય તો તે ચિંતામાં પડી જાય છે. પરંતુ અહીં તો અક્ષરધામ જેવા ભવ્ય સ્મારકની વાત હતી. તો પણ તેઓએ શાંતિથી પરિસ્થિતિને સાંભળી લીધી. આનું કારણ હતું સ્વામીની ભગવાનમાં તન્મયતા! ભગવાનની સર્વકર્તા શક્તિથી જે વાકેફ હોય તે આવી પરીક્ષાની ઘડીમાં સ્થિર રહી શકે. તે પોતે તો સ્થિર રહે પણ બીજા લાખોને પણ સ્થિર કરી શકે. તે વખતે સ્વામીજીએ સમગ્ર ગુજરાતને કોમી રમખાણથી બચાવી લીધું.
તો ચાલો, આપણે પણ ભગવાનમાં આવા તન્મય બનીને શ્રેય અને પ્રેયના માર્ગે આગળ વધીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular