Homeપુરુષયોગથી સ્તન કેન્સરના દર્દીઓને ફાયદો થાય ખરો?

યોગથી સ્તન કેન્સરના દર્દીઓને ફાયદો થાય ખરો?

તન-દુરસ્તી મન-દુરસ્તી – ગીતા માણેક

હા નિશ્ર્ચિતપણે. આવું અમે નહીં પણ મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલના તબીબો કહે છે. વિશ્ર્વભરની મહિલાઓમાં સ્તનનું કેન્સર સૌથી વધુ માત્રામાં જોવા મળતું કેન્સર છે, એવું ટાટા મેમોરિયલ હોસ્પિટલના, ડાયરેક્ટર રાજેન્દ્ર બડવેનું કહેવું છે. જે મહિલાઓને સ્તનનું કેન્સર થાય છે તેમને ત્રણ ગણી ચિંતા હોય છે. એક, કેન્સરને કારણે જીવ ગુમાવવાનો ડર, સારવારની આડઅસરો અને કેટલાક કિસ્સાઓમાં ઓપરેશન કરીને સ્તન કાઢી નાખવું પડે છે એ સંજોગોમાં વાસ્તવિકતા સ્વીકારીને એને માનસિક તેમ જ ભાવનાત્મક સ્તર પર મેનેજ કરવી.
મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર બડવેના કહેવા મુજબ સ્તન કેન્સરના દર્દીઓમાં યોગને કારણે તેમના જીવનની ગુણવત્તામાં વધારો થયો છે અને સ્તન કેન્સરનો ફરી ઉથલો મારવો કે મૃત્યુ પામવાના કિસ્સાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો કહે છે કે યોગને કારણે સ્તન કેન્સરના દર્દીઓમાં મૃત્યુનું જોખમ કે તેના ફરી ઉથલો મારવાના કિસ્સાઓ ઘટ્યા છે. સ્તન કેન્સર અને યોગ વિષય પર પહેલી વાર ભારતીય પરંપરાગત ઇલાજ પદ્ધતિનું પશ્ર્ચિમી ધોરણો મુજબ સંશોધન થયું છે. આ સંશોધનમાં યોગ નિષ્ણાતો, કેન્સર માટેના નિષ્ણાત ડોક્ટરો, ફિઝિયોથેરપિસ્ટ દ્વારા દર્દીની સારવાર અને સાજા થવાના જુદા-જુદા તબક્કાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ આખા સંશોધન પેપરને અમેરિકા ખાતેના સેન એન્ટોનિયો બ્રેસ્ટ કેન્સર સિમ્પોઝિયમમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ સંશોધન મુજબ સ્તન કેન્સરના દર્દીઓમાં બે વર્ષ માટે દિવસના માત્ર ૪૫ મિનિટ યોગ કરવાથી મૃત્યુ આંક ઘટ્યો હતો, એટલું જ નહીં પણ થકાવટ અને તનાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જે દર્દીઓ નિયમિત યોગ કરતા હતા તેઓ કીમોથેરપી પણ વધુ આસાનીથી સહન કરી શકતા જોવા મળ્યા હતા.
યોગના આ ફાયદાઓ વિશેની જાણકારી બહુ જ ઉપયોગી સિદ્ધ થઈ રહી છે, કારણ કે ભારતમાં જેટલા લોકોને કેન્સર થાય છે તેમાંના ૧૪ ટકાને સ્તન કેન્સર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં વર્ષે લગભગ ૨,૦૦,૦૦૦ સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે અને એમાંની ૯૦,૦૦૦ મહિલાઓ સ્તન કેન્સરને કારણે મૃત્યુ પામે છે. મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં લગભગ ૫,૦૦૦ મહિલાઓ સ્તન કેન્સરની સારવાર માટે આવે છે જેમાંની ૨,૪૦૦ મહિલાઓના શરીરમાંથી કેન્સરની ગાંઠ કાઢવાનું ઑપરેશન કરવામાં આવે છે. પ્રથમ અને બીજા તબક્કાનું સ્તન કેન્સર હોય એવી મહિલાઓમાંની ૧૫થી ૨૦ ટકા દર્દીઓમાં કેન્સર ફરી ઉથલો મારે છે.
૨૦૧૧ની સાલથી ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સ્તન કેન્સરની વૈકલ્પિક સારવાર તરીકે યોગ કરાવવામાં આવી રહ્યા છે. અન્ય સારવાર પદ્ધતિ ઉપરાંત યોગ દ્વારા ટાટા હોસ્પિટલે પ્રથમ, દ્વિતીય કે ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર હોય એવી ૮૫૦ મહિલાઓને સાજી કરી છે.
આ સંશોધનમાં સ્તન કેન્સરની ૪૨૪ દર્દીઓને પરંપરાગત વ્યાયામ અને ૪૨૬ દર્દીઓને યોગ કરાવવામાં આવ્યા હતા. આ કુલ ૮૫૦ દર્દીઓમાંથી ૩૦૪ મહિલાઓ પર મેસ્ટેકટોમી એટલે કે ઑપરેશન કરીને સ્તન કાઢી નાખવામાં આવ્યું હતું અને ૫૨૩ મહિલાઓ પર બ્રેસ્ટ ક્ધઝરવેટીવ સર્જરી કરવામાં આવી હતી જેમાં ફક્ત ગાંઠ જ કાઢવામાં આવી હતી અને સ્તન કાઢવામાં નહોતું આવ્યું. ૮૦ મહિના સુધી ચાલેલા આ સંશોધનમાં જે ગ્રૂપ યોગ કરતું હતું તેમાંના લગભગ ૮૦ ટકા દર્દીઓ મૃત્યુના મુખમાં જવામાંથી ઉગરી ગયા હતા.
જે ગ્રુપ યોગ કરતું હતું તેમનામાં થકાવટ અને તનાવ ઓછો જોવા મળ્યો હતો, તેમની જિંદગીની ગુણવત્તા બહેતર હતી, કીમોથેરપી બાદ અને ખાસ કરીને ઉબકા આવવાની ફરિયાદ પ્રમાણમાં ઓછી જોવા મળી હતી, તેઓ વધુ શાંત જણાતા હતા અને તેમનામાં બીજા દર્દીઓ કરતા વધુ આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો હતો.
તબીબી જગતમાં આ સંશોધનને બહુ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે કારણ કે ભારતમાં સામાન્યત: સ્તન કેન્સરના દર્દીઓમાં ૬૦ ટકા જ બચી જવા પામે છે. પરંતુ યોગા કરનાર ગ્રૂપમાં ૧૫ ટકા કિસ્સાઓમાં સ્તન કેન્સરને કારણે મૃત્યુ તેમ જ ૧૫ ટકામાં કેન્સરે ફરી ઉથલો માર્યો હોય એવું જોવા મળ્યું હતું.
યોગ કરવાના કારણે દર્દીઓમાં શારીરિક અને માનસિક તેમ જ નિરાશાના સ્તર પર પણ સુધારો જોવા મળ્યો હતો. યોગ કરનારા દર્દીઓમાં ભૂખ લાગવાની સમસ્યા પણ ઓછી જોવા મળી હતી. આ અભ્યાસના પરિણામનું સૌથી સારું પાસું એ હતું કે યોગ કરનારાઓમાં કીમોથેરપીની આડઅસર પણ ઓછી જોવા મળી હતી. સામાન્યપણે દર્દીઓ કેન્સરનું નામ સાંભળતા જ ધ્રુજી જતા હોય છે અને માનસિક રીતે ભાંગી પડતા હોય છે પણ યોગ કરનારા દર્દીઓ પોતાનો આત્મવિશ્ર્વાસ પાછો લાવી શકવામાં સફળ રહ્યા હતા અને કેન્સરને મહાત આપવા માટેની શક્તિ પણ અનુભવતા હતા.
ટૂંકમાં, આધુનિક વિજ્ઞાનના માપદંડ હેઠળ કરવામાં આવેલા અભ્યાસે એ પૂરવાર કર્યું છે કે સ્તન કેન્સરમાં યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે એટલું જ નહીં, પણ દર્દીના જીવિત રહેવાની સંભાવના પણ વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ અભ્યાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ટાટા મેમોરિયલ હોસ્પિટલ
દ્વારા કરવામાં આવેલા ગહન સંશોધનમાં એ સ્પષ્ટ થયું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ બહુ જ અસરકારક પૂરવાર થાય છે. તેમણે કહ્યું હતું કે અનેક બીમારીઓમાં યોગથી લાભ થાય છે એ વિષય પર સંશોધન થઈ રહ્યા છે જેમાં હૃદયરોગ, ડિપ્રેશન, ઊંઘને લગતી બીમારીઓ અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને થતી બીમારીઓ અને તકલીફોનો પણ સમાવેશ થાય છે.ઋષિ-મુનિઓએ જગતને આપેલી યોગ નામની આ ભેટને હવે ધીમે-ધીમે તબીબી જગત પણ માન્યતા આપતું થયું છે. યોગ માટે એવું લખાયું છે કે રોગી હોય કે સ્વસ્થ, યુવાન હોય કે વૃદ્ધ, પૈસાદાર હોય કે ગરીબ, કોઈ પણ જાતિની કે કોમની વ્યક્તિ હોય યોગ દ્વારા લાભ મેળવી શકે છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular