‘પઠાન’ને પારાવાર પ્રેમ કરનારા સિને રસિકોને જત જણાવવાનું કે ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને ઓસ્કર ઍવૉર્ડ એનાયત
થયો છે ત્યારે ‘નાટુ નાટુ’ના દસમા ભાગનું ગ્લેમર પણ નહીં ધરાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મોને સહર્ષ વધાવી લેજો
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ અને દિગ્દર્શક કાર્તિકી ગોન્ઝાલ્વિસ (ડાબે), નિર્માત્રી ગુનીત મોંગા
‘આપણે ભારતીય નિર્માણનો સૌ પ્રથમ ઓસ્કર જીત્યા છીએ. બે નારીએ એ કરી બતાવ્યું છે.’ સોશિયલ મીડિયા પર પ્રગટેલો આ મેસેજ જોતજોતામાં ચારેકોર ફરી વાળ્યો. કાર્તિકી ગોન્ઝાલ્વિસ અને ગુનીત મોંગાની ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને ઓસ્કર ઍવૉર્ડ મળ્યો અને એક રોનક આવી ગઈ. ભારતીય નિર્માણને આ સન્માન મળ્યું હોય એવો પહેલો પ્રસંગ છે. પરિવારના ઉપેક્ષિત સભ્યને ઝળહળતી સફળતા મળી છે. એ પરિસ્થિતિમાં હકીકતને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવતી અને નોન-ફિક્શન ફિલ્મ તરીકે ઓળખ ધરાવતી ડોક્યુમેન્ટરીની દુનિયામાં ડોકિયું કરવાની આપણી ફરજ બને છે. ‘આરઆરઆર’ના ‘નાટુ નાટુ (નાચો નાચો)ના ગ્લેમરથી અંજાઈ અભિભૂત થયેલા રસિકજનોએ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ કઈ દુનિયાનું ફરજંદ છે એ સુધ્ધાં જાણવું જોઈએ. ઓસ્કર ઍવૉર્ડના ઢોલ આખી દુનિયામાં પીટવામાં આવતા હોવાથી તેમ જ ટીવી અને અખબારોએ છાપરે ચડી વિજયની ચિચિયારી પાડી હોવાથી ગાંવ કા બચ્ચા બચ્ચા જાનતા હૈ કે ભારતીય ડોક્યુમેન્ટરીને પ્રતિષ્ઠિત ઍવૉર્ડ મળ્યો છે. હકીકત એ છે કે ઘરઆંગણે અત્યંત ઉપેક્ષિત (ભાગ્યે જ નાણાકીય પીઠબળ મળે છે અને જૂજ પ્રેક્ષકો જોવા જાય છે) એવી આ ડોક્યુમેન્ટરી ફિલ્મોને તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ્સી સરાહના, માન – અકરામ અને પ્રતિષ્ઠા મળી રહ્યા છે. આ જ વર્ષે શૌનક સેનની ‘ઓલ ધેટ બ્રિધિંસ’ (ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ) પણ ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. આવું નોમિનેશન મેળવનાર એ બીજી ભારતીય ફિલ્મ છે. ગયા વર્ષે સુષ્મિત ઘોષ અને રિંટુ થોમસની દલિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી સમાચાર સંસ્થા ખબર લહરિયા વિશેની ‘રાઈટિંગ વિથ ફાયર’ ઓસ્કર માટે નોમિનેટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. ઓસ્કર સિવાયના સન્માનમાં ‘ઓલ ધેટ બ્રિધિંસ’ને ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ મળ્યો હતો. પાયલ કાપડિયાની ‘અ નાઈટ ઓફ નોઇંગ નથીંગ’ને ૨૦૨૧ માટેનો બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો ઍવૉર્ડ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ મળ્યો હતો અને ૨૦૨૧માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મ પારિતોષિકથી સન્માનિત થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વનિક કૌરની ‘અગેઇન્સ્ટ ધ ટાઇડ’ને પણ પારિતોષિક એનાયત થયું હતું. વાસ્તવિકતાનું નિરૂપણ કરી ક્યારેક આંખ આડા રહેલા પડળને દૂર કરી વિશ્ર્વના વિસ્મયની દુનિયામાં લટાર મરાવતી આ ડોક્યુમેન્ટરી ફિલ્મોને કંકુ – ચોખાથી વધાવી આવકાર આપવાનો સમય પાકી ગયો છે એવું નથી લાગતું? વિદેશ પ્રવાસમાં ગ્લેમરસ નાયગ્રા ફોલને નીરખી એનાથી અભિભૂત થવામાં કશું ખોટું નથી, પણ એના જેટલું જ (કદાચ એનાથી વધુ) સૌંદર્ય ધરાવતા પણ ઓરમાયું વર્તનનો ભોગ બનેલા આપણા દેશના ધોધને નીરખી એના યથોચિત ગુણગાન પણ ગાવા જ જોઈએ ને. તો ચાલો ગ્લેમરસ ‘નાટુ નાટુ’ના વિજયના ઉન્માદમાં ઝૂમીએ પણ સાથે ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ એન્ડ કંપનીના ઓવારણાં લઈ થોડું એમને માટે પણ થીરકી લઈએ. કેવો સુંદર જોગાનુજોગ છે કે ભારતીય ડોક્યુમેન્ટરીને ઊંચું સન્માન પ્રાપ્ત થયું છે અને આવતીકાલે ઓસ્કર માટે સર્વપ્રથમ નોમિનેટ થયેલી ‘ધ હાઉસ ધેટ આનંદ બિલ્ટ’ (૧૯૬૮)ના સર્જક ફલી બિલીમોરિયાની જન્મશતાબ્દી છે. ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ના વિજયના આનંદમાં સહભાગી થઈ આપણા દેશમાં ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં વિશિષ્ટ પ્રદાન આપનાર શ્રી બિલીમોરિયા ઉપરાંત અન્ય બે સર્જક એસ. સુખદેવ અને આનંદ પટવર્ધનના યોગદાનને જાણવાનો પ્રયાસ કરીએ (જુઓ ફ્લેશબેક કોલમ). આશા રાખીએ કે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીત્યા પછી ભારતમાં ક્રિકેટ માટેના આકર્ષણમાં જે ભરતી આવી એવું જ કંઈક આ વર્ષના ઓસ્કર સન્માન પછી ઘરઆંગણેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બાબતે બને. થોડું સન્માનિત ડોક્યુમેન્ટરી અને એના મેકરો વિશે જાણીએ.
‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’:
૯૫મા એકેડેમી ઍવૉર્ડ (ઓસ્કર ઍવૉર્ડ)માં ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ની સફળતા ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ વિભાગમાં ભારતની પ્રથમ સિદ્ધિ છે. ફિલ્મનો પ્લોટ કંઈક આવો છે: તામિલનાડુના મુદુમલાઈ વ્યાઘ્ર પ્રકલ્પમાંથી એક પરિવાર ‘અનાથ’ મદનિયા દત્તક લે છે. તરછોડાયેલા બાળ હાથી અને તેની સારસંભાળ કરનાર વચ્ચે કેવો અતૂટ સ્નેહબંધન બંધાય છે એ કથાનું હાર્દ છે. આજના માનવ સમાજમાં દરેક સ્તરે ‘કંડિશન્સ એપ્લાય’ના દોર વચ્ચે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આ ડોક્યુમેન્ટરી બિનશરતી પ્રેમની લાગણીસભર કથાથી આપણા ભાવવિશ્ર્વ ભીંજવી લાગણીતંત્રમાં ઘંટારવ કરે છે. મનુષ્ય અને પ્રાણીપ્રેમ વચ્ચે કેવો અતૂટ નાતો છે એના પર ફરી એક વાર આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે.
અત્યારે ઇન્ટરનેટ – સોશિયલ મીડિયા પર ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ના નિર્માતા અને દિગ્દર્શક ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્ઝાલ્વિસ પર સતત પ્રશંસાનાં ફૂલોની વર્ષા થઈ રહી છે, આ બન્નેએ દેશને ગૌરવ તો અપાવ્યું જ છે પણ ડોક્યુમેન્ટરી મારફત એક અત્યંત મહત્ત્વ ધરાવતી વાત હૃદયને સ્પર્શી જાય એ રીતે કહી શક્યાં છે. નિર્માત્રી ગુનીત મોંગા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નોખું કરવા માગતી વ્યક્તિ તરીકે જાણીતી છે. દિલ્હીમાં ઉછરેલી ગુનીતે માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ‘મસાન’ તેમ જ ‘ધ લંચબોક્સ’ જેવી હટકે ફિલ્મોનું નિર્માણ કર્યું છે. પાડોશી પાસેથી પૈસા ઉછીના લઈ ગુનીતે આ ફિલ્મનું નિર્માણ કર્યું. ૨૦૧૯માં ગુનીતે પ્રોડ્યુસ કરેલી ‘પિરિયડ એન્ડ ઓફ અ સેન્ટેન્સ’ને પણ ઓસ્કર ઍવૉર્ડ મળ્યો હતો પણ એ અમેરિકન નિર્માણ હતું. અનુરાગ કશ્યપ સાથે ‘ગેંગ ઓફ વાસેપુર’માં પણ નિર્માણની જવાબદારી સંભાળી હતી. એકવીસમી સદીમાં બદલાઈ રહેલા ફિલ્મમેકિંગમાં ગુનીત મોંગાનું નામ સતત કંઈક નવું કરવા માંગતા પ્રોડ્યુસર તરીકે લેવાય છે. ડિરેક્ટર કાર્તિકી ગોન્ઝાલ્વિસ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર હોવાની સાથે ફોટો જર્નાલિસ્ટ તેમજ પ્રકૃતિ અને એના ઇતિહાસની અભ્યાસુ છે. દિગ્દર્શક તરીકે ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ તેની પ્રથમ ફિલ્મ છે. નિસર્ગ, વન્યજીવન અને એની સાથે સીધો નાતો ધરાવતા રહેવાસીઓની ફરતે કથા આકાર લે એવી ફિલ્મો કાર્તિકી બનાવવા માગે છે. પ્રકૃતિ
અને પ્રાણી પ્રેમ માટે તે પરિવારનો ઋણ સ્વીકાર કરે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે ‘મારી મમ્મીને પ્રાણીઓમાં વિશેષ દિલચસ્પી હતી. મારા પિતાશ્રી ફોટોગ્રાફર હતા અને મારાં દાદીમા શાળાનાં બાળકોને લઈ પ્રાકૃતિક સ્થળ ખૂંદવા નીકળી પડતાં.
આમ પ્રકૃતિ અને પ્રાણીનું પાયાનું જ્ઞાન મને ગળથૂથીમાં જ મળ્યું છે.’ કુદરતના સાનિધ્યમાં ઉછરેલી કાર્તિકી હાલ મુંબઈમાં રહે છે અને અત્યારે પશ્ર્ચિમના ઘાટમાં વાઘ – દીપડાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ત્રણ વર્ષની ઉંમરે પહેલીવાર અભયારણ્યની મુલાકાત લેનાર કાર્તિકીનો અત્યાર સુધીનો પ્રવાસ જાણ્યા પછી આ ડોક્યુમેન્ટરી ફિલ્મની ગુણવત્તા વિશે તમારા મનમાં કોઈ સંદેહ છે ખરો? નહીં જ હોય, ન જ હોવો જોઈએ. વરસ દરમિયાન હિન્દી – અંગ્રેજી ફિલ્મ જોતા રહેજો, પણ વચ્ચે ક્યારેક થોડો સમય ડોક્યુમેન્ટરીને પણ ફાળવી યુ ટ્યુબ કે ઓટીટી પ્લેટફોર્મ પર એ જરૂર જોજો. ફિલ્મો માટે પ્રેક્ષક માઈ – બાપ હોય છે અને કોઈ બાળક પ્રત્યે ભેદભાવ ન રાખવો એ પેરન્ટ્સનું કર્તવ્ય છે, હેં ને!