Homeપુરુષહેં... શું કહ્યું?

હેં… શું કહ્યું?

તન-દુરસ્તી મન-દુરસ્તી – સોનલ કારિયા

કાનમાં ભરાવેલા ભૂંગળાઓ બહેરાશ આપી શકે છે!

એક જમાનો હતો જ્યારે ટ્રેન, બસમાં મુસાફરી કરતા હો તો મોટા ભાગના પ્રવાસીઓ અખબાર, મૅગેઝિન કે પુસ્તક વાંચતા જોવા મળતા, પરંતુ આજે માત્ર ટ્રેન, બસમાં જ નહીં પણ ઑફિસમાં, ઘરમાં, રસ્તે ચાલતા અને શૌચાલયમાં પણ લોકો કાનમાં ભૂંગળા એટલે કે ઇયરફોન્સ કે હેડફોન્સ પહેરેલા જોવા મળે છે. બે વર્ષ અગાઉ આ રોગ ફક્ત યુવાનોમાં જોવા મળતો હતો, પણ કોરોના કાળમાં આપણે બધા ઓનલાઇન મીટિંગ, વિડીયો કોલ, ઘરમાં પુરાયેલા હોવાને કારણે ટાઇમપાસ કરવા વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પર બિન્જ વોચિંગ કરવા માંડ્યા અને આ સિલસિલો હજુ પણ ઘણા અંશે ચાલુ જ છે ત્યારે ઇયરફોન્સ અને હેડફોન્સ જાણે આપણા શરીરનો એક હિસ્સો જ હોય એ રીતે આપણે વર્તવા માંડ્યા છીએ.
જોકે, ચોવીસ કલાકમાંથી છ-સાત કે દસ-બાર કલાક આ ભૂંગળાઓને કાનમાં ભરાવી રાખવાથી બહેરાશ આવવાની સંભાવના બહુ વધી જાય છે એવું બીએમજે ગ્લોબલ હેલ્થ જરનલમાં પ્રસિદ્ધ થયેલો અભ્યાસ કહે છે.
આ અભ્યાસનાં તારણો મુજબ વિશ્ર્વભરના એક અબજ યુવાનોને હેડફોન્સ અને ઇયરફોન્સના વધુ પડતા વપરાશને કારણે બહેરાશ આવી શકે એવી સંભાવના છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ ૨૦૫૦ની સાલ સુધીમાં દર ચારમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ નહીં તોય આંશિક બહેરાશ અનુભવતી હશે.
ઇએનટી- કાન,નાક, ગળાના નિષ્ણાત ડૉક્ટરો તો અત્યારથી જ કહી રહ્યા છે કે અમારી પાસે યુવાન વયના એવા દર્દીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે જેમને સાંભળવાની તકલીફ હોય. મોટા ભાગના કિસ્સાઓમાં આનું કારણ ઇયરફોન્સ, હેડફોન્સ ઉપરાંત ધમાલિયા મ્યુઝિકના કોનસર્ટ છે.
કાનના ડૉક્ટરો કહે છે કે ખાસ કરીને યુવાનો મોટા અવાજે સતત સંગીત સાંભળતા હોય છે. હેડફોન્સ કે ઇયર ફોન્સ વિના તેઓ આ રીતે ઊંચા અવાજે સંગીત સાંભળે તો ઘર કે ઑફિસ અથવા સાર્વજનિક સ્થાન પર લોકો તરત જ તેમને વોલ્યુમ ઓછો કરવા કહે છે અથવા કાનમાં ભૂંગળા ભરાવીને સાંભળવાનું કહે છે.
ડૉક્ટરો કહે છે કે એક તો હેડફોન્સ કે ઇયરફોન્સ સતત લાંબા સમય સુધી ન સાંભળવા જોઈએ. આ રીતે કાનમાં સંગીત સાંભળવું હોય તો એનો અવાજ ૭૦ ડેસિબલથી વધવો ન જોઈએ. જો આજની પેઢીએ બહેરાશથી બચવું હોય તો મ્યુઝિકના કોઈ પણ કાર્યક્રમમાં હાઈ વોલ્યુમ્સના સ્પીકર્સની બાજુમાં બેસવાનું ટાળવું જોઈએ. જ્યાં ધમાલિયું સંગીત વાગતું હોય એવી પાર્ટીઓમાં લાંબો સમય રહેવાથી પણ કાન પર તેની અસર આવી શકે છે.
હવે તો ફોનમાં આપણે વોલ્યુમ વધારીએ ત્યારે મોટા ભાગના સ્માર્ટફોન્સ આપણને ચેતવણી આપે છે કે અમુક હદથી વધારે વોલ્યુમ આપણા કાન માટે જોખમી છે. ડૉક્ટરો કહે છે કે આ ચેતવણીને ગંભીરતાથી લેવી જોઈએ અને એક મર્યાદાથી વધુ વોલ્યુમ પર હેડફોન્સ અને ઇયરફોન્સમાં મ્યુઝિક ન સાંભળવું જોઈએ.
આજકાલ તો નાના-નાના બાળકો પણ ઇયરફોન્સ અને હેડફોન્સ વાપરતા જોવા મળે છે. નાની ઉંમરના બાળકો આ રીતે સ્માર્ટફોન પર કે અન્ય ઇલેકટ્રોનિક સાધનો પર હેડફોન્સ, ઇયરફોન્સ કે ઇયરબડ્સથી મ્યુઝિક સાંભળે છે તેમનામાં બહેરાશ આવવાની સંભાવના વયસ્ક વ્યક્તિ કરતાં અનેકગણી વધારે હોય છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનું અનુમાન છે કે હેડફોન્સ અને ઇયરફોન્સ જેવાં અંગત હિયરીંગ સાધનોના વપરાશને કારણે અત્યારે વિશ્ર્વભરમાં કુલ તેતાલીસ કરોડ લોકો સંપૂર્ણ કે આંશિક બહેરાશ અનુભવી
રહ્યા છે.
આ બહેરાશનું કારણ મોટા ભાગે મોટા અવાજે મ્યુઝિક સાંભળવાનું જ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાનમાં ભૂંગળા નાખીને સાંભળનારાઓ મોટા ભાગે ૧૦૫ ડેસીબલ વોલ્યુમ રાખે છે જ્યારે વયસ્કો માટે એ ૮૦ ડેસિબલ અને બાળકો માટે ૭૫ ડેસિબલથી વધુ ન હોવું જોઈએ. આ રીતે નિયમિત કાનમાં ઇયરફોન્સ કે હેડફોન્સથી મ્યુઝિક સાંભળનારાઓએ પોતાના કાનની તપાસ કરાવતા રહેવું જોઈએ એવું ડૉક્ટરોનું કહેવું છે.
બીજા શબ્દોમાં કહીએ તો ઇયરફોન્સ અને હેડફોન્સ કે ઇયરપોડ્સનો વપરાશ આ રીતે જ ચાલુ રહ્યો તો એ દિવસ દૂર નથી જ્યારે બધા એકબીજાને પૂછતા હશે- હેં…..શું કહ્યું તમે? ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular