Homeમેટિનીતબુના ખાખી અવતાર

તબુના ખાખી અવતાર

‘વિજયપથ’, ‘માચીસ’, ‘ચાંદની બાર’ સહિત અનેક ચિત્રપટમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરનાર અભિનેત્રી પોલીસના પાત્રમાં પણ પ્રભાવી સાબિત થઈ છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

‘વિજયપથ’ની રુક રુક ગર્લ મોહિની હોય કે ગુલઝારની ‘માચીસ’ની વીરેન્દર કૌર હોય કે મધુર ભંડારકરની ‘ચાંદની બાર’ની મુમતાઝ સાવંત હોય, તબુના પાત્રોચિત અભિનયએ દર્શકો પર કાયમ પ્રભાવ પાડ્યો છે. ગ્લેમર અને ખૂબસૂરત ચહેરાની ગેરહાજરીમાં તબુએ માત્ર એક્ટિંગના જોરે અનેરી ઊંચાઈ હાંસલ કરી છે. ત્રણ દાયકા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનયના અજવાળા પાથરી અલાયદું સ્થાન બનાવી એ ટકાવી રાખવું એ તબુની ગર્વ લઈ શકાય એવી સિદ્ધિ છે. તાજેતરમાં તબુની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે જ્યારે જાણીતા સંગીતકાર – ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજ દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ‘કુત્તે’માં પોલીસ ઓફિસરનો પુરુષ અભિનેતા માટે નક્કી કરવામાં આવેલો રોલ ફેરવિચાર પછી તબુને સોંપવામાં આવ્યો હતો. તબુના અભિનયની હંમેશ મુજબ પ્રશંસા થઈ છે અને એ રોલના કલાકારની બદલી વિશે ભારદ્વાજ પિતા – પુત્ર આનંદ અનુભવી રહ્યા છે એ તબુ માટે હરખાવાની વાત છે. તબુએ તેની કારકિર્દીમાં વિશાલ ભારદ્વાજ સાથે કેટલીક ફિલ્મ કરી હોવાથી ફિલ્મનો સેટ અને એનું વાતાવરણ એને એકદમ પરિચિત હતું. ફિલ્મના દિગ્દર્શક વિશે તેણે જણાવ્યું કે ‘ગુલઝાર સાબ અને વિશાલ ભારદ્વાજનો ઘરોબો જાણીતો છે. વિશાલને ત્યાં પુત્ર જન્મ થયો ત્યારે ગુલઝારજીએ જ એનું નામ આસમાન પાડ્યું હતું. હું ભારદ્વાજ સાથે ‘મકબુલ’ કરી રહી હતી, ત્યારે આસમાન લાકડાનાં કેમેરા સાથે રમતો અને ત્યારે જ એનામાં ફિલ્મમેકર બનવાના બીજ રોપાયા હશે. ‘કુત્તે’માં પિતાની સાથે આસમાને લેખકની જવાબદારી પણ સંભાળી છે અને તાજેતરમાં મેં જે રોલ કર્યા છે એની સરખામણીમાં આ રોલ ઘણો અલગ તરી આવે છે.’ આ ઉપરાંત આગામી માર્ચમાં રિલીઝ થનારી અજય દેવગન દિગ્દર્શિત ‘ભોલા’માં પણ તબુ ખાખી ડ્રેસમાં જોવા મળશે. તમિળ ફિલ્મ ‘કૈથી’ (મતલબ કેદી)ની આ સત્તાવાર રિમેક છે જેમાં અજય અને ભૂષણ કુમાર સહ નિર્માતા છે. તબુ ઈન્સ્પેક્ટર ડાયેના જોસેફના રોલમાં છે.
તબુનું વ્યક્તિત્વ એવું છે કે અભિનય પ્રતિભાના જોરે એ કોઈપણ પાત્રમાં સરસ ઢળી જાય છે. એટલે જ ‘વિજયપથ’માં કામ કર્યા પછી પ્રિયદર્શનની ‘વિરાસત’ ગુલઝારની ‘હુ તુ તુ’ કે ડેવિડ ધવનની ‘બીવી નંબર વન’ માટે પણ પસંદ કરવામાં આવે છે. આ બધી ફિલ્મોમાં તબુના પરફોર્મન્સના ઓવારણાં લેવામાં આવ્યા છે તો એ જ્યારે જ્યારે ખાખી અવતારમાં – પોલીસ ઓફિસરના રોલમાં નજરે પડી છે, રૂઆબદાર લાગી છે. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ૧૯૯૯માં આવેલી અમિતાભ બચ્ચન – નાના પાટેકરની ‘કોહરામ’માં તબુ એસીપી કિરણ પાટકરના રોલમાં હતી. અહીં પોલીસના પાવર સાથે તબુનો મેજર અજિત આર્ય (નાના પાટેકર) માટેનો પ્રેમ પણ દેખાય છે અને બંને લાગણી તબુએ આબાદ રજૂ કરી છે. ‘કોહરામ’નું નિર્માણ એબીસીએલ દ્વારા કરવામાં આવ્યું હતું. કે. સી. બોકાડિયાની ‘ખુદા કસમ’ (૨૦૧૦)માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની હત્યાના કેસની છાનબીન કરતી નીતુ સિંહ નામની સીબીઆઈ ઓફિસરનો રોલ પણ તબુએ કર્યો હતો. કેસની તપાસ કરતી તબુને જ હત્યાના કેસમાં સંડોવી દઈ જેલની સજા કરવામાં આવે છે જ્યાં તેના પર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે. પાત્રની આ સર્વ લાક્ષણિકતાઓ તબુએ સુપેરે નિભાવી અને છેવટે ગુનેગારને ઝબ્બે કરવામાં સીબીઆઈ ઓફિસર સફળ થાય છે. ફિલ્મના હીરો સની દેઓલનો રોલ વધુ અનુકંપા મેળવનારો હોવા છતાં તબુના અભિનયની પ્રશંસા થઈ હતી.
૨૦૧૫માં આવેલી અજય દેવગન સાથેની ખૂબ વખણાયેલી ‘દ્રશ્યમ’માં તબુ ઈન્સ્પેક્ટર જનરલ મીરા દેશમુખના રોલમાં દર્શકોની દાદ મેળવી ગઈ. આ ફિલ્મમાં સુધ્ધાં અજય દેવગનનું વિજય સાળગાંવકરનું પાત્ર દર્શકોની અનુકંપા મેળવનારુ હોવા છતાં ગુનેગારને પકડવા કઠોર – નિષ્ઠુર બનતી પોલીસ ઓફિસરના રોલમાં સિને રસિકોની સ્મૃતિમાં સચવાઈ ગઈ. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર તગડું કલેક્શન મેળવવામાં સફળ રહેલી ‘દ્રશ્યમ ૨’માં પણ તબુ છે પણ ભૂતપૂર્વ ઈન્સ્પેક્ટર જનરલ તરીકે જે વિજય સાળગાંવકર અને એના પરિવારને સજા કરવા મક્કમ છે અને એ માટે પોતાના એક સમયના સાથી તરુણ આહલાવત (અક્ષય ખન્ના)ને બનતી મદદ કરે છે. કેટલાક ફ્લેશબેક સીનમાં તબુ ’દ્રશ્યમ’ની આઈજી તરીકે જોવા મળે છે. એકંદરે તબુનો ખાખી અવતાર પ્રભાવી રહ્યો છે અને દર્શકોને પસંદ સુધ્ધાં પડ્યો છે.
અજય – તબુની અલાયદી જોડી
‘ભોલા’નું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું ત્યારે અજય દેવગને સોશિયલ મીડિયા પર તબુ સાથેની સેટ પરની એક તસવીર શેર કરી અને ચાહકોને જણાવ્યું કે ‘અમે સાથે કામ કર્યું હોય એવી આ નવમી ફિલ્મ છે.’ અજયની તબુ સાથે પહેલી ફિલ્મ હતી ‘વિજયપથ’. અજય અને તબુના પારિવારિક સંબંધો છે અને બંને ફિલ્મોમાં કામ નહોતા કરતા ત્યારથી એકબીજાને ઓળખે છે. એક્શન ફિલ્મ ‘વિજયપથ’ (૧૯૯૪)માં આવી ત્યારે અજયના પગ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત થઈ રહ્યા હતા જ્યારે ૧૪ વર્ષની ઉંમરે દેવ આનંદની ‘હમ નૌજવાન’માં પહેલી વાર નજરે પડેલી તબુની કોઈ વિશેષ ઓળખ નહોતી. અજયના આગ્રહથી જ તબુએ ‘વિજયપથ’ સ્વીકારી અને એક યાદગાર સફરની શરૂઆત થઈ. ૧૯૯૦ના દાયકામાં જ બંને ‘હકીકત’ (૧૯૯૫) અને ‘તક્ષક’ (૧૯૯૯)માં સાથે દેખાયા. બેઉ ફિલ્મની પ્રશંસા થઈ હતી. ‘હકીકત’માં એક્શન ઠાંસોઠાંસ હતું, જ્યારે ગોવિંદ નિહલાની દિગ્દર્શિત ‘તક્ષક’માં એક સોશિયલ મેસેજ હતો. આ સિવાય અજય – તબુની ફિલ્મો છે ‘ફિતૂર’, ‘દ્રશ્યમ’, ‘ગોલમાલ અગેઇન’ ‘દે દે પ્યાર દે’ અને ‘દ્રશ્યમ-૨’. અભિષેક કપૂર દિગ્દર્શિત ‘ફિતૂર’ રોમેન્ટિક ફિલ્મ હતી , ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ-૨’ ક્રાઈમ થ્રિલર છે જયારે ‘ગોલમાલ અગેઇન’ અને ‘દે દે પ્યાર દે’ કોમેડી ફિલ્મો છે. આમ આ જોડીએ વરાયટી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular