વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં મોત: ‘અનુપમા’ સ્ટાર નીતેશ પાંડેનો મૃતદેહ નાશિક હૉટેલમાંથી મળી આવ્યો
સિમલા-મુંબઈ: ટી.વી. સિરિયલોનાં બે જાણીતાં કલાકારોનું મોત થતાં ટી.વી. ઉદ્યોગમાં શોક ફેલાઈ ગયો છે. ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ: ટેક ટુ’માં રોસેશ સારાભાઈની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવનારી વૈભવી ઉપાધ્યાયનું સોમવારે હિમાચલ પ્રદેશના સિમલામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે નીતેશ પાંડેનો મૃતદેહ નાશિક નજીક ઈગતપુરીમાં બુધવારે એક હોટેલ રૂમમાંથી મળી આવ્યો હતો.
વૈભવી ઉપાધ્યાય ૩૨ વર્ષની હતી અને નીતેશ પાંડે ૫૨ (બાવન) વર્ષનો હતો. અભિનેત્રી પોતાના ફિયાન્સ સાથે કુલ્લુમાં એક કારમાં સફર કરી રહી હતી. ત્યારે એક વળાંક પાસે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર ખીણમાં પડી હતી. વૈભવીને માથામાં ઈજા થઈ હતી, પણ તેણે કારની બારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેની આ ઈજા જીવલેણ નિવડી હતી,
જ્યારે તેનો ફિયાન્સ અને ડ્રાઈવર સલામત હતા એમ કુલ્લુના એસ.પી. સાક્ષી વર્માએ પીટીઆઈને જણાવ્યું હતું.
‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ના નિર્માતા જે.ડી. મજીઠિયાએ બુધવારે સવારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વૈભવી ઉપાધ્યાયના મોતની જાણ કરી હતી. વૈભવીની અંતિમક્રિયા બુધવારે મુંબઈમાં કરવામાં આવી હતી.‘અનુપમા’ સિરિયલમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નીતેશ પાંડેનો મૃતદેહ ઈગતપુરીની હોટેલમાંથી મળી આવ્યો હતો. ‘સાયા’, ‘અસ્તિત્ત્વ: એક પ્રેમ કહાની’ જેવી સિરિયલો અને ‘ઓમ શાંતિ ઓમ’ તેમજ ‘ખોસલા કા ઘોસલા’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર નીતેશ પાંડે ઈગતપુરી શૂટિંગ માટે જ ગયો હતો.
નીતેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસે અત્યારે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.
નીતેશ હોટેલના બેડરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દાખલ કરતાં પહેલાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. નીતેશે રૂમમાં ખાવાનું મંગાવ્યું હતું. હોટેલવાળા તે આપવા ગયા હતા ત્યારે રૂમનો દરવાજો અનેક વાર ખટખટાવ્યા પછી પણ ન ખોલાતાં હોટેલના કર્મચારીઓએ માસ્ટર કી દ્વારા દરવાજો ખોલતાં નીતેશ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
હજી ૨૧મી મેએ બંગાળી ટી.વી. ઉદ્યોગની જાણીતી અભિનેત્રી સુચંદ્રા દાસગુપ્તા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી હોવાના અહેવાલ આવ્યા હતા અને ૨૨મી મેએ એમટીવીના સ્ટાર, જાણીતા એક્ટર, મોડેલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહના મૃત્યુના અહેવાલ પણ આવ્યા હતા. (પીટીઆઈ)