પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ T Raja Singh ને BJP માંથી સસ્પેન્ડ કરાયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હૈદરાબાદના બીજેપી વિધાનસભ્ય ટી રાજા સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ટી રાજા સિંહને કારણ બતાવ નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માંગ્યો છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ ન કરવાનું કારણ આપો. નોંધનીય છે કે પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હૈદરાબાદ પોલીસે ટી રાજા સિંહની ધરપકડ કરી હતી.

ભાજપના વિધાનસભ્ય ટી રાજા સિંહે સોમવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ મુનવ્વર ફારૂકીને અપશબ્દો બોલતા સાંભળવા મળે છે. ત્યાર બાદ તેઓ પયગમ્બર મોહમ્મદ વિષે આપમાન જનક ભાષામાં ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ એક ધર્મ વિશેષના સમુદાયની ધાર્મિક લાગણી દુખાવવા જાણી જોઈને એવું બોલી રહ્યા છે.

એટલું જ નહિ વિધાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે સોશિયલ મીડિયા સાઇટે વીડિયો હટાવી દીધો છે અને જ્યારે હું જેલમાંથી છૂટીશ ત્યારે તે ક્લિપનો “બીજો ભાગ” અપલોડ કરીશ. હું આ ધર્મ માટે કરી રહ્યો છું. હું ધર્મને ખાતર મરવા પણ તૈયાર છું.

બીજેપી નેતાની ધરપકડની માંગ સાથે સોમવારે રાત્રે હૈદરાબાદના કેટલાક ભાગોમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના ઘણા ધારાસભ્યો અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રાજા સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે આપેલી માહિતી મુજબ ટી રાજા સિંહ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દબીરપુર પોલીસ સ્ટેશનના નિરીક્ષક જી કોટેશ્વર રાવે કહ્યું કે તેમને રાજા સિંહ વિરુદ્ધ ફરિયાદ મળી છે, જેમાં આરોપ છે કે બીજેપી ધારાસભ્યએ ચોક્કસ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. ટી રાજા સિંહ પર ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો કરવા, ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા અને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવા બદલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.