Homeપુરુષશિયાળાની સર્વોત્તમ ભાજી ગણાય છે ‘બથુઆ’

શિયાળાની સર્વોત્તમ ભાજી ગણાય છે ‘બથુઆ’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ઠંડીની મોસમ શરૂ થાય એટલે વિવિધ ભાજીના શાક લગભગ પ્રત્યેક રસોડામાં દિવસમાં એક વખત તો બને જ. તેમાં પણ ગુજરાતી ઘરોમાં તો મેથીનો ઉપયોગ વિવિધ રીતે મોટા પ્રમાણમાં કરવામાં આવતો જ હોય છે. ભાજીની વાત નીકળી છે તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વોત્તમ ગણાય તેવી બથુઆની ભાજીના આરોગ્યવર્ધક ગુણો વિશે જાણી લઈએ. આમ પણ શિયાળામાં બથુઆની ભાજી બજારમાં સરળતાથી મળી રહે છે. ઉત્તર ભારતમાં બથુઆની ભાજી ગુજરાત કરતાં વધુ પ્રચલિત જોવા મળે છે. પંજાબમાં જાવ તો શિયાળામાં ઠેર-ઠેર મળતું સરસવનું શાક તથા મક્કે દી રોટીમાં પણ બથુઆની ભાજીને ભેળવીને જ સરસવના શાકને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.
અંગ્રેજીમાં બથુઆની ભાજીને લેમ્બસ ર્ક્વાટર તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક નામ છે કીનોપોડિયમ આલ્બમ. બથુઆની ભાજીને સંસ્કૃતમાં વાસ્તૂક કે ક્ષારપત્ર, ગુજરાતીમાં ટાંકો કે બથર્વો, મરાઠીમાં ચાકવત, બંગાળીમાં બેતુયા, તેલુગુમાં પપ્પુકુરા, મલયાલમમાં વસ્તુક્કીરા નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં અનાદિ કાળથી બથુઆની ભાજીનો આહારમાં તો ઉપયોગ થતો જ આવ્યો છે. વળી ઘરને લીલા રંગથી રંગવા માટે પણ બથુઆની ભાજીનો ઉપયોગ કરવામાં આવતો. મહિલાઓ વાળમાંથી ખોડો દૂર કરવા વાળને મુલાયમ બનાવવા બથુઆને પાણીમાં ગરમ કરીને તે પાણીનો ઉપયોગ થકી વાળને ધોતી હતી.
બથુઆમાં વિટામિન બી-૧, બી-૨, બી-૩, બી-૫, બી-૬, બી-૯ તથા વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી જોવા મળે છે. બથુઆની ભાજીમાં કૅલ્શિયમ, આયર્ન,
મૈગ્નેશિયમ, મૈંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ તથા ઝિંક જેવા મિનરલ્સ પણ સમાયેલાં જોવા મળે છે. ૧૦૦ ગ્રામ બથુઆની ભાજીમાં ૭.૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૪.૨ ગ્રામ પ્રોટીન, ૪ ગ્રામ પોષ્ટિક રેષાનું પ્રમાણ સમાયેલું હોય છે. ૧૦૦ ગ્રામ બથુઆના પાનમાં કુલ મળીને ૪૩ ગ્રામ કૅલરીની માત્રા સમાયેલી જોવા મળે છે. બથુઆની ભાજીને જો તાજા દહીંમાં ભેળવીને ખાવામાં આવે તો પ્રોટીનથી ભરપૂર અત્યંત પૌષ્ટિક બની જતું હોય છે. હાલમાં તો શરીરમાં થોડી નબળાઈનો અનુભવ થવા લાગે તેની સાથે નિષ્ણાતો દ્વારા કૅલ્શિયમ કે વિટામિનની ગોળી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો ગોળી ખાવાનું ટાળીને બથુઆની ભાજીનો ઉપયોગ શિયાળામાં નિયમિત કરવામાં આવે તો શરીરની આવશ્યક્તા પ્રમાણે પોષક ગુણો સરળતાથી મળી રહે છે. આથી જ બથુઆની ભાજી પહેલવાનથી લઈને ગર્ભવતી મહિલા, બાળકો, વયસ્કો માટે અત્યંત ગુણકારી ગણાય છે. બથુઆની ભાજીને અમૃત સમાન ગણવામાં આવે છે. બથુઆની ભાજીનો ઉપયોગ એશિયા સહિત અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયામાં પણ કરવામાં આવે છે.
બથુઆની ભાજી માટે તો એવું કહેવાય છે કે નિરોગી રહેવું હોય તો બથુઆની ભાજી અચૂક ખાવી જોઈએ. બથુઆની ભાજીને બનાવતી વખતે ઓછામાં ઓછા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. બથુઆની ભાજીમાં ઘીનો વઘાર કરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે. મીઠાનો ઉપયોગ કરવાને બદલે સિંધાલુ કે સંચળનો ઉપયોગ તેમાં કરવો જોઈએ.
બથુઆની ભાજીનો સૂપ કે બથુઆની ભાજીનું રાયતું પણ અત્યંત સ્વાદિષ્ટ અને ગુણકારી
ગણાય છે.

બથુઆની ભાજીના સ્વાસ્થ્યવર્ધક ગુણો
પથરીની તકલીફથી બચી શકાય છે: પથરીની તકલીફ વ્યક્તિને અત્યંત વ્યાકુળ બનાવી દેતી હોય છે. બથુઆના શાકનું નિયમિત સેવન કરવાથી પથરીની તકલીફથી બચી શકાય છે. પથરીના દર્દીઓ માટે બથુઆનું શાક આહારમાં લેવાથી ફાયદો થાય છે. કબજિયાતને દૂર કરવામાં બથુઆની ભાજી ગુણકારી ગણાય છે. બથુઆને ઉકાળીને તેનો રસ પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જતી હોય છે તેવું માનવામાં આવે છે. પેશાબના રોગી માટે બથુઆની ભાજી સર્વશ્રેષ્ઠ ગણાય છે.
વાળમાં ખોડો કે જૂને દૂર કરવામાં મદદરૂપ: શિયાળામાં વાળમાં ખોડો થવાની તકલીફ વધી જતી હોય છે. અનેક વખત વાળની યોગ્ય સ્વચ્છતા ન રાખવાને કારણે વાળમાં જૂ પડવાની શક્યતા પણ જોવા મળે છે. વ્યક્તિ વારંવાર માથામાં ખંજવાળ કરીને બેબાકળી બની જતી હોય છે. ઉપરોક્ત સમસ્યાથી બચવા માટે બથુઆને પાણીમાં ઉકાળીને તેમાં એક લીંબુનો રસ ભેળવીને વાળ ધોવાથી રાહત મળે છે.
પેશાબ સંબંધિત સમસ્યામાં લાભકારક: અનેક વખત યોગ્ય માત્રામાં પાણી ન પીવાને કારણે કે વધુ પડતાં તીખાં-તળેલાં કે મસાલેદાર ભોજન કરવાને કારણે પેશાબ સંબંધિત પ્રશ્ર્નો ધીમે ધીમે વધતાં જોવા મળે છે. અનેક લોકોને પેશાબ સમયસર પસાર કરવાની પણ આળસ જોવા મળે છે. જેને કારણે તેઓ ધીમે ધીમે મોટી મુશ્કેલીને નોતરે છે. પેશાબ માર્ગમાં બળતરા કે દુખાવાની ફરિયાદ વધે છે. આવા સંજોગોમાં બથુઆની ભાજીને બરાબર સાફ કરીને તેનું ઓછું મસાલેદાર શાક બનાવીને ખાવાથી કે તેનું પાણી પીવાથી લાભ મળે છે.
ત્વચાને ચમકદાર બનાવે છે: બથુઆની ભાજી ફક્ત સ્વાસ્થ્ય વર્ધક જ નહીં પરંતુ સૌંદર્યવર્ધક પણ ગણાય છે. તેના સેવનથી ત્વચા ચમકદાર બની જતી હોય છે. ત્વચા વારંવાર બરછટ થવી, ચહેરા ઉપર ખીલ, કાળા ડાઘ દેખાવા, ખરજવાની તકલીફ વગેરેમાં બથુઆની ભાજીનો નિયમિત ઉપયોગ અત્યંત ચમત્કારી પરિણામ આપે છે. બથુઆની ભાજી પ્રમાણભાન રાખીને ખાવી આવશ્યક છે. તેના ગુણ કે લાભ વાંચીને તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કદાચ વ્યક્તિને ઝાડાની તકલીફ ઊભી કરી દે તેવું પણ બની શકે. માટે તેનું સેવન પ્રમાણભાન રાખીને કરવું યોગ્ય છે.
દાંતના દુખાવામાં કે મોઢામાંથી વાસ આવવાની તકલીફ હોય તો બથુઆની ભાજીના પાનને ચાવી જવાથી રાહત મળે છે. તેનું મુખ્ય કારણ છે બથુઆમાં સમાયેલું કૅલ્શિયમનું પ્રમાણ.

બથુઆની ભાજીનું શાક
સામગ્રી : ૧ ઝૂડી બથુઆની ભાજી, ૨ નંગ લીલા મરચાં, ૧ નાનો ટુકડો આદું, ૫-૬ કળી લસણ, ૧ નંગ લીલો કાંદો ઝીણો સમારેલો, ૧ નંગ ટમેટું ઝીણું સમારેલું, ૧ નાની ચમચી વરિયાળી, ૧ ચમચી જીરું વઘાર માટે, ૧ ચમચી ચોખ્ખુ ઘી કે તલનું તેલ, ૧ નાનો ટુકડો તજ, સ્વાદ પ્રમાણે સંચળ પાઉડર
બનાવવાની રીત: સૌ પ્રથમ બથુઆની ભાજીને બરાબર ધોઈને કોરી કરી લેવી. તેના પાન તથા કૂણી ડાળીને સમારી લેવી. ભાજીને એક કડાઈમાં અડધો કપ પાણી ઉમેરીને બાફી લેવી. બાફતી વખતે તેમાં લીલું મરચું ઝીણું સમારેલું તથા આદુંનો ટુકડો પણ ઉમેરવો. તજનો ટુકડો પણ ઉમેરવો. ભાજી બફાઈ ગયા બાદ તેને મિક્સરમાં વાટી લેવી. વાટતાં પહેલાં તજને બહાર કાઢી લેવું. હવે એક કડાઈમાં ઘી ધીમા તાપે ગરમ કરીને તેમાં જીરું, હિંગ, તથા વરિયાળીનો વઘાર કરવો. ધીમી આંચ ઉપર કાંદો તથા ઝીણું સમારેલું લસણ ભેળવીને સાંતળી લેવું.
ઝીણું સમારેલું ટમેટું ભેળવીને થોડું પાણી ભેળવીને પકાવવું. સ્વાદ પ્રમાણે સંચળ ભેળવીને ઢાંકીને પકાવવું. હવે તેમાં મિક્સરમાં વાટીને તૈયાર કરેલી ભાજી ભેળવી દેવી. ધીમા તાપે ૫ મિનિટ સિઝવવું. એક બાઉલમાં કાઢીને ઉપરથી માખણ કે ઘી ૧ ચમચી ભેળવીને ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે પીરસવું. બથુઆની ભાજીનું સ્વાદિષ્ટ શાક એક વખત બનાવીને ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવું બને છે. ઈચ્છા હોય તોે પનીરના નાના ટુકડાં ધીમા તાપે સાંતળીને ભેળવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular