Homeપુરુષસુંદર સ્વાસ્થ્ય માટે ભોજનમાં સામેલ કરો ‘સૂંઠ’

સુંદર સ્વાસ્થ્ય માટે ભોજનમાં સામેલ કરો ‘સૂંઠ’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

હાલમાં કોરોના અન્ય દેશોમાં વકરેલો જોવા મળી રહ્યો છે. નવા વર્ષની શરૂઆત થશે. સ્વાસ્થ્યને જાળવવા માટે સૂંઠનો ઉપયોગ અત્યંત અક્સીર ઈલાજ ગણાય છે. વળી ઠંડીના દિવસોમાં સૂંઠનો ઉપયોગ આરોગ્ય માટે ચમત્કારિક પરિણામ આપે છે. આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના મહામારીમાં અનેક લોકોએ કાઢા પીતાં રહીને રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખી હતી. અનેક લોકો એવા પણ જોવા મળ્યાં હતાં કે જેઓ કોરોના વાઇરસને ફક્ત સૂંઠના વિવિધ પ્રકારના ઉપયોગ કરીને વાઇરસની ઝપેટથી બચી ગયા હતા. સૂંઠનો ઉપયોગ આહારમાં કરીને કઈ રીતે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય તે પણ અત્યંત રસપ્રદ છે. વળી સૂંઠના સ્વાસ્થ્યવર્ધક ગુણો પણ જાણવા યોગ્ય છે. જે પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે.
ગુજરાતી પરિવારમાં તો સૂંઠનો ઉપયોગ વહેલી સવારથી જ થવા લાગે છે. સવારની ગરમાગરમ ચાની ચૂસકીમાં પણ સૂંઠનો ઉપયોગ ખાસ ચાના મસાલામાં કરવામાં આવતો હોય છે. ઠંડીની મોસમમાં સૂંઠ તથા ગોળની તાજી તાજી ગોળી બનાવીને ચૂસતાં રહેવાથી શરીરને ગરમાવો મળે છે. તાજા આદુંને સૂકાવીને સૂંઠ તૈયાર કરવામાં આવે છે. ભોજનમાં સૂંઠનો ઉપયોગ એક મસાલા તરીકે કરવામાં આવે છે. સૂંઠ ત્વચા સંબંધિત રોગમાં પણ અત્યંત ગુણકારી ગણવામાં આવે છે. કેરીની મોસમમાં કેરીનો રસ ખાતા પહેલાં તેમાં સૂંઠ પાઉડર ભેળવ્યા બાદ રસ ખાવાથી ગેસની તકલીફ થતી નથી. ઠંડીમાં બનતાં વસાણામાં પણ સૂંઠનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે.
ચાલો, જાણી લઈએ સ્વાસ્થ્યવર્ધક સૂંઠના ફાયદા:
ક વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ: વજન ઘટાડવામાં સૂંઠનો ઉપયોગ કરવાનું આહાર તજજ્ઞો કહે છે. આદુંને સુકાવીને સૂંઠ તૈયાર કરવામાં આવે છે. આદુંમાં લિપીડ પ્રોફાઈલને ઓછું કરવાની શક્તિ ઓછી હોય છે. એક સંશોધન પ્રમાણે લિપીડ પ્રોફાઈલ ઓછું કરીને સૂંઠ વજન નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે સૂંઠમાં થર્મોજેનિક ગુણ જોવા મળે છે. જે શરીરમાં ફેટ બર્નરનું કામ કરે છે. પેટની ગરબડમાં રાહત આપી શકે છે સૂંઠ. વહેલી સવારના હૂંફાળા પાણીમાં સૂંઠનો પાઉડર ઉકાળીને પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. શરીરને સમતોલ બનાવવાનું કામ કરે છે.
ક તાવ-શરદીમાં અતિગુણકારી: અનેક લોકો સતત શરદી કે તાવની બીમારીથી ઝૂઝતાં હોય છે. તેમના માટે સૂંઠનો ઉપયોગ વિવિધ રીતે આહારમાં કરવો રામબાણ ઈલાજ ગણાય છે. તેનું મુખ્ય કારણ છે કે સૂંઠમાં ઍન્ટિ ઑક્સિડન્ટ, ઍન્ટિ ફંગલ, ઍન્ટિ બેક્ટેરિયલ ગુણ સમાયેલાં હોય છે. જે શરીરને બેક્ટેરિયલ તથા ફંગલ ઈન્ફેકશનથી બચાવે છે. ઠંડીના દિવસોમાં સૂંઠનું સેવન કરવાથી સૂકી ખાંસી, તાવ-શરદી જેવી બીમારીમાં રાહત મળે છે. નરણાં કોઠે સૂંઠના પાઉડરને પાણીમાં ઉકાળીને પીવાથી રાહત મળે છે. સૂંઠની ગોળીનો ઉપયોગ પણ શરદી-તાવમાં અત્યંત ઉપયોગી ગણાય છે.
ક સાંધાના દર્દમાં ગુણકારી : જેમને ઠંડીની મોસમમાં કે બારેમાસ સાંધામાં દુખાવો રહેતો હોય તેમણે નિયમિત સૂંઠનો ઉપયોગ કરવો આવશ્યક છે. સૂંઠમાં વિટામિન સી, ફાઈબર, આયર્ન, પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ઍન્ટિ ઈન્ફેલમેટરી ગુણો પણ સૂંઠમાં સમાયેલાં છે. વળી સૂંઠના સેવનથી માંસપેસીમાં આવતાં સોજા ઘટે છે.
મેટાબોલિઝમને સુધારે છે : સૂંઠમાં થર્મોજેનિક એજન્ટ સમાયેલું છે. જે મેટાબોલિઝમને મજબૂત કરવાનું કામ કરે છે. શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ તથા ટ્રાઈગ્લિસરાઈડ લેવલને સંતુલનમાં રાખવાનું કામ કરે છે. મેટાબોલિઝમનું સ્તર જ્યારે શરીરમાં વધે છે ત્યારે શરીરમાં ઊર્જાની માત્રા જળવાઈ રહે છે.
ક ત્વચાને રોગ મુક્ત કરે છે: ત્વચા સંબંધિત બીમારી પણ આજકાલ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સૂંઠનું સેવન કરનાર વ્યક્તિને ત્વચા સબંધિત બીમારીથી રાહત મળે છે. બેક્ટેરિયા તથા ફંગલ ઈન્ફેકશનથી બચાવે છે. ખીલ-મુહાસોની તકલીફમાં પણ સૂંઠનો વિવિધ રીતે આહારમાં ઉપયોગ આવશ્યક છે. સૂંઠ-મરી-એલચી-તજ-લવિંગ બધા જ મસાલાને ભેગા કરીને ચાનો મસાલો તૈયાર કરી લેવો. જેનો ઉપયોગ કાઢામાં કે ચા-ઉકાળો કે કૉફીમાં કરીને ત્વચાને ઈન્ફેક્શનથી બચાવી શકાય છે.
ક માથાના દુખાવામાં રાહતદાયક: માઈગ્રેન હોય કે સામાન્ય માથાના દુખાવો વ્યક્તિને આકુળવ્યાકુળ બનાવી દેતો હોય છે. માથામાં દુખાવાની ફરિયાદ થાય ત્યારે એક ચમચી સૂંઠને ૧ ચમચી પાણીમાં ઓગાળીને તેની પેસ્ટ બનાવી લેવી. તેને કપાળ ઉપર હળવે હાથે લગાવી લેવાથી ઘણો આરામ મળશે.
ક છાતીમાં દર્દ: આદુંનો ઉપયોગ પ્રાચીન કાળમાં ચીની આયુર્વેદિક તથા તિબેટિયન યુનાની હર્બલ દવાઓમાં પણ કરવામાં આવતો હતો. માંસપેશીઓમાં સતત કળતરની અસરમાં સૂંઠ ઉપયોગી સાબિત થયેલ છે. ગેસ, અપચો કે લોહી ગંઠાઈ જવાને કારણે પણ ક્યારેક હૃદયમાં દર્દ ઊભું થતું હોય છે. આવા સંજોગોમાં સૂંઠનો ઉકાળો પીવાથી રાહત મળે છે. સૂંઠમાં જિંજરોલ નામક ખાસ તત્ત્વ સમાયેલું છે, જે રક્તપ્રવાહને પ્રોત્સાહિત કરીને દર્દને ઘટાડવાનું કામ કરે છે.
ક કેન્સર જેવી બીમારીમાં પણ ગુણકારી: કૅન્સર જેવી બીમારીમાં પણ સૂંઠનો ઉપયોગ સકારાત્મક પરિણામ લાવે છે. સૂંઠ આદુંને સૂકવીને તેના પાઉડરને કહેવામાં આવે છે. આદુંને ઍન્ટિ કૅન્સર ગુણોથી સમૃદ્ધ ગણવામાં આવે છે. આદુંનો આહારમાં ઉપયોગ કરવાથી મુખ્યત્વે કોલોન કૅન્સર તથા પ્રોસ્ટેટ કૅન્સરમાં ગુણકારી ગણાય છે. આદુંને સૂકવીને તૈયાર કરવામાં આવે છે સૂંઠ. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરમાં આદુંનો પાક તૈયાર કર્યા બાદ આદુંને પાણીથી બરાબર સાફ કરે છે. તેને ગોળાકારમાં કાપીને કે આખાં જ આદુંને સૂકવવા માટે રાખવામાં આવે છે. બરાબર સૂકાઈ જાય ત્યારબાદ અનેક ખેડૂતો તો સૂકી સૂંઠને સાત વખત મશીનમાં ફેરવીને રગડે છે. આમ રગડવાથી સૂંઠની પરિપકવ ગાંઠ તૈયાર થાય છે. મશીનમાંથી કાઢ્યા બાદ ૨૦ કિલો આદુંમાંથી ફક્ત ૪ કિલો આદું બની જાય છે. તેને કડક સૂર્યપ્રકાશ આપવાથી સૂંઠ સારી તૈયાર થાય છે. વરસાદની મોસમમાં આદું તો સારુ મળે છે, પરંતું તેમાંથી બનાવવામાં આવતી સૂંઠ સારી ગુણવત્તાની મળતી નથી.ખેડૂતોનું કહેવું છે કે આદુંમાંથી બનાવવામાં આવતી સૂંઠ જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે તેને વેચવા મંડીમાં લઈ જવામાં આવે છે. સરકાર દ્વારા તે સમયે તેની ઉપર કર વસૂલવામાં આવે છે. ખેડૂતોની એવી માંગ છે કે સરકાર દ્વારા સૂંઠ જેવા તૈયાર માલને ટેક્સ ફ્રી કરી દેવો જોઈએ. જેથી ખેડૂતો તેનો પાક કરના ડર વગર વેચીને નફો રળી શકે.
સૂંઠની કુલ પાંચ જાતિ બતાવવામાં આવેલી છે. સૌથી નીચલા દરજજાની સૂંઠને ગઠ્ઠી સૂંઠ કહેવામાં આવે છે. જેનો બજારમાં ભાવ સામાન્ય રીતે ૧૦૦થી ૧૨૫ રૂપિયાની આસપાસ હોય છે. તેનાથી થોડી વધુ ચઢિયાતી સૂંઠને નંબર વન સૂંઠ કહેવામાં આવે છે. તેનો બજારમાં ભાવ પ્રતિકિલો ૨૦૦થી ૨૨૫ રૂપિયાની આસપાસ હોય છે. સુપર ક્વોલિટી બજારમાં ઉપલબ્ધ છે. જેનો ભાવ પ્રતિકિલો ૩૦૦થી૩૭૦ રૂપિયાની આસપાસ જોવા મળે છે. ગોલા સૂંઠની ગુણવત્તા ઉપરની ત્રણે સૂંઠ કરતાં ચડિયાતી હોય છે. તેનો ભાવ પ્રતિકિલો બજારમાં ૪૦૦-૫૦૦ની આસપાસ જોવા મળે છે. સૌથી શ્રેષ્ઠ ક્વોલિટી સૂંઠની જે આવે છે તેનું નામ છે ‘હાઈ ગોલા’. જેનો ભાવ હોલસેલ બજારમાં ૫૫૦ થી ૬૦૦ પ્રતિકિલોથી પણ વધુ જોવા મળે છે. મંડીમાં તેની માંગ સૌથી વધુ જોવા મળે છે.

સૂંઠની ગોળી
સામગ્રી: ૨ મોટી ચમચી સૂંઠ પાઉડર, ૧ વાટકી ગોળ, ૧ ચમચી ઘી.
બનાવવાની રીત: સૂંઠની ગોળી બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ચમચી ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય તેની સાથે જ તેમાં ગોળ ભેળવીને ધીમે ધીમે હલાવતાં રહેવું. ગેસની આંચ અત્યંત ધીમી રાખવી. જેથી ગોળ ફક્ત ઓગળશે. ગોળ બરાબર ઓગળી જાય એટલે તેમાં ૨ ચમચી સૂંઠ પાઉડર ભેળવી દેવો.ગેસ બંધ કરીને મિશ્રણને બરાબર હલાવી લેવું. મન પસંદ નાની નાની સૂંઠની ગોળી બનાવી લેવી. એરટાઈટ નાના ડબ્બામાં ગોળી ભરી લેવી. વહેલી સવારના કે સાંજના સમયે ગોળીનો આનંદ માણવો. ઠંડી-શરદી-તાવમાં આ સૂંઠની ગોળી અત્યંત ગુણકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular