મેટિની

સમયને સમજવો સમજદારી છે, સમય પર સમજવો એ જવાબદારી છે !

અરવિંદ વેકરિયા

‘તુષારભાઈ, પહેલો અંક સેટ થઇ ગયો છે..’ મેં ફોન કરી તુષારભાઈને કહ્યું તો એમણે એક નિર્માતાની જેમ જવાબ આપ્યો : ‘સરસ ! હવે બીજો ને ત્રીજો અંક સેટ કરી નાટકને ધી એન્ડ’ લગાવી દો.’ મેં કહ્યું,

‘એ જ થશેને! મારી તો રિવાઈવલની ઇચ્છા નહોતી. હવે જયારે એ કામ હાથમાં લીધું છે તો પૂરું તો કરીશ જ ને?’

મને જરા ખરાબ તો લાગ્યું. બાકી તુષારભાઈ હંમેશાં નિર્માતા કરતાં મિત્ર જ વધારે રહ્યા છે. એમાં પાછું ભટ્ટ સાહેબે પોતાને મારા મિત્ર કહ્યા એટલે તુષારભાઈનો મારા ઉત્સાહ સામે એમનો જવાબ મને રંજ પહોંચાડી ગયો. ખેર! ઓગળી જવાની જવાબદારી માત્ર ખાંડની નથી હોતી, એમાં દૂધની ઉદારતા પણ ભાગ ભજવે છે. આજ તો છે સંબંધ સમજવાની વ્યાખ્યા. ભૂતકાળની અમારી વાતો અને વર્તણૂક ફિલ્મની રીલની
જેમ મારી નજર સામેથી પસાર થતા, ખાંડ-દૂધની વાત યાદ કરી મન મનાવી લીધું. પોતે એક-બે દિવસમાં પારડીથી મુંબઈ આવશે એમ પણ તુષારભાઈએ જણાવ્યું.

બીજા દિવસે મેં બીજો અંક સેટ કરવાનો શરૂ કર્યો. બે દિવસ પસાર થયા ને બીજો અંક પણ સેટ થઈ ગયો. હવે અંતિમચરણ રૂપે ત્રીજો અંક બાકી રહ્યો હતો. રાજેન્દ્ર શુકલે રહસ્ય એવું ઘેરું બનાવ્યું હતું, જે ‘છાનું છમકલું’ મા મને એવું નહોતું લાગ્યું. જો કે જે કોમેડી અમે ચુક્યા હતા એ જયંત ગાંધીનાં જોક્સે પૂરી કરી નાંખી હતી. આ સાંભળી પ્રેક્ષકો પેટ પકડીને ખડખડાટ હસશે એવું મારું માનવું હતું. આમ તો પતિ-પત્ની ઔર વોહ જેવી વાત બની હતી. અહીંયા ‘વોહ’ ને બદલે એક ‘કોલગર્લ’ હતી. મેં વળી બંને નિર્માતાને વિદિત કર્યા કે બે અંક સેટ કરી લીધા છે. તુષારભાઈ એ દિવસે જ એમના સાસરે માટુંગા આવી ગયા હતા. ભટ્ટ સાહેબની તબિયત બે દિવસ બરાબર નહોતી રહી, પણ આજે બંને નિર્માતા રિહર્સલમાં આવશે એવું એમણે ફોન પર જણાવ્યું.

ફરી એ જ સાંજ- એ જ ફાર્બસ હોલ. આજે ત્રીજો અને અંતિમ અંક સેટ કરવાની મારે શરૂઆત કરવાની હતી. બધા આવી ગયા એટલે મેં કલાકારો પાસે બંને અંક કરાવ્યા જે તુષારભાઈ તો બરાબર, પણ ભીષ્મપિતામહ અને રંગભૂમિ સાથે જેમને વધારે લગાવ એવા ભટ્ટસાહેબ તરફથી કોઈ નાનો-મોટો ફેરફાર કરવાના સૂચનો મળે, એવી એક ઇચ્છા ખરી.!

બંને અંકના સંવાદ, એકાદ-બે અપવાદને બાદ કરતાં બધાને યાદ હતા. ભટ્ટ સાહેબે સૂચનને બદલે અભિનંદન આપતા કહ્યું :
‘સરસ બનાવ્યું છે , દાદુ!’ નાટકનો રસ જળવાઈ રહે છે ખાસ તો નાટકની પકડ ક્યાય ઢીલી નથી પડતી.

‘મેં કહ્યું, હા, કરેલું’ પાછું કરીએ છીએ- જોઈએ કેવો આવકાર મળશે.’ તુષારભાઈ બોલ્યા, ‘હવે એ વાત વારંવાર સાંભળીને બોર થવાય છે.’
ભટ્ટ સાહેબ: હવે હકારાત્મકતા રાખો. જે મળવાનું હોય એ ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય. આ પણ સારું જ નીવડશે. મારા જેવા વયસ્કને આટલું ગમે છે તો આવનારા પ્રેક્ષકો જરૂર આવકારશે’.

ભટ્ટ સાહેબની વાત મને બહુ સમજાણી નહીં, પણ મને પોરસ જરૂર ચડાવી ગઈ. ભટ્ટ સાહેબ હતા એટલે બે અંક પુરા થતા નાસ્તા-પાણીનો બ્રેક થયો. એ પછી ‘મને કહે,’ હવે આપણે ત્રીજો અંક સેટ થઇ જાય પછી મળીશું. હું જરા તાજોમાજો થઈ જાવ પછી આપણે જી.આર. અને ‘રિલીઝ માટે વાત કરીશું.’ બધાની વિદાય લેતા, બધાને અભિનંદન આપતા એ ગયા. મેં ત્રીજો અંક સેટ કરવાના શ્રી-ગણેશ કર્યા.

હું ખરા દિલથી ત્રીજો અંક સેટ કરવા માંડ્યો.. ત્રીજા અંકનો પહેલો સીન તો પલકવારમાં સેટ થઇ ગયો. આમ પણ કલાકારોને માત્ર ‘ટચ-વર્ડ’ જ પૂરતો હતો, કારણ એક તો એમનું ‘હોમ વર્ક’ દેખાતું હતું, અને સંવાદોમાં હાથી-ઘોડાનાં કોઈ ફેરફાર નહોતા. આગળ કરેલું જ લગભગ બોલવાનું હતું.

તુષારભાઈ મને કહે: ’ દાદુ, ખરી મહેનત કરો છો તમે. પહેલા આટલી જ કરેલી?’

આ સવાલ એમણે હસતા-હસતા જ પૂછેલો, પણ મને જરા આકરો લાગ્યો. મેં કહ્યું : ‘જયારે હું કામ કરું છું, ત્યારે પૂરી જવાબદારી સાથે જ કરું છું. સમયને સમજવો સમજદારી છે, સમય પર સમજવો એ જવાબદારી છે.’

મને પીઠ પર ધબ્બો મારતા કહે: ‘તમને ખોટું તરત લાગી જાય છે.’

મેં કહ્યું: ‘તમે બોલ્યા જ એવું. પહેલી વખત ભલે તમારા પૈસા લાગેલા પણ એ વખતે મારી મહેનત અને નામ પણ જોડાયેલા. કોણ પોતાનું નામ હીણું થાય એમ ઈચ્છે?’
મનમાં મને જરા ગુસ્સો આવ્યો. પછી યાદ આવ્યું કે ક્રોધ એ હવા છે જે તમારી બુદ્ધિના દીવાને ઓલવી નાખે એટલે વાત વધુ સિરિયસ ન થવાય મેં બધા કલાકારોને સાંકળી લઈ આખી વાતને હસી કાઢી. એ પછી ત્રીજા અંકનો બીજો સીન સેટ કરી બંને સીન ફરી બે-વાર કર્યા.

સમય ઘણો થઇ ગયો હતો. ફાર્બસ હોલનાં કેર-ટેકર પણ બે વાર બંધ કરવાનું કહી ગયા. એટલે છેલ્લો સીન બીજા દિવસે સેટ કરવાનું નક્કી કરી બધા માટે ‘પેક-અપ’ જાહેર કરી દીધું.
થોડી ગપસપ કરી બધા છુટા પડ્યા. છુટા પડતા પહેલાં તુષારભાઈએ
કહ્યું : ‘હવે હું અહીંયા જ છું. સિલીઝ થયા પછી પારડી ચક્કર મારીશ.’
પછી નાટકની વાત ઉપર એમણે રમૂજ કરી જે મને ખૂબ ગમી. નાટકમાં પતિ-પત્ની અને કોલગર્લની ત્રિકોણી વાર્તા હતી.

તુષારભાઈ મને કહે: ‘દાદુ, કહેવાય છે કે પતિ અને પત્ની બંને સાઇકલનાં બે પૈડા જેવા હોય છે, તો એમાં એક પૈડું કોલગર્લનું ઉમેરીને રિક્ષા બનાવી શકાય?’
મેં કહ્યું: ‘હવે અસલી તુષારભાઈ દેખાયા’. અને અમે ખડખડાટ હસ્યા. મેં ટકોર પણ કરી કે તમે જયંત ગાંધીની બુક વાંચી લાગે છે.’
હવે, બસ! કાલે ત્રીજો અંક સેટ થઇ જાય એટલે રીવાઈવલ-ગાથા’ પૂરી. આમ પણ ત્રીજો અંક નાનો હતો એટલે મને પૂરી આશા હતી કે આવતી કાલે સાંજે ‘વાત મધરાત પછીની’ નાટક આખું તૈયાર થઇ જશે…


હું સફરમાં છું તેમ એક સફર મુજમાં પણ છે, એક ડગર બહાર છે. એક ડગર મુજમાં પણ છે. ..માન્યું, ઘર રાતભરનું એક ઠેકાણું છે, બીજું શું?, બે ઘડી વિચારું છું કે કોઈ ઘર મુજમાં પણ છે.

રાત્રે બેંકમાંથી ફોન આવ્યો :
‘હું બેંકમાંથી કવિતા બોલું છું.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…