Homeલાડકીશંકાશીલ પતિ રોજ મારો મોબાઈલ ફોન તપાસે છે, શું કરું?

શંકાશીલ પતિ રોજ મારો મોબાઈલ ફોન તપાસે છે, શું કરું?

કેતકી જાની

સવાલ: મુંબઈમાં જ મોટી થઈ છું અને મુંબઈમાં જ લગ્ન થયા છે. લગ્નને ચાર વર્ષ થયા હોવાં છતાં મારા પતિને મારી ઉપર શંકા છે કે હું બીજા કોઈ સાથે સંબંધ રાખું છું. લગભગ રોજ તે મારો મોબાઈલ ચેક કરે છે. પિયરમાં ઘણાં સમય પહેલા આ વાત જણાવી તો ત્યાં બધા કહે છે, તમારો પર્સનલ મામલો છે, અરસપરસ પતાવો. મને સતત ટેન્શન જેવું મગજ પર રહે છે કે આ માણસ મારી સાથે કેમ આવું કરે છે? હું શું કરું?
જવાબ: પતિ-પત્નીનો સંબંધ એક અદૃશ્ય એવા તત્ત્વ ‘ગાઢ વિશ્ર્વાસ’ના પાયા પર ટકે છે. અત્યંત અંતરંગ એવો આ સંંબંધ કોઈ એક સાથીના મનમાં શંકા/અવિશ્ર્વાસનો કીડો સળવળે ત્યારે બંનેના જીવનની શાંતિ તે ભરખી જાય છે. એકમેકને અનંત પ્યાર કરતા હોવા છતાં પણ કદી પતિપત્નીએ એકબીજાની પર્સનલ જિંદગીમાં દખલ ના કરવી જોઈએ: આપણા ત્યાં પતિપત્ની લગ્ન બાદ પોતાની પણ પર્સનલ સ્પેસ/પર્સનલ લાઈફ હોય તેવું માનતા સુદ્ધાં ના હોય તેવા અનેક લોકો તમને આસપાસમાં જોવા મળી રહેશે. લગ્ન થાય એટલે જાણે કે બંનેના એકબીજા પર વણકીધો અધિકાર સ્થાપિત થયો તેમ માનવામાં આવે છે અને આમાં પણ પિતૃસત્તાક સમાજરચનાને કારણે પત્નીએ જ બહુધા સમાધાનો કરવાં પડે છે. જેમ કે તમારાં કેસમાં જણાય છે કે તમારી નિજી જિંદગી ઉપર તમારો પતિ તરાપ મારી રહ્યો છે અને આ વાત પિયરમાં જણાવવા છતાં તેઓ તમને મદદ કરવાને બદલે અળગા ઊભા રહી ગયાં છે. તેમને ખબર હોવી જોઈએ કે લગ્ન થઈ જાય પછી દીકરી તો દીકરી જ રહે છે. આ સંબંધ તો કદી પૂરો નથી થતો પણ ખૈર, તમારે મજબૂત થઈ આ મુશ્કેલીનો હલ શોધવાનો છે. તે માટે ટેન્શનમાં રહી મગજમાં નેગેટિવિટી લાવવાને બદલે કમર કસો કે તમે આ તમારી જિંદગીનો પડાવ સફળતાથી પાર કરવા શું કરી શકો? વિચારો અલગ રસ્તા જે તમારી તકલીફનાં મૂળ સુધી તમને લઈ જાય અને તમારા પતિના આ કહેવાતા સો કૉલ્ડ પ્રેમની પાછળ રહેલ કારણ મળી જાય જે તમારી આવનાર જિંદગીને સરળ બનાવે પહેલા વિચારો કે કોઈ પુરુષ શા માટે પત્નીનો મોબાઈલ ચેક કરે છે? જો કે બહુચિર્ચિત એક યુનિવર્સલ સર્વેમાં ચોકાવનારું તારણ બહાર પડ્યું હતું કે, ૩૪ (ચોત્રીસ) ટકા સ્ત્રીઓ/પત્નીઓ અને ૬૨ (બાંસઠ) ટકા પુરુષો/પતિઓ પોતાના જીવનસાથીના ફોન છુપાઈને ચેક કરે છે. આનાં કારણરૂપે વિચાર કરીએ તો ઘણાં પરિબળો નજર સામે આવે છે. તમે તમારાં સંદર્ભે આ વિશે વિચારો-કહેવાય છે કે પ્રેમ હોય તેનાં માટે ખુદથીય વધુ ભરોસો હોય છે. તમારાં પ્રત્યે તેને પ્રેમ તો છે ને? તમારો પતિ રોજેરોજ ફોન ચેક કરે મતલબ તેને તમારાં પ્રત્યે પ્રેમ/વિશ્ર્વાસ નથી-શંકા હોય ત્યારે પણ આવું થાય જે તમે પોતે જ પ્રશ્ર્નમાં ક્લિયર લખ્યું છે કે શંકા છે. આ માટે તમારે સચેત થવાની જરૂર ખરી. તે શા માટે શંકા કરે છે? તેનું મૂળ તમે જ જાણી શકો. મૂળ સુધી પહોંચી તેને કાપવાનું કામ કરવું પડશે. જો તમે ખરેખર કોઈ સાથે સંબંધ નથી રાખતા તો બિન્ધાસ્ત બેધડક તેના સામે બેસી આંખોમાં આંખ પરોવી પૂછો કે તેની ઈચ્છા શું છે? ક્યારેક આવા પતિઓ આગળ ભૂતપૂર્વ પ્રેમિકાઓથી દગો ખાધેલા હોય છે. તેમની આવી હિસ્ટ્રી ખરી ? તે અંગે વિચારો એવું હોય તો તમે જે-તે વ્યક્તિ નથી અલગ છો. વિચારો ક્યારેક દગાબાજ પતિ પોતાનું પાપ સંતાડવા પત્ની ઉપર સતત નજર રાખી તેની ભૂલો શોધે જેથી પોતાની ભૂલા માટે ઢાંકપિછોડો થઈ શકે. આવું કોઈ તત્ત્વ તો કામ નથી કરી રહ્યું ને? ક્યારેક એકાદ પાર્ટનર સંબંધથી છુટકારો પામવા સુદ્ધાં આવું કરી શકે છે. વારંવાર લડવા માટે કારણ ઊભું કરી સંબંધ બગાડવા તરફ ઢસડી જઈ અંતે તે છુટકારો પામવાની ઈચ્છા તો ધરાવતો નથી ને? આગળ કહ્યું તેમ મનમાં ઘૂંટાયા વગર સીધી વાત કરી વાતનો નિવેડો લાવો. તમને સતત ફફડતા રાખે તેવો પ્રેમ તમારે નથી જોઈતો કહી દો. તમારું આત્મસન્માન જાળવવા માટે તમારે જ તમારી જાતને મદદ કરવી પડશે. કારણ અને મારણ શોધી યોગ્ય લાગે તે કરો, અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular