વાત એક અનોખા મેરેજ કોન્ટ્રેક્ટની!

ઇન્ટરવલ

હેડિંગ વાંચીને તમને ચોક્કસ જ એવું થશે કે મેરેજ કોન્ટ્રેક્ટ એ હવે કંઈ નવી વાત રહી નથી તો વળી અહીં કેવા અને કયા અનોખા મેરેજ કોન્ટ્રેક્ટની વાત થઈ રહી છે તો એનો જવાબ તમને આર્ટિકલના અંત સુધી તો મળી જ જશે…

દર્શના વિસરીયા-કવર સ્ટોરી

એક સમય હતો કે જ્યારે છોકરા-છોકરી એકબીજાને જોયા કે જાણ્યા વિના બસ વડીલોની ઈચ્છાને માન આપીને લગ્ન કરી લેતાં હતાં. ધીરે ધીરે તેમાં પરિવર્તન આવ્યું, જેમાં માતા-પિતા પોતાનાં સંતાનોની ઈચ્છા જાણીને લગ્ન નક્કી કરવા લાગ્યાં અને હવે આજના સમયમાં તો સંતાનોને તેમના લાઈફ પાર્ટનરની પસંદગી કરવાની તક મળી રહી છે… એવામાં પતિ-પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો મેરેજ કોન્ટ્રેક્ટ થાય તો નવાઈ થતી નથી, બરાબરને? પરંતુ આજે આપણે અહીં એક એવા મેરેજ કોન્ટ્રેક્ટ વિષે વાત કરવાના છીએ કે જે સોશિયલ મીડિયા અને લોકોમાં ચર્ચાનું કારણ બન્યો છે. મજાની વાત તો એ છે કે વર-વધૂનો આ કોન્ટ્રેક્ટ પર સાઈન કરતો વીડિયો પણ ખાસ્સો એવો વાઈરલ થઈ રહ્યો છે. ચર્ચાનું કારણ બનેલા આ કોન્ટ્રેક્ટમાં વર-વધૂએ લગ્ન બાદ શું કરવું અને શું ન કરવું એની મજેદાર યાદી તૈયાર કરવામાં આવી છે અને આ કોન્ટ્રેક્ટની સૌથી મહત્ત્વની ટોપ મોસ્ટ કન્ડિશન એ મૂકવામાં આવી છે કે દર મહિને એક પિઝા… આઈ નો હવે તમને આ કન્ડિશન વાંચીને થયું હશે કે આખરે દર મહિને એક પિઝા એ વળી છે શું? તો તમારી જાણ માટે આ શરત ૨૪ વર્ષીય નવવધૂ શાંતિ પ્રસાદ માટે… કારણ કે શાંતિને પિઝા ખૂબ જ પસંદ છે અને તે એકદમ પિઝા ફ્રિક છે એવું તેના મિત્રો અને પતિનું માનવું છે અને તે ગમે ત્યારે અને ગમે ત્યાં, ગમે એટલા પિઝા ખાઈ શકે એમ છે. શાંતિએ પોતાના પ્રેમી મિંટુ રાય સાથે ગુવાહાટી ખાતે પારંપરિક પદ્ધતિથી લગ્ન કર્યાં હતાં અને બંને જણ આસામનાં જ રહેવાસી છે.
શાંતિ અને મિંટુની ઓળખ પાંચ વર્ષ પહેલાં કોમર્સ ક્લાસમાં થઈ હતી. ધીરે ધીરે આ ઓળખ મિત્રતામાં બદલાઈ અને મિત્રતા પ્રેમમાં પરિણમી… ફેબુ્રઆરી, ૨૦૧૮માં પહેલી વખત મિંટુ અને શાંતિ ડેટ પર ગયાં અને એ ડેટ વિશે વાત કરતાં મિંટુ જણાવે છે કે ‘અમે અમારું લાસ્ટ લેક્ચર બંક કરીને પિઝા આઉટલેટ ગયા હતા, એ સમયે મને ખ્યાલ હતો કે શાંતિને પિઝા પસંદ છે અને તે હંમેશાં પિઝા વિશે જ વાત કર્યા કરતી હતી એટલે મેં તેને પિઝા ડેટ પર લઈ જવાનું નક્કી કર્યું. પછી તો અમે લોકો જ્યારે જ્યારે ડેટ પર જતા ત્યારે પિઝા ખાવા માટે જ જતા હતા, પરંતુ કોઈ પણ વસ્તુનો જ્યારે અતિરેક થવા લાગે ત્યારે તમે એ વસ્તુથી કંટાળી જાવ અને મારી સાથે પણ આવું જ થયું અને હું પિઝાથી કંટાળવા લાગ્યો. એક દિવસ મેં શાંતિને કહ્યું કે મને પિઝા ગમે છે, પણ રોજ ખાઈ શકું એટલા નહીં…’
આટલી સ્ટોરી વાંચીને તમને થયુંને કે આ તો લવ સ્ટોરીનો ધી એન્ડ આવી ગયો હશે… પણ એવું નથી. બંનેએ રિયલ લાઈફમાં એકબીજાને પોતાના ગમા-અણગમા સાથે સ્વીકારવાનો કૉલ આપ્યો હતો અને તે એમણે નિભાવ્યો પણ ખરો. વાતનો દોર પોતાના હાથમાં લેતાં શાંતિ જણાવે છે કે ‘મિંટુ મને હંમેશાં પૂછતો કે હજી કેટલા પિઝા ખાઈશ? ચાલને બીજું કંઈ ફૂડ ટ્રાય કરીએ… અમારી વચ્ચે ક્યારેય ખાવા-પીવાની બાબતને લઈને ઝઘડો નથી થયો (એટલીસ્ટ અત્યાર સુધી તો નથી જ થયો! હસતાં હસતાં કહે છે શાંતિ), પણ એ હંમેશાં એના મિત્રોને ફરિયાદ કરતો કે એને મન ન હોય તો પણ મારી સાથે પરાણે એને પિઝા ખાવો પડે છે અને તેને કારણે એને ત્રાસ થાય છે. અમારા ફ્રેન્ડ સર્કલમાં પિઝા અને મિંટુ એ બંને હંમેશાં જ મશ્કરીનો વિષય બની રહેતા.’
મિંટુ અને શાંતિના કોમન ફ્રેન્ડ અને આ અનોખા મેરેજ કોન્ટ્રેક્ટ પાછળ જેનું મગજ હતું એ રાઘવ જણાવે છે કે ‘શાંતિને પિઝા કરતાં મિંટુ જ વધારે ગમે છે, પણ મને એવું લાગે છે કે જો તેને ફ્રી ટાઈમ મળે કે તે ઊંઘમાં પણ પિઝાનો જ વિચાર કરતી હશે. અમે લોકો ૨૦૧૭થી સાથે છીએ અને અમારી મિત્રતા પણ એકદમ ગાઢ છે. અમારી આંખો સામે જ એમનો પ્રેમ પાંગર્યો છે, આ જ કારણ છે કે તેમનાં લગ્નના દિવસે કંઈક અલગ અને યાદગાર બનાવવાની અમારી ઈચ્છા હતી. બધા મિત્રોએ વિચાર કર્યો અને બંનેને જોડી રાખનારા આઠ મહત્ત્વના મુદ્દાઓની યાદી બનાવી, પણ આ બધામાં શાંતિ પિઝા ફ્રિક હોવાને કારણે અમે આ મેરેજ કોન્ટ્રેક્ટમાં આ કંડિશનને ટોપ પર રાખવાનું નક્કી કર્યું.’
કોન્ટ્રેક્ટમાં પિઝા સિવાય દર રવિવારે મિંટુએ શાંતિ માટે નાસ્તો બનાવવો, દર પંદર દિવસે તેણે શાંતિને શોપિંગ પર લઈ જવી અને પત્ની સાથે હોય ત્યારે જ તે નાઈટ પાર્ટીમાં જઈ શકે તો શાંતિ માટે પિઝા ખાવા પર નિયંત્રણ રાખવું જોઈએથી લઈને રોજ જિમ જવું, મિંટુને શાંતિ સાડીમાં વધારે સુંદર લાગે છે એટલે તેણે રોજ સાડી પહેરવી જેવી શરતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મિત્રો વચ્ચે શરૂ થયેલી આ નાનકડી મજાક જોતજોતામાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની ગઈ. લગ્નમાં ફોટોગ્રાફી કરનાર કંપનીએ પણ આ અનોખા કોન્ટ્રેક્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેને વધુ વાઈરલ કર્યો. અત્યાર સુધી કરોડો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવી ચૂક્યા છે.
‘અમે લોકો અમારાં લગ્નની તૈયારીઓમાં અને ત્યાર પછીનાં કામોમાં વ્યસ્ત હતા એટલે આ વીડિયો આટલો વાઈરલ થઈ ગયો છે એની જાણ અમને ત્રણ-ચાર દિવસ બાદ જ થઈ હતી. અમને સ્વપ્નેય વિચાર નહોતો આવ્યો કે આ વીડિયો આટલો વાઈરલ થઈ જશે. આજે પણ જ્યારે લોકો વીડિયો વિશે પૂછે છે ત્યારે મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. અમે લોકોએ આ કોન્ટ્રેક્ટને ફ્રેમ કરાવી લીધો છે, જેથી તેને ઘરની દીવાલ પર ટિંગાડી શકાય, પરંતુ મને શંકા છે કે શાંતિ લાંબા સમય સુધી કોન્ટ્રેક્ટની શરતોનું પાલન કરી શકશે…’ એવું વધુમાં જણાવે છે રાઘવ.
શાંતિ આ કંડિશન્સને ગંભીરતાથી લેતી જ નથી, છેલ્લા કેટલાક સમયથી વજન વધી રહ્યું હોવાની ફરિયાદ કરી રહી છે, પણ તેમ છતાં તે તેની પિઝા ખાવાની આદત પર નિયંત્રણ રાખી શકે એમ નથી. ક્યાંક ને ક્યાંક મિંટુ અને તેના મિત્રોનો આ ડર સાચો છે, કારણ કે બંનેનાં લગ્નને હજી બે અઠવાડિયાંનો જ સમય થયો છે અને હજી સુધી શાંતિએ બે જ વખત પિઝા ખાધા છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.