Homeપુરુષસ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે મઠ

સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે મઠ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

દિવાળીમાં મન ભરીને મઠિયાંનો સ્વાદ આપે અચૂક માણ્યો જ હશે. દિવાળી હોય એટલે ગુજરાતી ઘરોમાં મઠિયા તો અચૂક તળાતા જોવા મળે. હા ક્યાંક બહારથી તૈયાર લાવીને ઘરમાં તળાય. તો અનેક કુટુંબોમાં આજે પણ મઠિયાંના લોટને ઘરે કૂટીને સ્વ-હસ્તે બનાવીને તેનો અસલી સ્વાદ સાથે સંતોષ માણવામાં આવતો હોય છે. દિવાળીમાં બનતાં ફરાળમાં મઠિયાં-સુવાળી તથા ચકરીનો આસ્વાદ અચૂક માણવામાં આવે છે. અનેક કુટુંબો પરંપરાગત મીઠાઈનો આગ્રહ આજે પણ રાખતાં હોય છે. અનેક શોખીનો મઠિયાંની મોજ તો દિવાળીના તહેવારમાં જ માણવા મળે તે માટે કાગડોળે રાહ જોતા હોય છે. માન્યું કે દિવાળીમાં ખાસ ખવાતા મઠિયાંનો સ્વાદ નાના-મોટા સૌને માણવો પસંદ હોય છે. શું આપ જાણો છો મઠિયાં જે દાળમાંથી તૈયાર કરવામાં આવે છે તે મઠ કે મઠની દાળ સ્વાસ્થ્ય માટે કેટલી
ગુણકારી છે.
આહાર તજજ્ઞો તેથી જ વારંવાર ભાર દઈને કહેતાં હોય છે કે મગની સાથે મઠ કે મટકીનો ઉપયોગ આહારમાં નિયમિત સ્વરૂપે કરવો આવશ્યક છે. મઠમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગુણો સમાયેલાં છે. મઠને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. મઠની દાળનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી શરીરની વિવિધ પ્રકારની વ્યાધિથી છુટકારો મળે છે.
—————–
મઠની દાળમાં સમાયેલા સ્વાસ્થ્ય સંબંધિત ગુણો વિશે પણ જાણી લઈએ
હાડકાં મજબૂત બનાવવામાં ગુણકારી
મઠની દાળમાં પૂરતાં પ્રમાણમાં કૅલ્શિયમની માત્રા સમાયેલી જોવા મળે છે. હાડકાં મજબૂત બનાવવાની સાથે હાડકાં સંબંધિત તકલીફથી રાહત આપવામાં ઉપયોગી બને છે. મઠની દાળમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ સમાયેલું હોય છે, હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મઠનું નિયમિત સેવન કરવાથી હાડકાં સબંધિત તકલીફથી છુટકારો મળી રહે છે. હાડકાં સંબંધિત વિવિધ મુશ્કેલી જેવી કે બરડ બનવાં કે દુખાવાની તકલીફથી બચી
શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી : પોષક તત્ત્વોના ગુણોનો ખજાનો ગણાંતા મઠના સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો છે. આહારમાં મઠનો ઉપયોગ કરવાથી શરીરને બેક્ટેરિયાના પ્રકોપથી બચવામાં મદદ મળે છે. મઠમાં ઝિંકની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
માનસિક તાણને દૂર કરવામાં ગુણકારી
વૈજ્ઞાનિકો દ્વારા મઠની દાળ ઉપર કરવામાં આવેલાં સંશોધન થકી જાણવા મળે છે કે મઠમાં સમાયેલું ઝિંક ઍન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સતત તણાવપૂર્ણ જીવન જીવતી વ્યક્તિ માટે નિયમિત મઠની દાળનું સેવન ગુણકારી ગણવામાં આવે છે. મઠની દાળ સાથે આહારમાં ઝિંકયુક્ત આહારનો સમાવેશ તાણને નિયંત્રણમાં રાખવામાં મદદ
કરે છે.
————–
વજન ઘટાડવામાં લાભકારક
મઠમાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ નિયમિત કરવાથી શરીર સ્ફૂર્તિલું રાખવામાં મદદ મળે છે. લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે. વારંવાર ખાવાની ઈચ્છાથી બચી શકાય છે, જે વજનને ઘટાડવામાં મદદ કરે છે. વાળની તંદુરસ્તી માટે પણ પ્રોટીનનો ઉપયોગ આહારમાં અત્યંત લાભકારક ગણવામાં આવે છે. મસલ માસને વધારવાની સાથે કૅલરીનો ઉપયોગ કરે છે. મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે.
મઠની દાળનો ઉપયોગ આહારમાં કરવાથી લોહીમાં જોવા મળતું ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવામાં મદદ મળે છે. બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં પણ ગુણકારી ગણાય છે.
—————
શરીરને ઊર્જા પ્રદાન કરે છે
મઠની દાળમાં વિટામિન બીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. મઠની દાળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં શક્તિ પેદા થાય છે. ઝિંકની માત્રા પણ સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી શરીરમાં આળસુપણું હોય તે દૂર કરવામાં મદદ મળે છે.
મઠની દાળમાં મેગ્નેશિયમ, કૅલ્શિમય, પોટેશિયમ, ફોસ્ફરસ મેંગેનિઝ, આયર્ન, કૉપર, સોડિયમ તથા ઝિંકની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.
મઠનો ઉપયોગ કરતાં પહેલાં તેને પાણીમાં થોડો સમય પલાળીને કરવો વધુ યોગ્ય ગણાય છે. મઠને ફણગાવીને કે તેનું ઊસળ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફણગાવેલાં મઠનો ઉપયોગ સલાડમાં પણ કરી શકાય છે. મઠના લોટના મઠિયાં તો ગુજરાતી ઘરોમાં દિવાળીમાં બનતાં જ હોય છે. દિલ્હીમાં મઠનો ઉપયોગ ખસ્તા કચોરીમાં કરવામાં આવે છે.
ગુજરાતી ઘરોમાં અઠવાડિયાના વાર પ્રમાણે વિવિધ દાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમ કે સોમવારે દૂધી-ચણાની દાળ, મંગળવારે તુવેરની દાળ, બુધવારે મગ, ગુરુવારે મગની દાળ, શુક્રવારે ચણા તથા શનિવારે અડદની દાળ કે ત્રેવટી દાળ રવિવારે કઢી-મગની છુટ્ટી દાળ, આખા છુટ્ટા બાફેલાં મગ કે લચકો દાળ અચૂક બનાવવામાં આવે છે. ગુજરાતી ઘરોમાં મઠનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવામાં આવતો હોય છે. દિવાળીમાં મઠિયાં બનાવવામાં તેનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. મઠ કે મઠની દાળનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક હોવાથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી વિવિધ સ્વાસ્થ્યવર્ધક લાભ મેળવી શકાય છે.
—————
મહારાષ્ટ્રમાં મઠને મટકી તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ સ્વાદિષ્ટ ઊસળ બનાવવામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. મઠનો સ્વાદ એટલો મીઠો હોય છે કે એક વખત જો આપે મહારાષ્ટ્રીયન ઊસળનો આસ્વાદ માણ્યો હોય તો વારંવાર તેને ખાવાનું મન થશે, જે આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે.
મઠનું ઉસળ
સામગ્રી : ૧ વાટકી મઠ, ૧ ચમચી આમલીનું પાણી, ૧ નંગ કાંદો, ૧ નંગ ટમેટું ઝીણું સમારેલું, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧ ચમચી ઊસળ મસાલો, ૧ ચમચી ધાણાજીરુ, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ નંગ બાફેલું બટાકું, ૧ વાટકી ઊસળમાં ઉપર ભભરાવવા માટે તીખી-મોળી સેવ-ગાંઠિયા, સજાવટ માટે કોથમીર, વઘાર માટે તેલ-ઘી, પાંઉ ૨ નંગ
બનાવવાની રીત : સૌ પ્રથમ ૧ વાટકી મઠને બરાબર સાફ કરીને ૫-૬ કલાક પાણીમાં પલાળીને રાખવા. કૂકરમાં ૨ સિટી વગાડીને બાફી લેવા. એક કડાઈમાં જરૂર મુજબ તેલ-ઘી લઈને તેમાં કાંદા સાંતળવા. આદું-મરચાં-લસણની પેસ્ટ ભેળવીને બરાબર હલાવી લેવું. થોડું પાણી ભેળવીને ચડવા દેવું. હવે તેમાં બાફેલાં મઠ ભેળવીને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, ઊસળ મસાલો સપ્રમાણ માત્રામાં ભેળવવો. બાફેલાં બટાકાના નાના ટૂકડાં કરીને ભેળવવા. આમલીનું પાણી ભેળવીને ૫ મિનિટ સીઝવવું. ઊસળ તૈયાર થઈ જાય એટલે બાઉલમાં કાઢીને તેની ઉપર સેવ-ગાંઠિયા તથા કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસવું. મહારાષ્ટ્રમાં ઉસળ સાથે સાદો પાંઉ ખાવાનો રિવાજ છે.

RELATED ARTICLES

Most Popular