Homeતરો તાજાકાળાં ગાજર શરીર માટે અમૃત સમાન ગણાય છે

કાળાં ગાજર શરીર માટે અમૃત સમાન ગણાય છે

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થાય, તેની સાથે શિયાળામાં મળતાં ખાસ શાકભાજીનો વપરાશ વધવા લાગે. કુટુંબની પ્રત્યેક વ્યક્તિની વિવિધ માગણીને ગૃહિણી સફળતાપૂર્વક ન્યાય આપવાનો પ્રયત્ન કરે. તેમાં પણ શિયાળામાં ઘરે-ઘરે લાલ કે કેસરી ગાજરનો ઉપયોગ વધી જતો જોવા મળે છે. ગાજરના શોખીનો તો શિયાળો શરૂ થાય તેની સાથે જ ગાજરનો હલવો વારંવાર ખાવાનું પસંદ કરતાં હોય છે. એક જમાનો હતો કે જ્યારે રવિવાર એટલે રજાનો દિવસ તે દિવસે ઘરમાં અચૂક કાંઈ મિષ્ટાન બનાવવામાં આવતું. શિયાળાની શરૂઆત થાય વસાણાની સાથે તાજા ગાજરનો ગરમા-ગરમ હલવો સર્વેની પહેલી પસંદ બની જાય. વળી તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે ઝડપથી બની જતો હોય છે.
ગાજરનો ઉપયોગ છીણ, સૂપ, સલાડ, સંભારો કે કચુંબરમાં પણ રોજેરોજ વિવિધ રીતે કરવામાં આવતો હોય છે. હાલમાં તો રજા મળે કે રેસ્ટોરાંમાં લાઈનો લાગેલી જોવા મળે. વહેલી સવારના કોઈ ગરમા-ગરમ દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટ કરવા પહોંચી જાય તો કોઈ વળી બ્રંચ લેવાનો પ્લાન બનાવી દે. રાત્રિનું ભોજન તો બહાર જ ખાવાનું. વણલખ્યો નિયમ છે. ગાજરના હલવાને પણ ખાસ ભોજન સમારંભમાં સ્થાન મળે. અનેક ફરસાણની દુકાનમાં પણ ગાજરનો હલવો મળતો હોય છે.
ગાજરનો હલવો તો શિયાળામાં ખાસ લાલ રંગના લાંબા લાંબા ગાજરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શું આપે ક્યારેય કાળા ગાજરનો ઉપયોગ શિયાળામાં ર્ક્યો છે? જી હા, ચોંકી ગયાને ! આજે વાત કરવાની છે કાળા ગાજર વિશેની. શિયાળામાં ઉત્તર ભારત તથા પહાડી પ્રદેશમાં કાળા ગાજર બજારમાં મળતાં હોય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. કાળા ગાજરનો ઉપયોગ આહારમાં કરવાથી અલ્ઝાઈમરની બીમારીમાં રાહત મળે છે. કાળા ગાજરનો ઉપયોગ કરીને કાંજી બનાવવામાં આવે છે. કાળા ગાજરનો ઉપયોગ સલાડ કે સંભારામાં પણ કરી શકાય છે. પાચનશક્તિ સુધારવાની સાથે ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન આરામથી કરી શકે છે. નિષ્ણાતો એવું પણ કહે છે કે ‘શરીર માટે કાળા ગાજર અમૃત સમાન છે’.
કાળા ગાજરનો સૌથી વધુ ઉપયોગ તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તથા ભારતમાં થાય છે. આ દેશોમાં તેની ખેતી મોટા પ્રમાણમાં થતી આવી છે. આથી જ તેનો ઉપપોગ પણ મોટા પ્રમાણમાં ઉપરોક્ત દેશોમાં થતો આવ્યો છે. કાળા રંગનું કારણ તેમાં એંથોસાયમિનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. લાલ તથા નારંગી ગાજરમાં બીટા-કૈરોટિનની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે. કાળા ગાજરનો સ્વાદ જરા મીઠાશ પડતો તથા મસાલેદાર હોય છે. કાળા ગાજરના સેવનથી નપુંસકતાની તકલીફથી પીડાતા પુરુષોને પણ સારો ફાયદો મળે છે. તે શુક્રાણુ વધારવામાં મદદ કરે છે.વળી પેશાબ છૂટથી ન થતો હોય તો તેમાં પણ ગાજરના રસ કે કાળા ગાજરની કાંજીનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
તંદુરસ્તીને જાળવી રાખે તેવા કાળા ગાજરના લાભ : આંખોની તંદુરસ્તી માટે ગુણકારી : આંખોની તંદુરસ્તી માટે કાળા ગાજરનું સેવન કરવું ગુણકારી ગણાય છે. વાસ્તવમાં ગાજરમાં સમાયેલું એંથોસાયનિન ફ્લેવોનોઈડની ભૂમિકા મુખ્ય ગણાય છે. એક સંશોધન અનુસાર એંથોસાયનિન નામક ગુણને કારણે રાત્રે ઓછું દેખાવાની સ્થિતિમાં રાહત મળે છે. વળી કાળા ગાજરનો આહારમાં સમાવેશ કરવાથી રેટિના ઉપર આવેલાં સોજાને કારણે ફોટોરિસેપ્ટર સેલ્સના ફંકશનને થતાં નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે. કાળા ગાજર ખાવાથી વિટામિન ‘એ’ની ઊણપ દૂર કરવામાં મદદ મળે છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગંઠન દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે વૈશ્ર્વિક સ્તરે વિટામિન ‘એ’ની કમીને કારણે આંખોની રોશની સંબંધિત સમસ્યા સર્જાતી હોય છે.
કૅન્સર જેવા રોગથી બચાવ : કાળા ગાજરનો ઉપયોગ કરવાથી કૅન્સર જેવા રોગથી બચવામાં મદદ મળે છે. કાળા ગાજરમાં એંથોસાયનિન નામક સત્ત્વ સમાયેલું છે. જે વિવિધ પ્રકારના કૅન્સરના જોખમમાં ઘટાડો કરે છે. એંથોસાયનિન કૅન્સરની કોશિકાઓની વૃદ્ધિને લગભગ ૮૦ ટકા સુધી રોકી શકાય છે. એંથોસાયનિન પેટ, સ્તન તથા પ્રોસ્ટેટ કૅન્સરને આગળ વધતું રોકી છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : કાળા ગાજરમાં સમાયેલાં છે ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો. જે શરીરમાં વધતાં મોટાપાને ઘટાડવામાં મદદ કરે છે. ચરબીને નિયંત્રણમાં રાખીને મેટાબોલિઝમમાં સુધારો લાવે છે. પાચન સંબંધિત તકલીફમાં ગુણકારી : વારંવાર બહારની ચટપટી વાનગી ખાવાને કારણે આજે યુવાવસ્થામાં પાચન સંબંધિત તકલીફનું પ્રમાણ વધતુંં જોવા મળે છે. જેમાં કબજિયાત કે વારંવાર ચૂક આવવાની તકલીફ તો ક્યારેક ગેસની તકલીફ જોવા મળે છે. કાળા ગાજરનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવાથી પાચન સંબંધિત તકલીફમાં રાહત મળે છે. ફાઈબર, વિટામિન ‘એ’ની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાને કારણે પાચનતંત્રને સુધારવામાં ઉપયોગી બને છે. કાળા ગાજરની કાંજી બનાવીને પીવાથી કબજિયાતમાં ફાયદો જોવા મળે છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : કાળા ગાજરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનો ખજાનો સમાયેલો છે તેવું કહીએ તો યોગ્ય છે. કાળા ગાજરનો ઉપયોગ આહારમાં કરવાથી હૃદયમાં લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થવા લાગે છે.લોહીની નસોમાં ક્લોટ જમા થતો અટકે છે. પ્લેટલેટસ્નું કામ પણ સારી રીતે થાય છે. રક્તવાહિકાઓને આરામ કરવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ઉપયોગી બને છે. લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. કાળા ગાજર માટે એવું કહેવાય છે કે એક સપ્તાહ સુધી કાળા ગાજર ખાવાથી હૃદય સંબંધિત જે પ્રશ્ર્નો હોય તે મૂળમાંથી દૂર થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે : કાળા ગાજરનો ઉપયોગ કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ મજબૂત બને છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન -એ, વિટામિન -સી, મેંગેનીઝ તથા વિટામિન બી જેવા પોષક સત્ત્વો સમાયેલાં છે. વારંવાર શરદી કે તાવ આવી જવાની ફરિયાદ રહેતી હોય તેમને માટે કાળા ગાજર ગુણકારી ગણાય છે. વિટામિન-સીની માત્રા ભરપૂર હોવાને કારણે સફેદ રક્તકોશિકાને વધારવામાં મદદ કરે છે. જેને કારણે શરીર હાનિકારક બીમારીથી બચી શકે છે.
શરીર ઉપર વારંવાર દેખાતા સોજાને ઘટાડવામાં મદદરૂપ : આહારમાં કાળા ગાજરનો ઉપયોગ કરવાથી જેમને શરીર ઉપર વારંવાર સોજાની તકલીફ રહેતી હોય તેમને ફાયદો થાય છે. કેટલાક સંશોધન દ્વારા એવી પણ માહિતી મળે છે કે પેશાબ માર્ગમાં થતાં ફંગસને રોકવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી : કાળા ગાજરનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગુણકારી ગણાય છે. બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

હોળીના દિવસોમાં ખાસ પીવાતી કાળાં ગાજરની કાંજી
સામગ્રી: ૩ નંગ સાફ કરીને છોલીને નાના કરેલાં કાળા ગાજરના ટુકડાં, ૨ ચમચી ખાંડેલી રાઈ, ૧ ચમચી અધકચરો મરી પાઉડર, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી સંચળ તથા હિંગ. કાંજી બનાવવા માટે કાચની બરણી તથા મલમલનો રૂમાલ.
બનાવવાની રીત: ૧ કડાઈમાં આશરે ૪ ગ્લાસ પાણી ઉકાળવા મૂકવું. એક કાચની બરણીમાં ગાજરના નાના ટુકડાં કરીને તેમાં ઉમેરવા. તેમાં સંચળ, હિંગ, મરી પાઉડર, ખાંડેલી રાઈ તથા મીઠું ભેળવી દેવું. તેમાં ગરમ કરેલું પાણી ભેળવી દેવું. તેને બરાબર મિક્સ કરીને ઉપરથી સફેદ મલમલનું કપડું બાંધી દેવું. ૩-૪ દિવસ સુધી આ બરણીને તડકામાં મૂકવી. બાદમાં સાંજે ઘરમાં લઇ લેવી. ૪ દિવસ બાદ ગાજરની કાંજી પી શકાય છે. તડકામાં તૈયાર કરેલી કાંજીને લગભગ ૫ દિવસ સુધી પી શકાય છે. ઠંડી કે હોળી બાદ ભારે ભોજન
ર્ક્યા બાદ તેને પીવાથી શરીરમાં તાજગીનો સંચાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular