Homeપુરુષવજન ઘટાડવાની સાથે યાદશક્તિ વધારે છે ‘લાલ દ્રાક્ષ’

વજન ઘટાડવાની સાથે યાદશક્તિ વધારે છે ‘લાલ દ્રાક્ષ’

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

હાલમાં બજારમાં ફળ-ફળાદિ વેચતા ફેરિયાઓ પાસે લાલ રંગની દ્રાક્ષ સરસ રીતે સજાવેલી જોવા મળે છે. સામાન્ય લીલી કે કાળી દ્રાક્ષની સરખામણીમાં થોડી મોટી ગોળકાર લાલ દ્રાક્ષ દેખાવમાં અત્યંત આકર્ષક લાગે છે.
બજારમાં તેને સજાવેલી જોઈએ એટલે તેને ઝટપટ ખરીદી લેવાનું મન અચૂક થતું હોય છે. વળી તેનો સ્વાદ માણવાનું મન દ્રાક્ષના રસિયાઓ રોકી શકતા જ નથી.
હજી બજારમાં લીલી તથા કાળી દ્રાક્ષની મોસમ પૂરબહારમાં ખીલેલી જોવા મળતી નથી. લાલ દ્રાક્ષ બજારમાં લગભગ પ્રત્યેક ફળ વેચતાં ફેરિયાઓ પાસે આપને અચૂક જોવા મળશે.
કિંમતમાં થોડી મોંઘી તેમ છતાં આરોગ્યને માટે અત્યંત ગુણકારી લાલ દ્રાક્ષના ફાયદા જાણી લઈએ. વિટામિન સી, પૉટેશિયમ, આયર્ન, વિટામિન ઈ,
ઍન્ટિ-ઑક્સિડન્ટ વગેરે ગુણો સમાયેલાં જોવા મળે છે.
લાલ દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં વિટામિન સીનું પ્રમાણ સમાયેલું હોય છે. વળી ઍન્ટિ ઓક્સિડન્ટનું પ્રમાણ પણ લાલ દ્રાક્ષમાં સમાયેલું હોય છે. આથી જ તેના સેવનથી શરીરને સારા પોષણની સાથે વિવિધ બીમારીથી રક્ષણ મેળવવામાં સહાય મળે છે. પાશ્ર્ચાત્ય દેશોમાં ૩૧મી ડિસેમ્બરની રાત્રિના ખાસ ૧૨ લાલ દ્રાક્ષ ખાઈને નસીબ બળવત્તર બનાવવાની પણ એક પ્રથા જોવા મળે છે.નસીબની સાથે સ્વાસ્થ્ય તો અચૂક સુધરે છે, તે વાત નકારી શકાય નહીં.
———————
કિડની માટે ગુણકારી
દ્રાક્ષનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કિડની ડિસઓર્ડરની સમસ્યામાં ફાયદાકારક બને છે.
આંખોનું તેજ વધારવાની સાથે
યાદશક્તિ વધારવામાં મદદ કરે છે
લાલ દ્રાક્ષમાં રેસ્વેરાટ્રોલ નામક સત્ત્વ સમાચેલું છે. મગજમાં લોહીનું પરિભ્રમણ ૨૦૦ ટકા વધારવા માટે મદદ કરે છે. આમ તેના નિયમિત સેવનને કારણે મગજની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે. યાદશક્તિને તેજ બનાવવામાં મદદ કરે છે. લાલ દ્રાક્ષના સેવનથી શરીર સ્ફૂર્તિલું બને છે. આંખોની તંદુરસ્તી માટે લાલ દ્રાક્ષ અત્યંત લાભકારક ગણાય છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ તથા આંખોની આસપાસ સોજા આંખની સમસ્યાનું એક મુખ્ય કારણ ગણાય છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે રેટિનલ ડિજનરેશનની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આંખોની રક્તકોશિકાને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળવાને કારણે વ્યક્તિની નજર ધારદાર બને છે. મોતિયાબિંદુની તકલીફમાં રાહત આપે છે.
——————
કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં લાભકારક
લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા વધવાથી વિવિધ રોગનો પગપેસારો શરીરમાં થવા લાગે છે. જેમ કે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, નસો વારંવાર ખેંચાઈ જવાની તકલીફ. આથી જ કૉલેસ્ટ્રોલની માત્રા જાળવવાની નિષ્ણાત ડૉક્ટરો વારંવાર સલાહ આપતાં હોય છે. લાલ દ્રાક્ષના સેવનથી લોહીમાં ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રા (એલડીએલ) ઘટે છે. તથા સારા કૉલેસ્ટ્રોલની માત્રા (એચડીએલ) માં વધારો થાય છે.
—————–
હાડકાંને મજબૂત બનાવવામાં
મદદ કરે છે
લાલ દ્રાક્ષની અંદર બીજ હોય છે. આ બીજમાં પ્રોએથોસ્યાનિડિંસ નામક પદાર્થ સમાયેલો હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વળી દ્રાક્ષના બીજ પણ અત્યંત ગુણકારી ગણાય છે.
એક સંશોધન મુજબ કૅલ્શિયમયુક્ત આહાર સાથે દ્રાક્ષનું સેવન કરવાથી મસલમાસ જળવાઈ રહે છે. વળી આર્થરાઈટિસની તકલીફમાં પણ દ્રાક્ષનું બીજ ચાવવાથી લાભ મળે છે.
—————-
લાલ દ્રાક્ષનું શરબત
સામગ્રી : ૨૦૦ ગ્રામ લાલ દ્રાક્ષ, ૧૦થી ૧૨ નંગ ફૂદીનાના પાન, અડધી ચમચી લીંબુનો રસ, ૩ ચમચી રૉઝ સીરપ, ચપટી સંચળ, બરફ જરૂરિયાત પ્રમાણે
બનાવવાની રીત : સૌ પ્રથમ લાલ દ્રાક્ષને બરાબર પાણીથી સાફ કરી લેવી. હવે તેને મિક્સરમાં છૂટ્ટી કરીને ગોઠવી દો. તેમાં ફૂદીનાના પાન, લીંબુનો રસ, રૉઝ સીરપ, સ્વાદ પ્રમાણે સંચળ ભેળવી દો. તેમાં બરફના ટુકડાં ભેળવીને થોડું ચર્ન કરી દો. શરબતને કાચના ગ્લાસમાં કાઢીને સર્વ કરો.
—————
વજન ઘટાડવામાં મદદરૂપ
ફાસ્ટફૂડના સેવનને કારણે તથા બેઠાડું જીવનને કારણે આજકાલ મોટાપાની સમસ્યા વધતી જતી જોવા મળે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈર્ન્ફોમેશનની વેબસાઈટ ઉપર પ્રકાશિત થયેલાં એક સંશોધન મુજબ લાલ દ્રાક્ષમાં રેસ્વેરાટ્રોલ સમાયેલું જોવા મળે છે. રેસ્વેરાટ્રોલ એક પ્રકારનું પૉલિફિનોલ છે. જેમાં એન્ટિઓબેસિટીનો ગુણ સમાયેલો જોવા મળે છે. લાલ દ્રાક્ષને પ્રમાણભાન રાખીને આહારમાં સમાવવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.
—————–
મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ગુણકારી
તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે મગજની તંદુરસ્તી પણ અત્યંત આવશ્યક ગણાય છે. નાની -મોટી પ્રત્યેક વ્યક્તિ હાલના સ્પર્ધાત્મક યુગમાં માનસિક તાણનો અનુભવ કરતી હોય છે. જેની અસર મસ્તિષ્કના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી જોવા મળે છે. અનેક વખત આપણે સાંભળતા જ હોઈએ છીએ કે વાંચ્યું હોવા છતાં પરીક્ષામાં તે યાદ જ ના આવ્યું. તો વડીલોમાં નજીકની વ્યક્તિના નામ ભૂલવાની સમસ્યા જોવા મળતી હોય છે. તેનું મુખ્ય કારણ વધતી વયને કારણે ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે મગજની યાદ રાખવાની ક્ષમતા ઘટતી જોવા મળે છે. લાલ દ્રાક્ષના રસમાં એન્ટિ-ઑક્સિડેન્ટના ગુણો સમાયેલાં છે. જે મગજની કાર્યપ્રણાલીમાં સુધારો લાવવામાં મદદ કરે છે. યાદશક્તિ વધારવામાં લાભકારક બને છે.
શરીરને ત્વરિત ઊર્જા બક્ષે છે : લાલ રસદાર દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં ત્વરિત ઊર્જાનો સંચાર થાય છે. તેનું મુખ્ય કારણ તેમાં સમાયેલું ફ્રેક્ટોઝ તથા ગ્લુકોઝ શર્કરા લોહીમાં સરળતાથી ભળી જાય છે. તેથી દ્રાક્ષનું સેવન કરવાથી થાક દૂર થઈને શરીરમાં ઊર્જા અનુભવાય છે.
લાલ દ્રાક્ષને આપ પાણીથી બરાબર સાફ કરીને ખાઈ શકો છો. તો લાલ દ્રાક્ષમાંથી તેનો જ્યૂસ, આઈસક્રીમ, સ્મૂધી, વગેરે બનાવી શકાય છે.

RELATED ARTICLES

Most Popular