સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
શિયાળો શરૂ થાય એટલે શાક-માર્કેટમાં રંગબેરંગી શાકભાજીની સજાવટ, આંખોને ગમી જાય તેવી જોવા મળે છે. લીલીછમ ભાજીની વચ્ચે સફેદ રૂની પૂણી જેવો દેખાતો લાંબો મૂળો અત્યંત આકર્ષક લાગતો હોય છે. મૂળો શિયાળામાં પ્રત્યેક રસોડામાં વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. જેમ કે મૂળાનું કચુંબર, કાચો મૂળો સલાડ તરીકે, મૂળાનો સંભારો, મૂળાનું ચણાના લોટ વાળું શાક, મૂળાનો ઉપયોગ કઢીમાં પણ કુશળ ગૃહિણી શિયાળામાં ખાસ કરતી હોય છે. મૂળાનું તાજું અથાણું, મૂળાના પરોઠા, મૂળાના મૂઠિયાં, મૂળાની ભાજીનો તાજો રસ અનેક લોકો પીવાનો આગ્રહ રાખતાં હોય છે.
આમ તો મૂળો એક પ્રકારનું કંદમૂળ જ ગણાય છે. સફેદ, લાલ, ગુલાબી, જાંબુડી વગેરે રંગમાં પાકતો હોય છે. શિયાળામાં તો રેસ્ટોરન્ટમાં કે ઉત્તર ભારતના કોઈ ધાબામાં આપ જાઓ તો કાંદાની સાથે મૂળાનો સલાડ છૂટથી પીરસવામાં આવતો હોય છે. આવી ગયું ને મોઢામાં પાણી!
તો ચાલો, જાણી લઈએ શિયાળામાં તંદુરસ્તીને જાળવી રાખવામાં ઉપયોગી તેવા મૂળાના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે.
મૂળામાં વિવિધ પોષક ગુણોનો ખજાનો સમાયેલો જોવા મળે છે. જેમ કે ફોલિક એસિડ, વિટામિન, એંથોસાયનિન, પોટેશિયમ, વિટામિન બી-૬, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ વિટામિન કે મૈંગેનિઝ રાઈબોફ્લેવિન વગેરે. જે શરીરની નાની-મોટી તકલીફથી રક્ષણ આપે છે.
આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે : મૂળામાં ડાયેટરી ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. આથી આંતરડાની તકલીફ હોય તેવી વ્યક્તિ માટે મૂળાનો આહારમાં ઉપયોગ અત્યંત ગુણકારી ગણાય છે. મૂળામાં પાણીની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. આથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે શિયાળામાં મૂળાનો ઉપયોગ કબજિયાતની તકલીફથી બચાવે છે.
—
મૂળાની ખાસ વાનગી
મૂળાનું શાક : સામગ્રી : ૧ નંગ મૂળો પાન સાથે, ચપટી હિંગ, ૧ ચમચી તેલ, ૧ મોટી ચમચી ચણાનો લોટ, ૧ ચમચી આદુંનું છીણ,૧ ચમચી ખાંડ, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, ૧ નાની ચમચી લીંબુનો રસ.
બનાવવાની રીત: સૌ પ્રથમ મૂળાને પાન સાથે બરાબર વહેતાં પાણીથી સાફ કરી લેવાં. પાનમાંથી પાણી સૂકવી નાખવું. મૂળામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડો સમય રાખવું. હાથેથી પાણી કાઢી લઈને એક બાઉલમાં રાખવું. એક કડાઈમાં તેલ લઈ ગરમ કરવું. તેમાં હિંગ નાખીને મીઠું ચોળીને નીચોવેલાં મૂળા ઉમેરવા. અધકચરું પકાવ્યા બાદ તેમાં ચણાનો લોટ ભભરાવી હલાવી લેવું. સ્વાદ પ્રમાણે ખાંડ, ધાણાજીરું, આદુંનું છીણ, લાલ મરચું, ગરમ મસાલો વગેરે ભેળવીને થોડી વખત સીઝવવું. ગેસ બંધ કરીને લીંબુનો રસ ભેળવવો. ગરમાગરમ ચણાના લોટ વાળું સ્વાદિષ્ટ મૂળાનું શાક ગરમાગરમ રોટલી પરાઠા સાથે પીરસવું. મૂળાની સાથે ગાજરનો ઉપયોગ કરી શકાય છે.
—
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી
હૃદય શરીરનો એક અત્યંત મહત્ત્વનો ભાગ ગણાય છે. તેને તંદુરસ્ત રાખવા માટે વિશેષ કાળજી લેવી જોઈએ. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનની વેબસાઈટ ઉપર પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ મુજબ મૂળામાં નાઈટ્રેટ જેવા તત્ત્વ સમાયેલાં છે. હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ અથવા ચરબી જમા થવા લાગે છે જેને મેડિકલ ભાષામાં અથેરોસ્કલેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. જે હૃદય રોગનું મુખ્ય કારણ બને છે. મૂળામાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી હૃદયની તંદુરસ્તી વધારવામાં મદદ કરે છે.
—
ડાયાબિટીસમાં ગુણકારી
ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળો એક ઓષધિ સમાન છે. મૂળામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા એનર્જી મેટાબોલિઝમને તંદુરસ્ત રાખવા, ફ્રી
રેડિકલ્સથી બચાવી ગ્લુકોઝને નિયંત્રીત રાખવામાં મદદ કરે છે. આંતરડામાં ગ્લુકોઝનું અવશોષણ કરવામાં સહાયક બને છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફક્ત મૂળો જ નહીં, પરંતુ તેના પાનનો ઉપયોગ પણ અત્યંત ગુણકારી ગણાય છે.
—
વજન ઘટાડવામાં મદદરૂપ
વજન નિયંત્રણમાં રાખવા માટે મૂળાના ગુણો જોઈએ તો તેમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી મૂળામાં પાણીનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે. જે શરીરને લાંબા સમય સુધી હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. મૂળામાં કૅલરીનું પ્રમાણ હોતું નથી. વળી કાર્બોહાઈડ્રેટ પણ જોવા મળતાં નથી. ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આથી વજન ઘટાડવા માગતી વ્યક્તિએ મૂળાનો ઉપયોગ શિયાળામાં આહારમાં વિવિધ રીતે અચૂક કરવો જોઈએ.
—
કિડની સ્ટૉન (પથરી)ના રોગમાં ઉપયોગી
કિડનીની તકલીફ હોય તેમને માટે મૂળાનો ઉપયોગ લાભકારક ગણાય છે. મૂળામાં કૅલ્શિયમ ઑક્સાલેટને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. કૅલ્શિયમ ઑક્સાલેટને કારણે પથરી શરીરમાંથી બહાર ફેંકી દે છે. કિડની સ્ટૉનની સમસ્યા ધરાવતી વ્યક્તિએ લૉ-ઑક્સાલેટથી ભરપૂર ગુણકારી પદાર્થોનો સમાવેશ આહારમાં કરવો જોઈએ.
—
કૅન્સર જેવી બીમારીથી બચાવે છે
મૂળામાં પર્યાપ્ત માત્રામાં ગ્લૂકોસાઈનોલોટસ્ સલ્ફર કમ્પાઉન્ડ સમાયેલું જોવા મળે છે. જે જેનેટિક મ્યુટેશન સેલ્સની રક્ષા કરવાની ક્ષમતા ધરાવે છે. મ્યુટેશન કૅન્સરનું કારણ બને છે. મૂળાનું સેવન ટ્યૂમર કોશિકાના વિકાસને અટકાવે છે. સલ્ફર યોગિક તૂટવા લાગે છે. જેથી કૅન્સર પેદા કરતાં પદાર્થોનો ધીમે ધીમે નાશ થવા લાગે છે.
—
ત્વચાની ચમક વધારવામાં ગુણકારી
મૂળાનો ઉપયોગ શિયાળામાં છૂટથી કરવાથી ત્વચા ચમકદાર બને છે. તેનું મુખ્ય કારણ છે મૂળામાં ઝિંક તથા ફોસ્ફરસ જેવા મિનરલ્સની માત્રા, સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. મૂળામાં ૯૫ ટકા પાણીનું પ્રમાણ સમાયેલું જોવા મળે છે. જેથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી ત્વચાને પૂરતા પ્રમાણમાં મોઈશ્ર્ચરાઈઝ કરવામાં સુગમતા રહે છે.