સ્વાસ્થ્ય સુધા – સોનલ કારિયા
છેલ્લા કેટલાય વખતથી મુંબઈમાં હવાની શુદ્ધતા ઘટતી રહી છે અને પ્રદૂષણની માત્રા દિવસે-દિવસે વધતી જઈ રહી છે. જોેકે સરકાર આ અંગે કોઈ પગલાં લે અને એ માટેની વ્યવસ્થા કરવામાં મચી પડ્યા છે. આ માટે મુંબઈગરાઓ એર પ્યુરિફાયર એટલે કે હવા શુદ્ધિકરણ ખરીદવા માંડ્યા છે.
મુંબઈમાં ખાસ કરીને બાન્દ્રા, કુર્લા, ચેમ્બુર, નવી મુંબઈ જેવા અનેક વિસ્તારોની હવા ભયાનક રીતે પ્રદૂષિત થઈ છે. જેને કારણે ઘણા મુંબઈગરાઓને ઉધરસના હુમલા આવે છે. કેટલાય મુંબઈગરાઓની ઉધરસ અને શ્ર્વાસોચ્છવાસની અન્ય તકલીફોને કારણે ઊંઘ હરામ થઈ ગઈ છે.
આમ પણ મુંબઈ ગીચ શહેર છે અને એકબીજાની જોડાજોડ ઊભેલી ઈમારતોને કારણે મુંબઈગરો માનસિક ગૂંગળામણ તો અનુભવે જ છે અને એમાં હવે જે વાયુ શ્ર્વાસમાં લે છે એ પણ વધુને વધુ પ્રદૂષિત થઈ રહી છે.
આને કારણે વધુ ને વધુ મુંબઈગરાઓ એર પ્યુરિફાયર ખરીદવા માંડ્યા છે. અગાઉ આ પ્રકારના એર પ્યુરિફાયર યંત્રો ફક્ત શ્ર્વાસોચ્છવાસની બીમારી હોય તેવી જ
વ્યક્તિઓ ખરીદતી હતી અને તેમના દ્વારા જ ઉપયોગમાં લેવામાં આવતું હતું, પરંતુ કોરોના કાળમાં આ પ્રકારના યંત્રની માગણી વધી ગઈ હતી અને હવે જ્યારે હવામાં પ્રદૂષણ વધી ગયું છે ત્યારે શુદ્ધ હવા માટે મુંબઈગરા આવાં યંત્રો ખરીદવા માંડ્યા છે.
આ એર પ્યુુરિફાયર યંત્રો ૦.૧ માયક્રોન સુધીના પ્રદૂષિત કણોને નષ્ટ કરીને હવાને શુદ્ધ કરવાનો દાવો કરે છે.
આવાં યંત્રોના વિક્રેતાઓના જણાવવા પ્રમાણે અંધેરી, મલાડ, બાંદ્રા, પવઈ, ભાંડુપ, દાદર, થાણે, ચેમ્બુર, તેમ જ નવી મુંબઈમાં, વાશી, બેલાપુર, પનવેલ વગેરે ભાગોમાં આ યંત્રની માગણી ખૂબ મોટા પ્રમાણમાં છે.
આ પ્રકારનાં યંત્રો ભારતીય અને વિદેશી એમ બંને પ્રકારમાં ઉપલબ્ધ છે. મેઈડ ઈન ઈન્ડિયા અને વિદેશમાં બનેલા યંત્રો સાત હજારથી માંડીને એક લાખ રૂપિયાની કિંમતના હોય છે. ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યા હોય એવા એર પ્યુરિફાયર્સની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી એની માગ વધારે છે.
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયોે હતો જેમાં મા-પિતા અને તેમનાં બંને બાળકોને ઓક્સિજનના સિલિન્ડરની જેમ શુદ્ધ વાયુ આપતાં ઉપકરણો સાથે દર્શાવવામાં આવ્યા હતા. જે રીતે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતા વીડિયોમાં દર્શાવેલાં દૃશ્યો કાલ્પનિક ન રહેતા વાસ્તવિક બની જશે, એવું લાગી રહ્યું છે.