તન-દુરસ્તી મન-દુરસ્તી – ગીતા માણેક
મુંબઈ માટે કહેવાય છે કે આ શહેર ક્યારેય સૂતું નથી. જો કે આવું એ અર્થમાં કહેવાતું કે મુંબઈમાં સતત પ્રવૃત્તિ ચાલુ જ રહેતી હોય છે પણ હવે જાણે આ અક્ષર: સાચું પડી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ખાસ કરીને કોવિડ-૧૯ મુંબઈગરાઓની ઊંઘને આભડી ગયું હોય એવું લાગી રહ્યું છે.
અગાઉ આરામથી ઊંઘી જનારાઓ પણ અનિદ્રાની ફરિયાદ કરી રહ્યા છે. આનું એક કારણ કોવિડ વાઇરસની આફટર ઇફેક્ટ એટલે કે આડઅસર છે. આ ઉપરાંત કોવિડને કારણે કેટલાંય પરિવારની આર્થિક સ્થિતિ પર પણ એની ખૂબ અસર પડી છે. આને કારણે ઘણાય પરિવારોના આર્થિક સંતુલન હચમચી ગયા છે. આ ચિંતાઓને કારણે પરિવારની ઊંઘ પર અસર પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. કોવિડ-૧૯ને લીધે દોઢ-બે વર્ષ અવારનવાર જે લોકડાઉન ચાલ્યા અને ત્યાર પછી ઘણાં લોકોની નોકરીઓ ગઈ અથવા પગારમાં કપાત થવા લાગી એને કારણે કુટુંબોનું આર્થિક સંતુલન બગડી જવા પામ્યું છે. કોવિડ આવશે એવી તો કોઈને સપનામાંય કલ્પના નહોતી. ઘણાં લોકોએ કોવિડ પહેલાં ઘર, કાર કે અન્ય ચીજવસ્તુઓ લોન પર લીધી હતી. તેમણે એ રીતનું સમીકરણ માંડ્યું હતું કે આવકનો અમુક હિસ્સો હપ્તા ભરવામાં જશે, પણ કોવિડને કારણે ઘણા લોકોની આવક કાં તો એકદમ બંધ થઈ ગઈ અથવા એમાં સારો એવો ઘટાડો આવ્યો. આનું પરિણામ એ આવ્યું કે તેઓ હપ્તાઓ ચૂકવવામાં પાછા પડતા ગયા અથવા આવતા મહિનાનો હપ્તો કેવી રીતે ભરીશું એની ચિંતામાં તેઓ પોતાની ઊંઘ ગુમાવવા માંડ્યા છે. નિષ્ણાતો કહે છે કે આજે દર ત્રીજો મુંબઈગરો અનિદ્રાના રોગથી પીડાય છે અથવા તેને સહજતાથી ઊંઘ આવતી નથી. સ્લીપ ફાઉન્ડેશનના પદાધિકારીઓના કહેવા પ્રમાણે ૧૦થી ૩૦ ટકા પુખ્ત વયના અને ૩૦થી ૪૮ ટકા સિનિયર સિટીઝન અનિદ્રાની બીમારીથી પીડાય છે.
આને કારણે આજે જે દવાઓ સૌથી વધુ વેચાય છે એમાં ટ્રાન્કિવિલાઈઝર એટલે કે ઊંઘ આવે એ માટેની દવાઓ મોખરાના સ્થાને છે. ઇન્ડિયન સ્લીપ પ્રોડક્ટ્સ ફેડરેશનના સેક્રેટરી એસ. સુંદરસને એક જગ્યાએ કહ્યું છે કે ભારતની સ્લીપ ઇન્ડસ્ટ્રી ૧૨,૦૦૦ કરોડની છે. જો કે તો ફક્ત વિવિધ પ્રકારના જે ગાદલાંઓ વેચાય છે એની જ વાત કરી રહ્યા હતા.
ઊંઘ લાવવા માટેના પ્રયાસો માટે જે ચીજવસ્તુઓ અને જાતભાતની દવાઓ વેચાય છે એનું માર્કેટ ૧૬૦૦૦ કરોડ રૂપિયાનું છે. આમાં ઓશિકાના જાતભાતના કવર, રજાઈઓ, સ્લિપિંગ બેગ્સ, મનને શાંત કરતા ઓશિકાઓ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જો કે ઊંઘ ન આવવાની તકલીફ માત્ર મુંબઈ પૂરતી સીમિત નથી પણ દેશનાં અન્ય શહેરોને પણ અનિદ્રાનો એરુ આભડી ચૂક્યો છે.
વૈજ્ઞાનિકો કહે છે કે ઊંઘ આવે એ માટે શરીરમાં મેલાટોનિન અને એલ-થેનાઇન રસાયણોનું ઉત્પાદન થવું અનિવાર્ય છે. આમાંના મેલાટોનિન રસાયણ મસ્તિષ્કમાં આવેલી પિનીયલ ગ્લાન્ડ દ્વારા સ્રાવિત થાય છે. આ રસાયણોનું ઉત્પાદન ઓછું થતું હોય અથવા પૂરતી માત્રામાં સ્રાવ ન થતો હોય તો નિદ્રાદેવી તે વ્યક્તિથી રિસાયેલા રહે છે. કોવિડ-૧૯ પછી શારીરિક, માનસિક કે અન્ય કારણોસર ઘણાં લોકોમાં આનો સ્રાવ ઘટી ગયો છે અને એને કારણે તેમણે બહારથી આ રસાયણો દવાઓ દ્વારા લેવા પડી રહ્યા છે. જોકે કેટલાંક ડૉક્ટરો કહી રહ્યા છે કે ઊંઘ માટેની ટીકડીઓ ગળવી એ આનો ઉપાય નથી કારણ કે આ રીતે ગોળીઓ ગળવાથી એની આદત પડી જાય છે. એક તબક્કો એવો આવે છે કે પછી આ ગોળીઓની પણ અસર થતી નથી અને વધુ માત્રામાં દવાઓ લેવી પડે છે. આ દવાઓ મોટા ભાગે શરીરને નુકસાન પહોંચાડે છે.
ઘણા કિસ્સાઓમાં અનિદ્રાનું એક કારણ એ પણ છે કે કોવિડ-૧૯ દરમિયાન લોકોનું રૂટિન બદલાઈ ગયું હતું. કંટાળેલા, હતાશ લોકો મોડી રાત સુધી મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે ટેલિવિઝનની સ્ક્રીનને ચોંટી રહેતા હતા. ખાસ કરીને યુવાનોમાં આખી-આખી રાત બિન્જ વોચિંગ એટલે કે વેબસિરીઝના ૪૫ મિનિટ કે એક કલાકના બધા હપ્તાઓ એકસાથે જોવાની ટેવ પડી ગઈ હતી. આને કારણે તેમની ઊંઘની સાઈકલ જ ખોરવાઈ ગઈ. વહેલી સવાર સુધી જાગવું અને મોડી બપોર સુધી ઊંઘ્યા કરવું એવી આદત થઈ ગઈ હતી. આનું એક કારણ એ પણ હતું કે તેમની પાસે દિવસભર કરવા માટે કોઈ કામ જ નહોતું. હવે જ્યારે કોવિડ-૧૯ના ભરડામાંથી આપણે મુક્ત થઈ ગયા છીએ ત્યારે પણ તેમનું રૂટિન જે ખોરવાઈ ગયું છે એ ઠેકાણે પડવાનું નામ નથી લેતું.
અલબત્ત ડૉક્ટરો કહે છે કે આ કંઈ એકમાત્ર કારણ નથી. કોવિડ વાઇરસની પણ ઘણા દર્દીઓના શરીર પર એટલી અસર પડી છે કે તેમની ઊંઘ જાણે કોવિડ ભરખી ગયું છે! નિષ્ણાતો સ્વીકારે છે કે શક્ય હોય ત્યાં સુધી ઊંઘની ગોળીઓ લેવાનું ટાળવું જોઈએ અને અન્ય પ્રાકૃતિક અથવા વૈકલ્પિક પદ્ધતિ દ્વારા નિદ્રાદેવીને મનાવીને પાછી લાવવાની કોશિશ કરવી જોઈએ.
ઊંઘ માટે કેમિસ્ટ પાસે જઈને પોતાની જાતે દવા લેવી ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. ઊંઘની દવાઓની પણ પોતાની આડઅસરો હોય છે. અમુક ઊંઘની દવા લેવાથી દિવસના સમયે પણ ઘેનમાં રહેવાય છે જે મુંબઈ શહેરમાં ઘાતક પુરવાર થઈ શકે છે. દાખલા તરીકે આવી દવા લેનાર વ્યક્તિ લોકલ ટ્રેનમાં લટકતી હોય કે બહારની બાજુ ઊભી હોય તો તેના માટે જોખમ વધી જાય છે.
નિદ્રાદેવીને રિઝવવા માટે યોગાસન, પ્રાણાયામ કે મેડિટેશન અથવા વ્યાયામનો સહારો લેવો વધુ ઇચ્છનીય છે. એ સિવાય બપોર પછી ચા-કૉફી જેવા પીણાંઓ ટાળવા જોઈએ. ઊંઘવાના સમય પહેલાં એકાદ કલાક પહેલાં જ મોબાઈલ ફોન કે અન્ય કોઈ પણ પ્રકારની સ્ક્રીનને બંધ કરી દેવી જોઈએ. આ બધી સ્ક્રીનમાંથી નીકળતાં કિરણો મન પર અને ખાસ કરીને ઊંઘ પર બહુ અસર કરે છે. ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આરામદાયક ઓરડામાં લાઈટ બંધ કરીને ધીમું અને મનને શાંત કરે એવું સંગીત સાંભળવાથી પણ લાભ થઈ શકે છે. જે પણ ઇષ્ટદેવ હોય તેનું નામ-સ્મરણ પણ મનને શાંત કરવા અને નિદ્રાદેવીના આગમન માટે લાભદાયક પુરવાર થઈ શકે છે.