Homeતરો તાજાશિયાળામાં તલનું તેલ અત્યંત સ્વાસ્થ્યવર્ધક ગણાય છે

શિયાળામાં તલનું તેલ અત્યંત સ્વાસ્થ્યવર્ધક ગણાય છે

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

ઉત્તરાયણનો તહેવાર આવે એટલે ઘરે ઘરે સિંગ-તલની ચિક્કી અચૂક બનાવવામાં આવે. જમાનો ભલે બહારથી તૈયાર ચિક્કી લાવવાનો રહ્યો. તેમ છતાં પ્રત્યેક ઘરમાં એક નાની થાળી પણ ચિક્કી તો અચૂક બનાવવામાં આવતી જ હોય છે. ચિક્કીનો સ્વાદ ઉત્તરાયણમાં માણવાની મજા જ કાંઈક હટકે હોય છે. તલનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થોડા પ્રમાણમાં ભારતીય વાનગીમાં કરવામાં આવતો જ હોય છે. જેમ કે હાંડવો, ઢોકળાં, મૂઠિયાં, થેપલાં હોય કે પંજાબી વાનગીની ગ્રેવી હોય. આજે આપણે તલમાંથી બનતા તેલના સ્વાસ્થ્યવર્ધક લાભ વિશે જાણીશું. શું આપ જાણો છો તલના તેલને સર્વ તેલની રાણી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સિંગતેલ, સનફ્લાવર, સરસવ, રાઈસ બ્રાન કે ઓલિવ ઓઈલ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તલના તેલનો ઉપયોગ પ્રમાણમાં ઘણો ઓછો થાય છે. તેનું મુખ્ય કારણ તલનું તેલ અન્ય તેલની સરખામણીમાં થોડું મોંઘું હોય છે. તેમ છતાં તેનો ઉપયોગ જો કરવામાં આવે તો તે તંદુરસ્તી માટે અત્યંત ગુણકારી ગણાય છે. અન્ય તેલની જેમ જ તલના તેલમાં ૨ પ્રકારની વેરાયટી જોવા મળે છે. કૉલ્ડ -પ્રેસ્ડ તથા ટૉસ્ટેડ તેલ. સામાન્ય રીતે કૉલ્ડ પ્રેસ્ડ તલના તેલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવતો હોય છે. જ્યારે ટૉસ્ટેડ તલના તેલનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે ઉપરથી સિઝનિંગ તરીકે કરવામાં આવે છે. આયુર્વેદ દ્વારા ઉપચારમાં લેવામાં આવતી ૯૦ ટકા પ્રોડક્ટમાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
——-
તલના તેલના સ્વાસ્થ્યવર્ધક ગુણો
ત્વચાને ચમકદાર બનાવે છે
તલના તેલમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ ‘સેસામોલ’ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તલના તેલના ઉપયોગ દ્વારા ફ્રી-રેડિકલ્સના નુકસાનથી બચી શકાય છે. સતત સૂર્યના તાપમાં ફરવું કે પ્રદૂષણને કારણે ત્વચા નિસ્તેજ બની જતી હોય છે. આવા સંજોગોમાં તલના તેલનો ઉપયોગ કરીને મસાજ કરવાથી તથા ભોજનમાં પણ તલના તેલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
તલના તેલમાં કુદરતી એસપીએફની પ્રોપર્ટીઝ સમાયેલી છે. જેના ઉપયોગ દ્વારા ત્વચાનું રક્ષણ કુદરતી રીતે સૂર્યકિરણોથી થાય છે. બાળક જેવી ત્વચા જોઈતી હોય તેમણે તલના તેલની માલિશ શિયાળામાં ખાસ શરીર તથા ચહેરા ઉપર કરવી જોઈએ.
શિયાળામાં ત્વચા સૂકી પડી જતી હોય તેમણે ખાસ તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ.
———
વિટામિન ઈનો સારો સ્ત્રોત
એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે તલના તેલમાં ટોકોફેરોલ સમાયેલું હોય છે. જે વિટામિન ઈનું એક રૂપ ગણાય છે. વિટામિન ઈ ઍન્ટિ ઓક્સિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે. ફ્રી રેડિકલ્સથી બચાવીને વિવિધ બીમારીના જોખમથી રક્ષા કરે છે. એવું પણ જાણવા મળ્યું છે કે શરીરમાં ફ્રી રેડિકલ્સને કારણે કેન્સર સેલ્સ વધવાનું કે હૃદયરોગના જોખમની શક્યતા વધી જાય છે. તલના તેલના ઉપયોગથી ઉપરોક્ત સમસ્યાથી બચી શકાય છે.
———-
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી
તલના તેલના ઉપયોગથી ડાયાબિટીસના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનની વેબસાઈટ ઉપર પ્રકાશિત થયેલ એક સંશોધન પ્રમાણે સફેદ તલનું તેલ બ્લડ ગ્લુકોઝને નિયમિત કરવામાં તથા ડાયાબિટીસના નુકસાનદાયક પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.
———–
વાળની સમસ્યામાં લાભકારી
મકરસંક્રાંતિના દિવસે તલના તેલથી નહાવાની પણ પ્રથા જોવા મળે છે. તલના તેલને શરીર ઉપર રગડીને સ્નાન કરવાથી ત્વચા નાના બાળક જેવી મુલાયમ બની જતી હોય છે. તલના તેલને વાળમાં ઘસવાથી બેજાન બની ગયેલા વાળ મુલાયમ બને છે. ખોળાની તકલીફ કે અકારણ વાળ સફેદ થવાની સમસ્યાથી છૂટકારો મળે છે. શિયાળામાં વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે. તે માટે તલના તેલની માલિશ વાળ માટે ઉત્તમ ગણાય છે.
———
લોહીનું પરિભ્રમણ સુધારવામાં ગુણકારી
શરીરને સ્ફૂર્તિલું રાખવું હોય તો શિયાળામાં તેલની મસાજ અત્ંયત ગુણકારી ગણાય છે. તલના તેલની માલિશ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થવા લાગે છે. શરીરના કોઈ પણ ભાગમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડી ગયું હોય તો તલના તેલની માલિશથી અચૂક ફાયદો થાય છે. તલના બીજમાં કૉપર સમાયેલું હોય છે. જે લોહીમાં લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે.
———–
સાંધાના દુખાવામાં લાભદાયક
તલના તેલમાં લિગ્નૈસ ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી પ્રભાવ જોવા મળે છે. સાંધાના દુખાવામાં તલનું તેલ ગુણકારી ગણાય છે. તલના તેલમાં વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, જેવા કે ઝિંક, કૉપર, મૈગ્નેશિયમ, આયર્ન તથા કૅલ્શ્યિમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.
જે હાડકાંને મજબૂતાઈ બક્ષે છે. તલના તેલના ઉપયોગથી આર્થરાઈટિસના દર્દમાં રાહત મળે છે. સાંધામાં સોજો સતત રહેતો હોય તેમને માટે પણ ગુણકારી ગણાય છે.
———-
શિયાળામાં પગમાં થતાં વાઢિયાથી બચી શકાય છે:
તલના તેલમાં કુદરતી ગુણો જેવા કે પોલિફિનોલ્સ
સમાયેલા છે. તલના તેલના ઉપયોગ દ્વારા પગના વાઢિયા ઉપર નિયમિત હળવે હાથે મસાજ કરવાથી રાહત મળે છે. ત્વચા મુલાયમ બને છે.
————
તલના તેલનો ઉપયોગ કરવાની વિવિધ રીત
તલના તેલનો ઉપયોગ કોઈપણ વઘારમાં, શાકભાજી બનાવવામાં કરી શકાય છે. તલના તેલનો ઉપયોગ સલાડમાં ઉપરથી ડ્રેસિંગ તરીકે પણ કરી શકાય છે.
સૂપમાં તલના તેલનો વઘાર કરીને પીવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
ચણા -ઍવાકાડો-ટમેટાનો સલાડ: સામગ્રી: ૧ કપ પલાળીને બાફેલા કાબુલી ચણા, ૧ નંગ ટામેટું બીજ કાઢીને ઝીણું સમારેલું, ૧ નંગ ઍવાકાડો ઝીણું સમારેલું. તલનું તેલ ૨ નાની ચમચી, ૧ નાની ચમચી ચાટ મસાલો, ૧ નાની ચમચી મરી પાઉડર, ૧ નાની ચમચી લીબુંનો રસ, સ્વાદાનુસાર મીઠું, સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત: સૌ પ્રથમ કાબુલી ચણાને ૫-૭ કલાક પલાળીને બાફી લેવા. બફાઈ જાય ત્યારબાદ તેનું પાણી કાઢી લેવું. થોડા સૂકા થાય એટલે તેમાં ઝીણું કાપેલું ટામેટું બીજ કાઢીને લેવું. ઍવાકાડોને પણ ઝીણું સમારીને ભેળવવું. હવે એક વાટકીમાં ડ્રેસિંગ બનાવી લેવું. સૌ પ્રથમ તેમાં ચાટ મસાલો, મરી પાઉડર, લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું ભેળવવું. બરાબર ભેળવી લીધા બાદ તેમાં ૨ નાની ચમચી તલનું તેલ ભેળવી દેવું. હલકું ગરમ કરવું હોય તો પણ કરી શકાય અથવા કાચું પણ સ્વાદિષ્ટ લાગે છે. બરાબર ભેળવીને કોથમીર ભેળવીને બરાબર હલાવી લેવું. ચણા-ટમેટા-ઍવાકાડોના મિશ્રણમાં ભેળવીને કોથમીરથી સજાવીને પીરસવું.
ફક્ત તલ જ નહીં, સર્વ તેલમાં રાણી તરીકે ઓળખાતા તલના તેલનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવાથી તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે.

———-
અનિદ્રાની સમસ્યામાં રાહતદાયક
અનિદ્રાની સમસ્યા આજકાલ અનેક લોકોને સતાવી રહી છે. તલના તેલના ઉપયોગ દ્વારા તેનાથી રાહત મેળવી શકાય છે. આયુર્વેદમાં પણ વર્ષોથી તલના તેલનો ઉપયોગ શિરોધારા ચિકિત્સાના રૂપમાં કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે શિરોધારા દ્વારા મસ્તિષ્કમાં રક્તનો પ્રવાહ સારી રીતે થવામાં મદદ મળે છે. જેને કારણે ગાઢ નિંદર આવે છે.
—————
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી :
હૃદયની તંદુરસ્તી જાળવવા માટે તેલ અગત્યની ભૂમિકા ભજવે છે. તલના તેલના ઉપયોગથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. તલના તેલમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનો પ્રભાવ જોવા મળે છે. જે હૃદયને સુરક્ષિત રાખવામાં ઉપયોગી ગણાય છે. વળી તલના તેલમાં લિગ્નૈંસ જે ફાઈબરનો એક પ્રકાર ગણાય છે તેની માત્રા પણ સમાયેલી જોવા મળે છે. જે કૉલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular