અમદાવાદમાં સ્વાદરસિયાઓ માટેની ફેવરીટ જગ્યા એટલે માણેકચોક, મોડી રાત સુધી અહિયાં લોકોનો જમાવડો રહે છે. 1960થી માણેકચોકમાં ધમધમતી ખાણીપીણીની બજારના દ્રશ્યો થોડા દિવસોથી બદલાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી માણેકચોકમાંથી ટેબલ ખુરશીઓ ગાયબ જોવા મળી રહ્યા છે. લોકો જમીન પર પાથરેલી તાળપત્રી પર બેસીને ભોજન લેતા જોવા મળે છે. જેનું કારણ છે અમદવાદ પોલીસે આપેલો નવો આદેશ.
છેલ્લા છ દાયકાઓથી માણેક ચોકમાં ખાણીપીણી બજાર ધમધમે છે ત્યારે હવે અચાનક પોલીસને ભાન થયું કે વેપારીઓને રસ્તા પર ટેબલ અને ખુરશીઓ ગોઠવવાની મંજૂરી નથી. પોલીસે વેપારીઓને ટેબલ-ખુરશીઓ હટાવવા માટે મૌખિક આદેશ જારી કર્યા છે. જેથી વેપારીઓ જમીન પર તાડપત્રી પથારીને ગ્રાહકો માટે બેઠક વ્યવસ્થા કરવા મજબુર બન્યા છે. જેને કારણે મોડી રાત્રે ભીડથી ઉભરતા માણેકચોકમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ફૂડ સ્ટોલ માલિકોના ધંધાને અસર પહોંચી છે.
ફૂડ સ્ટોલ માલિકોના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોને જમીન પર બેસી જમવું અગવડભર્યું લાગી રહ્યું છે. ટેબલ-ખુરશી સરખામણીમાં જમીન પર ઓછા ગ્રાહકોને બેસાડી શકાય છે. ઉપરાંત સ્વચ્છતા જાળવવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા ગ્રાહકો, જેઓ જમીન પર બેસી શકતા નથી અથવા બેસવા તૈયાર ન હતા, તેઓ માણેક ચોકથી પાછા ફરી રહ્યા છે. માણેક ચોક આપણા શહેરનો વારસો છે.
પોલીસના આ આદેશથી વેપારીઓ નારાજ છે અને તેઓએ પોલીસ વિભાગને વિનંતી કરી છે કે ગ્રાહકો માટે ટેબલ-ખુરશી ગોઠવવા દે. 1960 માં માણેક ચોકમાં એક વેપારીને ખાણીપીણીની લારી માટે પહેલીવાર લાઇસન્સ આપવામાં આવ્યું હતું. હાલમાં અહિયાં 42 સત્તાવાર અને 30 લાઇસન્સ વગરના ખાણીપીણીના સ્ટોલ કાર્યરત છે. પોલીસે તેમને ખુરશીઓ અને ટેબલો દૂર કરવા માટે મૌખિક રીતે આદેશ આપ્યો છે કે લાઇસન્સ પ્રમાણે તેમને ટેબલ ખુરશી મૂકવાની મંજુરી નથી.
બીજી તરફ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક રહેવાસીઓ અને અન્ય દુકાનદારો તરફથી ઘણી ફરિયાદો મળી છે કે ફૂડ સ્ટોલના માલિકોએ રસ્તા પર ઘણી જગ્યાઓ પર અતિક્રમણ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે વેપારીઓ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડના વાહનોને પસાર થવા માટે પણ જગ્યા છોડતા નથી. જ્વેલરી શોપના માલિકોએ એમ પણ જણાવ્યું કે ફૂડ સ્ટોલના માલિકો એમની દુકાનો બંધ થતા પહેલા જ સ્ટોલ ખોલી દે છે. આ સ્થળ ખૂબ જ મહત્વપૂર્ણ હેરિટેજ સ્પોટ અને ખાણીપીણીના રસિયાઓ માટે મનપસંદ સ્થળ હોવાથી, અમે થોડા દિવસોમાં આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરીશું.