વીક એન્ડ

એક્સિડન્ટ

ટૂંકી વાર્તા -માવજી મહેશ્ર્વરી

ઘણા દિવસોના ઉકળાટ પછી આકાશ ઘેરાયું. વાદળાના ઘટ્ટ ઘર એકદમ નીચે આવી ગયા હતા. પવન પડી ગયો હતો. હવામાં કોઇ ઘેરી ઉદાસી ફેલાતી જતી હતી. આજે વરસાદ તૂટી જ પડશે એવું લાગતું હતું. રૂપલે ઉપરના રૂમની બારી ખોલી.

આ બારી રૂપલનું લાઇવ ટીવી હતું. જ્યારથી તે આ મકાનમાં આવી છે, મતલબ તે અને ગૌતમ અહીં રહેવા આવ્યા છે ત્યારથી, આ બારીનું તેને રીતસર વ્યસન થઇ પડ્યું છે. આમ તો આવું મકાન નાના એવાં શહેરમાં મળવું મુશ્કેલ હતું. પણ, ગૌતમની ઊંચા પગારવાળી નોકરીને કારણે શહેરના છેડે આવેલી સોસાયટીમાં સગવડોવાળું સુંદર મકાન મળી ગયું હતું. ગૌતમની ફેકટરી શહેરથી પચીસેક કિલોમીટર દૂર હતી. ગૌતમ સવારે કાર લઇને નીકળી જતો અને સાંજે આવતો. એ વચ્ચેનો નવરાશનો સમય પસાર કરવા માટે રૂપલને આ બારી ગમી ગઇ હતી. એણે બરાબર બારી નીચે જ એક સેટી મુકાવી હતી. તે સેટી પર પલાંઠીવાળીને બેસી જતી અને બારી બહાર જોયા કરતી. બારીમાંથી દેખાતા દશ્યો બદલાતા રહેતા. શહેરને ફરતે બનાવેલા રીંગ રોડ પરથી સતત પસાર થતા વાહનો, સિમેન્ટની ફેકટરીએથી વળતા મજૂરો, બકરીઓના ટોળા, ક્યારેક કોઇ નનામી લઇ જતા કે પાછા વળતા ડાધૂઓ. આવું કંઇ કેટલુંય દેખાતું. એ તરફ એક જૂનું તળાવ પણ હતું. સાંજે મોટા ભાગે યુવાન છોકરા-છોકરીઓ એકાંતનો લાભ લેવા આવતાં. પાળ પર બાઇક પાર્ક કરીને એકમેકને અડીને બેઠેલા છોકરા-છોકરીઓના આકાર જોઇ ક્યારેક રૂપલ ઉદાસ થઇ જતી. સોસાયટીના મોટાભાગના મકાનોમાં હજી કોઇ રહેવા આવ્યું ન હતું. એના ઘેર ખાસ કારણ સિવાય કોઇ આવતું- જતું નહીં. ઘરમાં રૂપલ અને ગૌતમ બે જ. એટલે રૂપલ સાંજે ગૌતમની કારનું હોર્ન વાગે નહીં ત્યાં સુધી બારી પાસે બેસી રહેતી. ક્યારેક બારીના દશ્યો એને અકળાવતાય ખરા. ક્યારેક હાઇવે પર પસાર થતી ટ્રકનો અવાજ ડરાવી જતો. એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ જતું. આવું થાય ત્યારે તે સેટીને સામેની ભીંત પર મૂકેલી મોટી તસવીરને જોવા માંડતી. ગૌતમને યાદ કરતી. પણ કેમેય ગૌતમનો ચહેરો ઉપસતો નહીં. એક જુદો જ ચહેરો પેલી છબીમાં ગોઠવાઇ જતો. રૂપલની આંખોમાં પાણી આવી જતા. બધું ધૂંધળું ધૂંધળું દેખાતું.

સવારે નીકળતી વખતે ગૌતમ હંમેશની જેમ મસ્તીના મૂડમાં હતો. રૂપલ ત્યારે નીચી નમીને બેડસીટ સરખી કરતી હતી. ગૌતમ પાછળથી બાથ ભરીને ગરદન પણ હોઠ મૂક્તા બોલ્યો હતો. – રૂપા જોજે આજે વરસાદ આવશે, અને એય મોસમનો પહેલો વરસાદ ઉજવશું ને?

રૂપલે એકદમ પેલી છબી સામે જોયું. ચાર બાય અઢી ફૂટનો એ બ્લેટ એન્ડ વ્હાઇટ પોઝ હતો. ગૌતમે આ પોઝ લેવા કેટલીય મહેનત કરેલી. લગ્ન પછી પહેલીવાર આબુ ગયેલા એ પોઝમાંં રૂપલ ખડકની પાર પગ ઝુલાવીને બેઠી છે. પાછળ ઊભેલા ગૌતમનો ડાબો હાથ રૂપલની આંખો પર મૂકેલો છે. જમણો હાથ રૂપલના જમણા હાથમાં. અદલ હસ્તમેળાપની જેમ! રૂપલ ખટખડાટ હસે છે. ગૌતમના હોઠ બરાબર જમણા કાન નીચે ગળા પર. રૂપલના ચહેરા પર એક સ્ત્રી સહજ સંકોચ છે. ગૌતમને જોઇતો હતો એવો પોઝ કેમેય આવતો ન હતો. એને જે પ્રકારનું હાસ્ય જોઇતું હતું એવું હાસ્ય પ્રગટતું ન હતું. આમ તો ગૌતમનો પોતાનો કેમેરા હતો. તેમ છતાં આ પોઝ એચ.ડી. કેમેરાથી પ્રોફેશનલ ફોટોગ્રાફ પાસેથી લેવડાવ્યો. ફોટોગ્રાફર યુવાન હતો. એ પોતે જ શરમાતો હતો. ગૌતમે એને કોઇ ફિલ્મ ડાયરેકટરની જેમ સમજાવ્યું. પણ જેવો ગૌતમ ગળા પર હોઠ મૂક્યો કે તરત હાસ્ય વિખેરાઇ જતું હતું.

કેટલાય પ્રયત્નો પછી ગૌતમને ગમે એવી તસવીર કેમેરામાં કેદ થઇ. રૂપલ એ પોઝને જોઇ રહી. શી ખબર કેમ આજે એને એ બધું યાદ આવતું હતું.

આખો દિવસ આબુની નાની મોટી ટેકરીઓમાં ફર્યા પછી તે રાતે ખીલ્યો હતો.

-કેમ આજે બપોરે ફોટો પડાવતી વખતે નખરા કરતી હતી.? શરમાતી એવું હતી જાણે પતિ સાથે નહીં પ્રેમી સાથે ફોટો પડાવતી હોય.

-યાર દિવસના અજવાળામાં અને કોઇની હાજરીમાં તું મની કીસ કરે તો શરમ જ આવે ને? -અત્યારે આખીય ખુલી પડી છો શરમ કેમ નથી આવતી? અંધારું છે એટલે ને?
-હટ! સાવ બેશરમ છો.

એય ચાલ લાઇટ કરું, તું જો તો ખરી….. કહેતાં ગૌતમે ઊડવા જેવું કર્યું હતું. રૂપલે ગૌતમને ખેંચી લીધો હતો. શિયાળો બેફામ હતો. આખુ પર્વત ઠરી ગયો હતો. ગૌતમ અને ઓરડો હાંફ હાંફ થતા રહ્યા.

ગૌતમ! એક ન સમજાય એવો પ્રેમાળ પુરુષ!
અંધારું તેને ઉશ્કેરી મૂકતું, અને દિવસે નાના બાળકની જેમ પાછળ પાછળ ફરતો. રુપલ કહેતી.

-ગૌતમ તું સાવ પાગલ છો.

-અરે! તને જોઇને હવે મારી સોસાયટીના છોકરાય પાગલ થશે. ભગવાને તને ઘડતી વખતે શી ખબર કઇ ડાઇ અને કેવું મટિરિયલ વાપર્યું છે. દિવસે તું ગુલાબનું ફૂલ અને રાતે છોડ. રૂપલી સાલ્લી તું તને મારી આંખથી જો, તો તને મારું પાગલપન સમજાશે.

કોઇ પતિ આટલી હવે પ્રેમ કરે? તેય લગ્નના બે વર્ષ વિત્યાં પછી પણ! જે સ્ત્રી આખે આખી એની હોય, એ એના દેહ અને દિલનો માલિક હોય છતાં ન ધરાય કે ન ધણી થાય. ગૌતમને ધણી બનતા આવડતું જ નથી. કઇ માટીમાંથી ઘડાયો છે ગૌતમ! સતત પાસે રહેવા તલસે, અડવાના, છેડછાડ કરવાના બહાના જ શોધતો હોય. રજાના દિવસે ઘેર હોય ત્યારે હાલતા ચાલતા- હાય જીપ્સી! કહી નીતંબ પર ટપલી મારે. ક્યારેક ઝનૂનભેર વળગી પડે, શ્ર્વાસ રૂંધાઇ જાય એટલી હદે ભીંસી નાખે. તો ક્યારેક નાના બાળકની જેમ સોડમાં સંતાઇ જાય. એવું લાગે જાણે કેટલાય વર્ષોથી માના વાત્સલ્યથી વંચિત કોઇ બાળક હોય! એની હરકતો જોઇ હસવું આવે.

એકવાર રૂપલે કહેલું- ગૌતમ મને નવાઇ લાગે છે કે તને ઇન્જિનિયર કોણે બનાવી દીધો? તું કડિયા તરીકેય ચાલે તેવો નથી.

-યાર તારા શોધ પુરા કરવા માટે જ હું ઇન્જિનિયર બન્યો હોઇશ.

રૂપલ ગૌતમને જોઇ રહેતી. હા, તે ફેકટરીનો માનીતો ઇન્જિનિયર છે. ખાસ્સો પગાર છે. પણ પૈસા બાબતે જરાય ગંભીર નહીં. પગાર ઉડાડવા માટે જ મળતો હોય તેમ આડેધડ ખર્ચાઓ કરે. એની ધૂનોય વિચિત્ર! એક સાંજે હમણાં આવું હો કહીને ગયો. પાછો આવ્યો ત્યારે મોટી કોથળી ભરીને ગુલાબના ફૂલો લાવ્યો હતો.

-ગૌતમ આટલા બધા ફૂલોનું શું કરીશ?

-તારે કંઇ બોલવાનું નથી. કહીને બેડરૂમમાં ગયો. અંદરથી બેડરૂમ બંધ કરી દીધો. કલાકેક રહીને બહાર આવ્યો. એની આંખોમાં તોફાન હતું.

  • શું કરતો હતો અંદર?

-એ રાતે ખબર પડશે. તારે બેડરૂમમાં જવાનું નથી. ચાલ આપણે બહાર જમશું.

તેણે સરખી તૈયાર પર થવા નહોતી દીધી. તે સાંજે બહાર ગયા. તેણે આગ્રહ કરી કરીને ખવડાવ્યું. ક્યાંય સુધી ડ્રાઇવ કર્યું. રાતે બેડરૂમ ખોલ્યો ત્યારે આંખો પહોળી થઇ ગઇ. આખાય બેડ પર ગુલાબની પાંખડીઓ પથરાયેલી હતી. ઓરડો અસ્સલ ગુલાબની સુગંધથી મહેક મહેક થતો હતો. તે રાતે ગૌતમને વળગીને જે આંસુ વહ્યા છે, જે આંસુ વહ્યા છે. ગૌતમ સતત રડવાનું કારણ પૂછતો રહ્યો. કેમેય જવાબ ન આપી શકાયો. ક્યારેક ગૌતમનું ગાંડપણ જોઇ ડર લાગે છે. એના મનમાં તળિયે એવું તે શું પડ્યું છે કે ઘડીભરેય તે છૂટો પડવા માગતો નથી. રાતે વળગીને જ સુવે. ક્યારેક અલગ સુવાનું કહું તો એ નારાજ થઇ જાય. મોં ફૂલાવી આંખો બંધ કરીને ખુરશી પર બેસી રહે. એને રીતસર મનાવવો પડે. એ પાછો તરત માની પણ જાય. છતાં પણ શરત મૂકે -બેય ગાલ પર મા કરે એવી કીસ કર. નહીંતર સૂઇ રહે એકલી. એક તરફ હસવું આવે. તો બીજી તરફ એની આંખો જોઇને હૈયું ઊછળી પડે. એ કહે એમ કરવું પડે. જાણે કે જ ન બન્યું હોય એમ તોફાને ચડે. પણ એ ઉતાવળો. કૈં ઉતાવળો. બે ચાર દિવસે ગાઉનના હૂક ટાંકવા પડે. કોઇ સ્ત્રી માનવા તૈયાર ન થાય કે પુરુષ આવો પણ હોય! હા, ગૌતમ એવો જ છે. લગ્નને બે વર્ષ થયાં છતાં જાણે ગઇ કાલે જ પરણ્યો હોય એટલો મુગ્ધ!

ગૌતમે બે વર્ષમાં એટલું આપી દીધું છે કે વર્ષો સુધીય ન પામે. તેણે અસ્તિત્વનો ખૂણે ખૂણો ભરી દીધો છે. મનમાં પડેલી બધી ધારણાઓને તેણે ઉખેડીને ફેંકી દીધી છે.

બધા સંતાપ સમાવી દીધાં જીવનમાં હવે કોઇ જ અભાવ નથી. કશું ખૂટતું નથી. તેમ છતાં એવું લાગે છે કે જાણે ઊડે ઊડે હજીય કોઇક જીવે છે. ક્યારેક અચાનક સપાટી પર આવી જાય છે. આવું બને છે ત્યારે આંખોમાં ઉદાસી છવાઇ જાય છે. શરીર એકદમ ઠંડું પડી જાય છે. ગૌતમ પ્રશ્ર્નો પર પ્રશ્ર્નો કરી નાખે. એની આંખોમાં દેખાતી ચિંતા જોઇને કેટલીય વાર એવું થયું છે કે, હું આ પ્રેમાળ પુરુષને શા માટે છેતરું છું? મારે ગૌતમને કહી દેવું જોઇએ. બધું જ કહી દેવું જોઇએ. પોતે ક્યાં સુધી ભૂતકાળના બોજ તળે દબાયેલી રહેશે? શબ્દો હોઠ પર આવી આવીને અટકી જતા. એક જુદો જ વિચાર ડરાવી જતો.

પોતે ગૌતમને કહી દેશે પછી ગૌતમનું શું? એના પ્રેમાળ હૈયાને કેટલી મોટી ઠેસ લાગશે? પોતે ગૌતમનો વિશ્ર્વાસ ગુમાવી બેસશે. અને પછી ગૌતમ સાથે જીવાશે કેમ? ગૌતમ કેમ જીવી શકશે? એના કરતા જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. હા, મારે ભૂલવું જ જોઇએ. મારા ભૂતકાળનો એ ટુકડો જો ગૌતમના સુખનો દુશ્મન બનતો હોય એ ભૂતકાળને ભૂલવો જ જોઇએ.

પણ કેમ કરીને ભૂલવો અરૂણને? એ દિવસો પોતાના અને અરૂણના હતા. જીવાયેલી જિંદગીનો હિસ્સો હતા એ દિવસો. અરૂણ ગૌતમની જેમ જ પોતાની પાછળ પાગલ હતો. અદલ ગૌતમ જેવો ઝનૂની અને પ્રેમાળ.! એ દુખદ ઘટના ન ઘટી હોત તો પોતે ગૌતમની નહીં, અરૂણની પત્ની હોત. એ ઘટના જ એવી હતી કે તમામ ઇચ્છાઓ પર ઉદાસીના ઘોડાપૂર ફરી વળ્યા. ગાંઠ વાળી લીધી કે હવે અરૂણ નહીં, તો બીજો કોઇ જ નહીં. ભલે આ કાચા એકલતા અને ઉદાસીની આગમાં બળીને રાખ થઇ જતી. છતાં હઠ ત્રણ વર્ષ જ ચાલી. ત્રીજા વર્ષે પપ્પાએ રીતસર ત્રાગું કર્યું. આપઘાતની ધમકી સુદ્ધાં આપી દીધી. એમની સામે નમતું જોખવું પડ્યું.

અને ગૌતમ આવ્યો.

કોઇ સૂસવાટા મારતા પવનની જેમ આવ્યો ગૌતમ! બે વર્ષમાં અરૂણ નામના શબ્દને તેણે કેટલોય દૂર ફંગોળી દીધો. છતાં અંધારી રાતે ચમકતા નાનકડા તારાની જેમ દૂર દૂર ઝબુક્યા કરે છે. લાખ ઇચ્છા છતાં અરૂણ ભુલાતો નથી.

હવે રહી રહીને એવું લાગે છે તે ગૌતમને અન્યાય કરી રહી છે. એક પ્રેમાળ પુરુષને, એક વફાદાર પતિને છેતરી રહી છે.

રૂપલે જરા ચમકીને ઘડિયાળ સામે જોયું. સાડા ચાર થવા જતા હતા. ઘેરાયેલાં વાદળને કારણે સાંજ થઇ ગયા જેવું લાગતું હતું. રૂપલને યાદ આવ્યું કે, સવારે જતી વખતે ગૌતમ કહેતો ગયો હતો- આજે બહાર જમશું. લોંગ ડ્રાઇવ પર જશું. આવું ત્યારે તૈયાર રહેજે, અને હા મારી પસંદની પેલી મોરપીચ્છ કલરની સાડી પહેરજે. હોં ને! બારી બંધ કરી રૂપલ નીચે આવી. શાવર ચાલુ કરતા પહેલાં તેણે પોતાના કમનીય અનાવૃત દેહને જોયા કર્યું. આ એજ શરીર છે જેને જોઇને ગૌતમ પાગલ થઇ જાય છે. આ શરીરના અણુએ અણુમાં પ્રવેશી ચુક્યો છે. ગૌતમ. અરૂણ સાથે જે માત્ર કલ્પનાઓ હતી. ગૌતમ એ હકીકત છે. હવે આ બધું માત્ર ગૌતમનું જ છે. ના. હવે ગૌતમ સિવાય કશું યાદ રાખવું નથી. બધું ભૂલી જવું છે. બસ મારો ગૌતમ ખુશ રહેવો જોઇએ. તે નિરાંતે નહાઇ. આજે તેને તૈયાર થવું ગમ્યું. તેણે નક્કી કર્યું કે બધું જ ગૌતમની પસંદનું હોવું જોઇએ.

તેણે ગૌતમની પસંદના વાળ ઓળ્યા. નહીં ચપ્પટ, નહીં ઢીલા કાન પર રહે એવા. રીંગ ઉતારી ઝુમ્મર પહેર્યા. ઝુમ્મર ગૌતમની જ પસંદ હતી. મોરપીચ્છ રંગની સાડીમાં તેનું દેહલાલિત્ય ખીલી ઉઠ્યું. બેડરૂમના ફુલસાઇઝના અરીસા સામે ઊભા રહી તે પોતાને જ જોઇ રહી. એના હોઠ પર આછો મલકાટ આવ્યો. એને થયું- આજે ગૌતમને સંભાળવો મુશ્કેલ થશે.

સાડા પાંચ થઇ ગયા. અત્યાર સુધી ગૌતમ આવી જવો જોઇતો હતો. બહાર ધીમા ધીમા છાંટા પડવા શરૂ થઇ ગયા હતા. લગભગ છ વાગ્યા સુધી તે ઓરડામાં ટહેલતી રહી. તે ગૌતમને ફોન કરવાનું જ વિચાર કરતી હતી ત્યાં જ ગૌતમનો ફોન આવ્યો.

-રૂપલ સોરી યાર. આજે મોટું થશે. હું રસ્તા પર અટવાયો છું એક એક્સિડેન્ટને કારણે ટ્રાફીક જામ થઇ ગયો છે.

ફોનમાં હોર્નના એટલા બધા અવાજો આવતા હતા કે રૂપલ સરખું સમજી નહીં. તેણે પૂછ્યું- શું થઇ ગયું છે ગૌતમ?
-રૂપલ રસ્તા પર એક્સિડેન્ટ થયો છે.

એક્સિડેન્ટ શબ્દ સાંભળી રૂપલની નાભિમાંથી નીકળેલું ભયનું લખલખું આખાય શરીરમાં ફરી વળ્યું.

-કોનો એક્સિડેન્ટ થયો છે?

  • કોઇ બાઇકસવાર છોકરો છોકરી ટ્રકને અડફેટે ચડ્યા છે. છોકરો મરી ગયો છે. છોકરીને વાગ્યું નથી પણ શોકને કારણે તે બેભાન બની ગઇ છે. થોડીવાર પહેલા જ બેયને હોસ્પિટલે લઇ ગયા. એક ટ્રક આડી રહી ગઇ છે. પોલીસ જામ ખોલવાની ટ્રાય કરે છે મને તારી પાસે દોડી આવવાનું મન થાય છે.

ફોન કપાઇ ગયો.

બહાર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. સૂરજ ડૂબવાને હજી વાર હતી તોય અંધારા જેવું લાગતું હતું. ઘેર આવી ગયેલા ગૌતમે કેટલીય વાર હોર્ન વગાડયું પણ હંમેશની જેમ રૂપલ ગેઇટ ખોલવા બહાર ન આવી. દોડતો હોય તેમ ગૌતમ અંદર ધસી આવ્યો. – કેમ લાઇટ નથી કરી રૂપલ? કહેતાં ગૌતમે સ્વીચ ઓન કરી. રડી રડીને થાકી ગઇ હોય તેમ રૂપલ સોફા પર ઢગલો થઇને પડી હતી. તેમે કાળા રંગનો ગાઉન પહેર્યો હતો. મોરપીચ્છ રંગની સાડી સોફા પર જ અસ્તવ્યસ્ત પડી હતી.

-અરે? અરે? શું થયું? તું આટલું રડી છે શા માટે? મને મોડું થયું એટલે નારાજ છો? અરે સોરી યાર. હું શું કરું? એક્સિડેન્ટ બહુ જ ખરાબ હતો, અને માય ગોડ એ છોકરાનું આખું બોડી… યાર હું જોઇ શક્યો નહોતો.

ગૌતમ આગળ કંઇ બોલે તે પહેલા રૂપલ ગૌતમની ડોકે વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. બહાર વીજળીનો આછો ચમકારો થયો. વરસાદ જરા તેજ થયો. ગૌતમને સમજાતું ન હતું કે તે રૂપલને કેમ સંભાળે. કોઇના મોત પર રડતી હોય તેમ રૂપલ રડતી હતી.

ગૌતમે તેને રડવા દીધી. તે રૂપલની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. ખાસ્સીવારે રૂપલના ડૂસ્કાં શમ્યા ત્યારે ગૌતમે તેને હળવેથી પૂછ્યું- રૂપલ મને કહીશ કે તું આટલું શા માટે રડી રહી છે?

કોઇ ડરી ગયેલી બાળકીની જેમ રૂપલ ગૌતમને જોઇ રહી. તેને પહેલીવાર ગૌતમની આંખો જોઇ જુદી જાતની ચિંતા થઇ. તેણે ગૌતમને કદી આટલી હદે ગંભીર જોયો નહોતો. તેણે માથું નીચું ઢાળી દીધું.

રૂપલ હું માનું છું કે એવી કોઇ વાત છે જે તને ખટકે છે. તું એ વાતને ભુલી શક્તી નથી અને કહી શક્તી નથી. પણ આજે કહી દે પ્લીઝ.

રૂપલે ધીમે રહીને કહ્યું- ગૌતમ મને સમજાતું નથી કે તમને કઇ રીતે કહું. તમને કહ્યા પછીની કલ્પનાથી ડરી જાઉં છું. ગૌતમ હું તમને ખોવા નથી માગતી.

-ઓહ! યાર. એમા ખોવાની વાત ક્યાં આવી? અરે હું તારા વગર એક દિવસ પણ રહી શકું તેમ નથી. તને એવું શા માટે લાગે છે કે એ વાત કહ્યા પછી કંઇક થશે?

રૂપલના ગળામાં ભયંકર અટકાવ આવ્યો. તેના હોઠ ધ્રૂજતા રહ્યા. બહાર આવતા શબ્દો એના ગળામાં અટવાઇ રહ્યા. તેણે માથું ધુણાવતા કહ્યું -પ્લીઝ એ વાત જવા દે. ચાલી આપણે બહાર જઇએ. આજે પહેલો વરસાદ ઉજવવો નથી?

-ના. તારી આવી હાલતમાં મને કંઇ જોઇતું નથી. મારા માટે તું અને તારી ખુશી સિવાય કશું અગત્યનું નથી, અને હા, વાત નીકળી જ છે તો તને કહી દઉં કે તું ભલે મને ન કહે. પણ હું બધું જાણું છું. તું શા માટે થોડા થોડા દિવસે ઉદાસ થઇ જાય છે. શા માટે અચાનક તારું શરીર ઠરી જાય છે. તું રજા આપે તો હું આખી વાત તને કહું. તારી ઉદાસી મને વિધી નાખે છે રૂપલ!
રૂપલ ફાટી આંખે ગૌતમને જોઇ રહી.

ગૌતમે રૂપલના બેય હાથ પકડતાં કહ્યું. -મારી રૂપલ, મને એ તો કહે કે બે વર્ષ મારી સાથે વિતાવ્યા પછી પણ તને વિશ્ર્વાસ નથી બેસતો કે તું તારા મનની વાત મને કહે. શું તને એવું લાગે છે કે તારો ભૂતકાળ જાણ્યા પછી હું તને છોડી દઇશ કે તારાથી મોં ફેરવી જઇશ? તને એવુંય થાય છે ને કે તું મને છેતરી રહી છો? ના, તું મને જરાય છેતરતી નથી પણ અંદર ને અંદર પીડાઇ રહી છો. જે મારાથી જોઇ શકાતું નથી. રૂપલ હું બધું જ જાણું છું. તને અરુણની યાદ આવે છે ને?

રૂપલે ડરેલી આંખે ગૌતમ સામે જોઇ રહી. પછી ધીમા સ્વરે પૂછ્યું. – તમે જાણો છો મારા વિશે? અને કેટલું જાણો છો?

મારી જાન બધું જ જાણું છું! તું અને અરુણ એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ બેય સાથે હતા અને તમારા બાઇકને ટ્રકની ઠોકર વાગી. અરુણનું મૃત્યુ થયું. તને ખૂબ જ આઘાત લાગ્યો. તેં ન પરણવાનું નક્કી કરી લીધેલું.

-પ્લીઝ ગૌતમ મને એ બધું ન કહો. પ્લીઝ ન કહો. મેં તમારો વિશ્ર્વાસઘાત કર્યો છે. મારે તમને બધું કહી દેવું જોઇતું હતું. ભલે તમે બધું જાણતા હતા. મેં તમને છેતર્યા છે.

-હા, મને એવું હતું કે એક દિવસ તું મને બધું કહી દઇએ. તું કહીશ તો તારા મનના ઉંડાણમાં પડેલી વાતો બહાર આવી જશે અને તું હળવી થઇ જઇશ. તું એટલી પીડાતી રહી પણ મને ના કહ્યું. તને ઉદાસ જોઇ મારો જીવ કપાઇ જાય છે. હવે એ બધું ભૂલી જા. એમાં તારો કંઇ જ દોષ નહોતો. અરુણના મૃત્યુ માટે તું જવાબદાર નથી. એ એક એક્સિડેન્ટ હતો. જસ્ટ એન એક્સિડેન્ટ!

આહ! ગૌતમ! પણ તમને આ બધું કોણે કહ્યું? અને બધું જાણતા હોવા છતાં તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા?

-હા, કારણ કે તને પહેલીવાર જોઇ ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે લગ્ન તારી સાથે જ કરીશ. મારા એક ફ્રેન્ડની પ્રેમિકા વીણા તારી ફ્રેન્ડ નીકળી. એના દ્વારા જ બધું ગોઠવાયું. મેં જ્યારે એને કહ્યું કે મને રૂપલ જ જોઇએ. ત્યારે તેણે ગંભીર થઇને કહેલું કે, રૂપલના મનને મોટો આઘાત લાગેલો છે. એ ન પરણવાની હઠ લઇને બેઠી છે. પછી તેણે અરુણના એક્સિડેન્ટની વાત કહી. મને કોઇ પણ હિસાબે તું જોઇતી હતી. મેં વિણા દ્વારા જ તારા મમ્મી પપ્પા સુધી વાત પહોંચાડી. તારા પપ્પાને આપઘાતવાળી ધમકીનું પણ વિણાએ જ સમજાવેલું. વિણાની એ યુક્તિ કામ કરી ગઇ. એટલે તો મને રૂપલ મળી. મેં નક્કી કરેલું કે તારા મન પર પહેલો આઘાત મારા પ્રેમથી ધોઇ નાખીશ. મારો પ્રેમ તને બધું ભુલવાડી દેશે. પણ મને અફસોસ એ છે કે તેં સામેથી ન કહ્યું. રૂપલ મારા પ્રેમમાં હજુ કંઇ ખૂટે છે?

રૂપલની આંખોમાંથી ફરી એકવાર આંસું વહી નીકળ્યા. તે રડતા રડતા જ બોલી- પ્લીઝ મને માફ કરો ગૌતમ. મને બહુ જ ગીલ્ટી ફીલ થાય છે.

-અરે યાર! ફરગેટ ઇટ! આજે મોસમનો પહેલો વરસાદ પડી રહ્યો છે. ચાલ તૈયાર થા. આપણે બહાર જઇએ.

ગૌતમ ઊભો થાય તે પહેલા રૂપલ તેને વળગી પડી. બહાર વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ શરૂ થયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral