તવાંગ પછી ચીને તાઈવાનમાં લશ્કરી હિલચાલ વધારી
તવાંગમાં ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકોની સાથે અથડામણ કરવાના અહેવાલ વચ્ચે તાઈવાનમાં પણ ચીને આક્રમક વલણ દાખવ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના અહેવાલમાં જણાવ્યા મુજબ ચીનના કુલ 21 વિમાન તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે.
તાઈવાનમાં 2016ની ચૂંટણી પછી ચીને તેના પર લશ્કરી, રાજકીય અને આર્થિક દબાણ પણ વધાર્યું છે. છેલ્લા 24 કલાકમાં ચીને તાઈવાનની હવાઈ સીમામાં પરમાણુ ક્ષમતાવાળા 18 એચસિક્સ બોમ્બર એરક્રાફટ મોકલવામાં આવ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના અહેવાલ અનુસાર ચીનના કુલ 21 વિમાન તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે, જેમાં 18 ન્યુક્લિયર ક્ષમતાવાળા 18 બોમ્બર એરક્રાફ્ટ છે.
વાસ્તવમાં તાઈવાન એક અલગ સ્વતંત્ર રાષ્ટ્ર છે, જ્યારે ચીન તેને પોતાના હિસ્સાનો દેશ માને છે. એટલું જ નહીં, ચીન કોઈ પણ દેશના તાઈવાન સાથેના રાજકીય સંબંધોને નકારે છે. બીજી બાજુ તાઈવાનનું પોતાનું સંવિધાન છે અને અહીંયા લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર છે, પરંતુ તેની વચ્ચે તાઈવાનને નિરંતર ચીન દ્વારા હુમલાનો ડર સતાવી રહ્યો છે.