એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
તમિલ અભિનેત્રી અને ભાજપનાં નેતા ખુશ્બુ સુંદરે પોતાના સગા બાપ દ્વારા જાતિય શોષણ એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરાયું હોવાનો આક્ષેપ કર્યો તેના કારણે લાગેલો આઘાત શમ્યો નથી ત્યાં હવે સ્વાતિ માલીવાલે આવો જ આક્ષેપ કર્યો છે. દિલ્હી મહિલા પંચમાં ચેરપર્સન સ્વાતિ માલીવાલે કહ્યું છે કે, મારા પિતા બાળપણમાં મારું જાતિય શોષણ એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતા હતા. આ કારણે હું મારા જ ઘરમાં ડરીને રહેતી હતી અને તેમની હાજરીમાં બહાર આવતાં પણ ડરતી હતી. મારા પિતા મને કોઈપણ કારણ વગર મારતા હતા અને મારા વાળ પકડીને દીવાલ સાથે મારું માથું અફાળતા હતા. મારા પિતાના અત્યાચારોથી ડરીને મેં ઘણી રાતો પલંગ નીચે છુપાઈને વિતાવી છે.
દિલ્હી મહિલા પંચ દ્વારા બહાદુર મહિલાઓને સન્માનવાના કાર્યક્રમમાં સ્વાતિએ મહિલાઓની હિંમતને વખાણીને પોતાની આપવિતી પણ જણાવી. સ્વાતિએ બેધડક કહ્યું કે, મને હજુ પણ યાદ છે કે મારા પિતા મારા પર જાતિય હુમલો એટલે કે સેક્સ્યુઅલ એસોલ્ટ કરીને મારું જાતિય શોષણ કરતા હતા. મારા પિતા ઘરે આવતા ત્યારે ડરીને હું પલંગ નીચે છુપાઈ જતી. પલંગ નીચે ડરથી ધ્રૂજતી હું હંમેશાં વિચારતી કે, મારે શું કરવું જોઈએ કે જેથી આવા બધા હેવાનોને પાઠ ભણાવી શકું ? હું કઈ રીતે મહિલાઓને આ અત્યાચાર સામે લડવા માટે સશક્ત બનાવી શકું ?
સ્વાતિએ પોતાનાં માતા, માસી અને નાના-નાનીના કારણે પોતે આ આઘાતમાંથી બહાર આવી શક્યાં એ પણ સ્વીકાર્યું છે. સ્વાતિએ સ્વીકાર્યું કે, મારી માતા, માસી અને નાના-નાની મારા જીવનમાં ન હોત તો હું બાળપણના આ આઘાતમાંથી બહાર જ ના આવી શકી હોત.
સ્વાતિએ પોતાના પિતા દ્વારા થતા જાતિય શોષણ વિશે વધારે કંઈ કહ્યું નથી ને તેની જરૂર પણ નથી. મોટા ભાગની સ્ત્રીઓ બાળપણમાં બનેલા આ પ્રકારના બનાવોને ભૂલીને જીવવા માંડે છે અને તેનો ઉલ્લેખ કરવાનું પણ ટાળે છે ત્યારે સ્વાતિ માલીવાલે પોતાના પર થયેલા અત્યાચાર વિશે બોલવાની હિંમત કરી એ જ બહુ મોટી વાત છે. સ્વાતિએ પોતાના પિતાનો ઉલ્લેખ કરીને પોતાના પર થયેલા અત્યાચારની વાતો જાહેર કરવાની હિંમત બતાવી એ બહુ મોટી છે. સ્વાતિ માલીવાલને આ હિંમત માટે સલામ કરવી જોઈએ.
સ્વાતિની આપવિતી પણ ખુશ્બુ સુંદર જેવી જ છે. ખુશ્બૂનું સાચું નામ નખત ખાન છે અને ખુશ્બુ મુંબઈના મુસ્લિમ પરિવારની છે. મુંબઈમાં જ ઉછરેલી ખુશ્બુએ બાળ કલાકાર તરીકે ફિલ્મોની કારકિર્દી શરૂ કરી હતી. તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા પંચમાં નિમાયેલાં ખુશ્બુએ એક ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું કે, પોતે માત્ર આઠ વર્ષની હતી ત્યારથી પિતાની હવસનો શિકાર બનતી હતી. પતિને પરમેશ્ર્વર માનતી પોતાની માતા આ વાત નહીં માને એ ડરે ચૂપ રહી હતી અને માતાને આ વાત કહેવાની હિંમત જ નહોતી બતાવી શકી.
આ કારણે આઠ વર્ષ સુધી પિતા દ્વારા જાતિય શોષણ થતું રહ્યું. છેવટે ખુશ્બુ ૧૫ વર્ષની થઈ ત્યારે હિંમત કરીને પિતાના દુષ્કર્મ સામે અવાજ ઉઠાવીને ભાંડો ફોડવાની ધમકી આપી. ખુશ્બુએ પિતાને તાબે થવાનું બંધ કર્યું ત્યારે જાતિય શોષણનો સિલસિલો બંધ થયો. ખુશ્બુની માતાનું નામ નજમા ખાન હોવાનું બહુ વાર કહ્યું છે પણ પોતાના પિતાનું નામ જાહેર કરવા પણ તૈયાર નહોતી. ખુશ્બુ કદી પિતાના નામનો ઉલ્લેખ સુધ્ધાં કેમ નહોતી કરતી તેની ખબર લોકોને આ ઈન્ટરવ્યુ પછી પડી. ખુશ્બુના આકરા તેવર જોયા પછી તેનો બાપ ખુશ્બુ અને તેની માને ચેન્નાઈમાં એક રૂમમાં છોડીને જતો રહેલો. ખુશ્બુ પાસે ફૂટીકોડી નહોતી તેથી ઘણા દિવસો ખાધા વિના જ કાઢવા પડેલા. જો કે તેનાથી બહુ ફરક નથી પડતો કેમ કે ખુશ્બુ તેના પિતાને તાબે થતી રહી હોત તો તેનું શોષણ આખી જિંદગી સુધી ચાલ્યું હોત.
ખુશ્બુ સુંદર અને સ્વાતિ માલીવાલને બાળપણમાં થયેલા અનુભવો આઘાતજનક છે ને તેમની વાત સાંભળીને કમકમાટી થઈ આવે. એક બાપ કઈ રીતે હવસખોર હેવાન બનીને સગી દીકરીને હવસનો શિકાર બનાવી શકે એ સવાલ
મનમાં ઊઠે.
કોઈ છોકરીનું કૂમળી વયે શારીરિક શોષણ થાય ત્યારે તેના પર શારીરિક અત્યાચાર તો થાય જ છે પણ માનસિક અત્યાચાર પણ થાય છે. બાપની જવાબદારી દીકરીને આ પ્રકારના કોઈ પણ શોષણથી બચાવવાની હોય છે. તેના બદલે બાપ જ શોષણ કરે તેને ધિક્કારવા માટે શબ્દો પણ નથી મળતા. દુનિયામાં આવા પણ હેવાનો હોય છે એ સાંભળીને કમકમાટી પણ થઈ આવે પણ કમનસીબે ખુશ્બુ સુંદર અને સ્વાતિ માલીવાલ જેવા અનુભવો બાળપણમાં ઘણી છોકરીઓને થાય છે.
આ શોષણ માટે છોકરીનો હેવાન બાપ તો જવાબદાર કહેવાય જ. બલ્કે એ તો ફાંસીનો અપરાધી છે પણ સાથે સાથે પરિવારજનો પણ જવાબદાર હોય છે. નાનું બાળક બિચારું બોલી શકે નહીં ને તેમાં પણ સગો બાપ જ આ હેવાનિયત કરતો હોય ત્યારે તો કશું કરી ના શકે તેથી આ અત્યાચારો સહન કર્યા કરે. મોટા ભાગનાં નિર્દોષ બાળક અસહ્ય માનસિક અને શારીરિક યાતનામાં પિસાયા કરે છે પણ ઘણાં બાળકો નાની વયે બોલવાની હિંમત કરે છે. જો કે મોટા ભાગના કિસ્સામાં પરિવારનાં લોકો તેની વાત માનતાં નથી. પરિવારનાં લોકો તેની વાત માને તો પરિવારની કહેવાતી આબરૂ જવાના ડરે બાળકને ચૂપ કરી દે છે. ખુશ્બુના કિસ્સામાં પણ એ પોતાની માતાને કશું કહેવાની હિંમત ના કરી શકી કેમ કે તેને ડર હતો કે, પતિને પરમેશ્ર્વર માનતી તેની મા મારી વાત પર વિશ્ર્વાસ જ નહીં કરે. મોટા ભાગનાં નાનાં બાળકોની માનસિક સ્થિતિ આ જ હોય છે.
વાસ્તવમાં દરેક પરિવારે પોતાના સંતાન પર સતત નજર રાખવી જોઈએ. બાળકના વર્તનમાં ફેરફાર થાય, બાળક ગૂમસૂમ લાગે કે સ્વભાવથી વિપરીત વર્તન કરે તો તરત તેની સાથે વાત કરવી જોઈએ, તેને હૂંફ આપીને કારણ જાણવું જ જોઈએ. બાળકોના જાતિય શોષણનો ડેટા કહે છે કે, બાળકોનું જાતિય શોષણ કરનારામાં ૩૦ ટકા લોકો છોકરી કે છોકરાના ભાઈ, પિતા, પિતરાઈ, કાકા, મામા, માસા, ફુઆ વગેરે નજીકનાં સગાં હોય છે જ્યારે ૬૦ ટકા પરિવારના મિત્રો, પાડોશીઓ, શિક્ષકો વગેરે હોય છે.
આ સંજોગોમાં પરિવારની સ્ત્રી સભ્યોની જવાબદારી વિશેષ છે. સંતાનો પરિવારના પુરૂષોથી પણ સલામત રહે એ માટે તેમણે સતત સતર્ક રહેવું પડે, તેમની ફરતે કિલ્લેબંધી રાખવી પડે. તો જ ખુશ્બુ કે સ્વાતિ જેવા કિસ્સા અટકે.