અકાળે એટેકને આવતાં અટકાવો (૨) જાગો યુવા જાગો! કસરતનો ઓવરડોઝ પણ જોખમી છે

પુરુષ

તન-દુરસ્તી મન-દુરસ્તી-મુકેશ પંડ્યા

બે દિવસ અગાઉ હાફ મેરેથોનમાં દોડતાં દોડતાં અચાનક ફસડાઇ પડેલા ૨ાજ પટેલ નામના એક ગુજરાતી દોડવીર અને બેડમિન્ટન પ્લેયરનું મોત થયું. ઉંમર માત્ર બત્રીસ વર્ષ. મૃત્યુનું કારણ હૃદયરોગનો તીવ્ર હુમલો.
અનેક સ્પોર્ટ્સપર્સન અને કાયમ જિમ્નેશિયમ કરનારા યુવાનો જો વધુ પડતી કસરત કરે તો એ પણ જોખમી બની જાય છે એમ આજના ડૉક્ટરો કહી રહ્યા છે તે વાત યુવાનોએ માનવી જોઇએ. ફેશનેબલ ગણાવાની લાયમાં અતિઉત્સાહી બનીને આજનો યુવાવર્ગ જિમમાં ઓવર એક્સરસાઇઝ કરે છે તેની સામે લાલ બત્તી ધરતાં કેનેડિયન જર્નલ ઓફ કાર્ડિયોલોજીનો એક અહેવાલ કહે છે કે વધુ પડતી કસરત હૃદય માટે જોખમી છે.
અતિ સર્વત્ર વર્જ્યતે- એવી આપણાં શાસ્ત્રોમાં સલાહ આપવામાં આવી છે એ અહીં પણ લાગુ પડે છે. જર્નલમાં આવેલો આ અભ્યાસ લેખ કહે છે કે તમારા શરીરને આવશ્યકતાથી વધુ કસરત કરાવવાથી હાર્ટ પર સ્ટ્રેસ પડે છે. હૃદયના ધબકારા અસાધારણ બને છે જેને અંગ્રેજીમાં એટ્રિયલ ફાઇબ્રિલેશન (એ-ફાઇબ) કહેવાય છે, જેનાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેઇલની શક્યતા પણ વધી જાય છે.
જોકે તમે ખુશ થઇને સોફા પરથી ઊછળી પડો કે હાશ હવે કસરત નહીં કરવાની એવું કંઇ વિચારતા નહીં, યોગ્ય પ્રમાણમાં કસરત કરવાથી લાંબા ગાળે હૃદય મજબૂત બને જ છે, પરંતુ કસરત કરવામાં વિેવેકભાન જરૂરી છે એમ કહેવાનો આ લેખનો ઉદ્દેશ છે. ચાલો, નીચેની બાબતોને ધ્યાનથી સમજીએ અને અનુસરણ કરીએ.
મધ્યમ (મોડરેટ) અને ઉગ્ર
(ઇન્ટેન્સ) કસરતનો ભેદ સમજો
મઘ્યમ કસરતમાં રમતગમત, ઝડપી ચાલવું, દોડવું, બાઇકસવારી કે તરવાની ક્રિયાઓનો સમાવેશ થાય છે. ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ભલામણ પ્રમાણે એક પુખ્ત વયની વ્યક્તિએ આવી મોડરેટ કસરતો અઠવાડિયામાં ૧૫૦ મિનિટથી વધુ કરવી જોઇએ નહીં. હવે અઠવાડિયાના સાત દિવસ ગણીએ તો રોજ આ જાતની કસરત બાવીસ મિનિટથી વધુ કરવી જોઇએ નહીં. વજન કાબૂમાં રાખવા કે હૃદયને સ્વસ્થ રાખવા આટલી કસરત પૂરતી છે.
હવે ઉગ્ર કસરતની વાત કરીએ તો મુશ્કેલ હાઇકિંગ કરવું, લાંબા અંતર સુધી દોડવું, જિમમાં ટ્રેડમિલ પર વધારે ઝડપથી કે વધુ સમય ચાલવું, બાઇકને ૧૬ કિમી પ્રતિ કલાકથી વધુ સ્પીડમાં હંકારવી કે એવી કોઇ પણ કસરત જેનાથી વધુ પ્રમાણમાં પરસેવો વહેવા લાગે- આવી પ્રવૃત્તિઓ ઉગ્ર કસરત ગણાય છે. આવી કસરત તો અઠવાડિયે ૭૫ મિનિટ જ કરવી જોઇએ, અર્થાત્ રોજની દસ-બાર મિનિટ. આનાથી વધુ ઉગ્ર કસરતો રોજ કરવાથી ઉપર જણાવ્યો છે તેવો એ-ફાઇબ નામનો રોગ થવાની સંભાવના વધી જાય છે એમ ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. એન્દ્રે લા ગેર્શે જણાવે છે.
દોડવીરો જો પોતાની ક્ષમતા કરતાં વધુ દોડવાની કે કસરત કરવાની સ્ટ્રેસ લે તો તેના હૃદયના ધબકારા અસાધારણ થવાના ચાન્સીસ વધી જાય છે. આવા લોકોને હાર્ટની બીમારી આવવાની શક્યતા સામાન્ય માણસ કરતાં અધધધ… પાંચ ગણી વધી જાય છે.
ઘર કે કસરતશાળમાં આડેધડ જોશમાં આવીને કસરત ન કરતાં નિષ્ણાતોની સલાહ પ્રમાણે કસરત કરવી જોઇએ.
જિમમાં એઇડી ઉપકરણ તો હોવું જ જોઇએ
એઇડી એટલે ઓટોમેટેડ એક્સ્ટર્નલ ડિફાઇબ્રિલેટર્સ. અમેરિકાના ડૉન સ્ટેન્ટા નામના પચાસ વર્ષના દોડવીરે નક્કી કર્યું કે તેણે જિમમાં વધુ વર્ક આઉટ કરવું જેથી હાફ-મેરેથોન દોડ માટે યોગ્ય રીતે તૈયાર થઇ શકાય. તેઓ ખૂબ દોડવાની પ્રેક્ટિસ પણ કરતા હતા. એક દિવસ ઇન્ડોર ટ્રેક પર દોડવાનું પૂરું કર્યું ત્યાં તો તેઓ અચાનક જમીન પર ફસડાઇ પડ્યા. તેમનું બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલ હંમેશાં નોર્મલ રહેતું, છતાં ફસડાઇ પડ્યા. જોકે આપણે લેખની શરૂઆતમાં જોયું તેમ રાજ પટેલનું મૃત્યુ થયું, પરંતુ ડોન સ્ટેન્ટા બચી ગયા, કારણ કે તેઓ જ્યાં દોડવાની પ્રેક્ટિસ કરતા હતા ત્યાં એઇડી ઉપકરણ ઉપલબ્ધ હતું.
શું છે આ એઇડી મશીન?
જિમમાં વર્કઆઉટ કરતી વખતે ઘણી વાર વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. આવી વ્યક્તિ ફસડાઇ પડે ત્યારે તેને એઇડી ઉપકરણથી બચાવી શકાય છે. તે એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવાય એવું પોર્ટેબલ ઉપકરણ છે અને શીખવામાં સહેલું છે. ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે મશીનને માણસના શરીર સાથે જોડવાથી અને ચાલુ કરવાથી હૃદયના બંધ થયેલા ધબકારા શરૂ કરી શકાય છે. સાથે સાથે ગયા અંકમાં જોયું તેમ સીપીઆર પદ્ધતિ પણ અપનાવવી જોઇએ. દરમ્યાન વધુ સારવાર માટે હૉસ્પિટલ ખસેડવા તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન પણ કરવો જોઇએ.
હવેથી તમે કોઇ પણ જિમમાં જોડાવ ત્યારે ત્યાં સીપીઆર અને એઇડીની સગવડ છે કે નહીં તે ખાસ જોજો. માત્ર જિમમાં જ શું કામ, આવાં મશીન ઠેર ઠેર રસ્તાઓ પર કે સાર્વજનિક સ્થળોએ પણ રાખવાં જોઇએ એવી માગ દેશવિદેશમાં વધતી જાય છે, કારણ કે રસ્તા પર અચાનક કાર્ડિયેક એરેસ્ટથી કોઇ વ્યક્તિ ફસડાઇ પડે તો તેના બંધ પડેલા હૃદયને જલદીમાં જલદી ધબકતું કરવા આ ઉપકરણ ઉપયોગી થઇ
પડે છે.
આજકાલ યુવાનોને જિમ્નેશિયમમાં જવાની એક ઘેલછા ઊપડી છે. ઘરેથી જિમમાં જવા માટે ચાલવાની તસ્દી પણ ઘણા લેતા નથી, પરંતુ જિમમાં પહોંચ્યા પછી દેખાદેખીથી જોશમાં આવી જઇ ઓવર એક્સરસાઇઝ કરે છે. યાદ રાખો કેટલી કસરત ક્યારે કરવી તેનું પ્રમાણભાન અને વિવેકભાન જરૂર રાખજો. (ક્રમશ:)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.