કમનસીબે પ્રકૃતિ સ્વિમિંગ પૂલમાં પ્રવેશી છે
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ધીમે ધીમે એક સમયે લક્ઝરી ગણાતી જરૂરિયાતો માત્ર ધનિક માટે જ હતી. ચોકલેટ અને આઇસક્રીમ આરોગવો એ જીવનના સંતોષનો ઓડકાર હતો. મુક્ત અર્થતંત્ર થતાં જોઇને આનંદ મેળવાતી લક્ઝરીઓ કોમન માણસની લાઇફમાં આવવા
લાગી છે.
આજકાલ સામાન્ય પરિવાર શનિવાર-રવિવારની રજાઓમાં ખિસ્સાને પરવડે એવી પિકનિક કરવા લાગ્યો છે. રેસ્ટોરાંમાં જમવું કે લગ્ન સમારોહ માણવા પણ કોમન થવા લાગ્યું છે. એસી, બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ, ઘર, પરફ્યુમ, વેહિકલ હપ્તેથી મળવા લાગતાં કશું નવું રહ્યું નથી. માણસ જેમ જેમ ધનિક થાય તેમ તેમ એ સરેરાશ મધ્યમ વર્ગથી અલગ પડવાની કોશિશ કરે, પણ શું કરી શકે?
રિચ લોકોની દુનિયાએ બધાથી અલગ પડવા ડિઝાઈનર સ્વિમિંગ પૂલ બનાવવાનો શોખ શોધ્યો છે. આમ તો મધ્યમ વર્ગની સોસાયટીમાં સ્વિમિંગ પૂલ હોય છે, પણ સમૂહમાં ખર્ચ કાઢવાય મુશ્કેલ છે. એક સમયે બંધ થઇ જાય છે અથવા એ જગ્યાના બીજા વિકલ્પ શોધાવા લાગે છે.
હા, સામાન્ય માણસના બે, ત્રણ કે ચાર બેડરૂમના ઘરમાં સ્વિમિંગ પૂલ શક્ય હોતો નથી. કદાચ દેખાદેખીથી બનાવી દે તો એ શોખને પાળવો એટલો સસ્તો નથી. સમજોને કે હાથી ખરીદતાં ખરીદી તો લીધો પણ… કુછ સમજે?
આમ છતાં દરેક સરેરાશ માણસને સ્વિમિંગ પૂલમાં પડી રહેવું ગમે છે. પાણી સાથે આપણે જન્મથી અને લાખો વર્ષોથી સંબંધ છે. મોટા ભાગની સંસ્કૃતિ નદીઓની આસપાસ વિકસી હતી.
આજે સ્વિમિંગ પૂલ શા માટે યાદ આવ્યો? અચાનક ગરમીની સીઝન ધારવા કરતાં વહેલી શરૂ થઈ છે. કદાચ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. સામાન્ય માણસ ગરમીમાં વનડે પિકનિક પ્લાન પણ સ્વિમિંગ પૂલ સાથેનું
સ્થળ પસંદ કરે છે, પાણી સાથે આપણું પેઢીઓથી જોડાણ છે.
તીર્થસ્થાનની એક સમયની વ્યાખ્યામાં પાણીના સ્રોત હોવા જરૂરી હતા. માણસ ધાર્મિક કારણોસર પણ કુદરતી સ્વિમિંગ પૂલ સાથે જોડાયેલો રહ્યો છે. કમસે કમ સૂર્યને અર્ઘ્ય આપવા પાણી પાસે જતો. સ્વાભાવિક કનેક્શન આપણું સ્વિમિંગ પૂલ સાથે જોડાયેલું છે.
હા, સ્વિમિંગ પૂલની ઇમેજ બગાડવામાં ફિલ્મોનો ફાળો ખરો. આપણી અસંખ્ય ફિલ્મોમાં એક સમયે ધનિકોને નકારાત્મક પાત્ર તરીકે રજૂ કરતા હતા. નેગેટિવ કેરેક્ટર અતિ સમૃદ્ધ છે એવું દર્શાવવા તેને સ્વિમિંગ પૂલના કિનારે ગાર્ડનમાં ડાયલોગ બોલવા પડતા. આ સમયે એકાદ બિકિની પહેરેલી રૂપકલી સમૃદ્ધિ દર્શાવવામાં વેલ્યુ એડેડ જેવું કામ કરતી હતી. હિરોઇનનો ધનિક બાપ બે દાદરવાળા ઘરમાં હોય અને બાકી સમય સ્વિમિંગ પૂલ પર હોય, એ કોમન હતું. એને બીજો કામધંધો નહોતો.
ઇવન ફિલ્મોમાં કેટલાંય મર્ડર સ્વિમિંગ પૂલમાં થતાં જોયાં છે, ફિલ્મી લાશો પણ સ્વિમિંગ પૂલમાં તરતી હોય. ફિલ્મી સ્વિમિંગ પૂલે રોમેન્સનો તડકો આપ્યો છે. લાલ અથવા કાળા રંગ સાથે સેક્સી દેખાવ સ્વિમિંગ પૂલની જરૂરિયાત બની ગઇ. વાસ્તવિક અલગ જ હોય, પણ ફિલ્મી કલ્પનામાં રાચવું કોને ન ગમે? બે-ચાર જણ પાણીમાં ગબડીને કોમેડી દૃશ્ય સ્વિમિંગ પૂલમાં થતાં હોય, તરતાં નથી આવડતું એવા સીધાસાદા ગામડાના હીરોને હિરોઈન સ્વિમિંગ પૂલમાં ફસાવે, બચાવે અને… ગાયનો ગાવાનાં, બીજું શું? સૌંદર્ય ઉજાગર કરતી હિરોઈનની પ્રેમની આગની જ્વાળાઓ વધારે સળગાવવા ઉપર વરસાદ અને નીચે સ્વિમિંગ પૂલ… પાણીમાં આગ. બાકી વાચકમિત્રો હોશિયાર છે.
મનમાં થાય કે આટલો બધો પાણીનો વ્યય કરાય? સ્વિમિંગ પૂલ પાણીનો પુષ્કળ વ્યય કરે છે એવું માનવાવાળાનો મોટો વર્ગ છે. વીસમી સદીથી સ્વિમિંગ પૂલની ટેક્નોલોજીમાં ધરખમ ફેરફાર આવ્યો. પાણીના બચાવ માટે સામાન્ય ગણાતી ક્લોરિનેશન અને ફિલ્ટરેશન જેવી ટેક્નોલોજી શરૂ થઈ. આ પહેલાં પૂલને સાફ કરવા પાણી બદલવું એ જ માત્ર રસ્તો હતો. બાકી એક સમયે અમેરિકાના ફ્લોરિડામાં પહેલો સ્વિમિંગ પૂલ વર્ષ ૧૮૬૮માં શરૂ થયો હતો અને આસપાસ રહેતા લોકોને સ્નાન માટે સુવિધા આપવામાં આવી હતી. બ્રિટનમાં વર્ષ ૧૮૩૭માં આધુનિક કહેવાય એવો સ્વિમિંગ પૂલ શરૂ થયો હતો, પણ સ્વિમિંગ પૂલની લોકપ્રિયતા ઓલિમ્પિક્સ રમતોમાં સ્વિમિંગના સમાવેશ મીન્સ વર્ષ ૧૮૯૬થી શરૂ થઈ હતી.
મૂળ વાત, સ્વિમિંગ પૂલમાં એ જ પાણી ફિલ્ટર થઇને વપરાશમાં પાછું લેવામાં આવે છે એવી દલીલ પણ કરવામાં આવે છે. જ્યારે ભારતમાં વર્ષ ૨૦૨૫ પછી પાણીની કટોકટી વધવાની સંભાવના છે એ સમયે નવી સ્કીમોમાં સ્વિમિંગ પૂલ હોવા જોઈએ કે કેમ એ અલગથી ચિંતનનો ગંભીર વિષય છે. આમ તો સામાન્ય નાગરિકોને પરવડે એવા રેડીમેડ અને કિંમતમાં પરવડે એવા એક જ યુનિટના પ્લાસ્ટિક જેવા મટીરિયલ થકી સ્વિમિંગ પૂલ બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યા છે. ટેક્નોલોજીનો પ્રભાવ વધતાં સ્વિમિંગ પૂલમાં માર્બલ જેવા પથ્થરનો ઉપયોગ છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષથી ઘટ્યો છે. આ બધાં કારણો સાથે ઓલિમ્પિક્સ થકી વોટર ગેમ્સ પોપ્યુલર થતાં ઘરોમાં વધુ સારી ક્વોલિટીના સ્વિમિંગ પૂલ બનવા લાગ્યા. ઇન શોર્ટ, સમૃદ્ધિ વધતાં સ્વિમિંગ પૂલની લક્ઝરી છેલ્લાં વર્ષોમાં ઘરની ખુલ્લી સ્પેસમાં પ્રવેશી છે.
એક યુગમાં સ્વિમિંગ પૂલ બનાવવા પહેલી અને અંતિમ શરત હતી પાણીની ઉપલબ્ધિ. આ કારણોસર મહદંશે નદીકિનારે ઘરોમાં પૂલ વધારે બનતા હતા. ભારતીય ઉપખંડમાં અને હાલમાં પાકિસ્તાનમાં આવેલા મોહેં-જો-દડોમાં માનવસર્જિત વિશ્ર્વનો પહેલો માનવસર્જિત સ્વિમિંગ પૂલ બન્યો હોવાનું માનવામાં આવે છે. અભ્યાસુઓ માને છે કે મોહેં-જો-દડોનો સ્વિમિંગ પૂલ આનંદપ્રમોદ માટે નહોતો, પણ કોઈ પરંપરા સંદર્ભે બન્યો હતો.
દર વખતની જેમ ભારતીય ઉપખંડમાંથી યુરોપના ગ્રીસમાં ગયેલો સ્વિમિંગ પૂલ એન્ટરટેઇનમેન્ટ માટે હતો. સ્નાન સાથે સ્વાસ્થ્યના ઉમદા હેતુ સાથે જોડાયેલા ગ્રીકના સ્વિમિંગ પૂલમાં લોકોની સમૃદ્ધિ વધતાં આર્કિટેક્ટ ડિઝાઇનથી સજ્જ થવા લાગ્યો. સ્વિમિંગ પૂલની આસપાસ શાનદાર સ્કલ્પચર, પેઇન્ટિંગ સાથે ભદ્ર સમાજ વધારે સવલતો સાથે અલગ પડવા લાગ્યા. કુદરતી પાણીના વહેણનો ઉપયોગ કરીને સ્વચ્છ સ્વિમિંગ પૂલ બન્યા. કોઈ પણ યુગ હોય, અતિ સંપન્ન સમાજની દુનિયા અલગ છે. પૈસાનો પાવર કદી અટકતો હોય? વિશાળ ચૂલાઓ થકી સ્વિમિંગ પૂલમાં ગરમ પાણી ભરવામાં આવતું. હજી અટક્યા નહોતા, રોમનોએ સ્વિમિંગ પૂલને જ ભઠ્ઠા પર લાવીને દીવાલો અને થાંભલાઓને ગરમ કરીને પાણીને ઉકાળવાનું શરૂ થયું. આમ તો પ્લેટોએ તો બાળકોના શિક્ષણમાં સ્વિમિંગ પૂલને સિલેબસનો ભાગ કરાવ્યો હતો. હા, શક્તિશાળી રોમનો તૈયાર કરવામાં સ્વિમિંગ પૂલનો પૂરેપૂરો લાભ લીધો છે.
હા, ઇન્ડોર સ્વિમિંગ પૂલની કલ્પના મોડી આવી. ઇન્ડોર પૂલની પ્રણાલી બસો વર્ષ જૂની છે. આ પદ્ધતિમાં જાત જાતના સુધારાઓને અંતે સ્વિમિંગ પૂલની વધતી ડિમાન્ડના યુગમાં હાલમાં એક કરોડ સ્વિમિંગ પૂલ એકલા અમેરિકામાં છે. આમ છતાં એવું માનવામાં આવે છે કે અડધોઅડધ કરતાં વધારે અમેરિકન સ્વિમિંગ કરવાનું જાણતા નથી. સામાન્ય ઇમેજ એવી છે કે અમેરિકન નાનપણથી જ સ્વિમર હોય, પણ દરેક માનેલાં સત્ય સાચાં હોતાં નથી.
સ્વિમિંગ પૂલમાં પાણીના અતિશય વપરાશની ચિંતા વિશ્ર્વવ્યાપી છે. ઓસ્ટ્રેલિયન સ્વિમિંગ પૂલમાં વેસ્ટ પાણીનો વપરાશ શરૂ થયો. હજી પણ સંતોષ ન થતાં કુદરતી વહેણ સાથે સ્વિમિંગ પૂલ બનવા લાગ્યા. આજે એકલા યુરોપમાં વીસ-પચીસ હજાર સ્વિમિંગ પૂલ કુદરતી સ્રોતનો ઉપયોગ કરે છે. આમ છતાં કુદરતી પાણીના સ્રોત સાથેની ટેક્નોલોજી છેલ્લાં દશ-વીસ વર્ષથી વધુ વિકાસ પામી છે, સ્થાનિક સરકારો આવા સ્વિમિંગ પૂલના વપરાશ માટે પ્રોત્સાહન આપે છે. કુદરતી સ્વિમિંગ પૂલમાં ખાસ પાણીને સ્વચ્છ રાખે તે રીતની વિસ્તાર, આબોહવા અને જીવજંતુઓને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. કુદરતી રીતે ઓક્સિજન બને, સાથોસાથ ઢાળ હોય. સમસ્યા એ છે કે કુદરતી સ્વિમિંગ પૂલની ટેક્નોલોજી અટપટી હોવાથી અત્યંત મોંઘા બનતા હોય છે, જે સુપર રિચને જ પરવડતા હોય છે.
સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે આઇડિયલ ઓલિમ્પિક્સ ગેમ્સ માનીએ તો પચાસ મીટરની લંબાઈ, પચીસ મીટરની પહોળાઈ અને ત્રણ મીટરની ઊંડાઈ હોવી જોઈએ, પાણીનું તાપમાન ૨૫ અંશથી ૨૮ અંશ હોય તો સ્વિમર બેસ્ટ પર્ફોર્મન્સ આપી શકે. આટલી વિશાળ જગ્યા અશક્ય હોય તો પ્રપોશનલ ગુણાંકમાં સ્વિમિંગ પૂલ બને છે, દશ મીટરમાં પાંચ વાર સ્વિમિંગ કરવું પડે…
આમ છતાં સ્વિમિંગ પૂલ માટે કોમન સવાલ છે કે કેટલી સાઇઝ જરૂરી છે? જો સ્વિમિંગ પૂલ આસપાસ ડિનર પાર્ટીઓ થવાની હોય તો પૂલની ડિઝાઇન અલગ કરવી પડે. પૂલની ડિઝાઇન પરિવારના તરવૈયા સભ્યોની સંખ્યા, મહેમાનોની સંભાવના, બજેટ, બાળકો માટે અલગ નાનો પૂલ વગેરે પર આધારિત છે. હા, નાનો જ પૂલ બનાવવામાં આવે તો સ્મોલ પૂલમાંથી એક શબ્દ જન્મ્યો હશે, સ્પૂલ… મૂળ વાત સ્વિમિંગ પૂલ નાનો હોય કે મોટો, પણ તે પરિવારના આનંદ માટે છે, તણાવ દૂર કરવા માટે હાથવગું સાધન છે. સ્વિમિંગ પૂલમાં પણ અસંખ્ય રેન્જ છે. જમીનથી કેટલાક ફૂટ ઉપર સીડીવાળો સ્વિમિંગ પૂલ રિચનેસની નિશાની છે. જમીનની લેવલના સ્વિમિંગ પૂલની આસપાસ કોસ્ટલી ફર્નિચર મૂકીને સમૃદ્ધિ દર્શાવાય. આપણે ત્યાં ઇન્ડોર પૂલ છે એવું કહ્યા પછી સામાન્ય માણસ સમજી જાય કે માણસની સાઇઝ ધારે છે એના કરતાં ઘણી મોટી છે…
હા, તમારું ફાર્મહાઉસ પર્વતો વચ્ચે છે તો એની ડિઝાઇનમાં સમૃદ્ધિ
દેખાડવાનાં તમામ તત્ત્વોને શોધી શોધીને લાવવામાં આવે છે, ઇવન એની સાદગીમાં પણ સમૃદ્ધિ છલકતી હોય છે. પર્વતો વચ્ચે આસપાસ ઝાડ હોય તો એની ડિઝાઇન વધારે શાનદાર થાય છે, મહદંશે ઝરણાનો અવાજ આવે એવો પ્લાન બને છે.
હા, દરિયાકિનારા પરના સ્વિમિંગ પૂલના બ્લુ પાણી અને ડિઝાઇનનો ક્લાસ યુનિક છે. હા, આજકાલ બહુમાળી ઘરોમાં સ્વિમિંગ પૂલ હોવો એ સ્ટેટસ છે.
સ્વિમિંગના ફાયદા કે ગેરફાયદા એ પાછો અલગ વિષય છે. આપણી આસપાસ નર્મદા, તાપી, સાબરમતી, મહી કે અસંખ્ય નદીઓએ અસંખ્ય સ્વિમરો આપ્યા છે, પણ કમનસીબે એ યુગ પૂરો થયો. હવે હોટેલ, મોટેલ કે પિકનિક પ્લેસ પરના સ્વિમિંગ પૂલનો યુગ છે. આજકાલ દિલ હૈ કી માનતા નહીંની જેમ ધ સ્વિમર ફિલ્મ જેવું મન થાય છે, માર્ગમાં આવતા બધા જ સ્વિમિંગ પૂલ પર તરવાની મહેચ્છા દર્શાવી છે. બીજી રીતે વિચારીએ તો માણસજાત પ્રકૃતિથી દૂર થવા લાગી. માર્ગમાં આવતાં નદીનાળાંમાં રસ નથી, પણ સ્વિમિંગ પૂલ આકર્ષિત કરે છે, નદીનાળાંમાં પ્રદૂષણ પણ આપણી જ કુદરતને ગિફ્ટ છે. આધુનિક યુગની વાસ્તવિકતા સ્વીકારવી જ રહી…
***********
ધ એન્ડ
મોજાંઓ સાથે નૃત્ય કરતા હો એ રીતે તાલ ગોઠવીને સમુદ્રમાં આગળ વધો. દરિયાનાં વિશાળ મોજાંઓના અવાજ અને લયને આત્મા સાથે જોડી દો…
– ક્રિસ્ટી એન. માર્ટિન