બેંગલુરુ: નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની જી૨૦ બેઠકમાં તેમના વીડિયો સંદેશમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે જી૨૦ ભારતીય અર્થવ્યવસ્થાની ગતિશીલતામાંથી પ્રેરણા મેળવશે અને વૈશ્ર્વિક સ્તરે સ્થિરતા, આત્મવિશ્ર્વાસ અને વૃદ્ધિ પાછી લાવવા માટે કામ કરશે. વડા પ્રધાને જળવાયુ પરિવર્તન અને ઊંચા દેવાના સ્તર જેવા વૈશ્ર્વિક પડકારોને પહોંચી વળવા બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અને કહ્યું હતું કે વિશ્ર્વની વસ્તી ૮ બિલિયનને વટાવી ગઈ હોવા છતાં, ટકાઉ વિકાસ લક્ષ્યો પરની પ્રગતિ ધીમી પડી રહી હોય તેવું લાગે છે.
વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા હજુ પણ રોગચાળા અને વ્યાપક ભૌગોલિક રાજકીય તણાવની અસરોથી પીડાઈ રહી છે તેનું અવલોકન કરીને મોદીએ કહ્યું કે આ વિકાસથી ઘણા દેશોની નાણાકીય સધ્ધરતા જોખમમાં આવી છે.
મોદીએ સભ્યોને વિશ્ર્વના સૌથી સંવેદનશીલ નાગરિકો પર તેમની ચર્ચાઓ કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્ર્વિક આર્થિક નેતૃત્વ એક સમાવિષ્ટ એજન્ડા બનાવીને જ વિશ્ર્વનો વિશ્ર્વાસ પાછો મેળવી શકે છે.
વડા પ્રધાને કહ્યું, “અમારી જી૨૦ પ્રેસિડેન્સીની થીમ આ સર્વસમાવેશક વિઝનને પ્રોત્સાહન આપે છે – એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય,” વડા પ્રધાને કહ્યું.
વડાપ્રધાને રજુ કરેલા અન્ય મુદ્દાઓમાં ડિજિટલ ફાઇનાન્સમાં અસ્થિરતા અને દુરુપયોગના સંભવિત જોખમને નિયંત્રિત કરવા માટે ધોરણો વિકસાવતી વખતે ટેક્નોલોજીની શક્તિનું અન્વેષણ કરવા ઉપર ભાર મુક્યો હતો. સાથે જ, ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં અત્યંત સુરક્ષિત, વિશ્ર્વસનીય અને કાર્યક્ષમ જાહેર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. અને ભારતીય ગ્રાહકોએ ડિજિટલ પેમેન્ટને કેવી રીતે અપનાવ્યું છે તેનો સહભાગીઓ અહીં પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે છે. ભારતને પોતાના અનુભવ વિશ્ર્વ સાથે વહેંચવામાં આનંદ થશે અને તે માટે જી૨૦ એક વાહન બની શકે છે, એમ તેમણે કહ્યું.
વૈશ્ર્વિક દેવાની નબળાઈઓ, યુરોપમાં ચાલી રહેલા યુદ્ધથી વિશ્ર્વની અર્થવ્યવસ્થા માટેનાં જોખમો અને રોગચાળાના પુનરુત્થાનની આશંકા તેમજ આઈએમએફ અને વિશ્ર્વ બેંકના સુધારાની ચર્ચા ભારતના પ્રમુખપદ હેઠળની પ્રથમ મોટી જી૨૦ બેઠક દરમિયાન કરવામાં આવશે, જે શુક્રવારે શરૂ થઈ હતી. ક્રિપ્ટો કરન્સીના નિયમન માટેના વૈશ્ર્વિક માળખાને લગતા મુદ્દાઓ કે જેના પર જી૨૦ દેશોના નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઓ દ્વારા ગુરુવારે પહેલેથી જ ચર્ચા કરવામાં આવી છે તે પણ મંત્રી સ્તરની બેઠક દરમિયાન આવી શકે છે. કુલ મળીને ૭૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ બેઠકમાં હાજર રહેશે.
(પીટીઆઈ)
ભારતીય અર્થતંત્રની ગતિશીલતામાંથી પ્રેરણા લો: પીએમ
RELATED ARTICLES