Homeપુરુષસાવધાન! વાયુ પ્રદૂષણ આપણે આંગણે આવી પહોંચ્યું છે

સાવધાન! વાયુ પ્રદૂષણ આપણે આંગણે આવી પહોંચ્યું છે

તન-દુરસ્તી મન-દુરસ્તી-મુકેશ પંડ્યા

દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં હવા પ્રદૂષિત થતી હોય છે તેના જેટલી નહીં પણ નોંધનીય કહીં શકાય એટલી હવા તો અત્યારે મુંબઈમાં પણ બગડતી જાય છે. મુંબઈમાં અત્યાર સુધી વિવિધ નવ જગ્યાએ વાયુ ગુણવત્તા નિર્દેશાંક અર્થાત એર ક્વોલિટી ઇન્ડેક્સ દેખાડતા કેન્દ્રો હતાં તેમાં હવે બીજા પાંચ કેન્દ્રોનો વધારો થયો છે. જોકે, આવા કેન્દ્રોથી વાયુની ગુણવત્તા ખબર પડશે પણ આપણા આરોગ્યની ગુણવત્તા જાળવવા તો આપણે જાતે જ કાળજી લેવી પડશે.
શિયાળાના દિવસોમાં જો પવન ન વાતો હોય તો વાહનવ્યવહાર કે ઉદ્યોગો દ્વારા ફેલાતા ધુમાડાની રજકણો દૂર દૂર સુધી ફેલાઈ જવાને બદલે ભેગી થઈને આપણને જ રંઝાડતી હોય છે. આંખથી લઈ ચામડી સુધી તેમ જ ફેફ્સાંથી લઈ હૃદય સુધીની તકલીફો આ સમયે વધી જતી હોય છે.
આ ઋતુમાં શરીરના ક્યા અંગોને તકલીફ થતી હોય છે તે આપણે વિગતવાર જોઈએ.
વાયુ પ્રદૂષણની સૌથી વધારે ખરાબ અસર ફેફ્સાં પર થતી હોય છે. આપણે દિવસમાં ત્રણથી ચાર વાર ખાઈએ છીએ. સાતથી આઠ વાર પાણી પીએ છીએ પણ હવા તો ચોવીસે કલાક પળે પળે લેવી પડે છે. હવે જ્યારે પ્રદૂષિત હવા શ્ર્વાસ દ્વારા અંદર જાય ત્યારે સ્વાભાવિક છે કે ફેફ્સાં પર
તેની ખરાબ અસર થવાની જ. ફેફસાંની કામગીરી પર અસર પડે એટલે શરદી ખાંસી જેવી બીમારી અને કેટલાકને દમ કે અસ્થમાનો હુમલો પણ સતાવવા લાગે.
પ્રદૂષિત હવા ફેફ્સાં દ્વારા લોહીમાં ભળી જઈ હૃદય સુધી પહોંચે ત્યારે હૃદયની બીમારીઓ પણ વધી જાય છે. વળી શિયાળાની ઠંડી ઋતુમાં થતો સંધિવાનો રોગ પ્રદૂષિત હવાને કારણે ઓર વકરતો હોય છે. રૂમેટોઇડ આર્થરાઇટિસનું જોખમ વધી જાય છે.
આપણા શરીરની ચામડીમાં પણ શિયાળાની સૂકી હવાને કારણે ભેજ ઘટી જાય છે. આવી શુષ્ક ચામડી જો પ્રદૂષિત હવાના સંપર્કમા આવે તો ચામડીમાં બળતરા થાય છે. લાલાશ વર્તાય છે. ક્યારેક ખરજવું પણ થઈ શકે છે.
ચામડીની જેમ આંખોમાં પણ સમસ્યા ઊભી થાય છે.
આંખોમાં બળતરા થવી, આંખો લાલ થવી, તેમાં પાણી આવવુ કે પછી આંખો શુષ્ક થવી એની પાછળ પ્રદૂષિત હવા કારણરૂપ છે.
પ્રદૂષિત હવાને કારણે સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ ખરાબ
અસર થતી હોય છે. સમય કરતા વહેલો બાળકનો જન્મ એટલે કે પ્રિમેચ્યોર બર્થ થઈ શકે છે. વજન ઓછું થવાની કે સ્ટીલ બર્થની શક્યતા પણ વધી જાય છે.
આવા સંજોગોમાં જો ઉપરોક્ત કોઈ પણ બીમારી વધી જાય તો તાત્કાલિક સંબધિત ડોક્ટર્સને જણાવો જેથી સમયસર સારવાર થાય અને રોગ વધતો અટકે.
સાવચેતી રાખો અને બીમારીઓથી દૂર રહો
એક વાત અવશ્ય ધ્યાનમાં રાખો કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. કોઈ પણ બીમારી માટે સારવાર કરવા દોડવું તેના કરતા બીમારી જ ન આવે તેના માટે પ્રયત્નો કરવા એ શ્રેષ્ઠ વ્યવસ્થા છે.
માસ્ક પહેરો મસ્ત રહો
કોરોના કાળમાં આપણે માસ્ક પહેરવાની આદત પાડી હતી. આ આદત વાયુ પ્રદૂષણના આ દિવસોમાં પણ ચાલુ રાખવા જેવી છે. હવામાં રહેલા પ્રદૂષિત કણોને શ્ર્વાસ વાટે અંદર આવતા રોકવા માટે આ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. પ્રદૂષિત હવાને કારણે જ શરદી, ખાંસી કે અસ્થમા જેવા રોગો વકરતા જાય છે. તેનાથી બચવા માટે આ સૌથી સહેલો, સસ્તો અને હાથવગો ઉપાય છે. ખાસ કરીને જયારે તમે ભીડભાડવાળા રસ્તામાં જાવ કે પછી વધુ વાહન વ્યવહાર થતો હોય તેવા માર્ગો પર જાવ ત્યારે માસ્ક ફરજિયાત પહેરવો જોઈએ. રસ્તામાં તમારી બાજુમાંથી કોઈ ચેપી રોગ ધરાવતી વ્યક્તિ પસાર થશે તો પણ તમે તેનાથી બચી શકશો.
પ્રાણાયમ કરો
આ ઋતુમાં ભાતભાતના પ્રાણાયમથી તમે ફેફ્સાં અને હૃદયની કામગીરી સુધારી શકો છો. કોઈ નિષ્ણાતને પૂછી યોગ્ય પ્રાણાયમ કરવા. સવારે ગાર્ડનમાં ટહેલવા જવાનું શક્ય હોય તો ત્યાં જઈ ત્યાંની ચોખ્ખી હવાને ઉપયોગમાં લેવી ઊંડા શ્ર્વાસ લેવા જોઈએ.
ચામડીને ભેજયુક્ત રાખો
શિયાળો અને પ્રદૂષિત હવાને કારણે ચામડી સુકાઇ જવાની શક્યતા વધી જાય છે. બની શકે ત્યાં સુધી પૂરું શરીર ઢંકાય તેવાં વસ્ત્રો પહેરો જેથી ઓછામાં ઓછી ચામડી હવાના સંપર્કમાં આવે. પાણી, ફળોના રસ કે અન્ય પ્રવાહી ખોરાકનું પ્રમાણ વધારી ચામડીને શુષ્ક થતા રોકો.
ઝીરો નંબરના ચશ્માં કે ગોગલ્સ પહેરવાનું રાખો
જેમ પાણીની અંદર તરતી વખતે આંખ પર ચશ્માં લગાડીએ છીએ
તેમ પ્રદૂષિત હવાથી આંખોને બચાવવા નંબર ન હોય તો પણ ઝીરો
નંબરના ચશ્માં લગાડવા જોઈએ કે ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.
આને કારણે આંખોમાં ધૂળ કે પ્રદૂષિત રજકણોથી આખોનું રક્ષણ
કરી શકાશે.

RELATED ARTICLES

Most Popular