તન-દુરસ્તી મન-દુરસ્તી- ગીતા માણેક
આમ તો મુંબઈગરાઓનું દિલ બહુ મોટું હોવાનું કહેવાય છે પણ રીતસર હૃદયની વાત કરીએ તો તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ દર દસમાંથી ચાર મુંબઈગરાને કાર્ડિયોવસક્યુલર ડિસીઝ એટલે કે હૃદયરોગની બીમારી થવાની સંભાવના છે.
મુંબઈગરાઓના સ્વાસ્થ્યની આ સ્થિતિ માટે તેમની લાઈફસ્ટાઈલ જવાબદાર છે એવું સ્પષ્ટ થયું છે. આ સર્વેક્ષણ મુજબ મોટા ભાગના મુંબઈગરાઓ ધૂમ્રપાન કરે છે, બેઠાડું જીવન જીવે છે, ફળ અને શાકભાજી પૂરતા પ્રમાણમાં ખાતા નથી. સર્વસામાન્ય મુંબઈગરાઓમાંના ઘણાં ખરા અદોદળા અથવા વધુ પડતું વજન ધરાવે છે અને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારીઓથી પીડાઈ છે એવું આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.
મુંબઈ શહેરમાં વસતા લોકોના સ્વાસ્થ્ય અંગેની માહિતીનો ડેટા જમા કરવાના હેતુથી આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારનો ડેટા રાષ્ટ્રીય સ્તર પર ઉપલબ્ધ છે, પરંતુ શહેરના સ્તર પર આવો ડેટા ઉપલબ્ધ ન હોવાને લીધે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની માહિતી ઉપલબ્ધ હોય તો એ પ્રમાણેની નીતિઓ ઘડવામાં સુગમતા રહે છે.
આ સર્વેક્ષણ કુલ ૫,૧૯૯ પુખ્ત વયના મુંબઈગરાઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં ૨,૬૦૧ પુરુષો અને ૨,૫૯૮ સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ૧૮ થી ૬૯ વર્ષની ઉંમરના ૩૭ ટકા મુંબઈગરાઓ એટલે કે દર
દસમાંથી ચાર મુંબઈગરાઓને હૃદયરોગની બીમારી થવાનું જોખમ છે.
જેમના પર અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાંના ૩૭ ટકા મુંબઈગરાઓમાં છમાંથી ઓછામાં ઓછા ત્રણ જોખમી બાબતો જોવા મળી હતી. આ છ જોખમોમાં દૈનિક ધૂમ્રપાન, દરરોજ ખાવા જોઈએ એના કરતાં ઓછા ફળ અને શાકભાજી ખાવા, અપૂરતો વ્યાયામ, અદોદળાપણું, હાઈબ્લડપ્રેશર અથવા વધુ પડતા બ્લડપ્રેશર અને ડાયાબિટીઝને લીધે દવાઓનું સેવનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આને કારણે આ મુંબઈગરાઓને હૃદયરોગની બીમારીની સંભાવના છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં ધોરણો મુજબ વ્યક્તિએ દરરોજ ચારસો ગ્રામ જેટલાં ફળ અને શાકભાજી ખાવા જોઈએ. જો કે જેમના પર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તેમાંના ૯૪ ટકા મુંબઈગરાઓ આટલા ફળ કે શાકભાજી ખાતા નથી. ૨૧ ટકા મુંબઈગરા એટલે કે દર પાંચમાંથી એક વ્યક્તિનું કૉલેસ્ટ્રોલ લેવલ ૧૯૦ થી વધુ જોવા મળ્યું હતું.
લગભગ ૧૮ ટકા વ્યક્તિઓના લોહીમાં બ્લડ સુગરનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ફક્ત ૪૨ ટકા વ્યક્તિઓનું સુગર લેવલ નોર્મલ હતું. જ્યારે ૩૪ ટકા એટલે કે દર ત્રીજા મુંબઈગરાનું બ્લડપ્રેશર વધારે પ્રમાણમાં હતું. લગભગ ૧૫ ટકા વ્યક્તિઓ ધૂમ્રપાન કે તમાકુનું સેવન કરતાં જોવા મળ્યા હતા.
આ સર્વેક્ષણ પ્રમાણે ૭૪.૩ ટકા મુંબઈગરાઓ ફિટનેસ માટે કોઈ વ્યાયામ કે શારીરિક પ્રવૃત્તિ અથવા રમતગમત રમતા જોવા મળ્યા નહોતા. આ સર્વેક્ષણમાંના ૪૬ ટકા વ્યક્તિઓનું વજન હોવું જોઈએ એના કરતાં વધુ હતું અને ૧૨ ટકા લોકો અદોદળા હતા.
બૉમ્બે હૉસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. અનિલ શર્માના કહેવા મુજબ અયોગ્ય આહાર, અપૂરતી નિદ્રા, શારીરિક વ્યાયામનો અભાવ અને તનાવની અસર યુવાનોને પણ અસર કરી રહી છે.
આ સર્વેક્ષણ મુંબઈગરાઓ માટે આંખ ઉઘાડનારું છે. મુંબઈગરાઓએ સ્વસ્થ જીવન જીવવું હોય તો તનાવ રહિત રહેવું જોઈએ અને આલ્કોહોલ અને તમાકુના સેવનનો ત્યાગ કરવો જોઈએ. એટલું જ નહીં પણ શાકભાજી – ફળ વધારે માત્રામાં ખાવા ઉપરાંત ઉંમર અનુસાર શારીરિક વ્યાયામ અને મેડિટેશન કરવું જોઈએ.
મુંબઈ મહાનગરપાલિકાના વધારાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. સંજીવ કુમારે કહ્યું હતું કે નાગરિકોએ નિયમિત રીતે પોતાનું સુગર લેવલ તપાસતા રહેવું જોઈએ અને તળેલા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ તેમ જ તમાકુનું સેવન સદંતર બંધ કરવું
જોઈએ.
નાણાવટી મૅક્સ હૉસ્પિટલના ડૉ. વિશાલ ખુલ્લારનું કહેવું છે કે આ સર્વેક્ષણ દર્શાવે છે કે હૃદયરોગની બીમારીઓ તેમ જ ટાઈપ-૨ ડાયાબિટીઝ અને સ્ટ્રોકની સંભાવના વધુ પ્રમાણમાં રહે છે. ઉ