PM અને CMના કાર્યક્રમ માટે ભાડે રખાયેલી પ્રાઇવેટ બસોનાં ભાડાના ચુકવવામાં તંત્રના ઠાગાઠૈયા

આપણું ગુજરાત

Ahmedabad: વડાપ્રધાન કે મુખ્યપ્રધાનનો કાર્યક્રમ હોય ત્યારે ભીડ એકત્રિત કરવા સામાન્ય રીતે એસ.ટી.ની બસો દોડાવવામાં આવતી હોય છે, પરંતુ જરૂર પડ્યે પ્રાઈવેટ બસ ઓપરેટરો પાસેથી પણ બસ ભાડે લેવામાં આવે છે. મૌખિક અથવા લેખિત ઓર્ડર મુજબા ખાનગી બસ ઓપરેટરો જરૂરિયાત મુજબ બસો પૂરી પાડે છે. આ બસ ઓપરેટરોને ભાડા ચુકવવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરતા હોય એવું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ પહેલા સરકારી કામ માટે મોકલાયેલી બસના ભાડા હજુ ચુકવવામાં આવ્યા નથી. કંટાળેલા બસ ઓપરેટરોએ ઉપવાસ આંદોલન પર ઉતારવા ચિમકી ઉચ્ચારી છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2019માં નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બનાયા ત્યારે તેમન સ્વાગત સમારોહ માટે અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપનીના ધંધુકા ખાતેના વૃક્ષારોપણમાં બસ ઓપરેટરોએ મોકલેલી બસોના નાણાં હજુ ચૂકવાયા નથી. ઓપરેટરોએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરના કહેવા મુજબ સાણંદ મામલતદાર ત્રણ વર્ષથી અભિપ્રાય મોકલતા નથી અને છેલ્લા 12 મહિનાથી કલેકટર કચેરીમાં ગ્રાન્ટ આવી નથી. હવે અધિકારીઓએ પણ હાથઉંચા કરી દીધા છે. ત્યારે કલેકટર કચેરીના ધક્કા ખાઈને કંટાળેલા ઓપરેટરોએ કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
વડાપ્રધાનની બીજી ટર્મના સ્વાગત કાર્યક્રમ માટે 40 બસો અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધંધુકા ખાતેના વૃક્ષારોપણના કાર્યક્રમમાં 40 બસો મળી કુલ 80 બસો ભાડે રાખવામાં આવી હતી. ઉપરાંત તાઉતે વાવાઝોડા દરમિયાન મોકલાયેલી 50 બસોના ડિઝલ અને ડી.એ.ના બીલની રકમ પણ ચૂકવાયા નથી.
એક બસ ઓપરેટરે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અત્યાર સધી જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ રાહ જોવાનું કહેતા હતાં અને તેમેણે ‘હવે અમે શું કરીએ?’ એમ કહી હાથ ઊંચા કરી દીધા છે.
જેને લઈને બસ ઓપરેટરોને ભારે આર્થીક નુકશાન વેઠવું પડી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.