Homeતરો તાજાક્રોધ તમને વહેલો સ્મશાન ભણી તાણી જાય છે

ક્રોધ તમને વહેલો સ્મશાન ભણી તાણી જાય છે

તન-દુરસ્તી મન-દુરસ્તી – ગીતા માણેક

સાધુ-સંતો અને ગુરુઓ ક્રોધ ન કરવો એવો ઉપદેશ વરસોથી આપતા આવ્યા છે, પરંતુ હવે મેડિકલ સાયન્સ તો કહે છે કે કારણ ગમે તે હોય વ્યક્તિ ક્રોધ કરે ત્યારે બીજાનું કંઈ બગાડી શકે કે ન બગાડી શકે પોતાના સ્વાસ્થ્યને જબરદસ્ત હાનિ પહોંચાડે છે.
અમેરિકાની જ્હોન હોપક્ધિસ હૉસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે દિવસભરમાં આપણે ગુસ્સો, હતાશા અનુભવતા રહીએ છીએ. આમ તો આપણી અંદર ફાઈટ ઓર ફ્લાઈટ એટલે કે સામનો કરો અથવા ભાગી જાઓ એ વૃત્તિ કુદરતી રીતે જ છે.
પ્રકૃતિએ આપણને એ વૃત્તિઓ એટલા માટે આપી છે કે આપણી સામે જોખમ આવે તો આપણે તેનો સામનો કરી શકીએ, પરંતુ નાની-નાની બાબતોમાં ક્રોધિત થઈને કે આવેશમાં આવીને આપણે શરીરની એ સિસ્ટમને ઉત્તેજિત કરતા રહીએ છીએ. જેને કારણે લાંબા ગાળે ન્યુરોહોર્મોનલ સિસ્ટમને અસર થાય છે.
ક્રોધ વ્યક્તિના હૃદયને કેવી રીતે અસર કરે છે એ સમજાવતા અમેરિકાની જ્હોન હોપક્ધિસ હૉસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ વિટસ્ટેન કહે છે કે ગુસ્સો હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓને હાનિ પહોંચાડે છે. હૃદયને જો તમે એક ઘરના રૂપે જુઓ તો ક્રોધને કારણે તમારા આ હૃદયરૂપી ઘરના પાઈપ, દરવાજા અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમને હાનિ પહોંચાડે છે.
મતલબ કે ક્રોધિત વ્યક્તિનું હૃદયરૂપી ઘર બહારથી અડીખમ લાગતું હોય પણ અંદરથી ખખડી ગયેલું હોય છે. વધુ વિસ્તારથી સમજાવતા કહે છે કે હૃદયની ઈલેક્ટ્રિકલ સિસ્ટમ એટલે હૃદયે ક્યારે અને કેટલું ધબકવાનું એ જણાવતી સિસ્ટમ ક્રોધને કારણે હૃદયના સ્નાયુઓને પણ સખત નુકસાન પહોંચે છે.
જો તમે હૃદયના રોગના દર્દી હો તો ક્રોધની થોડીક ક્ષણો પણ તમારા માટે જોખમકારક બની શકે છે.
ક્રોધ કરવાથી બ્લડપ્રેશર વધે છે, રક્તની નળીઓ સંકોચાય છે અને દાહક કોષનો સ્રાવ થાય છે જેને કારણે કોરોનરી આર્ટરીનો અંદરની દીવાલ ફાટી શકે છે. જો એને કારણે ગઠ્ઠો જમા થાય તો હૃદયને મળતો લોહીનો પુરવઠો અટકી શકે છે જેને કારણે હૃદયરોગનો હુમલો અને મૃત્યુ પણ થઈ શકે છે.
ક્રોધને કારણે મગજમાં જે ક્રિયાઓ થાય છે એને કારણે વ્યક્તિ ઘણી વાર ન કરવાનું કરી બેસતો હોય છે જેને માટે પછીથી તેને પસ્તાવાનો વારો આવે છે.
વારંવાર ક્રોધ કરવાથી વ્યક્તિ અનિદ્રાનો રોગી બની શકે છે અથવા તેની ઊંઘ ઓછી થઈ જાય છે. જેની અસર તેની યાદશક્તિ પર થાય છે એ ઉપરાંત તેની એકાગ્રતા પણ ઘટી જાય છે.
આપણી લાગણીઓ અને આપણા પેટને સીધો સંબંધ છે એ વાત હવે જગજાહેર છે.
ડૉક્ટરો કહે છે કે ક્રોધની લાગણીને લીધે વ્યક્તિના પાચનતંત્ર પર અસર પડે છે. એને કારણે ખોરાકમાંના પોષક તત્ત્વોને શોષી લેવાનું કાર્ય બરાબર થતું નથી અને ભૂખ લાગતી નથી.
ન્યૂયોર્કના એક અન્ય ડૉક્ટર ઓરલિ એટિન્જિન કહે છે કે આપણું જીઆઈ ટ્રેક અથવા પાચનતંત્ર સ્નાયુઓના ટિશ્યૂમાંથી બનેલું છે અને એમાં નસો છે.
ક્રોધને કારણે વધુ પડતી માત્રામાં એડ્રેનેલાઈનનો સ્રાવ થાય તો આંતરડાઓ વધુ ઝડપથી કામ કરવા માંડે છે જેને કારણે વીંટ આવવી, જુલાબ થવા વગેરે તકલીફો થાય છે. આવું થવાનું કારણ એ છે કે સ્નાયુઓ વધુ કાર્યરત થઈ
જાય છે.
અમેરિકાની યેલ સ્કૂલ ઑફ મેડિસિનના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. વિલીયમ બર્ગ કહે છે કે વ્યક્તિ જો પોતાના રૂટિનમાં થોડાક ફેરફાર કરે તો પણ ઘણી હાનિકારક સ્થિતિમાંથી બચી જઈ શકે છે.
ઋષિ કે સંતોની ભાષામાં વાત કરતા આ ડૉક્ટર કહે છે કે ધ્યાન, શ્ર્વાસોચ્છ્વાસ પર કામ કરવું અને રાતભર સારી ઊંઘ કરવાથી વ્યક્તિ પોતાના ક્રોધ પર નિશ્ર્ચિતપણે કાબૂ મેળવી શકે છે.
ટૂંકમાં, જે આપણા શાસ્ત્રો અને ગ્રંથોમાં કહેવાયું છે તેમ જ ઋષિ, મુનિઓ, ગુરુઓ અને સંતો કહેતા આવ્યા છે એ જ વાત હવે ડૉક્ટરો કહે છે કે સ્વસ્થ અને લાંબું જીવવું હોય તેમજ વહેલાસર સ્મશાને ન પહોંચવું હોય તો ક્રોધ આપણા પર કાબૂ મેળવે એ પહેલાં આપણે ક્રોધ પર કાબૂ મેળવવો જરૂરી છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular