સ્વરૂપાનંદજી વિવાદોના કારણે સતત ચર્ચામાં રહ્યા

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ઉત્તરાખંડના બદ્રીનાથના જ્યોર્તિમઠ અને ગુજરાતના દ્વારકામાં આવેલી શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું રવિવારે નિધન થયું. સ્વામી સ્વરૂપાનંદજી ૯૯ વર્ષના હતા અને શતક પૂરું કરવાના આળે હતા ત્યારે જ મધ્ય પ્રદેશના નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં જીવનલીલા સંકેલી લીધી. સ્વરૂપાનંદજીએ રવિવારે બપોરે સાડા ૩ વાગ્યાની આસપાસ અંતિમ શ્ર્વાસ લીધા એ સાથે જ ભારતના તખ્તેથી એક નોંધપાત્ર વ્યક્તિત્વનું વિદાય થયું. ૯ વર્ષની ઉંમરે ઘર છોડનાર સ્વરૂપાનંદ સરસ્વતીજી ૧૯૮૧માં દ્વારકાની શારદાપીઠમના શંકરાચાર્ય બન્યા હતા.
ભારતમાં એક સમયે શંકરાચાર્યનું મહત્ત્વ હતું પણ ધીરેધીરે એ મહત્ત્વ ઘટતું ગયું કેમ કે હિંદુ ધર્મમાં એટલા બધા ફાંટા પડી ગયા કે ધર્મ જ એક ના રહ્યો. નવા નવા સંપ્રદાય બનતા ગયા ને તેના ગુરૂઓના પ્રભાવ હેઠળ શંકરાચાર્ય દબાઈ ગયા, તેમનો કોઈ ખાસ વર્ગ કે અનુયાયીઓ જ ના રહ્યા.
એક રીતે કહીએ તો મોટાભાગના શંકરાચાર્ય શોભાના ગાંઠિયા જેવા બનીને રહી ગયા. તેમની વાત સાંભળવાનું તો છોડો પણ મોટાભાગનાં લોકોને કઈ પીઠના શંકરાચાર્ય કોણ છે એ જ ખબર ના હોય એવી હાલત થઈ ગઈ. મોટાભાગના શંકરાચાર્ય પણ વાસ્તવિકતા સ્વીકારીને પોતાની જાતને સંકોરીને બેસી ગયા તેથી જાહેરજીવનમાં પણ તેમનું કોઈ મહત્ત્વ ના રહ્યું.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી પણ આવા જ શંકરાચાર્ય હતા. સ્વામીજીએ હિંદુ ધર્મમાં શંકરાચાર્યના હોદ્દાનું મહત્ત્વ ફરી પ્રસ્થાપિત કરવા બહુ પ્રયત્ન કર્યા. તેના કારણે શંકરાચાર્યને માન તો ના મળ્યું પણ વિવાદો બહુ થયા. એક ધર્મગૂરુ તરીકે તેમણે ઘણા બધા મુદ્દે સ્પષ્ટ અભિપ્રાય આપ્યા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ સત્તાધીશોને કડવી લાગે એવી વાતો પણ કરી, હિંદુઓને સત્યનો આયનો બતાવવાની કોશિશ પણ કરી અને ધર્મના નામે ચાલતાં ઘણાં ધતિંગો સામે પણ અવાજ ઉઠાવ્યો.
આ વિચારોના કારણે વિવાદો થવા છતાં તેનાથી ડગ્યા વિના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી આખી જીંદગી પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા ને વિવાદો સર્જતા રહ્યા.
સ્વરૂપાનંદજી ગંગા સહિતની હિંદુઓ માટે પવિત્ર મનાતી નદીઓના શુદ્ધિકરણ અંગે સતર્ક હતા. બલ્કે તેમના આગ્રહથી જ સૌથી પહેલાં ૧૯૮૦ના દાયકામાં ગંગા નદીના શુદ્ધિકરણનું અભિયાન હાથ ધરેલું. અટલ બિહારી વાજપેયીએ પણ પ્રયત્નો કરેલા પણ એ પ્રયત્નો સફળ નહોતા થયા.
૨૦૦૪માં કૉંગ્રેસની સરકાર આવી પછી એ પ્રયત્નો ઢીલા પડેલા ત્યારે ૨૦૦૮માં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી ગંગા સેવા અભિયાનને આગળ ધપાવવા વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા હતા. તેમના આગ્રહના કારણે કૉંગ્રેસ સરકારે આ અભિયાન ફરી શરૂ કર્યું હતું.
અલાહાબાદના ૨૦૧૩ના મહાકુંભમાં ગંગા અને યમુનાની પવિત્રતા યથાવત્ જાળવવા માટે ધાર્મિક નેતાઓએ ઉત્તરાખંડના રાજ્યપાલ અઝીઝ કુરૈશીને સન્માનિત કર્યા હતા. સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આ પહેલ કરાવી હતી કે જેથી ગંગા નદીની પવિત્રતા જાળવવા અંગે લોકોમાં સભાનતા આવે.
સ્વામી સ્વરૂપાનંદજીએ વિવાદો પણ બહુ સર્જ્યા ને તેમાં એક વિવાદ કેદારનાથના પૂર વખતે સર્જાયેલો. સ્વામી સ્વરૂપાનંદજીએ ૨૦૧૩માં આવેલા કેદારનાથના પૂર માટે તીર્થયાત્રીઓને દોષિત ગણાવ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ કહેલું કે, લોકોએ ધર્મસ્થળોને પિકનિક અને હનીમૂન સ્પોટ બનાવી દીધાં છે. આ કારણે કેદારનાથ પર આવો પ્રકોપ ઉતર્યો છે.
આ વાતના કારણે બહુ બખેડો નહોતો થયો તેથી સ્વામીજીને સંતોષ નહીં થયો હોય એટલે એપ્રિલ ૨૦૧૬માં વૈશાખી અને અર્ધકુંભ મેળા સ્નાનના પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરી આ મુદ્દો ઉખેળ્યો. એ વખતે તેમણે કેદારનાથ અને ઉત્તરાખંડમાં આવેલા પૂરની વાત કરતા કહેલું કે ગંગામાં બનાવવામાં આવતા ડેમ, અલકનંદા નદીમાં બંધ બનાવીને ધારી દેવી મંદિરને ડૂબાડી દેવાયું અને યાત્રિકો પવિત્ર સ્થળોની હૉટલમાં ભોગવિલાસ કરે છે તેના કારણે ભગવાનનો પ્રકોપ ઉતરે છે. આ નિવેદને ભારે વિવાદ પેદા કર્યો હતો પણ સ્વામીજી પોતાની વાત પર અડગ રહ્યા હતા.
જો કે સ્વામીજીએ સૌથી મોટો વિવાદ સાંઈબાબા અંગે કરેલાં નિવેદનોના કારણે થયો હતો. આસ્થાએ લોકોની અંગત બાબત છે અને જેને જેમાં શ્રદ્ધા રાખવી હોય તેમાં રાખે. લોકોને સાંઈબાબામાં શ્રદ્ધા હોય તો લોકો તેમાં શ્રદ્ધા રાખે તેમાં કશું ખોટું નથી પણ સ્વામીજીને તેની સામે ભારે વાંધો હતો. ૨૩ જૂન ૨૦૧૪નાં રોજ આયોજિત ધર્મ સંસદમાં સ્વરૂપાનંદજીએ સાંઈબાબાની પૂજાને હિન્દુ વિરોધી ગણાવીને કહ્યું હતું કે, સાંઈબાબાના ભક્તોને ભગવાન રામની પૂજા, ગંગામાં સ્નાન અને હર-હર મહાદેવના જપ કરવાનો અધિકાર નથી. આ ધર્મ સંસદમાં સ્વામીજીની પહેલથી સર્વસંમતિથી સાંઈબાબાનો પૂજાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ હતી. સ્વામીજીનું વલણ આત્યંતિક હતું કેમ કે સાંઈબાબાને હિંદુ વિરોધી ગણવા પાછળ કોઈ આધાર નથી. સાંઈબાબાના ભક્તો બધા ધર્મનાં લોકો હોય છે એ સાચું પણ એ કારણે જ તેમને હિંદુ વિરોધી ના ગણી શકાય.
સ્વામીજીની પિન એ પછી સાંઈબાબા પર ચોંટી ગઈ હતી. ૨૦૧૬માં સ્વામીજીએ કહેલું કે, મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ સાંઈબાબની પૂજા છે. જ્યાં પણ ખોટા લોકોની પૂજા થાય છે ત્યાં દુષ્કાળ અને મોત જેવી સ્થિતિ ઊભી થાય છે. ધર્મગુરુ તરીકે સ્વામીજીનું આ નિવેદન યોગ્ય નહોતું ને તેનો વિરોધ પણ થયેલો પણ સ્વામીજી ગમે તે કારણોસર સાંઈબાબાને અમંગલકારી જ ગણાવ્યા કરતા હતા.
સ્વામીજીએ આવું જ વલણ મહારાષ્ટ્રના શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને પ્રવેશની મંજૂરી મળવા મુદ્દે લીધેલું. તેમણે કહેલું કે મહિલાઓએ શનિના દર્શન ન કરવા જોઈએ કેમ કે શનિની પૂજાથી તેમનું અનિષ્ટ થઈ શકે છે. તેમના પર બળાત્કાર જેવી અપ્રિય ઘટનાઓ વધશે. એક ધર્મગુરુએ આવી વાત ના કરવી જોઈએ એવું સૌ માનતા પણ સ્વામીજીને કોઈની પરવા નહોતી.
સ્વામીજી રાજકીયરીતે કૉંગ્રેસના તરફદાર હતા ને ભાજપના વિરોધી હતા. આ કારણે કેન્દ્ર સરકાર પર અયોધ્યામાં રામ મંદિરના નામ પર જનતાને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવ્યો હતો ને નરેન્દ્ર મોદી અંગે સવાલ પૂછનાર યુવકને તમાચો પણ ઠોકી દીધો હતો. એક ધર્મગુરુને શોભે એવું આ વર્તન નહોતું જ.
ખેર, હવે સ્વામીજી રહ્યા નથી ત્યારે તેમની સાથેના વિવાદો પણ જતા રહ્યા છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.