અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી
યત્ર સોમેશ્ર્વરો દેવ સ્તત્ર મામતંકૃધીન્દ્રો પરિસ્રવ.
(ૠગ્વેદ-ખિલસૂત્ર, પરિશિષ્ટ ર૦/પ મંડલ ૯)
(જ્યાં ગંગા છે, જ્યાં યમુના છે, જ્યાં પ્રાચી સરસ્વતી છે અને જ્યાં દેવ સોમેશ્ર્વર છે ત્યાં મને અમર બનાવે, હે ચન્દ્રમાં ઈન્દ્રને માટે અમૃતની વૃષ્ટિ કરો…)
સરસ્વતી સમુદ્રસ્ય સોમ: સોમગ્રહસ્તથા
દર્શન સોમનાથસ્ય સકારા પંચ દુર્લભા: (‘પ્રભાસખંડ’)
(સરસ્વતી નદી, સમુદ્ર, સોમ (સહધર્મચારિણી ઉમા સહિત શિવ), સોમગ્રહ(ચન્દ્ર) અને ભગવાન સોમનાથનું દર્શન એ પાંચ દુર્લભ ‘સકાર’ પ્રભાસમાં એકત્રિત થાય છે.)
અરબી સમુદ્રને કિનારે. સૌરાષ્ટ્રના દક્ષ્ાિણ ભાગમાં, ભારતના પશ્ર્ચિમ કિનારે. ગિર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં વેરાવળથી માત્ર આઠ કિલોમિટરના અંતરે ર૦.રપ અક્ષ્ાાંશ અને ૭૦.ર૪ રેખાંશ ઉપર આવેલું પ્રાચીન પુરાણોમાં પાટણ, દેવપાટણ, પ્રભાસપાટણ, સોમનાથ પાટણના નામોથી ઓળખાતું સ્થળ.
શૈવ-સંપ્રદાયનાં મુખ્ય બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું અત્યંત મહત્ત્વનું તીર્થસ્થાન તે સોમનાથ. અતિ પ્રાચીન સમયથી ‘પ્રભાસક્ષેત્ર’ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું આ મહાદેવનું મંદિર કદાચ જગતભરમાં સૌથી વધુ વખત વિધર્મીઓનાં આક્રમણો સહન કરવા છતાં, અનેકવાર જેનો વિનાશ થયા છતાં લોકહૈયામાં અડગ અડીખમ રીતે જળવાઈને ફરી ફરી ચેતનવંતુ બનતા રહેવાનો વિશ્ર્વવિક્રમ ધરાવે છે. આ સ્થાનકને બચાવવા ગુજરાતના હજારો નવલોહિયા યુવાનોએ લીલુડાં માથાંનાં બલિદાનો આપ્યા છે. સોમનાથ મંદિરની આજુબાજુ પ્રભાસમાં જ અને વેરાવળ બંદરની જળેશ્ર્વર, તપેશ્ર્વર, વેણશ્ર્વર, ભીડભંજન, રૂદ્રશ્ર્વર અને શશિભૂષણ મહાદેવનાં મંદિરો આવેલા છે. સરસ્વતી હિરણ અને કપિલાનો ત્રિવેણી સંગમ઼ મહાભારત યુદ્ધ બાદ યાદવાસ્થળી અહીં જ થયેલી અને ભગવાન શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો તે સ્થળને ભાલકાતીર્થ તથા દેહોત્સર્ગના નામથી ઓળખવામાં આવે છે. આ સ્થળે અનેક નાનાં મોટાં શૈવ મંદિરો, શાક્તમંદિરો, સૂર્યમંદિરો, વૈષ્ણવમંદિરો, સનાતન હિન્દુધર્મના વિધવિધ સંપ્રદાયોના દેવ-દેવીઓનાં મંદિરો, જૈન મંદિરો, મુસ્લિમ ધર્મસ્થાનકો, લોકદેવતાઓનાં સ્થાનકો અને અનેક સંપ્રદાયોના સંતસ્થાનો આવેલાં છે.
ભારતવર્ષ્ામાં અમુક તીર્થો ખાસ ધાર્મિક કાર્યો માટે ખ્યાતિ ધરાવે છે. વારાણસી, પ્રયાગ, પુષ્કરતીર્થ, સોમનાથ-પ્રભાસ, રામેશ્ર્વર, ગયા, દ્રારકા, મથુરા, જગન્નાથપુરી, આબુ, શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોમાં જઈને દાન દક્ષ્ાિણા કરવાથી કે ધાર્મિક વિધિઓ કરાવવાથી, સ્નાન કરવાથી, શ્રાદ્ધ કરવાથી અનેકગણું પુણ્ય મળે છે તેવું લોકમાનસમાં વ્યાપ્ત છે. પ્રભાસ-સોમનાથ આવું જ તીર્થસ્થાન છે. અહીં ત્રિવેણી સ્નાન કરવાનો તથા ત્રિવેણીમાં સ્વજનના અસ્થિવિસર્જન કરવા કે પૂર્વજોને શ્રાદ્ધ સંપન્ન કરવાનો મહિમા મોટો છે.
સોમનાથનું પ્રાકટ્ય
સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્ત્પત્તિ વિશે આપણા પુરાણોમાં મળતી કથા મુજબ દક્ષ્ા પ્રજાપતિને ર૭ પુત્રીઓ હતી, જેના વિવાહ ચન્દ્ર સાથે થયેલા, તે પૈકી રોહિણી ચન્દ્રને અતિ પ્રિય હતી, અન્ય ર૬ રાણીઓએ પોતાના પિતા દક્ષ્ાને ફરિયાદ કરી, એમના શાપથી ચન્દ્ર/સોમને ક્ષ્ાયરોગ થયો, ચન્દ્રે આ સ્થળે શિવ ઉપાસના કરી, શિવને પ્રસન્ન ર્ક્યા અને શિવનું સુવર્ણમય કાષ્ટનું મંદિર બંધાવ્યું. જે સોમનાથના નામે ઓળખાયું. અતિ સમૃદ્ધ તીર્થસ્થળ ઉપરાંત આ સ્થાને વેલાકુલ નામે ધીક્તું બંદર પણ હતું. તેથી મહમુદ ગઝનવી દ્રારા તારીખ ૬-૧-૧૦ર૬માં પ્રથમ વાર ધ્વંશ થયો. એ પછી અનેક વાર બંધાયું અને વિધર્મીઓ દ્રારા લૂંટાતું રહ્યું. જે સ્થળે ભારત સ્વતંત્ર થયા પછી કનૈયાલાલ મુનશી સાથે સરદાર વલ્લભભાઈની પ્રતિજ્ઞા મુજબ નૂતન મંદિરનું નિર્માણ શરૂ થયું અને તા. ૧૧ મે, ૧૯પ૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી. આજે તો ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબ એનું સૌંદર્યીકરણ થતાં વિશ્ર્વખ્યાત તીર્થધામ અને પ્રવાસ-પર્યટનસ્થળ તરીકે વિકસતું રહ્યું છે.
આજના સોમનાથ મંદિરની આજુબાજુના વિસ્તારમાં પ્રાચીન સૂર્યમંદિર ઉપરાંત હિન્દુ ધર્મના શૈવ, શાક્ત, વૈષ્ણવ, સંત/ભક્તધારાની અનેકાનેક શાખાઓ તથા જુદા જુદા તમામ મુસ્લિમ, જૈન, બૌદ્ધ ધર્મોના પ્રાચીન-અર્વાચીન મંદિર-મસ્જિદ-ગુફાઓ- સમાધિઓ, ધર્મસ્થાનકો આવેલાં છે.
ભારતવર્ષ્ાના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન છે સૌરાષ્ટ્રના સોમનાથનું. સોમનાથ-પ્રભાસતીર્થની ઓળખ માટે આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં અનેક પ્રકારના ઓળખનામો પ્રાપ્ત થાય છે. સૂર્યતીર્થ, ભાસ્કરતીર્થ, અગ્નિતીર્થ, સોમતીર્થ, સરસ્વતીતીર્થ, વિષ્ણુતીર્થ-શ્રીહરિતીર્થ, શાક્તતીર્થ-શ્રીવિદ્યા તીર્થ, શૈવતીર્થ, પાશુપતતીર્થ, રૂદ્રતીર્થ, હિરણ્યસારતીર્થ, જૈનતીર્થ,હરનગર, શિવનગર, સુરપત્તન, સોમનાથપુર, દેવપટૃન, ચન્દ્રપ્રભાસ પટૃણ, આનર્તસાર… પાશુપત સંપ્રદાયના સાધુઓ મહાદેવ શિવના ‘ઉમા સહિત ચંદ્રશેખર’ સ્વરૂપની ઉપાસના કરતા હતા. ‘સોમનાથ’ નામમાં સ વત્તા ઉમા એમ ઉમા સહિત શિવની કલ્પના છે. સોમનાથને ‘જયોતિર્મયકલાવતંસમ્’ પણ કહેવામાં આવે છે. સોમનાથના ત્રણ નેત્રો છે અગ્નિ, સૂર્ય અને સોમ઼.
આપણી પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓને કિનારે પાંગરેલી હતી. અહીં પ્રભાસના અરબી સમુદ્રને પાંચ નદીઓ મળતી હતી, તેથી આ પ્રદેશને પંચસ્ત્રોતા તરીકે ઓળખવામાં આવતો હતો. આ નદીઓમાં- વૈદિક સરસ્વતી નદી, હિરણ્યા નદી, ન્યુંકમતી નદી, કપિલા નદી, વ્રજની નદી એમ પાંચ નદીઓએ આ પ્રદેશને હરિયાળો બનાવ્યો હતો. આજે કેટલીક નદીઓ લુપ્ત થઈ ગઈ છે. છતાં આ પ્રદેશને ‘લીલીનાઘેર’ તરીકે સંબોધાય છે.
વેપારનું કેન્દ્ર હોય તેવા નગરને જૂના સમયમાં ‘પત્તન’ તરીકે ઓળખવામાં આવતું. પ્રભાસપાટણના એક પર્યાય નામમાં ‘દેવપત્તન’ જેવું નામ મળે છે. જલમાર્ગે જોડાયેલને ‘જલપત્તન’ અને સ્થળના માર્ગથી જોડાયેલને ‘સ્થળપત્તન’ કહેવાતું. ‘પત્તન’નું પ્રાકૃતરૂપ એટલે ‘પટ્ટણ’. એટલે આ સ્થાનને ‘પ્રભાસપટ્ટણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાહજહાંના સમયમાં પ્રભાસમાં ટંકશાળ હોવાનું ત્યાંથી બાહર પડેલા સિક્કાઓ પરથી જાણવા મળે છે. એ સિક્કાઓ પર ટંકશાળ નામ ‘પત્તન (પટ્ટણ) દેવ’ (દેવપટ્ટણ) અંક્તિ થયું છે.
પ્રભાસને ભાસ્કરક્ષ્ોત્ર તરીકે પણ ઓળખાવાય છે જેના કારણમાં અહીંના બાર સૂર્યમંદિરો કેન્દ્રમાં છે. મહાભારતના વનપર્વમાં તથા સ્કંદપુરાણમાં પ્રભાસખંડમાં સૂર્ય અને તેની પત્ની સંજ્ઞાની કથા પ્રાપ્ત થાય છે જે પ્રભાસમાં પ્રાચીનકાળથી સૂર્યપૂજા થતી હતી એનું સૂચન કરે છે. શૈવયોગીઓ અગ્નિ, સૂર્ય અને સોમને એક સરખું મહત્ત્વ આપે છે. સોમનાથના આચાર્ય ભાવબૃહસ્પતિ વારાણસીમાં જન્મેલા કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. પૂર્વ સંસ્કારથી એમણે તમામ વિદ્યાઓમાં નિપુણતા મેળવેલી અને પાશુપતવ્રત ગ્રહણ કરેલું હતું. પાશુપત શૈવ સંપ્રદાયને લગતા કેટલાંક ગ્રંથોની રચના પણ તેમણે કરી હતી. ધર્મ સ્થાનોની રક્ષ્ાા કરવા અનેક તીર્થોની યાત્રા કરેલી હતી. સિદ્ધરાજ જયસિંહે તેમને સર્વશ્રેષ્ઠ માન આપેલું. તેમણે સિદ્ધરાજને સોમનાથના શિવાલયનો ર્જીણોદ્ધાર કરવાનો ઉપદેશ કરેલો, પરંતુ સોમનાથનો ર્જીણોદ્ધાર કરાવ્યા પહેલાં જ સિદ્ધરાજનું અવસાન થયું. સિદ્ધરાજ પછી ગાદીએ આવેલા જૈન ધર્મમાં દીક્ષ્ાિત કુમારપાલને સોમનાથનો ર્જીણોદ્ધાર કરવા રાજી કરીને ભાવબૃહસ્પતિએ પ્રભાસમાં સ્થાયી થઈ સોમનાથનો ર્જીણોદ્ધાર કરાવ્યો. કૈલાસશૈલોપમ સોમનાથ પ્રાસાદનું નામ મેરુપ્રાસાદ ઠરાવ્યું. કુમારપાળે નવા થયેલા સોમનાથ પ્રાસાદને જોઈ પ્રસન્ન થઈને ભાવબૃહસ્પતિને સર્વેરગંડેશ્ર્વર ગંડનું પદ અર્પણ કરેલું ને બ્રહ્મપુરી ગામ લેખિત શાસનથી કશાય પ્રતિબંધ વિના ઉપભોગ માટે લખી આપેલ હતું. જેને પરિણામે દેવપત્તનમાં શિવ તથા વિષ્ણુના અનેક મંદિરો અસ્તિત્વમાં આવ્યા. ખગોળ-ભૂગોળ વિજ્ઞાનના કેન્દ્ર તરીકે છેક દક્ષ્ાિણ ધ્રુવ સુધી અબાધિત સમુદ્રાંતક માર્ગ ધરાવતું આ સ્થાન સમગ્ર વિશ્ર્વમાં અજોડ છે.