પોષક ગુણોના ભંડારથી સમૃદ્ધ દૂધનો માવો

પુરુષ

આરોગ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. ભક્તો શિવ-પાર્વતીના પ્રિય પુત્ર ગણેશજીના આગમન માટે સજ્જ અને ઉત્સુક છે. ગણેશજીને મનપસંદ તેવા વિવિધ પ્રકારના લાડુનો ભોગ ખાસ ધરાવવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઘઉંના જાડા લોટમાંથી બનતા ગોળના લાડુ ધરાવવાનો રિવાજ ગુજરાત-સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ઉકડીના કે માવાના મોદક ધરાવવાની પ્રથા જોવા મળે છે. ભારતીય મીઠાઈમાં દૂધ આગવું સ્થાન ધરાવે છે. દૂધમાંથી બનતી વિવિધ મીઠાઈઓ વાર-તહેવારે આપણા ઘરમાં બનતી જ હોય છે, જેમ કે ખીર-દૂધપાક-બાસુંદી-રબડી વગેરે. દૂધને ઉકાળીને તૈયાર કરવામાં આવતા માવામાં સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો સમાયેલા જોવા મળે છે. મોટી કડાઈમાં દૂધને ઘટ્ટ કરવા ધીમા તાપે ખૂબ ઉકાળવામાં આવે છે. લોખંડની કડાઈમાં કે નૉન-સ્ટિક કડાઈ જે ઊંડી હોય તેમાં દૂધને ઉકાળવાથી માવો વધુ દાણાદાર તૈયાર થાય છે. ૧૦૦ ગ્રામ માવામાં પોટેશિયમની માત્રા ૧૦૧૯ મિલિગ્રામ એટલે કે ૧૨ ટકા જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ્સની માત્રા ૩૦ મિલિગ્રામ, સોડિયમની માત્રા ૨૮૬ મિલિગ્રામ, ફેટની માત્રા ૧૬ ગ્રામ, પ્રોટીનની માત્રા ૨૦ ગ્રામ, વિટામિન એની માત્રા ૧૭ ટકા, વિટામિન સીની માત્રા ૧૦ ટકા, કૅલ્શિયમની માત્રા ૭૧ ટકા, આયર્નનું પ્રમાણ ૨ ટકા જેટલું સમાયેલું જોવા મળે છે. માવાનો ઉપયોગ ભારતીય મીઠાઈમાં તથા અન્ય વાનગીમાં પણ છૂટથી કરવામાં આવતો હોય છે. માવામાંથી ગુલાબજાંબુ કે કલાકંદ બનાવવામાં આવે છે, તો માવામાંથી પેંડા-બરફી જેવી મીઠાઈ પણ બનાવવામાં આવતી હોય છે. દૂધનો માવો હવે તો બજારમાં તૈયાર પણ મળી રહે છે. બજારમાં મળતા માવા કરતાં ઘરે બનાવેલો દૂધનો માવો વધુ સ્વાસ્થ્યવર્ધક કહેવાય છે. બજારમાં મળતા માવામાં ક્યારેક ભેળસેળ પણ જોવા મળે છે. સંજોગોવશાત જો માવો ઘરે બનાવવાનો સમય ન રહે તો બજારમાંથી માવો ખરીદી શકાય છે. માવો ખરીદતી વખતે ચપટી માવો હાથમાં લઈને તેની ગોળી બનાવવી. જો ગોળી બને તો માવો શુદ્ધ માનવો. ભેળસેળવાળો માવો હશે તો તેની ગોળી વળશે નહીં. તે છૂટો પડવા લાગશે. માવાને થોડો રગડવાથી તેમાંથી ઘી છૂટું પડવા લાગે તો તે શુદ્ધ માવો કહેવાય છે. વળી ખાતી વખતે શુદ્ધ માવો હશે તો દાંતમાં ચોંટી જશે નહીં. મોંમાં મૂકતાંની સાથે જ તે ઓગળી જશે. શુદ્ધ માવાને ખાતી વખતે તેમાંથી કાચા દૂધનો સ્વાદ આવશે.
માવામાં ત્રણ પ્રકારની વરાઈટી બજારમાં ઉપલબ્ધ હોય છે. પ્રથમ પ્રકારનો માવો જે ચીકણા માવા તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ગુલાબજાંબુ બનાવવામાં થાય છે. આ માવો મુલાયમ હોય છે. ચીકણા માવાને સ્પર્શ કરો તો ભીનાશ પડતો લાગે છે. બજારમાં મળતા ગાજરના હલવામાં તેનો ઉપયોગ થતો હોય છે. દાણાદાર માવો નામ પ્રમાણે ગુણ ધરાવતો દાણાદાર હોય છે. માવાને સ્પર્શ કરવાથી તેના ઝીણા ઝીણા દાણા હાથમાં આવે છે. આ માવાનો ઉપયોગ
મુખ્યત્વે પેંડા-બરફી બનાવવામાં કરવામાં આવે છે. બાટ્ટી માવો થોડો સૂકો જોવા મળે છે. વળી ઉપરના બંને પ્રકારના માવાની સરખામણીમાં બાટ્ટી માવો થોડો કડક હોય છે. આ માવાનો ઉપયોગ છીણીને કે હાથેથી છૂટો પાડીને જ કરવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ અન્ય મીઠાઈ બનાવવામાં કરવામાં આવતો હોય છે. માવા કેસર રોલ કે માવા અંજીર બરફી જેવી મીઠાઈમાં કરવામાં આવતો હોય છે. કોફ્તા બનાવવામાં પણ આ માવાનો ઉપયોગ કરવામાં આવે છે.
———————
માવાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા
હાડકાં મજબૂત બનાવવામાં ગુણકારી
માવો દૂધમાંથી જ બનતો હોય છે તેથી દૂધના પોષક ગુણો માવાના ઉપયોગથી મેળવી શકાય છે. દૂધના માવામાં કૅલ્શિયમ, વિટામિન-ડી, વિટામિન-કેની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. વિટામિન-ડીને કારણે કૅલ્શિયમને શરીરની પ્રત્યેક કોશિકામાં પહોંચવામાં મદદ મળે છે, જેને કારણે હાડકાં મજબૂત બને છે. વળી માવામાં ફોસ્ફરસનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે. માવાનો ઉપયોગ આહારમાં કરવાથી હાડકાંની સાથે દાંત પણ મજબૂત બને છે. હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવા માટે જેમને દૂધ ન ભાવતું હોય તેમને માટે દૂધનો માવો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, જે વયસ્ક વ્યક્તિને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીથી બચાવવામાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી
અનેક સંશોધન બાદ એવા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે કે લૉ-ફેટ દૂધની બનાવટનો ઉપયોગ આહારમાં કરવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી બચી શકાય છે. દૂધમાં કૅલ્શિયમ તથા પોટેશિયમ જેવાં મિનરલ્સ સમાયેલાં જોવા મળે છે, જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં તથા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે.
ત્વચાને મુલાયમ બનાવવામાં મદદરૂપ
મોસમમાં બદલાવને કારણે તેની અસર ત્વચા પર પણ ઝડપથી થતી હોય છે. માવામાં કુદરતી જ મોઈશ્ર્ચરાઈઝરની માત્રા સમાયેલી હોય છે. ત્વચાની મૃત કોશિકાને દૂક કરીને નવી કોશિકાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ત્વચા સૂકી હોય તેમણે એક ચમચી માવામાં થોડી આખી સાકર ભેળવીને ત્વચા પર રગડવાથી ફાયદો થાય છે. ત્વચા મુલાયમ બનશે. માવાનો ઉપયોગ કરીને બનાવેલી મીઠાઈ કે અન્ય પકવાન પ્રમાણભાન રાખીને ખાવાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી
માવામાં વિટામિન બીની માત્રા સમાયેલી હોય છે. તે રિબોફ્લેવિનના નામે ઓળખાય છે. રિબોફ્લેવિનની માત્રા શરીરમાં યોગ્ય પ્રમાણમાં હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
—————–
ઈન્સ્ટન્ટ માવો
સામગ્રી: ૨ ટે. સ્પૂન ઘી, ૧ કપ દૂધ, ૨ કપ દૂધનો પાઉડર
બનાવવાની રીત : સૌપ્રથમ એક નૉન-સ્ટિક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં ૧ કપ દૂધ ભેળવી દેવું. દૂધ ધીમા તાપે ઊકળવા લાગે એટલે ધીમે ધીમે તેમાં દૂધનો પાઉડર ભેળવતાં જવું. સતત હલાવતા રહેવું. ફક્ત ૫-૧૦ મિનિટમાં મિશ્રણ ઘટ્ટ બનવા લાગશે. મિશ્રણને સતત હલાવતા રહેવું ખૂબ આવશ્યક છે. અન્યથા મિશ્રણ ચોંટી જશે તો સ્વાદ બગડી જશે. દાણાદાર માવો તૈયાર થઈ જશે, જેનો ઉપયોગ વિવિધ મીઠાઈ બનાવવામાં તમે સરળતાથી કરી શકો છો.
માવાના પેંડા
સામગ્રી: ૨૦૦ ગ્રામ માવો, ૭૫ ગ્રામ દળેલી ખાંડ, ચપટી એલચી પાઉડર, ૧ ચમચી દૂધમાં પલાળેલું કેસર, સજાવટ માટે કાજુના ટુકડા
બનાવવાની રીત: સૌપ્રથમ ૨૦૦ ગ્રામ માવાને નૉન-સ્ટિક કડાઈમાં ધીમા તાપે ગરમ કરવા મૂકવો. માવો કડક લાગે તો ૧ ચમચી દૂધ ઉમેરવું. માવો ગરમ થાય તથા ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરીને થાળીમાં કાઢી લેવો. માવો બરાબર ઠંડો થાય એટલે તેમાં દળેલી ખાંડ (બુરુ સાકર) ભેળવવી. એલચીનો પાઉડર તથા ૧ ચમચી દૂધમાં પલાળેલાં ૫-૭ તાંતણાં કેસરના ભેળવીને બરાબર હલાવી લેવું. મિશ્રણને અડધો કલાક માટે ફ્રિજમાં મૂકવું. બહાર કાઢીને તેના નાના ગોળા વાળીને કાજુના નાના ટુકડાથી સજાવીને ભોગ લગાવવો. ઘરે બનાવેલા શુદ્ધ પેંડા અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.