Homeતરો તાજાકુદરતની ભેટ ગણાતું પહાડી શાક ‘લિંગુડા’

કુદરતની ભેટ ગણાતું પહાડી શાક ‘લિંગુડા’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ઉનાળાની રજામાં ફરવાની મજા જ કાંઈક અલગ હોય છે. તેમાં પણ પહાડી તથા ઠંડા પ્રદેશમાં જવાનું લોકો વધુ પસંદ કરતાં હોય છે. પહાડી પ્રદેશમાં ફરવા જઈએ એટલે ત્યાંની વાનગીની વિવિધતાનો આસ્વાદ આપણે માણતાં જ હોઈએ છીએ. મોટે ભાગે આપણે જે તે પ્રદેશના ફળ ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ, શું આપ જે તે પ્રદેશનું શાક ખાવાના શોખીન છો ? તો ચાલો, આજે આપને મોઢામાં પાણી આવી જાય તેવાં એક હિમાચલી શાક વિશે જાણકારી આપું. હિમાચલી લોકોનું મનપસંદ શાક એટલે જ લિંગુડા. ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે જ્યાં ઈશ્ર્વરે મન મૂકીને પ્રાકૃતિક સુંદરતાનો ખજાનો મૂક્યો છે. સાથે સાથે જડીબુટ્ટીઓનાં ભંડારની ભેટ પણ આપી છે. ભારતમાં લિંગુડાની ખેતી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ તથા આસામ રાજ્યમાં મુખ્યત્વે કરવામાં આવે છે. પહાડી લોકોની પ્રથમ પસંદગીનું શાક લિંગુડા ગણાય છે. ત્યાંના રહેવાશીઓનું માનવું છે કે લિંગુડાના શાક સામે ભલભલાં જાણીતા શાકનો સ્વાદ ઓછો પડે છે.
નિષ્ણાત ડૉક્ટરો તથા આહાર તજજ્ઞોનું માનવું છે કે લિંગુડા ડાયાબિટીસ તથા હૃદયરોગના દર્દીઓ માટે રામબાણ ગણાય છે. લિંગુડામાં વિટામિન્સ, મિનરલ્સ તથા માઈક્રો-ન્યૂટ્રિઅન્ટસની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી લિંગુડાનો ઉપયોગ શાક તરીકે, અથાણું બનાવીને તથા અન્ય શાક સાથે ભેળવીને કરી શકાય છે.
લિંગુડાની ખેતી જૂનથી ઓક્ટોબર મહિનામાં સમુદ્રતળથી ૧૯૦૦થી ૨૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર થતી જોવા મળે છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર પ્રાકૃતિક શાકને, આસપાસના બજારોમાં અન્ય શહેરના લોકો તેના ગુણોનો ફાયદો મેળવી શકે તે માટે મોકલવામાં આવે છે.
લિંગુડામાં મેગ્નેશિયમ, કૅલ્શિયમ, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન તથા ઝિંકની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામિન બી કૉમ્પ્લેક્સના ગુણો પણ સમાયેલાં જોવા મળે છે. તેમાં ફેટની માત્રા નહીં હોવાથી તેને સુપરફૂડ ગણવામાં આવે છે.
ઉત્તરાખંડમાં ‘લિંગુડા કે લેંગડા’, હિમાચલ પ્રદેશમાં ‘લિંગરી કે લૂંગડુ’, સિક્ક્મિમાં ‘નિયુરો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિમાલયની પર્વતમાળામાં કુલ ૧૨૦૦ જેટલી લિંગાડૂની પ્રજાતિ જોવા મળે છે. ફર્ન પ્રજાતિની વનસ્પતિમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ‘ફિડલેહેડ ફર્ન’ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તો વિવિધ સંશોધનો બાદ લિંગુડાની ખેતી બારે માસ કરી શકવાની ટેક્નિકમાં સફળતા મળી છે. લિંગુડાની ઉપરનો ભાગ ગોળ કળી જેવો લીલા રંગનો હોય છે. તેમાં ભૂરા રંગના રેસા જોવા મળે છે. તેને સ્વચ્છ કપડાંથી સરળતાથી સાફ કરી લીધા બાદ ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્વાસ્થ્યવર્ધક ગુણો
ડાયાબિટીસમાં અત્યંત લાભકારક ડાયાબિટીસના દર્દીઓ માટે લિંગુડા અત્યંત અકસીર ઈલાજ ગણવામાં આવે છે. લિંગુડામાં સમાયેલાં વિટામિન તથા મિનરલ્સને કારણે શરીરમાં શર્કરાની માત્રા ઘટાડવામાં મદદ મળે છે. ૨૦૧૫માં આફ્રિકન જર્નલ ઑફ ફાર્મસી દ્વારા લિંગુડા ઉપર લખવામાં આવેલાં લેખમાં જણાવવામાં આવ્યું છે કે લિંગુડામાં ફ્લેવોનૉઈડસ્ તથા સ્ટેરોલના ગુણો સમાયેલાં છે. જેથી લિંગુડાને ગુણોની ખાણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોકો લિંગુડાની લીલી કોમળ ગોળાકાર ડાળીનો ઉપયોગ કરીને રોગને દૂર ભગાવતા હતા. લિંગુડાનું સેવન કરવાથી ત્વચા રોગમાં રાહત મળે છે.
લિવર તથા આંતરડાની સમસ્યામાં લાભકારક લિવરની ગરબડ કે આંતરડા ઉપર સોજો આવી ગયો હોય ત્યારે લિંગોડાનું સેવન ગુણકારી ગણાય છે. ધીમી આંચ ઉપર ઉકાળીને તેનું સેવન કરવાથી ત્વરિત લાભ મળતો હોય છે.
કૅન્સરમાં ગુણકારી લિંગુડાની કુમળી ડાળીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેથી કૅન્સર જેવી ગંભીર બીમારીથી બચવું હોય કે તેના દર્દીને લિંગુડાનું શાક બનાવીને આહારમાં આપવાથી ફાયદો કરે છે.
રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે કોરોનાકાળમાં રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવા માટે ઘરે ઘરે વિવિધ કાઢા તથા મસાલાનો ઉપયોગ છૂટથી કરવામાં આવતો હતો. લિંગુડામાં રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવાના ગુણો કુદરતી રીતે જ સમાયેલાં છે. ઝિંક તથા વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વળી ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો હોવાને કારણે તેનું સેવન કરવાથી રોગમુક્ત જીવન જીવી શકાય છે.
હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ લિંગુડામાં કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે હાડકાંને બરડ બનતાં અટકાવવામાં સહાય કરે છે. વળી લોહીમાં શર્કરાની માત્રાને ઘટાડવાને કારણે સાંધાના દુખાવામાં રાહત મળે છે. ઉ

લિંગુડાનું શાક
લિંગુડાનું શાક બનાવવા માટેની સામગ્રી
૨૫૦ ગ્રામ લિંગુડા, ૨ ચમચી તલનું તેલ, ૧ ચમચી ઘી, ચપટી હિંગ, ૧ નાની ચમચી જીરું, અડધી ચમચી મેથી દાણા, અડધી ચમચી હળદર, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી કિચનકિંગ મસાલા, ૨ ચમચી મલાઈ અથવા ક્રિમ, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, ૧ નંગ કાંદો ઝીણો સમારેલો, ૨ નંગ લસણની કળી તથા એક નાનો ટુકડો આદું.
લિંગુડાનું શાક બનાવવાની રીત
એક લોખંડની કડાઈમાં ઘી-તેલ લેવું. ગરમ થાય એટલે જીરું, મેથી દાણા, હિંગ ભેળવીને સાંતળી લેવું. તેમાં ઝીણો સમારેલો કાંદો તથા આદું લસણની પેસ્ટ ભેળવીને બરાબર હલાવવું. લિંગોડાને કાપીને તેમાં ભેળવવું. બરાબર ભેળવીને તેમાં હળદર, મરચું, સ્વાદાનુસાર મીઠું ભેળવીને ૫-૭ મિનિટ ઢાંકીને ધીમી આંચ ઉપર પકાવવું. આંચ બંધ કરીને તેમાં મલાઈ કે ક્રિમ ભેળવીને ગરમાગરમ ફૂલકા, પરાઠા કે પૂરી સાથે પીરસવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -