સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
ભારતીય મસાલામાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલા છે. કોરોનાકાળમાં તો લગભગ પ્રત્યેક કુટુંબમાં વિવિધ પ્રકારના કાઢા બનાવીને પીવામાં આવ્યા છે. ઋતુ પ્રમાણે વિવિધ મસાલાનો ઉપયોગ ભારતીય ભોજનની એક આગવી ઓળખ છે. ગરમીમાં ઠંડક આપે તેવાં પીણાં કે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ઠંડીમાં શરીરને ગરમાવો આપે તેવાં પીણાંનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગરમીમાં વરિયાળી તો ઠંડીમાં અજમાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. મોસમ કોઈ પણ હોય, પરંતુ ભોજન તો સ્વાદિષ્ટ જ હોવું જોઈએ. સ્વાદસભર બનાવવા માટે ચોક્કસ મસાલાનો ઉપયોગ ભારતીય ભોજનમાં બારેમાસ કરવામાં આવતો હોય છે. તેમાં શાહજીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. શાહજીરાની ઓળખ અનેક વખત ગૃહિણીને ઓછી જોવા મળે છે. સામાન્ય જીરાને જ શાહજીરુ માનવામાં આવે છે. વાસ્તવમાં શાહજીરુ સામાન્ય જીરાની સરખામણીમાં અલગ છે.
સાદું, ફક્ત હળદર તથા મીઠું નાખેલું ભોજન તંદુરસ્તી માટે સારું કહેવાય છે. નિયમિત કોઈ આવું ભોજન ખાઈ ન શકે. ભોજન ત્યારે જ સ્વાદિષ્ટ બને જ્યારે તેમાં વિવિધ મરી-મસાલાનો ઉપયોગ કરવામાં આવે. વળી ભારતીય મસાલાનો ઉપયોગ આયુર્વેદની દૃષ્ટ્રિએ પણ અત્યંત ગુણકારી ગણવામાં આવે છે. પાચનક્રિયાને મજબૂત બનાવવા માટે પણ મસાલાનો ઉપયોગ આવશ્યક ગણાય છે. આથી જ વિશ્ર્વમાં ભારતીય મસાલા અત્યંત પ્રચલિત બન્યા છે. ભારતીય ભોજનનો સ્વાદ માણવા દુનિયાના ખૂણે ખૂણેથી લોકો ભારત આવે છે. વળી મસાલાને પોતાની સાથે લઈ જાય છે. જે તે મસાલાનો ઉપયોગ કઈ રીતે થાય તેની ઝીણવટપૂર્વક માહિતી પણ મેળવતા હોય છે. આજે આપણે આવા જ એક તંદુરસ્તીની સાથે સ્વાદને વધારતા મસાલાના ઔષધીય ગુણો વિશે જાણકારી મેળવવાની છે, જેનું નામ છે ‘શાહજીરુ’.
રોજબરોજની રસોઈમાં વપરાતા જીરાની આપણે વાત નથી કરતા. આજે આપણે વાત કરવાના છીએ શાહજીરા, શાહીજીરા કે મીઠાજીરા વિશે, જેને અંગ્રેજીમાં બ્લેક ક્યુમિન કે કૈરાવેના નામથી ઓળખવામાં આવે છે. સ્વાદમાં સામાન્ય જીરા કરતાં મીઠું હોવાથી તેને મીઠુંજીરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય જીરાની સરખામણીમાં આ મીઠાજીરાનો રંગ થોડો કાળાશ પડતો જોવા મળે છે, જેને કારણે તેને ‘કૃષ્ણજીરુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સ્વાદમાં મીઠાશ હોવાને કારણે તેનો ઉપયોગ બિસ્કિટમાં કે ચાના મસાલામાં પણ કરવામાં આવે છે.
ભારતીય શાક-દાળમાં ગરમ મસાલાનો ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે. આ ગરમ મસાલામાં પણ શાહજીરાનો ઉપયોગ કરવામાં આવે છે. શાહજીરુ દેખાવમાં થોડું વધુ પાતળું, લાંબું તથા થોડું વળેલું હોય છે. શાહજીરાની સુગંધ એટલી મીઠી હોય છે કે જેને કારણે ભોજનનો સ્વાદ તેનો ઉપયોગ કરવાથી બમણો થઈ જતો હોય છે. દેખાવમાં સામાન્ય જીરા જેવા દેખાતા શાહીજીરાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જીરાની કિંમત શાહજીરાની સરખામણીમાં થોડી ઓછી જોવા મળે છે. શાહજીરાનો ઉપયોગ મુખ્યત્વે શાહી ભોજન કે તંદૂરી વાનગીમાં કરવામાં આવતો હોય છે.
—
શાહજીરાનો ઉપયોગ કરીને બનતા જીરા રાઈસ
સામગ્રી: ૧ કપ બાસમતી ચોખા, ૧ ચમચી શાહજીરુ, ૧ મોટી ચમચી ઘી, ૨ નંગ લવિંગનો પાઉડર, ચપટી હિંગ, ૧ નંગ તમાલપત્ર, ૧ નાની ચમચી મરી પાઉડર, ૧૦-૧૨ કાજુનાં તળેલાં ફાડિયાં, ૨ નંગ બદામ તળેલી, સજાવટ માટે કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું.
બનાવવાની રીત: સૌપ્રથમ બાસમતી ચોખાને બરાબર સાફ કરીને અડધો કલાક પાણીમાં પલાળીને રાખો. ચોખાની અંદર બે વેઢાં જેટલું પાણી ઉમેરીને કૂકરમાં ગોઠવી દો. કૂકરની સીટી કાઢી લેવી. ૧૦ મિનિટમાં ભાત બરાબર છુટ્ટો બની જશે. ભાત થોડો ઠંડો થાય એટલે એક કડાઈમાં ઘી લઈને તેમાં શાહજીરુ નાખો. હિંગ ભેળવો. લવિંગનો ભૂકો તથા તમાલપત્ર નાખો. તૈયાર કરેલા બાસમતી ભાત ઉમેરીને હળવે હાથે હલાવવું. સ્વાદ પ્રમાણે મીઠું ભેળવો. મરી પાઉડર ભેળવી દો. ગરમાગરમ ભાતને એક સર્વિંગ પ્લેટમાં કાઢો. તળેલાં કાજુ, બદામ તથા કોથમીરથી સજાવીને પીરસો. શાહજીરાનો ઉપયોગ કરીને બનાવેલા જીરા રાઈસ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
—
શાહજીરાના આરોગ્યવર્ધક લાભ
ઈન્ફ્લેમેશન (બળતરા)ને દૂર કરવામાં ગુણકારી
એક વૈજ્ઞાનિક શોધ અંતર્ગત જાણવા મળ્યું છે કે શાહીજીરામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલા છે. તેનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરનાં અંગોમાં આવેલા સોજાને ઘટાડવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી શરીર પર કે તેનાં વિવિધ અંગોમાં સોજા રહેવાથી અન્ય શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. અનેક વખત અલ્સર, ગેસ, અપચો, ખાટા ઓડકાર કે પાચન સંબંધિત અન્ય તકલીફો વધતી હોય છે. ઉપરોક્ત સમસ્યાથી બચવા માટે શાહીજીરાનો ઉપયોગ આહારમાં કરવો ગુણકારી ગણાય છે.
—
વજન ઘટાડવામાં ઉપયોગી
મોટાપાની સમસ્યા આજે અમર્યાદ માત્રામાં વધતી જોવા મળે છે. આવા સંજોગોમાં શરીર રોગનું ઘર બનીને સ્વયંને મુશ્કેલીમાં મૂકી દે છે તો અનેક વખત અકારણ ધન વેડફાઈ જતું જોવા મળે છે.
શાહજીરુ વજનને નિયંત્રણમાં રાખવામાં અત્યંત ઉપયોગી સાબિત થયું છે. મહિલાઓમાં ગર્ભાવસ્થા બાદ શરીર બેડોળ બની જતું જોવા મળે છે. ૭૦ મહિલાઓ ઉપર ૯૦ દિવસ સુધી શાહજીરાના અર્કનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું. ધીમે ધીમે તેમના વજનમાં તથા બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ)માં બદલાવ જોવા મળ્યો. ચરબીનો ઘેરાવો ઓછો થતો જોવા મળ્યો.
—
પાચનક્રિયાને મજબૂત બનાવે છે
આયુર્વેદમાં તો સદીઓથી શાહજીરાનો ઉપયોગ પાચનથી જોડાયેલી સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવતો હોય છે.
વૈજ્ઞાનિકો દ્વારા પણ શાહજીરા પર થયેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે શાહજીરાનું તેલ પાચનતંત્રની ચીકણી માંસપેશીઓને આરામ આપવામાં મદદ
કરે છે.
કસમયે ભોજન લેવાથી, તીખું, તળેલું, બહારનું ફાસ્ટ-ફૂડ લેવાની આદતને કારણે પાચનક્રિયામાં તકલીફ થવા લાગે છે. આવા સંજોગોમાં શાહજીરાનો ઉપયોગ આહારમાં કરવાથી રાહત અનુભવાય છે.
—
કફ, શરદી કે તાવમાં ગુણકારી
ઠંડીની મોસમમાં કફ-શરદી કે તાવની સમસ્યા વધતી જોવા મળે છે. આવા સંજોગોમાં શાહીજીરાને થોડું શેકીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી રાહત મળે છે. અસ્થમા કે એલર્જીને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ હોય તેમણે ખાસ પ્રયોગ શાહીજીરાને શેકીને કરવો.
—
માથાના અને દાંતના દુખાવામાં લાભદાયક
શાહીજીરાનું તેલ બનાવીને માથામાં ઘસવાથી માથાનો દુખાવો દૂર થાય છે. હૂંફાળા ગરમ પાણીમાં શાહજીરાના તેલનાં થોડાં ટીપાં ઉમેરીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. ગરમ પાણીથી નાશ લેવાથી માથાનો દુખાવો ઘટવા લાગે છે. શાહજીરાની પ્રકૃતિ ગરમ હોવાથી દિવસમાં ૩ ગ્રામથી વધુ સેવન ટાળવું. બ્લડપ્રેશરની તકલીફ હોય કે ગરમીનો કોઠો હોય તેમણે આયુર્વેદાચાર્યની સલાહ લઈને શાહીજીરાનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઉ