ધર્મતેજ

“અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!

જીવનનું અમૃત -ભાણદેવ

નારીજીવનની સૌથી મોટી વિટંબણા કઈ? નારીજીવનની સૌથી મોટી વેદના કઈ? નારીજીવનનો સૌથી મોટો પરિતાપ કયો?

ચારિત્ર્ય પર ખોટો આક્ષેપ!

પવિત્રતા જ દેહ ધારણ કરીને આવી હોય તેવાં ભગવતી સીતા પર આવો સર્વથા અસત્ય આક્ષેપ!

ભગવતી સીતાને દુ:ખ થાય છે, સંતાપ અનુભવાય છે. તેમના માટે હવે અયોધ્યાના રાજમહેલમાં જીવવું અકારું-અકારું થઈ પડ્યું છે. સીતાજીની આ વેદના કોણ સમજે? ભગવાન શ્રીરામ જ સમજે અને તેમના વિના બીજા કોઈ ન સમજી શકે – ન અનુભવી શકે!

ભગવાન શ્રીરામે જોયું કે ભગવતી સીતાજી માટે હવે રાજમહેલમાં જીવવું સુખકારક નથી, દુ:ખદાયી છે!

કોઈક કારણસર, સ્વેચ્છાએ કે આધ્યાત્મિક જીવન જીવવા માટે રાજપરિવારના સભ્યો અરણ્યમાં જાય અને આશ્રમજીવનનો સ્વીકાર કરે તેવી પ્રાચીન ભારતની પરંપરા રહી છે.

ભગવતી સીતા આ અકારણ અને અનિચ્છનીય માનસિક સંતાપમાંથી મુક્ત થાય તેવી શુભ ભાવનાથી શ્રીરામ ઈચ્છે છે કે હવે ભગવતી સીતાજી આ રાજમહેલમાં વસવાને બદલે ભલે વાલ્મીકિજીના આશ્રમમાં વસે અને ત્યાં રહે. ભગવાન શ્રીરામે પોતે જ સીતાજી પ્રત્યેના પ્રેમ અને સદ્ભાવથી પ્રેરાઈને તેમને વાલ્મીકિજીના આશ્રમમાં રહેવાનું સૂચવ્યું અને પોતે જ ત્યાં રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી.

આ સીતાજીનો ત્યાગ નથી. આ તો રાજમહેલના વાતાવરણને કારણે નિવાસ-પરિવર્તનની સુખદ ઘટના છે, સદ્ભાવયુક્ત નિવાસ-પરિવર્તનની ઘટના બની છે તેમ સમજવું જોઈએ.

ભગવાન શ્રીરામે ભગવતી સીતાજી પ્રત્યે સ્નેહ અને સદ્ભાવથી પ્રેરાઈ સીતાજી માટે આ વ્યવસ્થા કરી છે, આ પરિવર્તન કર્યું છે. આ ઘટના સીતા-ત્યાગની ઘટના નથી જ નથી!

ભગવાન શ્રીરામ સીતા પ્રત્યે કેવો ભાવ ધારણ કરે છે?

  1. સીતાજીના હરણ વખતે ભગવાન શ્રીરામ અપરંપાર રુદન કરે છે અને ઉન્મત્તની જેમ પ્રલાપ કરે છે.

ભગવાન શ્રીરામનો સીતા પ્રત્યેનો પ્રેમ અત્યંત ગહન, ઉદાત્ત અને અલૌકિક છે, તો કોઈકના અસત્ય વિધાનથી ભગવાન શ્રીરામ સીતાજીનો ત્યાગ શા માટે કરે?

  1. ભગવાન શ્રીરામ સાદ્યંત અને પૂર્ણત: ન્યાયપ્રિય રાજવી છે. તેઓ સીતાજીનો ત્યાગ કરે એ તો સીતાજીને ઘોર અન્યાય છે. આવો અન્યાય ભગવાન શ્રીરામ કદી ન કરે – ન જ કરે!
  2. ભગવાન શ્રીરામ કોમળ હૃદયના અને કરુણાર્દ્ર છે. સીતાજીનો ત્યાગ કરવા જેવું અતિ કઠોર પગલું ભગવાન શ્રીરામ કદી ન ભરે!
  3. સીતાજી માટે ભગવાન શ્રીરામે કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે! સીતાજીની શોધ, સેતુબંધનું નિર્માણકાર્ય, રામ-રાવણ-યુદ્ધ આદિ ભારે મોટા પુરુષાર્થ સીતાજીને પુન: પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રીરામે પ્રાપ્ત કર્યા છે, તે જ સીતાજીનો ત્યાગ ભગવાન શ્રીરામ શા માટે કરે? આવું અન્યાયપૂર્ણ, કઠોર અને સ્વભાવ-વિપરીત પગલું ભગવાન શ્રીરામ કદી ભરી શકે નહીં.

હવે એક પ્રશ્નનો ઉત્તર આપવાનું બાકી રહે છે.

ભગવતી સીતાજી વાલ્મીકિના આશ્રમમાં રહે છે. મહાકવિ વાલ્મીકિજી રામાયણ'ના માત્ર રચયિતા જ નથી, પરંતુરામાયણ’નું એક પાત્ર પણ છે. તેઓ સત્ય હકીકત જાણતા જ હોય, જો આમ હોય તો વાલ્મીકિજીએ સીતાત્યાગની ઘટનાનું કથન `રામાયણ’માં શા માટે કર્યું છે?

વાલ્મીકિય રામાયણ' ઈતિહાસગ્રંથ નથી અને સીતા-રામનું જીવનચરિત્ર પણ નથી.રામાયણ’ આધ્યાત્મિક મહાકાવ્ય છે અને આધ્યાત્મિક સત્યોની કથાના માધ્યમથી અભિવ્યક્તિ માટે મહાકવિએ મૂળ કથામાં આવશ્યક પરિવર્તનો કર્યાં છે. આવું જ પરિવર્તન નહીં સીતાત્યાગની ઘટનામાં પણ થયું છે.

સીતાત્યાગની ઘટના સમજવી ઘણી કઠિન છે. જેમના સ્પર્શથી પવિત્રતા વધુ પવિત્ર બને તેવી સીતાનો ત્યાગ! જેમણે અગ્નિપરીક્ષા દ્વારા પોતાની પરમ પવિત્રતા સિદ્ધ કરી છે તેવાં સીતાનો ત્યાગ! જેમની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીરામે રાવણ જેવા મહાસમર્થ અસુર સાથે યુદ્ધ કર્યું છે, જેમના વિયોગમાં ભગવાન શ્રીરામ ચોધાર આંસુએ રડ્યા છે, જેમણે રામ માટે વનવાસમાં કષ્ટો વેઠ્યાં છે અને લંકામાં અપરંપાર કષ્ટો વેઠ્યાં છે તે સીતાનો ત્યાગ! અને તે પણ કલંકના આરોપ માટે! અને એક ધોબીના કહેવાથી! શ્રીરામ આમ કદી કરે? પરમ વિવેકવાન પુરુષ ભગવાન શ્રીરામ સીતાજીનો ત્યાગ કરે? આવું અન્યાયયુક્ત અને અવિવેકી કાર્ય તેઓ કરી શકે?

રામભક્તોનાં મનમાં પણ આ ઘટના વિશે અસમાધાન રહ્યા કરે છે. સમાજશાસ્ત્રીઓ અને પંડિતોએ આ ઘટનાની યોગ્યતા-અયોગ્યતા વિશે અપરંપાર ચર્ચા-વિચારણા કરી છે. સદીઓથી આ ઘટનાની યોગ્યતા-અયોગ્યતા વિશે વિવાદ-સંવાદ-પરિસંવાદ ચાલ્યા જ કરે છે.

આ ઘટનાને એક સ્થૂળ બહિરંગ ઐતિહાસિક ઘટના તરીકે જ લઈએ, તો તેનો અર્થ કદી સમજી શકાય તેમ નથી. એક બાહ્ય ઘટના તરીકે આ પ્રસંગની સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ જ નથી. તેથી આપણે આ ઘટનાના સૂક્ષ્મ અર્થ તરફ, સાંકેતિક અર્થ તરફ ધ્યાન આપવું જોઈએ.

પારમાર્થિક દૃષ્ટિથી રામ અને સીતા પરમેશ્વર અને પરમેશ્વરી છે. બંને એકમેવ અદ્વિતીય પરમ તત્ત્વનાં જ પાસાં છે. તે ભૂમિકાએ સીતાનો ત્યાગ નથી. તે ભૂમિકાએ તો શાશ્વત મિલન છે – પરમ મિલન છે.
પરંતુ જ્યારે આ પરમ ચેતના – પરમાત્મા માનવસ્વરૂપે અવતાર ધારણ કરે છે, ત્યારે દ્વૈતની ભૂમિકાનો પ્રારંભ થાય છે. આ દ્વૈતની ભૂમિકા પર આ પૃથ્વીલોકની લીલામાં પરમાત્મા આતમરૂપે આવે છે અને તેમની અભિન્ન શક્તિ પ્રકૃતિરૂપે આવે છે. દ્વૈતની ભૂમિકા પર પુરુષ અને પ્રકૃતિ બે ભિન્ન તત્ત્વો છે.

પુરુષ અને પ્રકૃતિનાં સ્થાન, ગતિ, નિયતિ અને સ્વરૂપ ભિન્ન-ભિન્ન છે. પુરુષ-પ્રકૃતિના સંબંધમાં તો આખરે પુરુષને પ્રકૃતિનો ત્યાગ કરવો જ પડે છે. પુરુષ સ્વરૂપત: એકાકી છે. પુરુષને પ્રકૃતિનો સંગાથ કાયમી નથી. આખરે પ્રકૃતિનો ત્યાગ કરવો તે પુરુષની નિયતિ છે. બંનેના પંથ જુદા છે. પકૃતિરૂપી સીતા ધરતીની પુત્રી છે અને તે ધરતીમાં જ સમાઈ જાય છે. એ જ તેની નિયતિ છે.

પુરુષ સાથે પ્રકૃતિનું સાંનિધ્ય પુરુષ અર્થાત્‌‍ આતમરામના પરમ પદ પર આરોહણ અર્થાત્‌‍ રાજ્યાભિષેક સુધી જ છે, તેજી રાજ્યાભિષેક પછી સીતાનો ત્યાગ એક સ્વાભાવિક આધ્યાત્મિક ઘટના છે.

અયોધ્યાના રાજા શ્રીરામે અયોધ્યાનાં મહારાણીનો એક ધોબીના કહેવાથી ત્યાગ કર્યો – આ એક સ્થૂળ, ઐતિહાસિક ઘટના છે. પરમ પદ પર આરોહણ કર્યા પછી આતમરામે પ્રકૃતિનો ત્યાગ કર્યો, તે આ ઘટનાનો સૂક્ષ્મ, સાંકેતિક, આધ્યાત્મિક અર્થ છે. `રામાયણ’ વિશુદ્ધ ઈતિહાસ નથી કે માત્ર વાર્તા પણ નથી, પરંતુ આધ્યાત્મિક મહાકાવ્ય છે. તદ્નુસાર સૂક્ષ્મ, સાંકેતિક, આધ્યાત્મિક અર્થને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
સીતાત્યાગની ઘટનાને આ દૃષ્ટિથી જોઈએ તો કોઈ સમસ્યા નથી, કોઈ વિવાદ નથી.

આમ રામે સીતાનો ત્યાગ કર્યો, તે એક આધ્યાત્મિક ઘટના છે. ઐતિહાસિક દૃષ્ટિથી વિચાર કરીએ તો રામે સીતાનો ત્યાગ કર્યો જ નથી. હા ભગવાન શ્રીરામે ભગવતી સીતા માટે વાલ્મીકિજીના આશ્રમમાં શાંતિથી રહેવાની વ્યવસ્થા ગોઠવી, તે હકીકત સાચી છે અને તે ઐતિહાસિક ઘટના છે.

તમે મને પૂછશો કે તમે શાને આધારે આ પ્રમાણે કહો છો? આધાર તો હોય છે અને છે જ! પરંતુ બધા આધાર બધા સમયે પ્રગટ કરી શકાય તેમ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral