Homeવીકએન્ડવાત એવા ઉમેદવારોની જે મર્યા બાદ ઇલેક્શન જીતી ગયા!

વાત એવા ઉમેદવારોની જે મર્યા બાદ ઇલેક્શન જીતી ગયા!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

કાર્લ રોબિન ગેરી -ગ્રેરી અર્ન્સ્ટ -નિક બેગીચ -કાર્લ રોબિન ગેરી

ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી છે. તમે આ લેખ વાંચતા હશો ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું હશે. ૫ ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. ચૂંટણીઓનાં પરિણામ જે આવે તે, પણ આ સમયગાળા દરમિયાન આકાર લેતી ઘટનાઓ ઘણી વાર એટલી રોચક હોય છે કે એની ઉપર આખું એક પુસ્તક લખી શકાય. વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ખેલાતા દાવપેચ કે પછી સામેવાળાને બદનામ કરવા માટે ફરતી પત્રિકાઓ જેવી કેટલીય ઘટનાઓ માહોલને સતત ગરમ રાખતી હોય છે. આમ એ જ ઉમેદવાર જીતે, જે ચૂંટણીઓ પહેલાંની પરિસ્થિતિને પોતાની ફેવરમાં રાખવામાં પાવરધો હોય અને આ બધો ખેલ પાડવા માટે ઉમેદવારે દિવસ-રાત જોયા વિના સતત દોડતા રહેવું પડે છે. આમાં ઘણી વાર અણધારી ઘટનાય બની જતી હોય છે. દાખલા તરીકે ઉમેદવારનું મૃત્યુ. આજે એવા જ કેટલાક વિદેશી ઉમેદવારોની વાત કરવી છે, જેઓ ખુદ મતદાન થાય એ પહેલાં જ એક યા બીજાં કારણોસર સ્વર્ગે સિધાવી ગયા અને તેમ છતાં ચૂંટણીમાં જંગી બહુમત સાથે વિજયી પણ બન્યા હોય! એ વાત ઓર છે કે પોતાના મોત બાદ મળેલો આ વિજય માણવા માટે ઉમેદવાર પોતે હાજર નથી રહી શકતો!
કેલિફોર્નિયાનું ઓશનસાઈડ શહેર પોતાના નામ મુજબ પોતાના રમણીય દરિયાકિનારાઓ માટે જાણીતું છે. ૨૦૧૬ના વર્ષ દરમિયાન અહીં જબરી રાજકીય સ્થિતિ પેદા થઈ. થયું એવું કે શહેરની સુધરાઈમાં ખજાનચીની નિમણૂક માટે ચૂંટણી યોજાઈ. આપણે ત્યાં ચૂંટાયેલા નેતાઓ જ આ કામ કરે છે, પણ ઓશનસાઈડમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોએ જ સીધો ખજાનચી ચૂંટી કાઢવાનો હતો. આ ચૂંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં હતા. એક હતા ગેરી અર્ન્સ્ટ નામના સજ્જન અને એની સામે પડેલાં નડીન સ્કોટ નામનાં માનુની. હવે દરેક ચૂંટણીમાં એકાદ ઉમેદવાર પ્રત્યે મતદારોનો ઝોક વધુ જોવા મળતો હોય છે. અહીં પણ એવું જ હતું. ગેરીભાઈને લોકોએ ૨૦૧૦માં ઓલરેડી આ પદ માટે ચૂંટી કાઢેલા, પરંતુ ટર્મ પૂરી થયા બાદ તેઓ બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા હતા. લોકો ગેરીભાઈના કામથી ખુશ હતા અને એ પાછા ચૂંટાઈ જય એવી શક્યતાઓ હતી જ, પણ નસીબની બલિહારી જુઓ. ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું એના થોડા દિવસોમાં ગેરીભાઈની તબિયત લથડી. ૬૧ વર્ષના ગેરી અર્ન્સ્ટને ડાયાબિટીસ સહિતની કેટલીક શારીરિક સમસ્યાઓ હતી. પરિસ્થિતિ વણસી ગઈ અને ચૂંટણી થાય એ પહેલાં જ ગેરીભાઈ ઈસુને પ્યારા થઈ ગયા! હવે થયું એવું કે ચૂંટણીમાં બે ઉમેદવાર હતા, જે પૈકીનો લોકપ્રિય ઉમેદવાર મૃત્યુ પામ્યો. એટલે ગેરી સામે લડી રહેલાં નડીન સ્કોટ કે મન મેં લડ્ડુ ફૂટા! સ્કોટબહેનને બિચારાંને એમ કે આ તો સાવ ટાઢે પાણીએ ખસ ગઈ! લોકોને મત આપવા માટે એક જ જીવિત ઉમેદવાર છે, એટલે પોતાને મત આપ્યા સિવાય લોકોને છૂટકો જ નથી! એમણે તો ગેરીભાઈને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે લોકોને અપીલ પણ કરી દીધી, ગેરીભાઈની ગેરહાજરીમાં હવે હું એક જ જીવિત ઉમેદવાર છું, માટે તમારો કીમતી અને પવિત્ર મત મને જ આપી/અપાવી વિજયી બનાવો!
હવે ઓશનસાઈડ શહેરમાં ચૂંટણી વખતે આપણે ત્યાંની જેમ રિક્ષાઓ ફરે છે કે નહિ એની તો ખબર નથી, પણ જેરી કર્ન નામના એક કાઉન્સિલમેન સ્કોટની અપીલ સાંભળ્યા બાદ વગર રિક્ષાએ આખા શહેરમાં ફરી વળ્યા! એમણે લોકોને ચેતવતાં કહ્યું, ગેરીની ગેરહાજરીમાં એના દુશ્મનને ચૂંટી કાઢવા કરતાં બહેતર છે કે તમારો મત મૃત્યુ પામેલા લોકલાડીલા ગેરીને જ આપો! ફિર ક્યા થા! ગેરીભાઈ આમેય લોકપ્રિય હતા અને સ્કોટબહેનની છાપ બહુ સારી નહિ. એટલે લોકોએ ગેરીની ફેવરમાં મતપેટીઓ છલકાવી દીધી! અને આ રીતે ઇલેક્શન પહેલાં જ ગુજરી ગયેલા ગેરીભાઈ તોતિંગ બહુમતીએ જીતી ગયા! એ પછી પણ સ્કોટે કાઉન્સિલ આગળ માગણી કરી કે મતગણતરીમાં પ્રથમ ક્રમે રહેનાર વ્યક્તિ મૃત્યુ પામી હોવાથી દ્વિતીય ક્રમે રહેનાર વ્યક્તિને – એટલે કે સ્કોટને શહેરનાં ખજાનચી તરીકેની નિમણૂક આપવામાં આવે, પરંતુ સ્કોટબહેનની આ માગણી કાઉન્સિલે ઠુકરાવી દીધી અને પછી કોઈક બીજાને ખજાનચી બનાવવામાં આવ્યા.
ઈ. સ. ૧૯૭૨. અમેરિકાના અત્યંત લોકપ્રિય પ્રમુખ જોન એફ. કેનેડીની હત્યા (૧૯૬૩)ને લગભગ એકાદ દશકો વીતી જવા આવ્યો હતો. તેમ છતાં કેનેડીની હત્યા પાછળ ગૂંથાયેલા રહસ્યના તાણાવાણા વણઉકેલ્યા હતા. સરકારે કેનેડી હત્યાકેસની તપાસ માટે વોરન કમિશનની રચના કરેલી. આ કમિશનના તારણ મુજબ લી હાર્વે ઓસ્વાલ્ડ નામની વ્યક્તિએ ગોળી મારીને કેનેડીનું ઢીમ ઢાળી દીધેલું, પરંતુ અનેક રાજદ્વારીઓ સહિતના સંખ્યાબંધ લોકો આ તારણ સાથે અસહમત હતા. આ લોકોમાં એક નામ સામેલ હતું ડેમોક્રેટિક લીડર હેલ બોગ્સનું. બોગ્સ પોતે વોરન કમિશનમાં સામેલ હતા, તેમ છતાં તેઓ દૃઢપણે માનતા હતા કે કેનેડીને મારવામાં એકલા લી હાર્વે ઓસ્વાલ્ડનો હાથ નથી, બલકે કોઈક બીજા શખસે પણ કેનેડી પર ગોળી છોડેલી એટલું જ નહિ, બોગ્સના મતે કેનેડીની હત્યામાં બીજાં અનેક મોટાં માથાં સંડોવાયેલાં હતાં! ખેર, બોગ્સ પોતાની વાતો સાબિત કરે એ પહેલાં ચૂંટણીઓ આવી અને બોગ્સ ફરી એક વાર સંસદમાં ચૂંટાવા માટે ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણીપ્રચાર માટે અલાસ્કા જવાનું નક્કી થયું અને એ માટે બોગ્સે સેસના ૩૧૦ નામનું વિમાન હાયર કર્યું.
દિવસ હતો ૧૬ ઓક્ટોબર, ૧૯૭૨. બોગ્સના વિમાનમાં કુલ પાંચ વ્યક્તિઓ સામેલ હતી, જેમાં એક હતા સેનેટર અને ચૂંટણીપ્રચારક હેલ બોગ્સ. બોગ્સની સાથે હતા અલાસ્કામાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર નિક બેગીચ. વિમાનની મુસાફરી દરમિયાન કદાચ બન્ને રાજકારણીઓ કેટલા મતથી સીટ જીતીશું એ અંગે ચર્ચા કરતા હશે, પણ નસીબનો ખેલ કંઈક જુદો જ નીકળ્યો. અધ્ધર આકાશમાં કોણ જાણે શું બન્યું કે પ્લેન કંટ્રોલ રૂમના રડાર પરથી મિસ થઈ ગયું! પાંચ મહત્ત્વની વ્યક્તિઓને લઈને ઊડી રહેલું પ્લેન અચાનક ગયું ક્યાં? ચારેકોર તપાસ ચાલી. સવાત્રણ લાખ વર્ગ માઈલ જેટલા બહોળા વિસ્તારમાં સતત ૩૯ દિવસ સુધી તપાસ ચાલી. એ સમયે અમેરિકાના ઈતિહાસનું આ સૌથી મોટું અને નિષ્ફળ શોધખોળ અભિયાન હતું. પ્લેન સાથે કઈ ઘટના બની અને યાત્રીઓનું શું થયું, એ બાબત આજદિન સુધી રહસ્ય જ રહેવા પામી છે, પણ દિવસો સુધી લાપતા રહેવાને કારણે હેલ બોગ્સ અને નિક બેગીચને મૃત જાહેર કરાયા. કેનેડીની હત્યા હજી ઉકેલાઈ નહોતી, ત્યાં કેનેડી સાથે સંકળાયેલી એક ઓર દુર્ઘટનામાં બે ટોચના રાજકારણીઓ રહસ્યમય રીતે ગુમ થઈને મૃત જાહેર થયા હતા! સ્વાભાવિક રીતે જ નવી કોન્સ્પિરસી થિયરીઝ ચર્ચાવા લાગી. મોટા ભાગના લોકોને લાગ્યું કે કેનેડી કેસમાં આગળ વધી રહેલા હેલ બોગ્સનો કાંટો કાઢી નાખવામાં આવ્યો છે. સાથે નિક બેગીચ બિચારો નવાણિયો કુટાઈ મૂઓ! કેનેડી અને બોગ્સના મોત પાછળ જે જવાબદાર હોય એ, પણ એ વખતની ચૂંટણીઓમાં મૃત્યુ પામેલા ઉમેદવારો હેલ બોગ્સ અને નિક બેગીચ બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા! આ બન્ને ગુમ થયા અને દિવસો બાદ મૃત જાહેર થયા, એ વચ્ચે ચૂંટણીઓ થઈ ગયેલી. બાદમાં ફરી ચૂંટણીઓ યોજવી પડી, જેમાં બોગ્સની સીટ પરથી એની વિધવા જંગી લીડ સાથે ચૂંટાઈ આવી. (એક આડવાત, ભારતમાં પ્લેનમાં ઊડતા નેતાઓ અને પરિવારવાદ વિષે બહુ લમણાં લેવાં નહિ. વિદેશોમાં પણ એવું જ છે, જોયુંને?!)
ઘણી વાર એવું થાય છે કે સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિ અચાનક મૃત્યુ પામે અને એની ખુરસી લોલીપોપની જેમ કોઈ બીજી વ્યક્તિને મળી જાય. અમેરિકાના ટેનેસી રાજ્યના ટ્રેસી સિટીના મેયર એક દિવસ અચાનક પોતાની ઓફિસમાં મૃત્યુ પામ્યા. એ પછી એમની ખુરસી બાર્બરા બ્રોક નામક સન્નારીને આપવામાં આવી, પણ બે વર્ષના પોતાના શાસનકાળ દરમિયાન બાર્બરાબહેને ભારે કુખ્યાતિ મેળવી. પરિણામ એ આવ્યું કે ૨૦૧૦ની ચૂંટણીઓમાં લોકોએ નક્કી કરી લીધું કે બોસ, બહુ થયું, હવે જનતા માગે પરિવર્તન. બાર્બરાને કોઈ પણ હિસાબે ઘરભેગી કરી દો! બાર્બરા બ્રોક સામે ચૂંટણી લડી રહ્યા હતા કાર્લ રોબિન ગેરી નામના સજ્જન, પણ થયું એવું કે મતદાનનો દિવસ સાવ નજીક હતો ને ગેરીભાઈને આવી ગયો મેસિવ હાર્ટ એટેક. એટેક જીવલેણ નીવડ્યો અને મતદાન પૂર્વે જ ગેરીનું મૃત્યુ થયું. આ તરફ મતદારો બાર્બરાને કોઈ પણ હિસાબે કાઢવાના મૂડમાં હતા. એટલે ગેરીનું મૃત્યુ થયું હોવા છતાં લોકોએ ગેરીને પક્ષે કચકચાવીને મતદાન કર્યું! પરિણામે મૃતક ગેરી ભારે બહુમતી સાથે ઇલેક્શન જીતી ગયા! આમાં વિરલ બાબત એ હતી કે બાર્બરાને એક મૃતકને (ભૂતપૂર્વ મેયરને) કારણે મળેલી મેયરની ખુરસી, બીજા મૃતકને (કાર્લ રોબિન ગેરીને) કારણે ગુમાવવી પડી! છેને કમાલની વાત!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular