ઠંડીની મોસમમાં ખાસ ખવાતું ફ્લાવર ગુણોનો ભંડાર ગણાય છે

72

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ફ્લાવર કે ફૂલગોબી તરીકે ઓળખાતું શાક મુખ્યત્વે ઠંડીની મોસમમાં ભારતમાં ખાસ જોવા મળે છે. સફેદ રૂ જેવા ફ્લાવરની નીચે લીલાછમ પાન તેને દેખાવમાં અત્યંત આકર્ષક બનાવી દે છે. તાજા ફ્લાવરને ખેતરમાં ઊગેલાં જોઈએ તો પણ મન આનંદિત બની જતું હોય છે. આવા શાકમાં સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો સમાયેલાં જોવા મળે છે. સામાન્ય રીતે ફ્લાવરનું શાક વિવિધ રીતે ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવતું જ હોય છે જેમ કે ફ્લાવર-વટાણા, ફ્લાવર -બટાકા-વટાણા-ટમેટાની મિક્સ ભાજી, કોઈ ફ્લાવરના શાકમાં લીલું લસણ નાખવાનું પસંદ કરે છે તો કોઈ વળી શાકમાં થોડું ગળપણ ભેળવીને માણવાનું પસંદ કરે છે. મુંબઈની ઓળખ બની ગયેલી પાંઉભાજીમાં પણ ફ્લાવરનો ઉપયોગ છૂટથી કરવામાં આવતો હોય છે.
પંજાબ, ઉત્તર ભારતમાં વહેલી સવારે ફ્લાવરના ગરમાગરમ પરાઠાની ઉપર માખણ લગાવીને ખાવામાં આવે છે. લગ્ન સમારંભમાં ફ્લાવર વટાણાના શાકને પ્રાધાન્ય આપવામાં આવે છે. ફ્લાવરનું અથાણું, કટલેટ કે સ્ટાર્ટરમાં પણ ફ્લાવરના પકોડા ા બનાવવામાં આવે છે.
ભારત સમેત અનેક એશિયાઈ દેશોમાં ફ્લાવરનો ઉપયોગ શિયાળામાં ખાસ કરવામાં આવતો હોય છે. ફ્લાવરમાં વિવિધ પ્રકારના વિટામિન્સ જોવા મળે છે. ફાઈટોકેમિકલ્સ જેવા કે સલ્ફોરાફેન તથા કૈરોટોનૉયડસ્નો સમાવેશ થાય છે. જેને કારણે શરીરમાં ઍન્ટિઑક્સિડન્ટ તથા ઍન્ટિઈન્ફ્લેમેટરી પ્રક્રિયા વધુ સુચારૂ રીતે કામ કરવા લાગે છે.૧૦૦ ગ્રામ ફ્લાવરનું શાક શરીરને લગભગ ૨૦ કૅલરી આપે છે. વળી ફોલેટ તથા ડાયેટરી ફાઈબરની માત્રા જાળવવામાં મદદ મળે છે.
નિષ્ણાત આયુર્વેદાચાર્ય હોય કે પછી નિષ્ણાત ડાયેટિશિયન પ્રત્યેક વ્યક્તિની એક સલાહ તો અચૂક હોય છે કે જેમ બને તેમ તાજા શાકભાજી તથા ફળનો ઉપયોગ આહારમાં કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. ફ્લાવરનો આહારમાં ઉપયોગ નિયમિત માત્રામાં કરવો જોઈએ.
તેના ફાયદા વિશે પણ જાણી લઈએ :
હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે : ફ્લાવરમાં વિટામિન કેની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વળી બાયોએક્ટિવ કમ્પાઉન્ડ પણ સમાયેલું છે જે હાડકાંનાં ઘનત્ત્વને (બૉન ડેન્સિટી) સુધારવામાં ઉપયોગી ગણાય છે. એક સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે વિટામિન કેનું સેવન પ્રતિદિન પર્યાપ્ત માત્રામાં થાય તો ફેક્ચરના જોખમથી બચી શકાય છે. આથી શિયાળામાં તાજા મળતાં ફ્લવારનું સેવન કરવું હિતાવહ ગણાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : ફ્લાવરમાં સારા પ્રમાણમાં ફાઈબરનું પ્રમાણ સમાયેલું હોય છે. વળી તેમાં ગ્લાયસેમિક લોડ (જીએલ)ની માત્રા ઓછી જોવા મળે છે. ગ્લાયસેમિક લોડની માત્રા પ્રત્યેક ભોજનમાં ચોક્કસ માત્રામાં સમાયેલી જોવા મળે છે. જે દર્શાવે છે કે ભોજન લીધા બાદ વ્યક્તિના લોહીમાં શર્કરાની માત્રાનું સ્તર કેટલું વધ્યું. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે ઉચ્ચ ફાઈબર તથા ઓછા ગ્લાયસેમિક લોડવાળા શાકભાજીનો સમાવેશ આહારમાં કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ફ્લવારને આહારમાં સમાવવાથી ગ્લુકોઝ, ઈન્સ્યુલિન પ્રતિક્રિયા તથા શરીરમાં ચરબીને વધતી રોકવામાં મદદ મળે છે. વજન નિયંત્રણમાં રહેતા શરીર ઊર્જાવાન બને છે.
કૉલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં ફાયદેમંદ: સામાન્ય રીતે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા જળવાઈ રહે તેવી કાળજી અનેક લોકો લેતા હોય છે. લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા વધે તો હૃદયરોગનું જોખમ પણ વધતું જોવા મળે છે. એક વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે ફ્લાવરમાં હાઈપોકોલેસ્ટેરૉલિક (જે કૉલેસ્ટ્રેલને ઘટાડવાવાળું) પ્રભાવ જોવા મળે છે. આથી ભોજનમાં ફ્લાવારનો ઉપયોગ કરવો હિતાવહ ગણાય છે.
મગજના કામને મજબૂતાઈ બક્ષે છે: ફ્લાવરમાં કૉલિનની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. જે મસ્તિષ્કના વિકાસને માટે અત્યંત ઉપયોગી ગણાય છે. ફ્લાવર ખાવાથી યાદશક્તિ વધારવાની સાથે માંસપેશિયો ઉપર નિયંત્રણ કરે છે. મગજના વિકાસને મદદ મળે છે. ટૂંકમાં કહીએ તો ન્યૂરોટ્રાન્સમીટર સિસ્ટમને જાળવી રાખવામાં મદદ મળે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે : ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોવાને કારણે ફ્લાવરનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. એક શોધ અનુસાર ફાઈબર પાચનતંત્રની ક્રિયા મજબૂત બનાવવા માટે અનેક કામ કરે છે. જેમ કે પાચનતંત્રમાં ભોજનને સારી રીતે પચાવે છે. ફાઈબરને કારણે મળનું ગઠન સારી રીતે થાય છે. આથી જ કહેવાય છે કે ફ્લાવરનું સેવન કરવાથી પાચનતંત્રને સ્વસ્થ બનાવવામાં મદદ મળે છે.
આંખોની તંદુરસ્તી માટે ઉપયોગી : આંખની રક્તવાહિની માટે વિટામિન સી એક સારું સ્તોત્ર ગણાય છે. ફ્લાવરનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી મોતિયાબિંદુના નિર્માણને પાછળ ઠેલી શકાય છે. ૧૦૦ ગ્રામ ફ્લાવરમાં ૪૮.૨ મિલીગ્રામ વિટામિન-સીની માત્રા સમાયેલી હોય છે. વિટામિન સી ઍન્ટિઓકિસડન્ટ તરીકે કામ કરે છે. જે વધતી વય સાથે આંખોને થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
હાર્મોનને સંતુલિત રાખવામાં ગુણકારી : ફ્લાવરમાં ફાઈટોએસ્ટ્રોજનની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. જે હાર્મોનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી મહિલાઓમાં રજોનિવૃત્તિ બાદ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોનનું સ્તર સંતુલિત રાખવામાં ઉપયોગી બને છે. શરીરમાં અસંતુલિત માત્રામાં હાર્મોનને કારણે થતી વિવિધ બીમારીથી બચી શકાય છે.
ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી : ઉંદર ઉપર કરવામાં આવેલા વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ફ્લાવરમાં ફેનોલિક કમ્પાઉન્ડની માત્રા જેવી કે ઍન્ટિ-ઓક્સિડન્ટ, ઍન્ટિ-ડાયાબિટીક તથા ઍન્ટિ-લિપિડેમિકની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે જે ટાઈપ -૨ ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી ગણાય છે.
ફ્લાવરનું સેવન કરવાથી શું નુકસાન થાય છે : ફ્લાવરમાં યુરિક એસિડની માત્રા વધુ જોવા મળે છે. તેથી તેનું સેવન પ્રમાણભાન રાખીને કરવું હિતાવહ ગણાય છે.
વધુ માત્રામાં ખાવાથી કિડનીમાં પથરીની સમસ્યા થવાની શક્યતા રહેલી છે. રાત્રિના સમયે તેનું સેવન ટાળવું જોઈએ, જેથી પેટમાં ગેસની તકલીફથી બચી શકાય. કારણકે ફ્લાવરમાં કાર્બ્સની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે રાત્રિના સમયે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે. થાઈરોઇડના દર્દીઓએ પણ પ્રમાણભાન રાખીને ફ્લાવરનું સેવન કરવું જોઈએ.
કારણકે ફ્લાવરમાં ગાઈટ્રોગન નામક તત્ત્વ સમાયેલું હોય છે. જે થાઈરોઈડ ગ્રંથિમાં આયોડિનની અસરને ઘટાડીને થાઈરોઈડ હાર્મોનના ઉત્પાદનને રોકે છે. જેથી થાઈરોઈડના હાર્મોનનું સંતુલન બગડી શકે છે. તેથી પ્રમાણભાન રાખીને ફ્લાવરનું સેવન કરવું જોઈએ.

ફ્લાવર-ગાજરનું અથાણુંં
સામગ્રી : ૨૫૦ ગ્રામ ફ્લાવર, ૨૫૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ આદું, ૧૦૦ ગ્રામ લીલા મરચાં, ૧ ચમચી મીઠું, ૧ ચમચી હળદર
મસાલો બનાવવા માટે : ૨ ચમચી હળદર, ૨ ચમચી આખા ધાણા અધકચરાં વાટેલાંં, ૬ ચમચી મીઠું, ૨ નાની ચમચી શેકેલી વરિયાળી, ૨ નાની ચમચી રાઈના કુરિયા, ચપટી હીંગ, ૨ ચમચી સંચળ, ૧ ચમચી શેકીને અધકચરાં કરેલાં મેથી દાણા, અડધો કપ સરસિયાનું તેલ
બનાવવાની વિધિ: સૌથી પહેલાં ગાજર-ફ્લાવરની સાથે આદું-મરચાં વગેરે બરાબર સાફ પાણીથી ધોઈ ને સૂકા કરી લેવા. ગાજર-મરચાંના લાંબા ટુકડા કરી લેવા. આદુને છીણી લેવું કે ઝીણા ટુકડા કરી લેવાં. ફ્લાવરના મધ્યમ ટુકડા કરી લેવાં. એક મોટા તપેલાંમાં અડધું પાણી ભરી લેવું પાણીને ગરમ કરવા મૂકવું. તેમાં ૧ ચમચી હળદર-૧ ચમચી મીઠું ભેળવી દેવું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ફ્લાવરના ટુકડા નાખવા. ૨ મિનિટ ધીમા તાપે ઉકાળીને પાણી નિતારી લેવું. એક મલમલનું કપડું લઈને તેમાં ગાજર-ફ્લાવર-લીલા મરચાં તથા આદુના ટુકડા સૂકવવા મૂકવા. ૨-૩ કલાક ફ્લાવર-ગાજરને તડકામાં રાખવા. તડકો ના નીકળતો હોય તો પંખા નીચે રાખવા.
ગાજર-ફ્લાવર, આદું મરચાંને એક મોટી કથરોટમાં ગોઠવવા. તેમાં તૈયાર કરેલ અથાણાનો મસાલો ભેળવવો. મસાલો બરાબર ભેળવી દીધા બાદ તેને ૧ કલાક ઢાંકીને એક બાજુ રાખવું. ૧ બાઉલ સરસિયાનું તેલ ગરમ કરીને ઠંડું ર્ક્યા બાદ ભેળવવું. સ્વાદિષ્ટ અથાણાંને ૩-૪ દિવસ બાદ ખાવાના ઉપયોગમાં લેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!