પ્રોટીનનો ભરપૂર ખજાનો છે મગની દાળમાં

પુરુષ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

મગની દાળના આરોગ્યવર્ધક ફાયદા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ સપ્ટેમ્બર માસને ‘પોષણ માસ’ તરીકે જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે ભારત દેશને કુપોષણના કલંકથી દૂર કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાનાથી શક્ય હોય તેવો ભાગ ભજવવો જરૂરી છે. ભારતીયો પોષણયુક્ત આહાર ગ્રહણ કરીને દેશની પ્રગતિમાં વધુ સશક્ત બનીને જોડાય તેવી તેમની ઈચ્છા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ પ્રમાણે દેશમાં લગભગ ૩૫ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. સંયુક્ત રાષ્ટ્રની સાથે જોડાયેલી સંસ્થા યુએનઆઈજીએમઈના રિપોર્ટ મુજબ ભારતમાં પ્રત્યેક ૨ મિનિટમાં ૩ નવજાત શિશુનું મૃત્યુ થાય છે. તેની પાછળનું મુખ્ય કારણ છે પાણી, સ્વચ્છતા તથા પોષણયુક્ત આહારનો અભાવ. વડા પ્રધાનની પહેલમાં આપણે જોડાઈએ. તેમણે મોટા અનાજનો આહારમાં ઉપયોગ કરવા પર સવિષેશ ભાર મૂક્યો છે.
આપણે ત્યાં રોજબરોજના આહારમાં વિવિધ દાળનો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે, જેમ કે તુવેરની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ, અડદની દાળ, લીલી મગની દાળ કે ફોતરાવાળી મગની દાળ તથા પીળી મગની દાળ-મગની મોગર દાળ કે મગની છોતરા વગરની દાળ.
આજે આપણે પ્રોટીનથી ભરપૂર મગની દાળના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણીએ. પીળી મગની દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે પચવામાં હલકી છે. વળી તેને પોષક ગુણોનો ભંડાર ગણવામાં આવે છે. પીળી મગની દાળમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન બી-૬, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિયાસિન, થાઇમિન તથા પ્રોટીન જેવા ગુણો સમાયેલા છે તેથી જ પીળી મગની દાળને આરોગ્યવર્ધક કહેવાય છે. માંદા માણસને પથારીમાંથી બેઠો કરવાની તાકાત આ દાળમાં સમાયેલી છે. મગની દાળમાંથી વિવિધ વાનગી પણ બનાવી શકાય છે, જેમ કે મગની દાળનો શીરો, મગની દાળના ચીલા, મગની છુટ્ટી દાળ, મગની દાળની ખીચડી, પાલક-મગની દાળ, સુવાની ભાજી ને મગની દાળનો સૂપ. મગની દાળની ઈડલી, ખીચું કે કચોરી.
મગની દાળનું ઉત્પાદન મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, બિહારમાં સૌથી વધુ થાય છે. મગની દાળની ખાસ વાત એ છે કે તે ચોક્કસ આકાર બનાવી શકતી નથી. એટલે કે તેનાં પરાઠાં કે ભજિયાં બનાવવાં હોય તો તેમાં અન્ય લોટ મિક્સ કરવો પડે છે. પચવામાં હલકી હોવાને કારણે તેની ખીચડી કે સૂપ કે ઘટ્ટ દાળ અત્યંત સ્વાદિષ્ટ બને છે. ગુજરાતી ઘરોમાં તો કઢી સાથે મગની છુટ્ટી દાળ ખાસ બનાવવામાં આવે છે.
——————-
મગની દાળના આરોગ્યવર્ધક ફાયદા
ડાયાબિટીસના દર્દી માટે લાભદાયક
મગની દાળ ડાયાબિટીસના દર્દી માટે અત્યંત લાભદાયક ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે મગની દાળનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. વળી તેમાં ફાઈબર, પોટેશિયમ જેવાં સત્ત્વ સમાયેલાં છે જે બ્લડશુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
——————–
પાચનક્રિયા મજબૂત બનાવવામાં ફાયદાકારક
આજકાલ બેઠાડુ જીવન, રાત્રિના મોડે સુધી ઉજાગરા તથા સ્વાદ ખાતર ખોરાક ફટાફટ ખાઈ લેવાની આદતને કારણે નાની વયમાં કબજિયાતની તકલીફ જોવા મળે છે. તો બીજી તરફ અનેક યુવાનો વાંરવાર દસ્તની તકલીફથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં મગની દાળ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. મગની દાળના સેવનથી શરીરમાં બ્યુટાયરેટ નામક ફેટી એસિડનું ઉત્પાદન થાય છે. તે આંતરડાંનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. આ દાળમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ સમાયેલા છે જે પેટમાં ગેસ બનતો રોકવામાં મદદ કરે છે. મગની દાળ પચવામાં અત્યંત હલકી ગણાય છે. તેમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કબજિયાત કે દસ્ત જેવી તકલીફ સતાવતી હોય તેવા દર્દીની પાચનક્રિયાને મજબૂત બનાવીને પોષણ પૂરું પાડે છે.
——————
કોલેસ્ટરોલને ઘટાડવામાં ઉપયોગી
વારંવાર તીખું-તળેલું ચરબીયુક્ત ભોજન કરવાથી લોહીમાં કોલેસ્ટરોલની માત્રા વધવા લાગે છે. પીળી મગની દાળનો આહારમાં વધુ ને વધુ ઉપયોગ કરવાથી શરીરમાં ફાઈબરની માત્રા વધે છે. તેને કારણે ખરાબ કોલેસ્ટરોલની માત્રા ઘટાડવામાં મદદ મળે છે.
—————–
બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે
બ્લડપ્રેશરના દર્દીઓ માટે મગની દાળ કુદરતી વરદાન સમાન મનાય છે. તેનું મુખ્ય કારણ છે મગની દાળમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. મગની દાળનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે, તેથી જે વ્યક્તિનું બ્લડપ્રેશર વધી જતું હોય તેમણે મગની દાળનો ઉપયોગ સપ્તાહમાં ૩-૪ વખત કરવો હિતાવહ ગણાય છે.
————-
લોહીની ઊણપ દૂર કરવામાં મદદરૂપ
શરીરમાં લોહીની ઊણપ સર્જાવાને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો બની જતો હોય છે. તેને વારંવાર થાક લાગવો કે શરીર ફિક્કું બની જવું તેવી તકલીફ જોવા મળે છે. શરીરમાં ઊર્જાનો અભાવ જોવા મળે છે. સર્ગભાવસ્થામાં શરીરમાં હિમોગ્લોબિનની માત્રા અપૂરતી હોવાને કારણે તેની અસર ગર્ભસ્થ શિશુ પર પણ પડે છે. તેને અકારણ કુપોષણનો શિકાર બનવું પડે છે. પીળી મગની દાળમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનો સ્તર વધે છે.
————–
વજન નિયંત્રણમાં રાખે
કોલેસિસ્ટોકિનિન નામના હોર્મોનની કાર્યપ્રણાલીને વધારવામાં પીળી મગની દાળ ઉપયોગી સાબિત થઈ છે. આ દાળના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. મેટાબોલિઝમ રેટમાં પણ સુધારો
થાય છે.
—————
મગની દાળનો સૂપ સુવાની ભાજી સાથે
સામગ્રી: ૧ વાટકી મગની દાળ, ૧૦-૧૫ સુવાની ભાજીની ડાળી ઝીણી સમારેલી, ૧ ચમચી લીંબુનો રસ, હિંગ-હળદર-મીઠું સ્વાદ પ્રમાણે, ૧ નાની ચમચી શુદ્ધ ઘી કે માખણ.
બનાવવાની રીત: સૌપ્રથમ મગની દાળને બરાબર પાણીથી ધોઈને અડધો કલાક પલાળી રાખવી. મગની દાળને ખુલ્લા વાસણમાં ધીમા તાપે ઉકાળવા મૂકવી. દાળમાં હળદર, હિંગ તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું. દાળ બરાબર ચઢી જાય એટલે તેમાં ઝીણી સમારેલી સુવાની ભાજી ભેળવીને ૨-૩ મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી દેવો. સૂપમાં લીંબુનો રસ ભેળવીને ઉપરથી સ્વાદ પ્રમાણે ઘી અથવા માખણ ભેળવીને ગરમાગરમ સૂપની લહેજત માણવી. આ સૂપ અત્યંત સ્વાદિષ્ટ બને છે. પચવામાં હલકો હોય છે તથા વજન નિયંત્રણમાં રાખવામાં અત્યંત ઉપયોગી બને છે.
—————
ગર્ભાવસ્થામાં ગુણકારી
ગર્ભાવસ્થામાં ગર્ભવતી મહિલાને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ફોલેટ યુક્ત ખાદ્ય પદાર્થનો સમાવેશ આહારમાં કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. વળી ગર્ભના વિકાસ માટે પણ ફોલેટ અત્યંત આવશ્યક ગણાય છે. ૧૦૦ ગ્રામ મગની દાળમાં ૬૨૫ માઈક્રોગ્રામ ફોલેટની માત્રા સમાયેલી જોવા મળે છે. ગર્ભસ્થ શિશુના
સ્વાસ્થ્ય માટે મગની દાળ અત્યંત પોષક માનવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.