તળપદી વાણીના તાંદુલ: દુહા

ઇન્ટરવલ

દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની

નિરંજન રાજ્યગુરુ સંતસાહિત્યના સંશોધક છે. મકરંદભાઈની સાથે ભારે નિકટનો અનુબંધ-સંબંધ એમના પિતા વલ્લભભાઈ રાજ્યગુરુને. વલ્લભભાઈ હતા શિક્ષક, પણ દુહા લખવાનું નિત્યનું વ્રત, દુહાસર્જન કાયમ ચાલે. ડાયરીનો મોટો થોકડો. ડો. નિરંજનભાઈએ બધું સાચવ્યું છે. મકરંદભાઈને એમના રચેલા દુહા સાંભળવા ખૂબ ગમતા. એક વખત આતિથ્યભાવનાના પરિણામનો પરિચય કરાવતો એક દુહો મને કહેલો. મારી નોંધપોથીમાં સંગ્રહાયેલો છે.
ખવરાવી ખાવી અરે, ઘરની રોટી બહાર
વ્હાલપ ને વ્યવહાર, દઈને લેવા દેવરા
આપણે કોઈનો આતિથ્યસત્કાર કરતા હોઈએ એટલે સ્વાભાવિક છે કે આપણે ક્યાંક જઈએ તો આપણું આતિથ્ય થાય, અર્થાત્ ઘરના જ રોટલા પણ બહારથી મળે. વ્હાલપ અને વ્યવહાર તો પરસ્પર જાળવવાનાં હોય, અર્થાત્ આપીને લેવાનાં હોય.
વલ્લભભાઈના દુહામાં અહીં પહેલી પંક્તિના ઉત્તરાર્ધ અને બીજી પંક્તિના પૂર્વાર્ધમાં પ્રાસને મેળવ્યા છે. બીજો દુહો દાસી જીવણના સંદર્ભે કહેલો તે આસ્વાદીએ.
આંબલિયુમાં આજ પણ, અવધૂતા એંધાણ
વલ્લભ કરે વખાણ, જશ ખાટી ગ્યો જીવણા
દાસી જીવણના નિવાસસ્થાનની આસપાસ ખૂબ જ આંબલીનાં વૃક્ષ હતાં. દાસી જીવણના દેહાવસાન પછી પણ એમના અસ્તિત્વનો ભાસ આંબલીમાં અનુભવાય છે. વલ્લભદાસ એનાં વખાણ કરતાં કહે છે કે હે ભક્ત જીવણકવિ, તું તો ભારે મોટો યશ રળી ગયો.
બીજા એક દુહામાં એમણે ઈશ્ર્વર પરની શ્રદ્ધાની વાતને અસરકારક રીતે આલેખેલી છે.
શ્યામ લિયે સંભાળ, સતિયાની સાચું કહું
વાંકો ન થાય વાળ, મન મજબૂતે માધવા
જે લોક સદાચારી, સદ્રસ્તે ચાલનારા છે એની સંભાળ શ્યામજી લેતા હોય છે. એ કોઈનો વાળ પણ વાંકો થતો હોતો નથી. એને કશી ઊભી આંચ પણ નથી આવતી કે જેમનાં મન મજબૂત હોય. વલ્લભદાસ રાજ્યગુરુ દુહા દ્વારા આવાં સનાતન જીવનમૂલ્યોને આલેખતા દૃષ્ટિગોચર થાય છે. જાત અનુભવ, જીવતરમાં જોવા-અનુભવવા મળેલી-જાણેલી વિગતોને દુહામાં તેઓ વણી લેતા હોય છે. અનુભવમૂલક વિગતને બીજા એક દુહામાં ભારે અર્થપૂર્ણ રીતે આલેખેલી છે તેને અવલોકીએ.
બડા ન દેશે બુડવા, એની બાંધવ પકડશે બાંય
શીતળ વડની છાંય, નીંદરા લાવે નાનકા
મોટા સજ્જન મિત્રો આપણને બૂડવા નહીં દે. એ લોકો આપણો હાથ પકડી લેશે અને સહાયભૂત થશે. જેમ વડલાની ઠંડી છાંયામાં આપણને શીતળતાનો સ્પર્શ થાય છે અને ઊંઘ આવી જાય છે. હંમેશાં સમૃદ્ધ સજ્જનો, મોટા મનના માનવીઓની સંગત રાખવી. આશ્રય લેવો. આપણને સહાયભૂત થશે. આરામ અર્પશે.
વલ્લભદાસ રાજ્યગુરુના રચેલા પાંચ-સાત હજાર દુહા ગુજરાતી તળપદી વાણીના તાંદુલ છે. એને કારણે સોરઠી શબ્દો સચવાયા. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ વિવિધ રીતે પણ આ દુહાઓ આસ્વાદ અને અભ્યાસનો વિષય બને એ કક્ષાના છે. જીવનના સત્યને, જીવનના રહસ્યને જાળવતા, દુહામાં ગૂંથી લેવાયા હોઈને એની વિશેષ મહત્તા છે. તત્કાલીન પ્રસંગો, વ્યક્તિઓના નિરૂપણથી એમનું દસ્તાવેજી મૂલ્ય પણ આગવું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.