Homeપુરુષતંદુરસ્તી જાળવવી હોય તો તમારા ભોજનમાં ઉમેરો જાદુઈ અનાજ ‘કાંગ’

તંદુરસ્તી જાળવવી હોય તો તમારા ભોજનમાં ઉમેરો જાદુઈ અનાજ ‘કાંગ’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ઠંડીની મોસમ શરૂ થઈ જાય એટલે લગભગ બધા જ રસોડામાં વિવિધ વાનગીઓનો રસથાળ બનાવવામાં આવતો હોય છે. એવું પણ કહેવાય છે કે શિયાળામાં એક આખા વર્ષ માટે આરોગ્યની સંભાળ લેવાઈ જાય તેવું ભોજન લેવું જોઈએ. તેથી જ શિયાળામાં વિવિધ વસાણા, વિવિધ લીલોતરી, વિવિધ ભાજીના શાક, વિવિધ કઠોળ તેમજ કડધાન્યનો ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે. તો ચાલો આજે આપણે પણ એવા જ એક જાદુઈ અનાજ વિશે જાણી લઈએ. પક્ષીઓની પહેલી પસંદ તેવા ‘કાંગ’ના સ્વાસ્થ્ય સંબંધિત માનવી માટેના લાભ વિશે જાણી લઈએ.
અંગ્રેજીમાં તેને ફૉક્સટેલ મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ફૉક્સટેલ મિલેટની ઉત્ત્પત્તિ ૨૦૦૦થી ૧૦૦૦ ઈસ.પૂર્વે થઈ હતી. ચીની સંસ્કૃતિમાં તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો જોવા મળતો હતો. ચીનનું સૌથી પ્રાચીન પારંપારિક રીતે ઉગાડવામાં આવતું ધાન્ય ગણાય છે. કાંગને ઈતાવલિ કે જર્મન મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધીમે ધીમે કાંગની ખેતી પશ્ર્ચિમ યુરોપ તથા એશિયાના વિવિધ ભાગોમાં થવા લાગી. હાલમાં કાંગની ખેતી ચીન, ભારત તથા રશિયામાં મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે. કાંગમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો છે તેમ કહીએ તો ખોટું નથી. તેમાં પ્રોટીન, કૅલ્શ્યિમ, વિટામિન, આયર્ન, ફાઈબર, મેગ્નેશ્યિમ, મેગેનિઝ, કેરોટિન, ફોસ્ફરસ તથા રિબોફ્લેવિન, થિયામિન સમાયેલાં છે. આથી જ કાંગને એક સકારાત્મક અનાજ તરીકે ઓળખવામાં આવે છે. બાજરા જેવી જ દેખાવમાં લાગતી કાંગનો ઉપયોગ પહાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. પહાડી વિસ્તારમાં તેને કંગની કે ટાંગુન તરીકે ઓળખવામાં આવે છે. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે આહાર તજજ્ઞોનું આ પ્રથમ પસંદગીનું અનાજ બની ગયું છે.
કાંગનું વાનસ્પતિક નામ સતેરિયા ઈટાલિક છે. તેની ગણના મોટા અનાજની શ્રેણીમાં કરવામાં આવે છે. કાંગના બીજ નાના તથા આછા પીળા રંગના હોય છે. જેનો સ્વાદ મીઠો હોય છે. ઘાસની પ્રજાતિ ગણાતી કાંગનો પાક લેવા માટે હવામાન ગરમ હોય ત્યારે બીજ રોપવામાં આવે છે. પાક તૈયાર થતાં લગભગ ૯૦ દિવસનો સમય લાગી જતો હોય છે. છોડની ઊંચાઈ લગભગ ૪-૭ ફૂટ ઊંચી જોવા મળે છે. કાંગની ઉપર પાતળું છોતરું પણ જોવા મળે છે. કાંગના છોડના પાનની લંબાઈ ૫ સે.મી ૩૦ સે.મીની જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેની ખેતી વધુ થાય છે. ભારતની વિવિધ ભાષામાં તેને ભિન્ન ભિન્ન નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં પ્રિંયંગુ, કંગની, કંગુલ, બંગાળીમાં કાનિધાન કાઉન કાકકની, મરાઠીમાં કાંગ કે કાઉન, પંજાબીમાં કંગની, તમિળમાં કાવલાઈ, તેલુગુમાં કોરાલુ, કોરા.

કાંગના સ્વાસ્થ્યવર્ધક ગુણો
વજન ઘટાડવામાં અત્યંત ગુણકારી
વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિએ ભોજનમાં પૌષ્ટિક ગુણોનો સમાવેશ થાય તેની કાળજી રાખવી અત્યંત આવશ્યક ગણાય છે. વજન ઉતારવા ઈચ્છતી વ્યક્તિની ચયાપચયની પ્રક્રિયા મજબૂત હોવી અત્યંત આવશ્યક ગણાય છે. કાંગમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ૧૦૦ ગ્રામ કાંગમાં ૮ ગ્રામ ફાઈબરનું પ્રમાણ સમાયેલું હોય છે. આમ ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોવાથી શરીરને પૂરતાં પ્રમાણમાં ઊર્જા મળી રહે છે. ભૂખ વારંવાર લાગતી નથી. વજન ઘટાડવા માટે આ એક જાદુઈ ધાન્ય ગણાય છે.
ત્વચાને ચમકદાર બનાવે છે
પ્રત્યેક વ્યક્તિને પોતાની ત્વચા કોમળ તથા ચમકદાર રહે તેવી ઈચ્છા હોય છે. કાંગમાં બીટા કેરોટિનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. બીટાકેરોટિન આંખ, વાળ, ત્વચા તથા નખ માટે અત્યંત ઉપયોગી ગણાય છે. કાંગના સેવનથી પ્રાકૃતિક રીતે સુંદરતા મેળવી શકાય છે. લોહીની ઊણપ દૂર કરવામાં ઉપયોગી : યોગ્ય પોષક આહારના અભાવને કારણે એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઊણપ ધીમે ધીમે થવા લાગે છે. જેને કારણે શરીર નબળાઈ અનુભવે છે. થોડું કામ કરવાથી થાક લાગવો, ત્વચાની ચમક ઘટવી વગેરે સમસ્યા સર્જાય છે. કાંગમાં આયર્ન તથા પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. સંતુલિત માત્રામાં કાંગનું સેવન કરવાથી એનિમિયાની તકલીફથી છુટકારો મેળવી શકાય છે.
ગર્ભાવસ્થામાં ગુણકારી
ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની સમસ્યા ગર્ભવતી મહિલાને થતી જોવા મળે છે. કાંગમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોવાથી તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. વળી કાંગમાં આયર્ન, ક્ૅલ્શ્યિમ, પ્રોટીન, વિટામિન બી-૧, વિટામિન બી-૨, વિટામિન બી-૩ તથા મેગ્નેશ્યિમ, ફોસ્ફરસની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. તેથી ગર્ભાવસ્થા માટે એક સંપૂર્ણ આહાર ગણી શકાય.મગજ શાંત રાખવાની સાથે ગાઢ નિંદર માટે લાભકારી: કાંગમાં ટ્રીપ્ટોફનની માત્રા સમાયેલી છે. જે આપણા શરીરમાં સેરોટોનિનના સ્તરને વધારે છે. સેરોટોનિન મગજની માનસિક તાણને ઘટાડવાનું કામ કરે છે. મગજને શાંત રહેવામાં મદદ કરે છે. ઊંઘ ન આવવાની સમસ્યા સતાવતી હોય તેમના માટે કાંગનો ઉપયોગ અત્યંત લાભકારક ગણાય છે. થાઈરોઈડની તકલીફ હોય તેવી વ્યક્તિએ કાંગનો ઉપયોગ આહારમાં ટાળવો જોઈએ. તેનું મુખ્ય કારણ છે કે કાંગમાં ગાઈટ્રોજન સમાયેલું છે. જે શરીરમાં આયોડિનને શોષવાનું કામ કરે છે. કાંગને પકાવવાથી તેમાં ગાઈટ્રેજનની માત્રા વધી જાય છે. જેને કારણે શરીરમાં આયોડિનની ઊણપ સર્જાવાની શક્યતા રહેલી છે. કોઈપણ વ્યક્તિએ કડધાન્યનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ છે.
કાંગનો ઉપમા
સામગ્રી : ૧ વાટકી કાંગ, ૨ ચમચી તલનું તેલ, ૧ ચમચી ઘી, ૧ ચમચી ચણાની દાળ, ૧ ચમચી અડદની દાળ, વઘાર માટે અડધી ચમચી રાઈ, ૫-૭ નંગ ઝીણા સમારેલાં મીઠા લીમડાંના પાન,૨ નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, ૧ ચમચી આદુની કતરણ, ૧ નંગ કાંદો, ૧ નંગ ઝીણું સમારેલું ટામેટું, ૧ નગં ઝીણું સમારેલું ગાજર, ૧ નાની વાટકી બાફેલાં વટાણા, ૨ નંગ કાજુના ટુકડા, ૫-૬ સૂકી દ્રાક્ષ, સજાવટ માટે કોથમીર,
બનાવવાની રીત : કાંગનેા સાફ કરીને સૂકી જ શેકી લેવી. હવે તેને એક વાસણમાં કાઢી લેવી. ૧ ચમચી તલનું તેલ લઈને તેમાં અડદની દાળ તથા ચણાની દાળ ધીમા તાપે શેકી લેવી. કાજુના ટુકડા ભેળવીને સાંતળી લેવાં. ઝીણો સમારેલો કાંદો સાંતળવો. લીલા મરચાં આદુની કતરણ તથા ટામેટું ભેળવીને હલાવી લો. ગાજર ભેળવીને ૨-૩ મિનિટ માટે સાંતળો. હવે તેમાં ૧ વાટકી કાંગ ભેળવીને બરાબર સાંતળી લો. ૩ કપ ગરમ પાણી ભેળવો. સ્વાદાનુંસાર મીઠું ભેળવીને ઢાંકણ ઢાંકીને ૧૦ મિનિટ ધીમી આંચે પકાવો. હવે તેમાં દ્રાક્ષ, બાફેલાં લીલા વટાણા તથા એક ચમચી ઘી ભેળવીને બરાબર મિક્સ કરીને સિઝવા દો. કોથમીર ભેળવીને હલકે હાથે હલાવી લેવું. એક બાઉલમાં કાઢીને કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસવું.
કાંગને બનાવવાની રીત
કાંગને પકાવતા પહેલાં તેને બરાબર સાફ કરી લેવા આવશ્યક છે. તેને પાણીથી બરાબર સાફ કરીને ૫-૬ કલાક પાણીમાં પલાળી રાખવા.
દાળની સાથે ભેળવીને કે લાપસીની જેમ
છુટ્ટા બનાવી શકાય છે. કાંગનો સ્વાદ વધારવા
તેમાં વિવિધ પ્રકારના શાકભાજી સાંતળીને લેવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular