સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
દ્રાક્ષના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણી લઈએ
—
શિયાળાની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે. ગરમી પોતાનો પ્રકોપ ધીમે ધીમે વધારી રહી છે. તો બીજી તરફ ફળ બજારમાં લીલીછમ ખટ્ટ મધુરી દ્રાક્ષ તથા લખોટી જેવી મોટી કાળી ડિબાંગ દ્રાક્ષ પોતાની હાજરી પૂરબહારમાં નોંધાવી રહી છે. આયુર્વેદમાં એક વાત વારંવાર કહેવાતી હોય છે ‘દ્રાક્ષ ફલોત્તમ’ જેનો અર્થ થાય છે, સર્વે ફળોમાં દ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ ફળ ગણાય છે. દ્રાક્ષ એક એવું ફળ છે જેને ફળોના પિતા તરીકે ઓળખવામાં આવે છે. દ્રાક્ષનું નામ સાંભળતા જ મોંઢામાં પાણી છૂટવા લાગે. ખટ્ટ મધુરી રસથી ભરપૂર દ્રાક્ષના રસિયા, નાની-મોટી પ્રત્યેક વ્યક્તિ જોવા મળે છે. એક-બે નહીં, પરંતુ મૂઠી ભરીને ખાઈએ ત્યારે જ સંતોષ મળે છે. માનવી જ નહીં, પરંતુ પક્ષીઓ તેમાં પણ પોપટ-કાબર-ચકલી-કાગડો પ્રત્યેક દ્રાક્ષના રસિયા જોવા મળે છે. એક સમય એવો હતો કે જ્યારે પોપટનું નામ પડતાં જ જામફળ યાદ આવી જતું. નવા જમાનાના પોપટ જામફળની જગ્યાએ રસાળ દ્રાક્ષ ખાવાનું વધુ પસંદ કરે છે. દ્રાક્ષ કાળી હોય કે લીલી બન્ને સ્વાસ્થ્ય માટે ગુણકારી જ ગણાય છે. થોડાં વર્ષો પહેલાં કાળી દ્રાક્ષમાં કડક બીજ જોવા મળતાં. તેથી તેને ખાવાનું અનેક લોકો ટાળતાં. હાલમાં તો બજારમાં મળતી હાઈબ્રીડ દ્રાક્ષમાં બીજ હોતાં જ નથી. વળી તેની છાલ પણ પાતળી હોય છે. જેને કારણે તેને ખાધા બાદ ડચૂરો બાઝી જવાની તકલીફ ઊભી થાય તેવી શક્યતા જ રહેતી નથી. દ્રાક્ષનો ઉપયોગ કરીને જ તેમાંથી સૂકી દ્રાક્ષ, જ્યૂસ જામ, જેલી તથા ઊંચી ગુણવત્તાનો વાઈન બનાવવામાં આવે છે. ખાવામાં રસીલી હોવાની સાથે દ્રાક્ષમાં અનેક પોષક ગુણોનો ખજાનો સમાયેલો જોવા મળે છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ, ઍન્ટિ -બૈક્ટેરિયલ ગુણોની સાથે પૉલિ-ફેનોલિક ફાઈટોકેમિક્લ્સ કમ્પાઉન્ડ તંદુરસ્તીને જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દ્રાક્ષ ઉપર કરવામાં આવેલાં એક સંશોધન દ્વારા જાણવા મળે છે કે દ્રાક્ષનું સેવન કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે.
—
કૅન્સર સેલ્સને વધતાં રોકે છે
દ્રાક્ષના છોતરાંમાં રેસ્વેરેટ્રોલ નામક ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ક્યૂરસેટિન નામક ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી તત્ત્વો સમાયેલાં છે. જે કૅન્સર વિરોધી ગુણ તરીકે ઓળખાય છે. દ્રાક્ષનું સેવન કરવાથી પ્રોસ્ટેટ, બ્રેસ્ટ તથા ફેંફસાના કૅન્સર સેલ્સને વધતાં રોકી શકાય છે.
હૃદય રોગ સંબંધિત તકલીફમાં ગુણકારી
દ્રાક્ષનું સેવન કરવાથી હાર્ટ ઍટેકના ખતરાથી બચી શકાય છે. તેનું કારણ જોઈએ તો કાળી દ્રાક્ષના રસમાં ઓરોસ્ટિલવેન નામક ઍન્ટિ-ઓક્સિડન્ટ જોવા મળે છે. જે લોહીમાં નાઈટ્રિક એસિડની માત્રાને નિયંત્રણમાં રાખે છે. જેને કારણે લોહીનું ગંઠાવું ઘટે છે. હૃદય રોગના હુમલાની શક્યતા ઘટી જાય છે. દ્રાક્ષમાં ક્યૂરસેટિન, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી, પ્લેવોનૉઈડ, પૉલિફેનોલ જેવા લિપોપ્રોટીન સમાયેલાં હોય છે. જે લોહીમાં ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રાને એટલે કે એલડીએલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. કાળી દ્રાક્ષ માટે તો એવું પણ કહેવાય છે કે હૃદય રોગથી બચવા માટે લેવામાં આવતી ગોળી સમાન ઉપયોગી ગણાય છે. દ્રાક્ષમાં સોડિયમની માત્રા ઓછી તથા પોટેશિયમનું પ્રમાણ સારા પ્રમાણમાં સમાયેલું જોવા મળે છે. જેને કારણે હૃદય સબંધિત બીમારીથી બચી શકાય છે.
કબજિયાતમાં ગુણકારી
ફાઈબર તથા ગ્લુકોઝની ભરપૂર માત્રા ધરાવતી દ્રાક્ષનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દ્રાક્ષમાં રહેલું ઓર્ગેનિક એસિડ, સેલ્યૂલોઝ, તથા પૉલિઓસ સત્ત્વ પેટનું પૂરતું ટોનિંગ કરીને કબજિયાત, અપચો, પેટમાં બળતરાં, વારંવાર ખાધા બાદ ઊલ્ટી થવી કે ગેસની સમસ્યામાં ઉપયોગી ગણાય છે. દ્રાક્ષના રસમાં ચપટી સંચળ તથા મરીનો ભૂકો ભેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.
—
વ્યક્તિને ઝટપટ ઊર્જા બક્ષે છે
દ્રાક્ષમાં ફ્રેક્ટોઝ તથા ગ્લુકોઝની માત્રા લોહીમાં સરળતાથી શોષાઈ જાય છે. જેને કારણે દ્રાક્ષનું સેવન ર્ક્યા બાદ થોડા સમયમાં જ શરીરમાં ઊર્જાનું પ્રમાણ વધી ગયું હોય તેમ અનુભવાય છે. થાક લાગ્યો હોય કે શરીરમાં નબળાઈ વધી ગઈ હોય ત્યારે દ્રાક્ષનું સેવન ગુણકારી ગણાય છે.
આંખોના તેજ માટે ગુણકારી
હાલના સંજોગોમાં પ્રત્યેક વ્યક્તિ સતત મોબાઈલમય જોવા મળે છે. તેમને તો કદાચ ખ્યાલ જ નહીં હોય કે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિની આંખોને નુકસાન થાય છે. દ્રાક્ષમાં સમાયેલું ગ્લુટોન તથા જિયેન્થિન ઍન્ટિ-ઓક્સિડન્ટ સત્ત્વ આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ‘એ’ની માત્રા રાત્રિના સમયે આંખે ઓછું દેખાવાની સમસ્યાથી બચાવે છે. એક ચમચી જેટલો દ્રાક્ષનો રસ આંખમાં છાંટવાથી નેત્ર રોગ સંબંધિત સમસ્યાથી છુટકારો મળી
શકે છે.
ડાયાબિટીસમાં ગુણકારી
દ્રાક્ષમાં હૈરોસ્ટિલવેન નામક ઍન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું છે. જે લોહીમાં શર્કરાની માત્રાને ઘટાડવાનું કામ કરે છે. સપ્તાહમાં ૨-૩ વખત વિવિધ રંગની દ્રાક્ષનું સેવન કરવાથી ટાઈપ-૨ ડાયાબિટીસની શક્યતા હોય તે ૭૦ ટકા જેટલી ઘટી જાય છે.
—
દ્રાક્ષનું રાયતું
એક વાટકી લીલી તથા કાળી દ્રાક્ષના ટુકડા, બસો ગ્રામ મોળું દહીં, બે ચમચી ખાંડ, સ્વાદાનુસાર સંચળ, એક ચમચી શેકેલું જીરું, ચપટી ચાટ મસાલો, એક લીલું મરચું ઝીણું સમારેલું, સજાવટ માટે બે ચમચી કોથમીર-ફુદીનાના કૂણાં પાન.
બનાવવાની રીત : એક બાઉલમાં દહીં લેવું. તેમાં ખાંડ ભેળવીને વલોવી લેવું. સ્વાદાનુસાર સંચળ, શેકેલાં જીરાનો પાઉડર, ચાટ મસાલો ભેળવવો. બંને રંગની દ્રાક્ષ ભેળવીને હળવે હાથે હલાવી લેવું. કોથમીર-ફુદીનાના લીલા કૂણાં પાન તથા લીલા મરચાંથી સજાવીને પીરસવું. ગરમીમાં સ્વાદિષ્ટ રાયતું શરીરને ઠંડક આપે છે.
—
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
દ્રાક્ષમાં સોડિયમની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેવી વ્યક્તિ દ્રાક્ષનું સેવન કરી શકે છે. લીલી કે કાળી કઈ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી ગણાય છે ? સામાન્ય રીતે ઉપરોક્ત પ્રશ્ર્ન પ્રત્યેક વ્યક્તિના મનમાં ઊઠતો હોય છે. તો ચાલો જાણી લઈએ દ્રાક્ષના ગુણો વિશે: કાળી દ્રાક્ષમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કૅલ્શિયમ તથા વિટામિન સીનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું હોય છે. જ્યારે લીલી દ્રાક્ષમાં પ્રોટીન, ફાઈબર, કાર્બ્સ, વિટામિન સી તથા વિટામિન કેની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. કાળી તથા લીલી દ્રાક્ષમાં ફક્ત રંગનો જ મોટો તફાવત જોવા મળે છે. કાળી દ્રાક્ષમાં એંથોસાયનિનની માત્રા વધુ જોવા મળે છે. વળી કલરફૂલ કેમિક્લ્સની માત્રા વધુ હોય છે. કાળી દ્રાક્ષની ગુણવત્તા લીલી દ્રાક્ષથી વધુ સારી જોવા મળે છે. બંને પ્રકારની દ્રાક્ષમાં કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાના લાભ સમાયેલાં છે. આથી બંને પ્રકારની દ્રાક્ષ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. પોતાની પસંદ પ્રમાણે બંને દ્રાક્ષનો ઉપયોગ મોસમમાં કરવાથી તેના લાભ સ્વાસ્થ્યને મળી શકે છે.
—
અસ્થમાના દર્દીઓ માટે ફાયદેમંદ
મોટે ભાગે અસ્થમાના દર્દીઓને શિયાળામાં રાત્રિના સમયે શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. દ્રાક્ષ તેમાં રાહત આપે છે. તેનું મુખ્ય કારણ છે દ્રાક્ષમાં સમાયેલું સત્ત્વ મેગ્નેશિયમ માંસપેશીઓના સંકોચનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પાકેલી દ્રાક્ષના રસને બન્ને આંખમાં એક એક ટીપું નાખવાથી આંખના રોગમાં રાહત મળે છે. ઉ