Homeતરો તાજાઆઈબીએસ: લાખ્ખો લોકો પાચનતંત્રની આ બીમારીથી પીડાઈ રહ્યા છે

આઈબીએસ: લાખ્ખો લોકો પાચનતંત્રની આ બીમારીથી પીડાઈ રહ્યા છે

તંદુરસ્તી-મનદુરસ્તી – ગીતા માણેક

આઈબીએસ એટલે કે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. આ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ એટલે કે આંતરડાની બીમારી છે. તબીબો કહે છે આધુનિક સમયમાં લાખ્ખો લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. આ ખાસ કરીને મોટા આંતરડા સંબંધિત બીમારી છે જેને કારણે દર્દીને ઘણી બધી તકલીફો ભોગવવી પડે છે અને તેનું દૈનંદિન જીવન પણ ખોરવાઈ જાય છે.
આ બીમારીનાં લક્ષણો દર્દી દીઠ અલગ-અલગ અને વત્તાઓછા પ્રમાણમાં હોઈ શકે છે, પરંતુ એનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.
– પેડુમા દુ:ખાવો અથવા તકલીફ થવી. સામાન્ય રીતે આઈબીએસના મોટા ભાગના દર્દીઓમાં આ લક્ષણ જોવા મળે છે. દર્દીઓ પેડુમાં અથવા પેટના નીચેના ભાગમાં દુ:ખાવો કે વીંટ આવતી હોવાની ફરિયાદ કરતા હોય છે.
– આઈબીએસના કેટલાંક દર્દીઓને વારંવાર જુલાબ થવા તો કેટલાંક સખત કબજિયાત તો કેટલાંકમાં આ બંને તકલીફો જોવા મળે છે. એટલે કે કેટલાક દર્દીઓને કોઈકવાર વારંવાર જુલાબ થવા તો કેટલાક દિવસોએ કબજિયાતની તકલીફ જોવા મળે છે.
– આ દર્દીઓમાંના ઘણાને ગેસની તકલીફ રહે છે. વધુ પડતી વાછૂટ થવાને લીધે આ દર્દીઓ અગવડતા અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે.
– આઈબીએસના કેટલાંક દર્દીઓના મળમાં ચીકાશ અને પેટ સાફ ન આવવું જેવી ફરિયાદો પણ કરતા હોય છે અને કેટલીકવાર હાજતે જવાની ઈચ્છા એટલી તીવ્ર હોય છે કે તેઓ એના પર કાબૂ રાખી શકતા નથી.
આઈબીએસ થવાનું ચોક્કસ કારણ શું છે એ કમ સે કમ આધુનિક તબીબી શાસ્ત્ર શોધી શક્યું નથી એવું એલોપેથિના ડૉક્ટરો કહે છે. જો કે મેડિકલ પ્રેક્ટિશનરો કહે છે કે અમુક બાબતો આઈબીએસ માટે કારણભૂત હોઈ શકે.
ડૉક્ટરો કહે છે કે આઈબીએસના દર્દીઓના આંતરડાંઓની દીવાલોનું આકુંચન અસામાન્ય રીતે થાય છે જેને લીધે આંતરડાઓમાં કાં તો બહુ ઝડપથી અથવા બહુ જ ધીમેથી ગતિ થાય છે. આંતરડાઓમાં સ્નાયુઓમાં વધુ પડતી ગતિ થવાને કારણે જુલાબ અને ઓછી ગતિ થવાને લીધે કબજિયાત થાય છે.
આઈબીએસના દર્દીઓના આંતરડા અથવા પાચનતંત્ર ખૂબ સંવેદનશીલ હોય છે. તેમને પેટનો દુ:ખાવો કે પેટમાં બેચેની થવાની માત્રા વધુ હોય છે. આને કારણે વાછૂટ કે મળ વિસર્જનની ક્રિયામાં વધુ તીવ્રતા જણાય છે.
માનવીનું પેટ કરોડો બેક્ટેરિયાનું નિવાસ સ્થાન છે. આ બેક્ટેરિયા પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પેટમાંના માઈક્રોબેક્ટેરિયામાં ફેરફાર થાય તો પણ આઈબીએસની ફરિયાદ થઈ શકે છે.
માનસિક કારણો ખાસ કરીને તનાવ, એન્કઝાઈટી અને આવી અન્ય માનસિક તકલીફો પાચનક્રિયાને પ્રભાવિત કરે છે. આઈબીએસ થવાનું મુખ્ય કારણ આ જ છે એવું કેટલાક તબીબો દાવાપૂર્વક કહે છે.
એલોપેથીના મોટાભાગના ડૉકટરો કહે છે કે આ બીમારીમાંથી સંપૂર્ણત: મુક્ત કરી શકે એવી કોઈ દવા નથી. જો કે આયુર્વેદ અને હોમિયોપેથિક તેમજ વૈકલ્પિક સારવાર કરનારાઓ આઈબીએસમાંથી મુક્ત થઈ શકાય છે એવા દાવાઓ કરે છે.
મોટાભાગના તબીબો કહે છે કે આઈબીએસમાંથી સંપૂર્ણ મુક્ત ભલે ન થઈ શકાતું હોય પણ એનાં લક્ષણોમાં ઘટાડો લાવી શકાય છે એના માટે ખાસ તો જીવનશૈલીમાં ફેરફાર લાવવો અત્યંત આવશ્યક છે.
ખાસ કરીને જે ખોરાક ખાવાથી આઈબીએસનાં લક્ષણોમાં વધારો જોવા મળતો હોય એનાથી દૂર રહેવું જોઈએ. આઈબીએસના દર્દીઓએ તીખા મસાલેદાર પદાર્થો, ચા-કોફી, શરાબથી તો દૂર જ રહેવું જોઈએ. તબીબો કહે છે કે આઈબીએસના દર્દીઓએ એકસાથે બહુબધું ખાવાને બદલે થોડા-થોડા સમયાંતરે થોડું-થોડું ખાવાનું રાખવું જોઈએ. આઈબીએસના દર્દીઓએ પ્રવાહીની માત્રા વધારે લેવી જોઈએ. નિયમિત વ્યાયામ અને માનસિક તનાવ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. આ દર્દીઓએ પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી હોય છે.
આ દર્દીઓમાં રોગનાં લક્ષણો પર કાબૂ મેળવવા જુલાબ પર નિયંત્રણ આવે એવી અને જેમને કબજિયાત હોય તેમના માટે વિરેચન દવાઓ આપવામાં આવતી હોય છે. અમુક કિસ્સાઓમાં માનસિક તનાવ ઘટાડવા એન્ટી-ડિપ્રેશન્ટ દવાઓ પણ આપવામાં આવતી હોય છે. જો કે આઈબીએસનાં લક્ષણો જોઈ દર્દીએ પોતે જ ટીકડીઓ ગળવાને બદલે ડૉક્ટરની સલાહ અનુસાર જ દવાઓ લેવી જોઈએ.
કેટલાક ડૉકટરો ખાસ કરીને વૈકલ્પિક સારવાર આપતા થેરપિસ્ટો પ્રોબાયેટિક, પેપરમિન્ટ ઓઈલ કેપ્સ્યૂલ આપતા હોય છે, પરંતુ આવી કોઈ દવાઓ જાતે જ નિર્ણય કરીને ન લેવી જોઈએ પણ જાણકાર તજજ્ઞની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ.
આ રોગના મૂળમાં માનસિક કારણો હોય છે એવું લગભગ બધા તબીબો સ્વીકારે છે. આને માટે માનસિક સ્વાસ્થ્ય માટેના નિષ્ણાતો કે થેરપિસ્ટની મદદ લઈ શકાય.
આઈબીએસના દર્દીએ ડૉક્ટર પાસેથી પૂરેપૂરી જાણકારી મેળવી આ રોગને મેનેજ કરતા શીખી લેવું જોઈએ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -