Homeતરો તાજાહીંચકા ખાઓ બીમારી ભગાઓ

હીંચકા ખાઓ બીમારી ભગાઓ

  1. તન-દુરસ્તી મન-દુરસ્તી – મુકેશ પંડ્યા

આ લેખ તમારા હાથમાં આવ્યો હશે ત્યારે દેશનાં વિવિધ મંદિરોમાં રામલલ્લાના પારણા ઝુલાવવાની તડામાર તૈયારીઓ ચાલતી હશે. ગુરુવારે રામનો જન્મદિવસ છે પણ મામલો અહીં અટકતો નથી. આગામી સપ્તાહમાં હનુમાન અને મહાવીર સ્વામીના જન્મદિવસ પણ ઉજવાશે. તેમના પણ પારણા ઝૂલશે. શ્રાવણ મહિનામાં કૃષ્ણનો જન્મોત્સવ પણ આ જ રીતે ઉજવાય છે. આ મહિનામાં તો દિવસો સુધી કૃષ્ણના હિંડોળા સજાવાય છે. અનેક ભક્તો આ સમયમાં હિંડોળા દર્શનનો અચૂક લાભ લે છે. ભારતના અવતારો કે તીર્થંકરોના જન્મદિવસમાં પારણા સજાવવાની, ઝુલાવવાની અને તેના દર્શન કરવાની જે પ્રથા છે તે કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળતી હોય. પારણાનું જેટલું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં છે એટલું જ મહત્ત્વ આપણે ત્યાં હિંચકાનું છે. એક સમય એવો હતો જયારે ગુજરાતના ગામેગામ અને પ્રત્યેક ઘરોની ઓસરીમાં તમને હિચકા અચૂક જોવા મળે, આજે પણ આ સંસ્કૃતિ ગામમાં વત્તે ઓછે અંશે જોવા મળે છે ખરી, પરંતુ શહેરોમાં આ પ્રથા ભૂંસાતી જાય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઈ હિંચકાનો વપરાશ ઘટ્યો હોય તે શક્ય છે, પરંતુ હવે તો અનેક સાઇઝના નાના મોટા અને ફોલ્ડિંગ હીંચકા પણ બજારમાં ઉપલબ્ધ છે તેનો ફાયદો આપણે ઉઠાવવો જોઈએ. જો ઘરમાં શક્ય ન હોય તો છોકરાઓને ગાર્ડનમાં લઇ જઇને હીંચકા ખવડાવવા જોઈએ અને આપણે પણ ખાવા જોઈએ.
તમને થશે કે આ હીંચકા પુરાણ કેમ અહીં ખોલવામાં આવ્યું છે તો તમને જણાવી દઇએ કે હીંચકો માત્ર આપણી સંસ્કૃતિ જ નથી, પરંતુ તન-મનનું સ્વાસ્થ્ય જાળવતી આનંદ આપનારી સુંદર કસરત પણ છે.
સવાર સાંજ જમ્યા પછી દસ પંદર મિનિટ હીંચકે ઝૂલશો તો તમારી પાચનશક્તિ સુધરી જશે. હીંચકાની ગતિ ઘડિયાળના લોલક જેવી હોય છે. જેમ જશોદા મહિયા છાશને વલોણાથી વલોવીને માખણ કાઢતા તેમ હીંચકા પર આપણું શરીર અને પેટ આગળ અને પાછળ આવ- જા કરે છે ત્યારે જઠરમાં રહેલો ખોરાક પણ આ હાર્મોનિક
મોશનમાં સરસ રીતે વલોવાય છે અને ઝડપથી પચી જાય છે. જેની પાચન શક્તિ સારી તેની તંદુરસ્તી સારી.
આ ઉપરાંત હીંચકાના બીજા પણ ઘણા ફાયદા છે.
નાનપણથી જેમણે પગની ઠેસી દઈને હીંચકા ખાધા હોય તેમને મોટી ઉંમર સુધી ઘૂટણના દર્દ સતાવતા નથી.
હીંચકા ખાવાથી ઘૂટણને શ્રેષ્ઠ કસરત નાનપણથી જ મળી રહે છે. હીંચકા ખાનાર વ્યક્તિને અનિદ્રાની બીમારી પણ નડતી નથી. નાના બાળકને ઘોડિયામાં સુવડાવવાથી સરસ ઊંઘ આવી જાય છે. તે રડતું હોય કે તેને કોઈ વાતનું અસુખ હોય તો પણ ઘોડિયામાં રાખી ઝુલાવવાથી તે તરત શાંત થઈ જાય છે.
હીંચકાથી માત્ર તન જ નહીં મનના
પણ ફાયદા થાય છે

તમે રાધાકૃષ્ણના હીંચકે ઝૂલતા ફોટા તો જોયા જ હશે.
હીંચકા જ્યારે આગળ પાછળ થાય ત્યારે તરંગ સર્જાય છે એક આંદોલન સર્જાય છે, આ હીંચકા પર બેસનારા ના મનનાં તરંગો પણ હીંચકાનાં તરંગો સાથે એકરૂપ થાય છે અને મનમેળ વધે છે. પતિ પત્ની સાથે બેસીને હીંચકે ઝૂલે તો બેઉ વચ્ચે પ્રેમ વધે છે. આપણે ત્યાં તો પતિ પત્ની કે ભાઈ બહેન સાથે મળીને હીંચકા ખાતા હોય તેવા અનેક ગીતો પણ રચાયાં છે.
જેમ કે રાજા-રાણીનું એક ગીત છે:
‘રાજા હીંચકે હીચાવ, તારા રાજમહેલોમાં,
નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં!’
આજ રીતે ભાઈ-બહેનના પ્રેમને વ્યક્ત કરતું એક ગીત પણ હીંચકા પર ફિલ્માવવામાં આવ્યું છે. જેની કડી છે:
‘કોણ હલાવે લીંમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે ડાળખી.
ભાઈલો ઝૂલાવે … બેનડી ઝૂલે’
તો ચાલો બાળપણની પારણાની આદત ભલે છૂટી જાય,યુવાની અને વૃદ્ધાવસ્થામાં હીંચકા ખાઈને અનેરો આનંદ પણ લઈએ અને તન મનથી નીરોગી પણ રહીએ.

જુઓ વિડિઓ 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -