Homeમેટિનીતબસ્સુમનો સવાલ: મધુબાલાનો જવાબ

તબસ્સુમનો સવાલ: મધુબાલાનો જવાબ

બાળકલાકાર તરીકે મોટું નામ અને ભરપૂર દામ મળવા છતાં યુવાનીમાં ટોચની હિરોઈન બનવામાં અભિનેત્રીને નિષ્ફળતા મળી હતી

ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી

ભારતીય ટેલિવિઝનના પ્રથમ ખ્યાતનામ ટોક શો ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ના સફળ સંચાલક તરીકે નામના મેળવનાર તબસ્સુમ (મૂળ નામ કિરણ બાળા સચદેવ)એ ગયા શુક્રવારે આપણી વચ્ચેથી સદેહે ભલે વિદાય લીધી, પણ એમનો સદાય ખિલખિલાટ કરતો ચહેરો, એ ચહેરા પરની માસૂમિયત અને તેમણે લીધેલા ફિલ્મ સ્ટાર્સના મજેદાર ઈન્ટરવ્યૂ ક્યારેય નહીં વિસરાય. કાયમ નજર સામે તરવરતા રહેશે. તબસ્સુમ અરેબિક શબ્દ છે જેનો અર્થ થાય છે સ્મિત – હાસ્ય અને એ જ એમનો સદૈવ ટ્રેડમાર્ક રહ્યો. માત્ર ત્રણ વર્ષની કુમળી ઉંમરે ‘નરગીસ’ નામની ફિલ્મમાં પહેલી વાર કેમેરા સામે ચમકેલી તબસ્સુમએ બાળ કલાકાર ઉપરાંત બીજી પણ કેટલીક ભૂમિકા કરી હતી. જાણવા જેવી વાત એ છે કે તેમણે ગુજરાતી ફિલ્મમાં હિરોઈન તરીકે પણ કામ કર્યું હતું. અલબત્ત કોઈ કારણસર એ ફિલ્મો આજે વિસરાઈ ગઈ છે. હિન્દુ પિતા અયોધ્યાનાથ સચદેવ અને મુસ્લિમ માતા અસગરી બેગમની પુત્રીનું નામ માતાની ધાર્મિક લાગણીનો આદર રાખવા પિતાશ્રીએ તબસ્સુમ પાડ્યું અને પિતાની ધાર્મિક લાગણીનો આદર રાખવા માતાએ એનું નામ કિરણ બાલા રાખ્યું હતું. તબસ્સુમ સગપણમાં રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલના રામ અરુણ ગોવિલના સગ્ગા ભાભી થાય. અભિનેત્રી, ટીવી શોના સંચાલક, મહિલા મેગેઝિનની તંત્રી અને જોકથી મનોરંજન કરનાર આ અભિનેત્રીની સફર જાણવા જેવી છે.
+ સૌપ્રથમ ‘નરગીસ’ (૧૯૪૬)માં હિરોઈન નરગીસની બાળપણની ભૂમિકાથી તબસ્સુમની ફિલ્મ સફરનો પ્રારંભ થયો અને બાળ કલાકાર તરીકે ફિલ્મ મેકરોની નજરમાં એ વસી ગઈ. જોકે, ત્રણ વર્ષની ઉંમરે જ કેમ સ્ટુડિયોનાં પગથિયાં ચડવા પડ્યાં એ વિશે ખુદ તબસ્સુમજીના શબ્દોમાં જાણીએ. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ‘મારા માતા – પિતા દિલ્હીમાં તેજ નામના અખબાર માટે કામ કરતાં હતાં. પછી તેમની બદલી મુંબઈ કરવામાં આવી હતી. મુંબઈમાં ફેમસ પિક્ચર્સ નામની કંપની ‘નરગીસ’ નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી હતી. એના સંગીતકાર હુસ્નલાલ ભગતરામ, ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્ના અને ફિલ્મમેકર જે. પી. દત્તાના પિતાશ્રી ઓ. પી. દત્તા મારા પિતાશ્રીના મિત્રો હતા. હું નાનપણથી જ સ્માર્ટ હતી એટલે મારે ફિલ્મોમાં અભિનય કરવો જોઈએ એવું તેમણે કહ્યું. જોકે, એ સમયે ફિલ્મોમાં કામ કરવું સારી વાત નહોતી ગણાતી એટલે પેરન્ટ્સે પહેલા તો ના પાડી દીધી. એ સમયે બીજું વિશ્ર્વ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી કાગળની તંગી ઊભી થઈ હતી અને મમ્મીનું મેગેઝિન બંધ થવાની તૈયારીમાં હતું. એ સમયે કોઈએ મારે ‘નરગીસ’ની ઓફર સ્વીકારી લેવી જોઈએ એવું સૂચન કર્યું અને મેં ૫૦૦૦ રૂપિયાનો કોન્ટ્રેક્ટ સાઈન કરી રોલ સ્વીકારી લીધો.’ ત્યારબાદ તબસ્સુમને નિયમિતપણે કામ મળવા લાગ્યું. સોહરાબ મોદીની ‘મઝધાર’ કરી જે ફ્લોપ થઈ પણ તબસ્સુમના કામની પ્રશંસા થઈ. ત્યારબાદ ‘બડી બહન’, ‘છોટી ભાભી’, ‘સરગમ’, ‘ગુમાસ્તા’, ‘સંગ્રામ’, ‘જોગન’ ‘દીદાર’, ‘બૈજુ બાવરા’, ‘બહાર’, ‘બાપ બેટી’ એમ એક પછી એક ફિલ્મમાં તબસ્સુમ બાળ કલાકાર તરીકે નજરે પડી. બિમલ રોયની ‘બાપ બેટી’ બાળ કલાકાર તરીકે છેલ્લી ફિલ્મ હતી. એ ફિલ્મમાં ૧૨ વર્ષના આશા પારેખે પણ બાળ કલાકારનો રોલ કર્યો હતો. આ બધામાં નરગીસના બાળપણનો ‘દીદાર’નો રોલ યાદગાર બની ગયો કારણ કે બેબી તબસ્સુમ અને દિલીપ કુમારના બાળ કલાકાર પર ફિલ્માવાયેલું ‘બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રુલા ન દેના’ ખાસ્સું લોકપ્રિય થયું હતું અને બેબી તબસ્સુમ લોકોને કાયમ માટે યાદ રહી ગઈ.
+ રસપ્રદ વાત એ છે કે તબસ્સુમે નરગીસ, મધુબાલા, મીના કુમારી અને સુરૈયાના બાળપણના રોલ કર્યા હતા. સાથે ખેદની વાત એ પણ છે કે બે અત્યંત સફળ ફિલ્મોમાં તબસ્સુમે કામ કર્યું હતું પણ એ બંને ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એમના રોલ પર કાતર ચાલી ગઈ હતી. તબસ્સુમજીએ જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મને’ મુઘલ – એ – આઝમ’માં મધુબાલાની નાની બહેનનો રોલ ઓફર થયો હતો. જોકે, એ માટે હું બહુ નાની છું એવો મત પડ્યો અને મને બીજો રોલ આપવામાં આવ્યો, પણ એડિટિંગ ટેબલ પર એ રોલ ઉડાવી દેવાયો. રિલીઝ થયેલી ફિલ્મમાં મારો એક પણ સીન નથી. ‘બૈજુ બાવરા’માં મીના કુમારીના બાળપણનો રોલ કર્યા પછી તેમની સાથે ‘પાકીઝા’માં ૧૦૦ દિવસ શૂટિંગ કર્યું, પણ ફરી નસીબ બે ડગલાં આગળ ચાલ્યું અને એ રોલ પર પણ કાતર ચાલી ગઈ.’ ક્યારેક બેડ લક બહુ ખરાબ હોય એ આનું નામ.
+ બાળ કલાકાર તરીકે પ્રશંસા અને પ્રસિદ્ધિ મળવા છતાં તબસ્સુમ ટોચની હિરોઈન કેમ ન બની શક્યાં એવો સવાલ ખુદ તબસ્સુમજીને પણ થયો હશે. એ માટે મધુબાલાએ આપેલું કારણ જાણવા જેવું છે. તબસ્સુમ જે ફિલ્મોમાં કામ કરતા એના સેટ પર તેમનાં માતા – પિતા અચૂક હાજર રહેતાં. મધુબાલાએ એક દિવસ કહ્યું હતું કે ‘તબસ્સુમ, જ્યાં સુધી તારા પેરન્ટ્સ સેટ પર તારી સાથે હાજર રહેશે ત્યાં સુધી તું ટોચની હિરોઈન નહીં બની શકે.’ એમની આ દલીલમાં કેટલો દમ છે એ તો વ્યક્તિગત સમજણ નક્કી કરે, પણ તબસ્સુમ ટોપ હિરોઈન ન બની શક્યા એ હકીકત છે. મજેદાર વાત તો એ છે કે વૈજયંતિમાલાની પહેલી હિન્દી ફિલ્મ ‘બહાર’ રિલીઝ થઈ ત્યારે તબસ્સુમ ૧૮ ફિલ્મ કરી ચુકી હતી. ‘બાળ કલાકાર તરીકે મને જ્વલંત સફળતા મળી, પણ મોટા થયા પછી સફળતા મારાથી છેટી રહી,’ તબસ્સુમએ કહ્યું હતું.
+ એક ઈન્ટરવ્યૂમાં બી. આર. ચોપડા વિશે તબસ્સુમે વાત કરી હતી કે ‘હું બી. આર. અંકલ કરતાં પણ સિનિયર હતી. તેમણે પહેલી ફિલ્મ બનાવી ત્યાં સુધીમાં મારી આઠ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. એ સમયે બી. આર. અંકલ પત્રકાર હતા. તેમણે મારો ઈન્ટરવ્યૂ કર્યો હતો ને મને કહ્યું હતું કે ‘હું તારો જબરજસ્ત ફેન છું અને જે દિવસે હું દિગ્દર્શક બનીશ ત્યારે મારી પહેલી ફિલ્મમાં તારી પાસે અભિનય કરાવીશ.’ તેમણે વચન પાળ્યું અને અશોક કુમાર અને વીણાને લઈને પહેલી ફિલ્મ ‘અફસાના’ બનાવી એમાં મને રોલ આપ્યો.’
+ અભ્યાસ કરવા માટે થોડા વર્ષ ફિલ્મોથી દૂર રહેલા તબસ્સુમ રૂપેરી પડદે પાછા ફર્યા ત્યારે એમને દમદાર રોલ ન મળવાથી માતા પિતાએ દીકરીને પરણાવી દીધી. જોકે, ફિલ્મોમાં જે ન મળ્યું એનાથી અનેક ગણું રેડિયો – ટેલિવિઝને આપ્યું. સેટેલાઇટ ચેનલ પહેલાના દૂરદર્શન યુગમાં ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ કાર્યક્રમમાં ફિલ્મસ્ટાર્સનાં ઈન્ટરવ્યૂ સીને રસિકો માટે એક મિજબાની બની રહ્યા. કલાકારો અંગત અને વ્યાવસાયિક જીવનની અનેક મજેદાર વાત આ કાર્યક્રમમાં શેર કરતા જેને કારણે આ સાપ્તાહિક શો ૨૧ વર્ષ સુધી દર્શકોને માણવા મળ્યો. તેમની અંતિમ ફિલ્મ હતી વિજય આનંદ દિગ્દર્શિત ‘જાના મુજસે દૂર’ જે ક્યારેય રિલીઝ ન થઈ. તબસ્સુમજીએ દીકરા હોશંગ ગોવિલને હીરો બનાવી ‘તુમ પે હમ કુરબાન’ (૧૯૮૫) બનાવી જેને ઠીક ઠીક સફળતા મળી. ત્યારબાદ હોશંગને જ હીરો બનાવી ‘કરતૂત’ (૧૯૮૭) બનાવી, પણ એ રિલીઝ ન થઈ અને તબસ્સુમજીની ફિલ્મ સફરનો અંત આવી ગયો. બાળ કલાકાર તરીકે સારી સફળતા મેળવનાર તબસ્સુમજી ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ના સંચાલક તરીકે આજીવન સ્મરણમાં રહેશે.
——-
‘માડી મને કહેવા દે’ અને ‘ઉપર ગગન વિશાળ’

ગુજરાતી ફિલ્મોનો ધમધમતો દોર શરૂ થયો એ પહેલા તબસ્સુમ ગુજરાતી ફિલ્મમાં હિરોઈન તરીકે જોવા મળ્યાં હતાં. તેમની પહેલી ફિલ્મ હતી ‘માડી મને કહેવા દે.’ ૧૯૬૮માં રિલીઝ થયેલી આ ફિલ્મના અન્ય કલાકાર હતા સતીશ વ્યાસ, જયંત ભટ્ટ અને નંદિની વ્યાસ.
યુ ટ્યુબ પર આ ફિલ્મ ઉપલબ્ધ છે અને એ સમયની સુપરહિટ ફિલ્મ તરીકે નોંધ પણ છે. આજે એ ફિલ્મ તમને કદાચ પસંદ ન પડે, પણ તબસ્સુમનો અભિનય, એના ચહેરા પરની માસૂમિયત જરૂર તમારું મન હરી લેશે. ત્યારબાદ ૧૯૭૧માં આવેલી ‘ઉપર ગગન વિશાળ’ના દિગ્દર્શક હતા એ સમયના અત્યંત લોકપ્રિય ડિરેક્ટર મનહર રસકપૂર જે ‘મેંદી રંગ લાગ્યો’, ‘કલાપી’ વગેરે ફિલ્મો માટે જાણીતા છે.
ફિલ્મના નિર્માતા અને લેખક હતા રઘુવીર વ્યાસ અને સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. ફિલ્મના અન્ય કલાકાર હતા અરવિંદ પંડ્યા, અમૃત પટેલ, કમલેશ ઠક્કર અને પી. ખસરાણી. ફિલ્મનું ટાઈટલ સોન્ગ ખાસ્સું લોકપ્રિય
થયું હતું. શરૂઆતની આ બંને ગુજરાતી
ફિલ્મોમાં તબસ્સુમ એક કુશળ અભિનેત્રી હતાં એ સિદ્ધ થાય છે. આ ફિલ્મ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular