તન-દુરસ્તી મન-દુરસ્તી – ગીતા માણેક
માન્યામાં ન આવે એવી આ વાત હવે વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલી હકીકત છે કે આપણા શરીરની ભીતર પ્લાસ્ટિકના અંશો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક ફરી રહ્યું છે.
પર્યાવરણવાદીઓ વર્ષોથી આ પ્લાસ્ટિકના નામના રાક્ષસ સામે ચેતવણીઓ ઉચ્ચારી રહ્યાં છે પણ સરકાર કે પ્રજા કોઇના કાને આ વાત પડતી નથી. સવારથી લઇને રાત્રિ સુધી એક યા બીજી રીતે પ્લાસ્ટિક આપણા જીવનનો અને હવે શરીરનો પણ હિસ્સો બની ગયું છે.
અગાઉ જે અભ્યાસ થયા હતા એમાં જાણવા મળ્યું હતું કે આપણા આંતરડાં અને પેટના અન્ય અંગોમાં તેમ જ ફેફસામાં માઇક્રોપ્લાસ્ટિક એટલે નરી આંખે ન દેખાય એવા પ્લાસ્ટિકના અંશો હોય છે. એનું કારણ એ છે કે આપણે જે આરોગીએ છીએ એ પ્લાસ્ટિકની થેલીઓ અને ડબ્બાઓમાં સંગ્રહાયેલું હોય છે. અનેકવાર આપણે પ્લાસ્ટિકની પ્લેટ અને વાટકાઓમાં ભોજન ખાઇએ છીએ ત્યારે માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં પ્રવેશી જાય છે. અત્યાર સુધી એવું માનવામાં આવ્યું હતું. કે એ ફકત પેટ અને ફેફસાં સુધી સીમિત છે પણ તાજેતરમાં ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ હલમાં કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માનવીના પગથી હૃદય સુધી રક્ત પહોંચાડતી નસોમાં પંદર માઇક્રોપ્લાસ્ટિકની રજકણો અથવા અંશ જોવા મળ્યા હતા.
આ અભ્યાસમાં જે જાણવા મળ્યું છે એનું મહત્ત્વ ખૂબ વધુ છે કારણ કે જયારે હૃદયરોગમાં બાયપાસ કરવામાં આવે છે ત્યારે પગની આ નસોને કાપીને ઉપયોગમાં લેવામાં આવે છે. એ સિવાય આ નસો દ્વારા હૃદયને લોહી પહોંચે છે. એટલે વૈજ્ઞાનિકો એ બાબત પણ અભ્યાસ કરી રહ્યા છે કે એના દ્વારા હૃદયમાં પણ આ માઇક્રોપ્લાસ્ટિક પહોંચે છે કે નહીં.
આ નસોમાં માત્ર પ્લાસ્ટિકના જ નહીં પણ ખાદ્ય પદાર્થના પેકેટ કે ડબ્બાઓમાં જે રંગ વપરાય છે કે તેને પેક કરવા માટે જે ગુંદર જેવી વસ્તુઓનો વપરાશ થાય છે એના અંશો પણ પગની આ નસોમાં જોવા મળ્યા હતા.
યુનિવર્સિટી ઓફ હલના પર્યાવરણ ટોક્સિકોલોજિસ્ટ કહે છે કે આધુનિક માનવીના લોહીમાં પ્લાસ્ટિકનાં અંશો હોય છે એની જાણ અમારા ડચ સાથીએ કરેલા અભ્યાસમાંથી મળી હતી પણ પ્લાસ્ટિક સિવાય રંગો અને પેકેજિંગ મટિરિયલ અને ગ્લુ (ગુંદર) જેવા અંશો પણ હોય છે એ અમારા માટે પણ નવાઇની વાત હતી.
પ્લાસ્ટિક તેમ જ કૃત્રિમ રંગો કે અન્ય પેકેજિંગ મટિરિયલ્સના સાવ ઝીણાં અંશો માનવ શરીર પર શું અસર કરે છે એની પૂરતી જાણકારી મળી નથી. વૈજ્ઞાનિકો આ
દિશામાં વધુ અભ્યાસ કરી રહ્યા છે
જોકે, શરીરની બહાર પ્રયોગશાળામાં જે કોષ વિકસાવવામાં આવે છે એના અભ્યાસ પરથી એ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે કે પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક વસ્તુઓની ઝીણી રજકણોથી શરીરની ભીતરના અંગો પર ઇન્ફલેમેશન અને માનસિક તનાવ વધવા જેવી આડઅસરો વધવા જેવી સ્થિતિ નિર્માણ થઇ શકે એવી સંભાવના છે.
આ આખા મામલા અંગે ગંભીરતાથી અભ્યાસ થઇ રહ્યો છે અને એ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે માઇક્રોપ્લાસ્ટિક અને કૃત્રિમ રંગો જેવા રજકણો લોહીમાં શોષાઇ જાય છે કે નહીં.
આપણા પુરાણોમાં રાક્ષસોનો ઉલ્લેખ આવે છે. આધુનિક યુગમાં પ્લાસ્ટિક અને કૃત્રિમ રંગો અને આવી હાનિકારક વસ્તુઓ માનવ માટે રાક્ષસ તરીકેનું જ કાર્ય કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે!